કંટેન્ટ પર જાઓ

પ્રકરણ – ૨૨ ક્રાઈમ બ્રાંચની ઑફિસમાં

15/03/2009

પ્રકરણ ૨૨    ક્રાઈમ બ્રાંચની ઑફિસમાં

___________________________________________________

વહી ગયેલી વાર્તા   સુરત ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઇન્સપેક્ટર માથુર આસિ. ઇન્સપેક્ટર સોની સુરત શહેરનાં પોલીસ કમિશનર મહેતા સાહેબની સૂચના મુજબ ત્રિવેણી એપાર્ટમેન્ટ, મીરાંનગર, કતારગામ પહોંચે છે જ્યાં વિજય રાઘવન નામના એક શખ્સનું ખૂન થયું હોય છે. વિજય રાઘવન રસેશ ગોધાણી સાથે પાર્ટનરશીપમાં ઇન્કમટેક્સ – સેલ્સટેક્સ કન્સલ્ટન્ટ કામકાજ કરતો હોય છે. ત્રિવેણી ઍપાર્ટમૅન્ટની લિફ્ટ પાસે થયેલ ખૂન માટે ગુનેગાર શોધવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર માથુર કડીઓ, પુરાવા મેળવવા સ્થળ પર હાજર રહેલી વ્યક્તિઓની પૂછપરછ કરે છે. જે કામમાં ‘ત્રિવેણી’ ઍપાર્ટમૅન્ટનાં સેક્રેટરી મિ.શર્મા તેમને સહયોગ આપે છે…અને વિજયના ઘરમાંથી શંકાસ્પદ વસ્તુઓની ઇન્સપેક્ટર માથુર શોધ આદરે છે. ને ત્યાં તપાસ દરમિયાન તેમને એક સિગારેટનો ટુકડો – ફિલ્ટર પાર્ટ- અને તૂટેલી દીવાની ચીમનીનો કાચ મળે  છે. માથુર તેના પોતીકી સૂઝથી ગુનાની આગલી કડી સુધી પહોંચવા સતર્ક  થાય છે. આ દરમિયાન તેને ઇન્સપેક્ટર સોની એક સ્પેશિયલ ટિપ ની નોંધ મૂકી વિજયની ડાયરી આપે છે. માથુરએ ચોકીદાર પવાર, ગિરધારી ,મિ.શર્મા, વિરજી, પરસોત્તમ ભરવાડ, રસેશ ગોધાણીની  પૂછપરછ  આદરે છે. પછી તે આગળની તપાસ માટે રસેશ ગોધાણીને મળવા જાય છે. ત્યાં મુલાકાત દરમિયાન માથુર તેને કેટલાંક મૂંઝવણમાં મૂકી દેતા સવાલ-જવાબ કરે છે અને ગોધાણી અકળામણ અનુભવે છે અને દરમિયાન ત્રિવેણી એપાર્ટમેન્ટ પર સોની વૉચ ગોઠવી માથુરને જાણ કરે છે અને ત્યાં સોનીને જોવા મળે છે એક પડછાયો વિજય રાઘવનના ફ્લૅટ પાસે! અને સોની સાથેની વાતચીત બાદ અચાનક માથુર ફરી ‘ત્રિવેણી’ ઍપાર્ટમેંટ પર જાય  છે – વેશ-પલટો કરીને ! ત્યાં પોતાના માણસો હોવા છતાં – ત્યાં જઈ માથુરે શું કર્યું ? તે આપે અગાઉના પ્રકરણ – ૧૦ થી ૨૧ માં વાંચ્યું …

ને પછી  આગળ….

_________________________________________________________

રહસ્યકથા…”ઇન્ફોર્મર”ના અન્ય પ્રકરણ વાંચવા 

ઉપર આપેલી ટેબમાંથી જમણી બાજુની ” રહસ્યકથા… ઇન્ફોર્મર “ની ટેબ ઉપર ક્લિક કરો.

કે પછી  અહીં ક્લિક કરો –  / રહસ્યકથા – ઈન્ફોર્મર /

મારા માટે અત્યંત કિંમતી એવા, તમારા પ્રતિભાવો- કૉમેન્ટ્સમાં લખવા વિનંતી…બ્લૉગરૉલમાં આપેલ ગુજરાતી ટાઇપપૅડની મદદથી તમે ગુજરાતીમાં લખી શકશો.

આભાર.

કમલેશ પટેલ

_________________________________________________________

પ્રકરણ ૨૨ ક્રાઈમ બ્રાંચની ઑફિસમાં

સુરત પોલીસ કમિશનર ક્રાઈમ બ્રાંચની ઑફિસે પહોંચ્યા ત્યારે ખાસી હલચલ વધી ગઈ હતી. માથુરે આગોતરો સંદેશો મૂકી દીધો હતો. તેથી બધા સાવચેત થઈ ગયા હતાં. જો કે ઑર્ડર્લિ રતિલાલ સોસા વર્ષોથી આ જોતો આવ્યો હોય, તેને આવા કામની કે પરિસ્થિતિથી જરાય ચિંતિત થયો નહોતો. .

આવકવેરા ખાતાની ઑફિસેથી અત્યંત ઉત્સાહિત જણાતા માથુરે બહાર નીકળી સીધો રસેશ ગોધાણીને મોબાઇલ લગાડ્યો.

“રસેશભાઈ! માથુર બોલું છું. ક્યાં પહોંચ્યા?”

“હા માથુર સાહેબ હું ભેસ્તાન પહોંચી ગયો છું…બોલો સર?”

“તમે એક કામ કરજો. મે‍ તમને અગાઉ ‘રધુપતિભવન’ પર આવવાનું જણાવેલું, પણ કમિશનર સાહેબના આગ્રહને કારણે, તમે મારી ક્રાઇમબ્રાંચની ઓફિસે જ પહોંચો. તમારા સ્વજનોની ચિંતા ના કરશો. હું તેમને ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરાવી દઈશ. બરાબર?”

“સમજો સાહેબ હું ટ્રાફિક ક્લીયર હશે તો લગભગ દશ-પંદર મિનિટમાં પહોંચું છું. મારી પત્ની ડ્રાઇવીઁગ જાણે છે તે મારી ગાડી લઈને નીકળી જશે, તેની ચિંતા ન કરશો.”

“આભાર રસેશભાઈ!”

“મોરે! આજે તારે મને પનીર ચિલી ખવડાવવી પડશે, “દિલ્હી દરબાર”માંથી જ લઈ આવજે. પછી આજે સાંજે લગભગ ચાર વાગ્યા પછી તારી છુટ્ટી!”

“જી” કહી મોરે હસ્યો. આજે સાહેબની ફૅવરિટ ડિશ એટલે સાંજનું પોતાનું ખાવાનું પણ બહાર જ…તેને પણ સાહેબ સાથે તેની જીભે પણ આ ડિશ ચઢી ગઈ હતી.

માથુર પહોંચે તે પહેલાં બધાં એક પછી એક પહોંચી ગયા હતાં. સૌથી પહેલાં પહોંચ્યો તેજપાલ અને દિલાવરસિંગ સૈની. ત્યારબાદ સોની અને એની પૂરી ટીમ, પવાર-મહેન્દ્રપાલ સિંગ અને ગિરધારીને લઈને પહોંચી ગઈ હતી. સોનીએ સુરક્ષા બંદોબસ્તની જવાબદારી ખન્નાને સોંપી દીધી હતી. હથિયારબંધ સુરક્ષા જવાનો જ્યાં ને ત્યાં દેખાતા હતા.

એટલામાં કમિશનર મહેતા અને મિ.શર્મા આવી પહોંચ્યા.

માથુરનું અજય ચેવલી સાથે અને રસેશ ગોધાણીનું વલસાડ પોલીસની ટીમ સાથે લગભગ એક સાથે ત્યાં પહોંચવાનું થયું.

ઑર્ડર્લિ રતિલાલ સોસાને કહી માથુરે બધા માટે ચા-નાસ્તો અને પોતાના માટે મીઠી લસ્સી મંગાવી લીધી.

“રસેશભાઈ સૉરી માફ કરજો તમારો સાપુતારાનો કાર્યક્રમ મારે કેન્સલ કરાવવો પડ્યો…” માથુરે વાત માંડી.

“વાંધો નહીં, માથુર સાહેબ! મારા માટે, મારા મિત્રનો ખૂની પકડાયો, એનાથી સારા સમાચાર બીજા શું હોય?” કહી રસેશ ગોધાણી પણ ગિરધારી, દિલાવરસિંગ, પવાર, મહેન્દ્રપાલ સિંગ, તેજપાલ તરફ નજર નાંખી; એમાં ખૂનીને કોણ હશે? એમ ઓળખવાનો પ્રયત્ન કરવા માંડ્યો.

હાજર રહેલાં બધાં એકબીજાના આશ્ચર્યથી જોઈ રહ્યા હતા.

મિ.શર્મા અને પવારે જ્યારે યાદવને જોયો કે તરત જ તો એકી નજરમાં જ તેને ઓળખી ગયા; કે આ તો પેલો દેસાઈ ફળિયાને નાકે ઓટલા બેઠેલો જાડિયો! એ પોલીસવાળો હતો એમ ને!? એમ પણ યાદવનો કદાવર બાંધો સ્ટ્રીટ લાઇટને અજવાળે તેઓની નજરે ચઢ્યો હતો; એટલે ભાગ્યે જ ભૂલી શકાય એમ હતો. તો મહેન્દ્રપાલ સિંગ ધારી ધારીને હનીફને જોતો હતો..અને મનોમન વિચારતો હતો કે આ તો પેલો ભસતાં કૂતરાં પાછળ દોડેલો તે મંડપવાળા મજૂર જેવો જ લાગે છે ને?… જે સવારે બે હાથ જોડી માથુરની સામે ઊભો રહ્યો હતો!

“મહેન્દ્રપાલ સિંગ! શું વિચારે છે? આ એ જ છે! પેલો મંડપવાળો મજૂર!…કેવો કૂતરું પાછળ દોડેલો, યાદ છે ને?” માથુરે લસ્સીનો ગ્લાસ મોંએ માંડતા કહ્યું.

હનીફે મહેન્દ્રપાલ સિંગ સામે જોઈ અને આંખ મિચકારી.

માથુર, તેં મને ફોન પર કહ્યું હતું કે આ ડબલ મર્ડર કેસ સૉલ્વ થઈ ગયો છે… મને જરા વિગતે સમજાવ અને કહે આ ટોળીમાં ખૂની કોણ છે? તું અને શર્મા બંને જણ, મને તો ગિરધારી કે એવું કૈંક નામ કહ્યું હોવાનું યાદ છે! બરાબરને? ” વાતની શરૂઆત કરતાં કમિશનર મહેતા માથુરને પૂછ્યું. બોલતી વખતે તેઓ તીક્ષ્ણ નજરે હાજર રહેલાં તમામને જોઈ રહ્યા હતા.

” હા! તેમણે ચોક્કસ બિચારા ગિરધારીનું નામ લીધું હતું …હું હજીય કહું છું, કે તે નિર્દોષ છે.” મિ. શર્માએ આદતવશ કહ્યું.

દરમિયાન સોનીએ આવી માથુરના કાનમાં કશું ધીરેથી કશુંક કહ્યું ને માથુરનો અવાજ થોડો વધુ ઉત્તેજિત બની ગયો.

“ઓ.કે! સર! તો સાંભળો દોસ્તો બંને હત્યાના ખૂનીઓ અહીં જ હાજર છે…

બધા અચરજથી એકબીજાને સંશયની નજરથી જોવા માંડ્યા.

“સર! તમારો સંદેશો બ્રાન્ચ ઓફિસે પવારને મળ્યા બાદ હું અને સોની જરાય સમય ગુમાવ્યા વિનાં; લગભગ ૭-૩૦ની  આસપાસ ‘ત્રિવેણી’ એપાર્ટમેન્ટ પર, કતારગામ પહોંચી ગયા હતા. મેં જ્યારે વિજય રાઘવનની લાશ ‘ત્રિવેણી’  એપાર્ટમેન્ટ  લિફ્ટમાં સૌ પ્રથમ વાર જોઈ…ત્યારે જ મને ખાતરી થઈ ગઈ હતી કે વિજયનું ખૂન એક પૂર્વ આયોજિત કાવતરું છે. પહેલી નજરે મને અને સોનીને એવું લાગતું હતું કે લિફ્ટમાં પહેલેથી હાજર ખૂનીએ; વિજય ઉપર ‘પૉઈંટ બ્લૅંક રેંજ’થી ગોળી છોડી હશે_ પણ એવી બધી શકયતાનો છેદ ત્યારે જ ઊડી ગયો, જ્યારે મેં લિફ્ટની અંદરની ફ્લોર ઉપર, એક ખૂણામાં લોહીનો નાનકડો ધબ્બો જોયો! અને વિચાર્યું કે જો ખૂનીએ અંદરથી ખૂન કર્યું હોય, તો લોહીનો ધબ્બો અંદરની ફ્લોર પર પડવાની શક્યતા લગભગ નહિવત હતી ! અને બહારથી ખૂન ક્રર્યુ હોય તો લાશ બહાર ના પડે! એ લોહીનો ધબ્બો એટલી હદ સુધી સુકાઇ ગયો હતો કે ‘ત્રિવેણી’ પર મધ્ય રાત્રિનાં ગાળામાં જ ખૂન થયું હશે, એવું કોઇપણ અધિકારી કહી શકે એમ હતું! આમ, એ લોહીનો ધબ્બો જોઈને, મેં મારા અનુમાનની કડીઓને એકબીજા સાથે જોડવા માંડી…ને પછી મને થયું કે જો વિજયનું ખૂન અહીં ન થયું હોય, તો ક્યાંક બીજે કરવામાં આવ્યું હશે; કદાચ તે પણ ‘ત્રિવેણી’માં કરવામાં આવ્યું હશે!… અને તે પણ મોડી રાત્રે!_ ”

“શું ખૂન ‘ત્રિવેણી’ની લિફ્ટમાં નહોતું કરવામાં આવ્યું? ને તમે તો હત્યારા તરીકે ગિરધારીનું નામ લેતા હતાને?” મિ.શર્માની પિન ગિરધારી પરથી હટતી નહોતી.

“હા, મેં એમ જ કહ્યું હતું. ગિરધારી પર મારી નજર ના જાત, પણ પવારે તેની પૂછપરછ દરમિયાન મને કહ્યું કે ગિરધારી છેલ્લા બે દિવસથી નોકરી પર આવતો નથી, અને દિવસ-રાત ડ્યુટી કરવાથી , થાકને કારણે તેને ઊંઘ આવી ગયેલી! અને સામાન્ય રીતે આ પ્રકારના ગુનાઓમાં, નોકર-ચાકરની સંડોવણી જ ઘણી વખત બહાર આવતી હોય છે. એ ભારતનો સામાન્યમાં સામાન્ય પોલીસ ઇન્સપેક્ટર પણ સમજે છે. એટલે મેં ત્યારે ગિરધારી બાબતમાં વિચાર્યું કે હત્યાના બે દિવસ પહેલાં જ આ નોકર જાય જ કેમ? અને જાય તો ક્યાં જાય? અને અધૂરામાં પૂરું તેનો ઉલ્લેખ કરવાનો શરતચૂકથી મિ.શર્મા ભૂલી ગયેલા. એટલે મારી નજર મિ.શર્મા પર પહોંચી!”

“માથુર સાહેબ!  મારી ઉપર તમને શંકા છે_ એ તો તમે મને જે રીતે પૂછપરછ કરી રહ્યા હતાં, તે સવાલ-જવાબ પરથી હું કળી જ ગયો હતો. એટલે તો મેં આ બાબત, મારા દોસ્ત મહેતાને પણ જણાવી છે; કે તમે કેવી રીતે ફરિયાદીને ગુનેગાર બનાવી રહ્યા છો.” મિ.શર્માની અકળામણ  જરાય ઓછી થઈ નહોતી. તેમના અવાજમાં તેમનો ગુસ્સો કળી શકાતો હતો.

“મિ.શર્મા! અમારું કામકાજ જ એવા પ્રકારનું છે. મારી નજરમાં, એવી દરેક વ્યક્તિ- કે જેની હિલચાલ વર્તણૂંક શંકાસ્પદ હોય તે- શકના વર્તુળમાં આપોઆપ આવી જાય. અને હું તેને ત્યાં સુધી નથી છોડતો; જયાં સુધી મને પોતાને ખાતરી ન થઈ જાય કે તે નિર્દોષ છે! ચાલો, હું પહેલાં તમારી જ વાત કરું કે કેમ તમે મારા શકના ઘેરામાં આવ્યા? ગિરધારી વિશે હું જે ગણિત માંડતો હતો; તે દરમિયાન મને થયું કે ક્યાં તો તમે ગિરધારી તમારા ગામનો છે એટલે બચાવ કરી રહ્યા હશો; ક્યાં તમે ગિરધારી સાથે મળી ગયેલા હશો! કે પછી તમે તમામ હકીકતથી અજાણ હશો… આપણા વિજયના ચાલક હત્યારાઓએ, વિજયની લાશને લિફ્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર મૂકી હતી. એ લિફ્ટ દરવાજો તમારા કમનસીબે બરાબર તમારો ફ્લૅટ એ-૪ સામે આવેલો છે! મને થયું કે તમારા ઘરની બરાબર સામે ખૂન થાયને , તમને લગીરેય અવાજ ના સંભળાયો! જ્યારે પંચખૂણિયા ફ્લૅટમાં રહેતાં પવારને પહેલી ખબર પડી ગઈ! આટલું ઓછું હોય તેમ વિજયની હત્યાની પ્રથમ રાત્રિએ,  મેં પવાર અને ગિરધારી પર વૉચ રાખવા; ‘ત્રિવેણી’ એપાર્ટમેન્ટ અને તેની આસપાસના અગત્યના પોઇન્ટ પર, મારી વૉચ ટીમ ગોઠવી હતી. એ સમયે ત્યાં તમારું ગાડી લઈ બહારથી આવવું થયું. મારો ડેપ્યુટી સોની એ રાત્રે ‘ત્રિવેણી’ પર જ હતો. પછી તમારું થોડીવાર માટે ‘રઘુપતિભવન’ ખાતેની, પ્રશાંત જાદવની, ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’ ના ઑફિસમાં જવું- વળી એ ફલૅટને તમે પ્રશાંત જાદવને ભાડે આપી રાખ્યો હતો; પછી તમારું પવાર સાથે તમારી કારમાં બહાર જવું; અડધી રાત્રે કારમાં એક ઈજાગ્રસ્ત, ત્રીજી વ્યક્તિ એટલે કે તમારા કાકાના દિકરો હિતેશ સાથે કારમાં પરત આવવું; તે પણ વળી મારા ટીમના માણસો યાદવ, હનીફ અને મારી નજર સામે; પછી એ ત્રીજી વ્યક્તિને તમારા ઘરમાં લઈ જવું; થોડીવાર પછી પવારને અડધી રાત્રે કાગળ લઈ બહાર મોકલવો અને એટલામાં અચાનક ગિરધારીનું ત્યાં આવવું અને ગિરધારીની પૂછપરછ દરમિયાન, મને ખબર પડી કે એમ તેણે , તમારા કહેવાથી કરેલું. હવે કહો મિ.શર્મા! આટલી વાત હોય , તો મારે શા માટે તમારી પર શક ના કરવો?

“એક મિનિટ માથુર સાહેબ! હું પવાર અને હિતેશ જોડે બહારથી ગાડીમાં આવ્યો ત્યારે મેં આ યાદવ સાહેબને જોયા હતા પણ તમે કયાં ત્યાં હતા?”

“કેમ પેલા ટોપીવાળા, સાઈકલનું લોક પકડી ઊભેલા મરાઠીને ભૂલી ગયા કે શું?…આનંદભાઉ! માઝા ઘર ઇકડે આહે…એવી બૂમ યાદ આવી કે નહીં શર્મા સાહેબ? એ અમારા સાહેબ જ હતા!” માથુરનો વેશપલટો યાદ કરાવતા, યાદવ વચ્ચે બોલતાં પોતાની જાતને રોકી ના શક્યો.

“ઓહ_તો એ મહારાષ્ટ્રીયન તમે હતા!! _ હું તો આમેય ઉતાવળમાં હતો! હિતેશ ઈજાગ્રસ્ત હોવાથી મારું ત્યાં બહું ધ્યાન નહોતું !” મિ.શર્માએ કહ્યું.

જમીન તરફ સ્થિર નજરે જોઈ રહેલો  મહેન્દ્રપાલ સિંગની આંખો ક્ષણવાર માટે પહોળી થઈ ગઈ.

“આમ, મિ.શર્મા, ગિરધારી અને પવાર મારી શકમંદની યાદીમાં પ્રથમ હતા. ગિરધારીનું અચાનક રજા પર જવું અને એટલી જ આકસ્મિક રીતે અંધારામાં મધ રાત્રે ‘ત્રિવેણી’ની સાંકડી ગલીમાંથી પ્રકટ થવું; તે પણ મારા સતેજ નજર ધરાવતાં ટીમ મેમ્બર હનીફની હાજરીમાં! મને તેની તરફ ધ્યાન ખેંચવા મજબૂર કરતાં હતા. મિ.શર્મા ઇચ્છતા હતા કે તેને પોલીસની રૂબરૂ કરાવી દઉં જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય! હકીકતમાં મિ.શર્માને પણ ગિરધારી પર શક હતો. એ વિવાદી શંકાના દૂર કરવા માટે તેઓએ ગિરધારીને બોલાવ્યો હતો. એમાં મઝાની વાત એ બની કે ગિરધારી વળતી પળે હાજર થયો! ગિરધારી બિચારો અમસ્તો જ આમથી તેમ ફંગોળાયો હતો! તેનું તો અમસ્તું જ નવાણિંયુ કુટાઇ ગયું. પણ જ્યારે મિ.શર્માએ અને ગિરધારીએ તેઓની પૂછપરછ દરમિયાન; જે રજૂઆત કરી, એ જવાબ અને જે પુરાવા હાથ લાગ્યા છે; એ તથ્યને આધારે મને તો પૂરી ખાતરી થઈ ગઈ હતી કે ગિરધારી નિર્દોષ છે. એ તો બિચારો રિક્ષામાં બેસાડનાર પોલીસદાદાને પણ રૂબરૂ કરવા માટે તૈયાર હતો! જો કે મેં તેના ગામ ચરી ફોન કરીને તેની ત્યાંની હાજરી બાબતની માહિતી પાકી કરી લીધી હતી. આ પૂછપરછ બાદ મેં મારા શકમંદ લિસ્ટમાંથી; ગિરધારી અને મિ.શર્મા!ના નામ સામે ચોકડી મૂકી. અને સાચી વાત કહું તો તમે ગિરધારીને બોલાવી જાણ્યે-અજાણ્યે પોલીસને ખૂબ મદદ કરી. એ પણ એટલો જ જબરો રંગમંચના નિષ્ણાત  કલાકાર હોય એવો નીકળ્યો _ અડબોથ મારી ના હોય તો પણ આંસુ લાવી કરગરતો હતો! ” કહી માથુર ગિરધારી સામે જોયું અને ગિરધારી ત્યારે હસ્યા વિના ન રહી શક્યો.

“પણ માથુર સાહેબ તમે તો મને જોરશોરથી કહી રહ્યા હતા કે ગિરધારી સામે તમારી પાસે પૂરતા પુરાવા હોવાનું કહેલું. એટલેસ્તો મારે હકીકત જણાવવા માટે મહેતા સાહેબ પાસે જવું પડ્યું. અરે! ત્યાર મહેન્દ્રપાલ સિંગ પણ ત્યારે હાજર હતો! ”

“મિ.શર્મા! હવે તમે બોલ્યા બરાબર! કારણકે હું એમ ઈચ્છતો હતો!! એવો સંદેશો કાવતરાખોરોને પહોંચડવો હતો કે તેઓ હત્યારા વિમાસણ અનુભવે અને કૈંક ભૂલ કરે! તેમાં સંડોવાયેલી એક વ્યક્તિને ગેરસમજ થાય અને કોઈક ભૂલ કરવા માટે ઉશ્કેરવો જરૂરી હતો. તેમાં તમે વળી કૈંક વધુ જોરથી ઉશ્કેરાટમાં આવી ગયા, એટલે વાતમાં ઔર રંગત આવી ગઈ! તમારું ગુસ્સે થવું, મહેતા સાહેબને ફોન કરવો અને પછી ગિરધારીને ખોટી રીતે પકડ્યો હોવાનું જાણી તમે કાગારોળ મચાવી અને ત્યારે મને થયું કે લો હવે મારું કામ થઈ ગયું! એ સિવાય પણ મારે હત્યારાઓની હરકત વધારવા બીજા ગતકડાં કરવા પડેલાં ”

બધું ધ્યાનથી સાંભળી રહેલો મહેન્દ્રપાલ તનાવમાં જણાયો. અને મિ.શર્માના ચહેરા પર, લાંબા સમય બાદ પહેલીવાર નિરાંત છલકાઇ રહી હતી.

“સર! તમે મને એવું કહેતા હતા કે ખૂનીઓ, લિફ્ટમાં નહીં પણ, વિજયની હત્યા કર્યા પછી તેનાં ઘરમાં આવ્યા હતા? શું કામ ? તો પછી વિજય રાઘવનનું ખૂન કેવી રીતે થયું?” અચાનક સોનીએ એકસાથે અનેક પ્રશ્નોનો મારો કર્યો. ચલાવ્યો.

અહીં ચબરાક ખૂનીઓએ કામ એવી રીતે કર્યું હતું કે કોઈપણ તપાસનીશ ગેરમાર્ગે વળી જાય!  વિજયનું ખૂન કરી તેની લાશ એવી રીતે મૂકવામાં આવી હતી કે જેથી પ્રથમ નજરે એમ જ લાગે કે તેનું ખૂન લિફ્ટમાં જ થયું છે. જો કોઇકે જરા સરખી ગફલત ખાધી કે તો ગયા કામથી! વિજયનું ખૂન કરી તેની લાશ લિફ્ટ પાસે મૂકી દીધા પછી પવારે વાતવાતમાં ગિરધારી અને પરસોત્તમ ભરવાડનું નામ આગળ કરી દીધું. બીજું પવારે પોતે રાત્રે ૧ વાગ્યે વિજયને મળ્યો હોવાનું કહી, પોતે નિર્દોષ હોવાનો, આત્મવિશ્વાસથી ડોળો કર્યો હતો! સ્વાભાવિક છે કે આ રીતે ગુનેગાર, પોતાને મરનાર સાથેની મુલાકાત બાબતની વાત કરી, આ ઘટનાથી પોતે અળગો હોવાનું  સાબિત કરવા ધારતો હતો. પછી છોને પોલીસ તપાસમાં ઊંડા ખેંચાવું પડે! એ જોખમ પવારે લીધું હતું.  હવે જ્યારે એમ વિચાર્યું કે વિજયનું  ખૂન ‘ત્રિવેણી’ ની લિફ્ટમાં ન થયું હોય તો એના પછીની તરતની બીજી શક્યતા એટલે કે સંભવિત હત્યા સ્થળ તેનું ઘર જ હોય તો _ ? તેથી મેં આપણને મળેલી બધી કડીઓ, વિજયના ફ્લૅટના ઓરડાને લક્ષ્યમાં રાખી ગોઠવવા માંડી અને મારા અચરજ વચ્ચે તેમાં અને મારા દેશી ગણિતનો તાળો મળતો જતો હતો…મતલબ કે તું જે વિચારતો હતો તેનાથી સહેજ વિરૂદ્ધ દિશામાં – લિફ્ટને બદલે ફ્લૅટથી- જ મેં વિચારવા માંડ્યું હતું. ખ્યાલ આવે છે ને?”

“જી સર!” સોનીએ કહ્યું.

“મેં તો આ કડીઓ એકસાથે જોડી એક કાલ્પનિક વાત મનોમન ઘડવા માંડી , આ પ્રમાણે…મારી ગણતરી મુજબ કંઇક આવી રીતે વિજયનું ખૂન થયું હશે! આપણા રસેશભાઈનો પાર્ટનર અને મિત્ર એવો વિજય, તેની ખૂન થયું તે રાત્રે -ઘટનાની રાત્રે- વિજય પુસ્તક પોતાના દૈનિક ક્રમ મુજબ વાંચી રહ્યો હશે. તેનાં ટેબલ પર નાઇટ-લૅમ્પ નીચે મૂકેલાં પુસ્તકમાં, રહેલાં બુક-માર્ક પરથી મને એ વાત સ્પષ્ટ જણાતી હતી! સાથોસાથ તેની બીજી પણ એક ટેવ એવી હતી, તે પુસ્તક વાંચન દરમિયાન પોતાને ગમતા મુદ્દા -વિચારો અંડરલાઇન કરી, જે તે પેજ પર, તેની સામે નાના અક્ષરમાં તારીખ લખતો હતો. કેમ ? એ મને ખબર નથી_!”

“હા, મને ઠીક યાદ આવ્યું. હજી તેની હત્યાના દસેક દિવસ પહેલાં મારે તેના ઘરે જવાનું થયેલું અને મેં પણ એ પુસ્તકમાં આ બાબત જોઈ તેને પૂછેલું ત્યારે તેણે મને કહેલું કે તે આ રીતે પુસ્તક વાંચનના જે તે દિવસને, તેના રોમાંચને  અને એ ભાવક તરીકેના સ્વાનુભવને પોતાના ભવિષ્યની કેટલીક એકાંત પળો માટે – એ દિવસો માટે  અકબંધ રાખવા માંગતો હતો.” રસેશ ગોધાણીએ સહેજ ગદગદિત સ્વરે કહ્યું.

“થેંક્સ! ખૂબ ખૂબ આભાર ગોધાણી સાહેબ! મારી એક ગડમથલ નિવારવા બદલ!  મને તેની આ ટેવ ગમી હતી. સોની! તને ધ્યાન હોય તો વિજયના ઘરમાં, તેનું ટેબલ, તેના ઘરના મુખ્ય દરવાજાની બરાબર સામે એવી રીતે ગોઠવેલું છે કે દાદર ચઢતી-ઊતરતી   કોઇ પણ વ્યક્તિ વિજયને કે વિજય પણ અન્ય વ્યક્તિને જોઇ શકે છે. આમ જ્યારે તે પુસ્તક વાંચન કરી રહ્યો હશે તે સમયે ફ્લૅટનો મુખ્ય દરવાજો પણ ખુલ્લો જ હશે! તે સમય દરમિયાન પવાર ઉપર ત્યાં આવે છે, ને દાદર પર દેખાય છે! અને પવાર ના કહ્યા મુજબ પવારને વિજયે બોલાવ્યો હતો… ‘સુંદરની લારી’ પરથી ચા લાવવા માટે!! રાત્રે એક વાગ્યે! બરાબરને પવાર? ”

પવાર હકારમાં માથું ધુણાવે છે.

“પવાર ચા લેવા માટે નીચે ગયો હશે અને અચાનક દોઢ વાગ્યે ‘ત્રિવેણી’ની લાઇટ જાય છે, હું ભૂલ ના કરતો હોઉં તો ‘ત્રિવેણી’ની લાઇટ ઇરાદાપૂર્વક બંધ કરવામાં આવી હતી! લાંબો સમય લાઇટ  ના આવતા અને કશું ન સૂઝતા મન હળવું કરવા વિજય સિગારેટ ફૂંકી લેવાનું વિચારે છે. તેણે ટીવી શો-કેસ પર મૂકેલાં સિગારેટના પૅકેટમાંથી  એક સિગારેટ કાઢી હશે. ને પછી સિગારેટનું પૅકેટ શો-કેસ પર મૂકી, તે ચાલતો ચાલતો પોતાના ફ્લૅટની બારી સુધી ગયો હશે. મેં જોયું હતું કે વિજયના ઓરડાની બારીની જે ગ્રિલ છે, તે આડા-સ્કૅવૅર-બારની બનેલી છે. અને તે દરેક સળિયાની  વચ્ચે ખાસ્સું અંતર છે. એ બારી મુખ્ય રસ્તા પર ખૂલે છે_ પૂર્વ દિશામાં! પોતાની ફૅવરિટ બ્રાંડની સિગારેટને તીવ્રતાથી માણવાની આદતને કારણે, વિજય પોતાની એ હંમેશાની આદતવશ, સિગારેટનો ‘ફિલ્ટર પાર્ટ’ તોડી બારીની સહેજ દૂરથી ઘા કર્યો હશે. એ સિગારેટનો ‘ફિલ્ટર પાર્ટ’ બારીની ગ્રિલના સ્ક્વૅર બાર સાથે અથડાઇને, બહારના ખૂણામાં તરફ, જમણી દિશાએ  ચાલ્યો જાય છે. એ બિન ઉપયોગી જણાતો ટુકડો મને એ ખૂણેથી જ મળેલો અને પાછળથી મને ઉપયોગી થઈ પડ્યો હતો. પછી વિજય સિગારેટ સળગાવવા માચીસ હાથમાં લીધી હશે છે પણ માચીસ ખાલી હોવાથી તે નીચે ફ્લોર પર ફેંકી દે છે_”

“માથુર, મને એક-બે વાત અહીં નથી સમજાતી! એક તો લાઇટ ફક્ત ‘ત્રિવેણી’ની જ ગયેલી, એમ તું કેવી રીતે ખાતરીપૂર્વક કહી રહ્યો છે? અને તે પણ રાત્રે દોઢ વાગ્યા પછી જ? અને હા બીજું _ વિજય સાથે વાત કરનાર વ્યક્તિ પવાર જ હતો, એમ તેં કેવી રીતે અનુમાન બાંધ્યું?” કમિશનર મહેતાએ પોતાની ગૂંચવણ સ્પષ્ટ કરી.

—-*—–

( ક્રમશઃ ) 

મારા પ્રિય વાચક મિત્રો!

અંત તરફ આગળ વધી રહેલી આ રહસ્યકથાનો હવે પછીનો હપ્તો _તા.૨૨/૦૩/૨૦૦૯ના રોજ પ્રકરણ – ૨૩ પ્રકાશિત થશે.

3 ટિપ્પણીઓ
  1. કમલેશભાઇ,
    શું કમાલ કરો છો તમે પણ. આટ્લા હદ સુધી સસ્પે્ન્સ અને આટલું ઉંડાણથી વિવરણ ખરેખર તમે ખુબ મહેનત કરી છે અને તે રંગ લાવે છે. આપની લેખન યા્ત્રા આમજ ચાલતી રહે તેવી દિલથી શુભકામના.

Trackbacks & Pingbacks

  1. રહસ્યકથા – ગુજરાતી બ્લોગ જગત
  2. રહસ્યકથા – SVR 1993 BATCH

Thnak you...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: