પ્રકરણ – ૨૩ કતલની એ રાત્રે શું થયેલું?…
પ્રકરણ – ૨૩ કતલની એ રાત્રે શું થયેલું ?…
________________________________________________________
વહી ગયેલી વાર્તા : સુરત ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઇન્સપેક્ટર માથુર આસિ. ઇન્સપેક્ટર સોની સુરત શહેરનાં પોલીસ કમિશનર મહેતા સાહેબની સૂચના મુજબ ત્રિવેણી એપાર્ટમેન્ટ, મીરાંનગર, કતારગામ પહોંચે છે જ્યાં વિજય રાઘવન નામના એક શખ્સનું ખૂન થયું હોય છે. વિજય રાઘવન રસેશ ગોધાણી સાથે પાર્ટનરશીપમાં ઇન્કમટેક્સ – સેલ્સટેક્સ કન્સલ્ટન્ટ કામકાજ કરતો હોય છે. ત્રિવેણી ઍપાર્ટમૅન્ટની લિફ્ટ પાસે થયેલ ખૂન માટે ગુનેગાર શોધવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર માથુર કડીઓ, પુરાવા મેળવવા સ્થળ પર હાજર રહેલી વ્યક્તિઓની પૂછપરછ કરે છે. જે કામમાં ‘ત્રિવેણી’ ઍપાર્ટમૅન્ટનાં સેક્રેટરી મિ.શર્મા તેમને સહયોગ આપે છે…અને વિજયના ઘરમાંથી શંકાસ્પદ વસ્તુઓની ઇન્સપેક્ટર માથુર શોધ આદરે છે. ને ત્યાં તપાસ દરમિયાન તેમને એક સિગારેટનો ટુકડો – ફિલ્ટર પાર્ટ- અને તૂટેલી દીવાની ચીમનીનો કાચ મળે છે. માથુર તેના પોતીકી સૂઝથી ગુનાની આગલી કડી સુધી પહોંચવા સતર્ક થાય છે. આ દરમિયાન તેને ઇન્સપેક્ટર સોની એક સ્પેશિયલ ટિપ ની નોંધ મૂકી વિજયની ડાયરી આપે છે. માથુરએ ચોકીદાર પવાર, ગિરધારી ,મિ.શર્મા, વિરજી, પરસોત્તમ ભરવાડ, રસેશ ગોધાણીની પૂછપરછ આદરે છે. પછી તે આગળની તપાસ માટે રસેશ ગોધાણીને મળવા જાય છે. ત્યાં મુલાકાત દરમિયાન માથુર તેને કેટલાંક મૂંઝવણમાં મૂકી દેતા સવાલ-જવાબ કરે છે અને ગોધાણી અકળામણ અનુભવે છે અને દરમિયાન ત્રિવેણી એપાર્ટમેન્ટ પર સોની વૉચ ગોઠવી માથુરને જાણ કરે છે અને ત્યાં સોનીને જોવા મળે છે એક પડછાયો વિજય રાઘવનના ફ્લૅટ પાસે! અને સોની સાથેની વાતચીત બાદ અચાનક માથુર ફરી ‘ત્રિવેણી’ ઍપાર્ટમેંટ પર જાય છે – વેશ-પલટો કરીને ! ત્યાં પોતાના માણસો હોવા છતાં – ત્યાં જઈ માથુરે શું કર્યું ? તે આપે અગાઉના પ્રકરણ – ૧૦ થી ૨૨ માં વાંચ્યું …
ને પછી આગળ….
_________________________________________________________
રહસ્યકથા…”ઇન્ફોર્મર”ના અન્ય પ્રકરણ વાંચવા
ઉપર આપેલી ટેબમાંથી જમણી બાજુની ” રહસ્યકથા… ઇન્ફોર્મર “ની ટેબ ઉપર ક્લિક કરો.
કે પછી અહીં ક્લિક કરો – / રહસ્યકથા – ઈન્ફોર્મર /
મારા માટે અત્યંત કિંમતી એવા, તમારા પ્રતિભાવો- કૉમેન્ટ્સમાં લખવા વિનંતી…બ્લૉગરૉલમાં આપેલ ગુજરાતી ટાઇપપૅડની મદદથી તમે ગુજરાતીમાં લખી શકશો.
આભાર.
કમલેશ પટેલ
_________________________________________________________
પ્રકરણ – ૨૩ કતલની એ રાત્રે શું થયેલું ?…
“સર! આ વાત હું ક્યાં કહું છું? મને તો આ બધું જ પવારે જ કહ્યું હતું! તેણે જ તો કહેલું કે વિજયભાઈ, તેને ‘સુંદરની ચા’ની લારી પરથી ચા લાવવા રાત્રે એક વાગ્યે કહેલું! અને પવારના કહેવા પ્રમાણે એ જ્યારે વિજય માટે ચા લેવા ગયો; ત્યારે ‘સુંદરની’ લારી બંધ થઈ ગયેલી! બરાબરને પવાર? તને ધ્યાન હોય તો, તેં મને ત્રિવેણી’ની લાઇટ રાત્રે દોઢથી ચારના ગાળામાં ગયેલી એવું કહ્યું હતું?!…” માથુરે પવાર તરફ જોઈ પૂછ્યું.
પવાર ફરી હકારમાં ડોકું ધુણાવ્યું.
“_પણ ત્યારબાદ ખરી શરૂઆત થઇ પવારના કમનસીબની! એક નાનકડી પૂછપરછ બાદ, મારી પહેલી શંકાની, પાકી મહોર લાગી પવાર ઉપર! અને આપણા સદનસીબે, મેં સહજ રીતે ‘રધુપતિભવન’ ઍપાર્ટમેન્ટથી સહેજ દૂર, એસટીડી- પીસીઓ ચલાવતાં અને સુમુલ દૂધ વેચાણ કેન્દ્ર ધરાવતાં વિરજીને પૂછપરછ કરી; ત્યારે ખબર પડી_ કે તે રાત્રે મીરાંનગરની લાઇટ તે રાત્રે ગઈ જ નહોતી!! અને હું ચોંક્યો; કારણકે એમ કહી, એક વાત વિરજીએ મારા માટે સ્પષ્ટ કરી દીધી હતી_ કે આ પવારનો બચ્ચો જુઠ્ઠું બોલી રહ્યો હતો. અને મને પવાર પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પહેલું કારણ મળી ગયું. આમ, મેં વિજય રાઘવનની હત્યાની તપાસ, વિજયના ફ્લૅટ, પવાર અને ‘ત્રિવેણી’ ની આસપાસના લૉકેશન ઉપર કેન્દ્રિત કરી. વિરજીની કરેલી આ વાત નો મતલબ સાફ હતો કે તે રાત્રે લાઇટ ફક્ત ત્રિવેણી’ની જ ગયેલી!… અને તો પછી આવું જુઠ્ઠું બોલવાની પવારને કેમ જરૂર પડી? અને જો તે જુઠ્ઠું બોલી રહ્યો હોય; તો ‘ત્રિવેણી’ની લાઇટ બંધ કરવાવાળું એના સિવાય બીજું કોણ હોય? બીજું જો વિજયને તેના ફ્લૅટમાં રહેંસી નાંખ્યાં પછી પણ તેની લોહી નીકળતી લાશ ઊંચકી લાવવાનું કામ પવાર એકલો થોડો કરી શકે?…મતલબ સાફ હતો કે આ કામમાં તે કદાચ તે એકલો નહોતો! કોઈક તેને મદદ કરી રહ્યું હતું કે પછી તે કોઈકને મદદ કરી રહ્યો હતો! તે કોણ હશે?…એ બાબતે મેં પવારને કેન્દ્રમાં રાખી વિચારવા માંડ્યું!”
“વિરજીની સાથેની મારી મુલાકાત બાદ મેં પવાર જરા પવાર સાથે થયેલી વાતચીત ફરી મનોમન રિવાઇન્ડ કરે જોઈ, તો ત્યારે મને ખ્યાલ આવ્યો; કે એટલે જ તે પઢાવેલા પોપટની જેમ કદાચ બધાં સમય ફટાફટ બોલી તો નથી રહ્યો ને? કદાચ એટલે જ તેણે પોતાના સાથીદારના સૂચન મુજબ, એ ગિરધારી અને પરસોત્તમ ભરવાડને મારી સામે ચિત્રમાં લાવી, વાત બીજી દિશામાં વાળવાની કોશિશ તો નથી કરી રહ્યો ને? સાથે મને થયું કે વિજયના ઘરના મળેલી ટી.વી શૉ-કેસ પાછળના ભાગમાંથી હાથ ફેરવતા મળેલી પેલી પ્લાસ્ટિકની કોથળી – કે જેમાં લોહીના ટીપાં પડેલાં હતા એવા ચીમનીના કાચના અસંખ્ય ટુકડા, એક દિવાસળીનું બોક્સ અને પેલી આઠમી સિગારેટનો ટુકડો મળી આવેલો; એ ઉતાવળમાં વગે કરાયેલા પુરાવાની મૂકવામાં અને જરૂર પડ્યે પાછાં મેળવી લેવા, તેના આકાઓ માટે, કદાચ પવાર જ સૌથી અગત્યનું હાથવગું હથિયાર હતું; અને કદાચ ફરી તેઓ કે તે જાતે તેનો ઉપયોગ કરી શકે છે.
દરમિયાન વિજય રાઘવનના ફ્લૅટની તપાસ દરમિયાન મને હાથ લાગેલી પ્લાસ્ટિકની બૅગમાં ખાંખા-ખોળા કરી; અંતે મેં એ બૅગ ફૉરેન્સીક વિભાગમાં મોકલી; ત્યારે ત્યાં મારા સ્ટાફના માણસો સિવાય કોઈપણ બહારની વ્યક્તિ નહોતી. મને જે રીતે એ બૅગ મૂકવામાં આવી હતી; તે પરથી જણાતું હતું કે આ કામ ઉતાવળમાં થયેલું હતું. ક્યાં તો તેઓ પાસે સમય નહોતો અને તેઓ ગભરાટમાં પહેલીવાર કામ કરી રહ્યાં હતાં; કે પછી ક્યાંક અચાનક ઍપાર્ટમૅન્ટમાં હિલચાલ થઈ હશે જેથી તેઓ એ ઉતાવળથી ભાગવું પડ્યું હોય એમ બની શકે. સંભવતઃ જો આમ જ થયું હોય તો એ આસપાસની જાણીતી વ્યક્તિ જ હશે; તો એ બૅગ લેવા જરૂર પાછી આવશે જ. એ વ્યક્તિ તરીકે મેં પવાર હોવાનું અનુમાન બાંધી, સોનીને એ રાતે ‘ત્રિવેણી’ પર ખાસ વૉચ રાખવા જણાવ્યું… કેવી રીતે તે મારા મગજમાં બેસતું નહોતું છતાં મને અંદરખાને આશા એ હતી કે હત્યારાઓએ જે મૉડેસ ઑપરેન્ડી થી વિજય રાઘવન ની હત્યા કરી છે; એમાં એક વાર સફળ થયા હોય _એ જ રીત અપનાવી, તે પેલી બૅગ લેવા માટે કદાચ આવી શકે. અને થયું પણ એમ જ…”
“શું થયેલું? ” મિ.શર્મા પોતાની ઉત્સુકતા રોકી ન શક્યા.
“સોની તારા ધ્યાનમાં હશે જ, મેં તને કહેલું કે ‘ત્રિવેણી’ પર આજની રાત મહત્વની છે, કદાચ કશુંક અવનવું બની શકે છે. ત્યારે મારા દિમાગમાં પવાર કેન્દ્રસ્થાને હતો. આવું વિચારી મેં વિજયના ઘરનો દરવાજો સીલ નહોતો કરાવ્યો!! પવાર આવું કરે છે કે કેમ? તે જોવા માટે મેં દરવાજાને સીલ મારવાનું જાણી જોઈને ટાળેલું; સદનસીબે પવારે તક ઝડપી લઈ, મારો બોજ હળવો કરી નાંખ્યો! વિજયની હત્યાની રાત્રે વૉચ રાખી રહેલા સોનીએ મને ફોન ઉપર સંદેશો આપતા કહ્યું કે કોઇક વિજયના ફ્લૅટમાં દાખલ થયેલું; અને ત્યારે પણ ‘ત્રિવેણી’ની લાઇટ બંધ કરવામાં આવેલી, તે પણ માત્ર માંડ મિનિટ માટે! ત્યારે બીજી જ મારા દિમાગની બત્તી થઇ ગઇ કે પવાર કોઇક ગેમ રમી રહ્યો છે, અને એ જ તે રાત્રે અગાઉની જેમ જ ‘ત્રિવેણી’ની બત્તી ગુલ કરી ભાગતો વિજયના ફ્લૅટમાં ગયો હતો. અને મેં મનોમન પવારનો આભાર માનેલો. સોની વિચારતો રહ્યો કે એક ચાવી તેના ગજવામાં છે અને બીજી મિ.શર્મા પાસે છે તો આ ત્રીજી ચાવી આવી ક્યાંથી? અને ત્રીજી ચાવી ના હોય તો એ કામ મિ.શર્માનું હશે એમ સોની વિચારતો હતો. સામાન્ય રીતે આપણે પડોશી સાથે બહાર કામે જતાં હોય ત્યારે ચાવી સાચવવાનો વહેવાર હોય છે, વિજય તો દિવસમાં મોટે ભાગે બહાર રહેતો હતો. સફાઈ કામદાર તેનું ઘર સાફ કરવા આવે ત્યારે પડોશી પાસે ચાવી લઈ પરત કરી જતાં હતા. આમ, પવાર માટે જ વિજયના ફ્લૅટની ડુપ્લિકેટ ચાવી બનાવવું સૌથી સરળ હતું. બરાબરને પવાર? તું રાત્રે ટીવી શો કેસ પાછળ સંતાડેલી પેલી પ્લાસ્ટિક બેગ લેવા માટે જ ગયો હતો ને?…હવે જુઠ્ઠું ન બોલતો સોનીએ બધું મોબાઇલમાં વીડિયો રેકોર્ડ કરી લીધું છે!”
પવાર શું બોલે? તેણે હા કહ્યે જ છૂટકો હતો.
“તો સાથેસાથે મને એ પણ કહી દે તમે વિજયની હત્યા કર્યા બાદ એ પ્લાસ્ટિક બૅગ સાથે કેમ ના લઇ ગયેલા?” માથુરે પવારને પૂછ્યું.
“માથુર! એક મિનિટ ! ‘તમે’ શબ્દ મૂકી તું એમ કહી રહ્યો છે કે પવાર એકલો હત્યા સમયે ત્યાં હાજર નહોતો! કોઇક બીજું પણ હતું?!” મહેતા સાહેબે કહ્યું.
“જી સર! તમે બરાબર કહો છો. પણ હું સુધારો કરીશ. હત્યાના સમયે તો વિજય એકલો જ હતો, હત્યારાઓ તેનું ખૂન થયા પછી લાશને ઠેકાણે લગાડવા ત્યાં આવ્યા હતા. તેઓ પૈકીનો પવાર એક છે. પવાર તેં જવાબ ના આપ્યો, એ પ્લાસ્ટિક બૅગ સાથે કેમ ના લઇ ગયેલા? કોઈ આવી ચઢ્યું હતું કે પછી બીજા કોઈ કારણથી_? માથુરે પવારને ફરી પૂછ્યું.
“સાહેબ! રાત્રિનો સમય હતો. રાત્રે ક્યાં એ લોહીથી ખરડાયેલી ચીજવસ્તુઓ ભરેલી પ્લાસ્ટિક બૅગ લઈ જવી!? અને ઘરે લઈ જઈ મૂકીએ અને કોઇકની નજરે ચઢી તો? એવો ભય પણ હતો. એક ડુપ્લિકેટ ચાવી તો મારી પાસે હતી જ, એક બે દિવસમાં બધું થાળે પડે પછી; તક જોઈ વગે કરી દઈશ એવું વિચારેલું…અને સાથોસાથ લાશને વગે કરવાનું કામ ઉતાવળમાં પૂરું કરવાનું હતું.
“હવે બધાંને ખ્યાલ આવી જ ગયો હશે કે લાઇટ ફક્ત ‘ત્રિવેણી’ જ ગયેલી. હવે મેં વિચાર્યું…પવારના જણાવ્યા મુજબ વિજયને છેલ્લે જીવિત અને મૃત, એમ બંને હાલતમાં જોનાર વ્યક્તિ ફક્ત એ જ હતો, અને એ ગણિત પર વધારે દિમાગની કસરત કરતા મને લાગ્યું કે જો આ તર્ક જ સાચો હોય…તો પછી બધાં સમીકરણો બદલાઈ જતા હતા! જુઓ, પૂર્વ યોજના મુજબ પવાર ‘ત્રિવેણી’ની લાઇટ બંધ કરી ‘સુંદરની ચા’ની લારી પર જાય છે. અને પવાર જ કહે છે તેમ ત્યારે ‘સુંદરની ચા’ની લારી બંધ થઈ ગયેલી! હવે વિજયને આટલી વાત કહેવા માટે, લાઇટ બંધ હોય તો લિફ્ટ બંધ હોય…તેના માટે પવાર નવ માળ થોડો ચઢવાનો હતો? તો એણે વિજયને ફોન જ કર્યો હોવો જોઈએ. પવાર અને વિજયના મોબાઇલ નંબરની કોલ ડિટેઇલ્સ એ વાતની સાખ પૂરે છે કે રાત્રે ૧.૩૦ પવારે વિજયને ફોન કરી આ વાત જણાવી હશે…” માથુરે સ્પષ્ટતા કરી.
“એક તો અગત્યનું કામ, લાઇટ ગુલ થવી, ચા ના મળી…અને દરમિયાન સિગારેટનો કસ ખેંચી લેવા વિચારતાં વિજયના હાથમાં માચીસ હતી તો તે ખાલી! કારણકે લાઇટ જવાથી માચીસની છેલ્લી સળીથી દીવો તે સળગાવી ચૂક્યો હતો. આમ, કંટાળેલા વિજયે સિગારેટ સળગાવવા માચીસ ફેંકી; પોતાની નજર સામે રહેલો દીવો હાથમાં લે છે, બરાબર તે સમયે પવારનો કોલ કરે છે…રાત્રે ૧-૩૦ વાગ્યે. વિજય સિગારેટ સળગાવવાનું બાજુ પર મૂકી એ કોલ રિસીવ કરે છે.” કહી માથુરે પવાર સામે જોયું, “પવાર, વિજયને તે શું કહેલું?”
“સાહેબ! મે તો વિજયભાઈને એમ જ કહેલું કે ‘સુંદરની ચા’ની લારી બંધ છે. સાથોસાથ એમ પણ કહેલું કે બહાર આખા મીરાંનગરમાં લાઇટ છે તેથી આપણા એપાર્ટમેન્ટની વીજળીની લાઇનમાં જ ક્યાંક ફૉલ્ટ થયો હોય એમ લાગે છે…બહાર જુઓ આખી શેરીમાં લાઇટ છે!” પવારે કહ્યું.
“હા! બરાબર પવાર! બહાર જુઓ આખી શેરીમાં લાઇટ છે!…તારા આટલાં શબ્દો ખાસ અગત્યના છે. પણ તમારી વિચારણા મુજબ વિજય બારી પાસે આવતો નથી! અને એ સમયે જ વિજયના મોબાઇલ પર બીજો કોલ આવે છે…”
“કદાચ એ નંબર મારો જ હશે માથુર સાહેબ! એ રાત્રે તો મેં પણ ફોન કરેલો વિજયને!! મારે બીજા દિવસે અચાનક મારે સામાજિક કારણોસર બહારગામ જવાનું થયું હોય; મેં એક અગત્યના કેસની ફાઇલ, જરા વહેલી સવારે ઓફિસે આવી જોઈ લેવા, જરૂર પડ્યે પાર્ટી સાથે ચર્ચા કરી લઈ, મારે બદલે તેને આઇ ટી ઓફિસમાં જવા માટે જણાવવા મેં તેને કોલ કર્યો હતો!!” રસેશ ગોધાણી અચાનક અધવચ્ચે ખુલાસો કરતા બોલી પડ્યો.
“રસેશભાઈ સાચી વાત છે તમારી! કમનસીબે ૧-૪૦નો બીજો કોલ તમારો જ હતો. પણ હું સમજી શકું છું, અડધી રાત્રે તમે તમારા બિઝનેસ પાર્ટનરને ના ઊઠાડો તો કોણ જગાડવાનું હતું? વિજય તમારો કોલ રિસીવ કરે છે. તમારી વાત લગભગ પંદર મિનિટ જેટલી ખાસ્સી લાંબી ચાલે છે. ને પછી ૨-૦૭ થઈ હશે ને છેલ્લો કોલ આવે છે. વિજય એ ફોન ઊઠાવે છે, પણ સામેથી કદાચ કોઇ વાત નથી કરતું. વિજય મોબાઇલ બાજુ પર મૂકી દે છે, ગરમીથી અકળાયેલો અને સિગારેટના બે કસ ભરી લેવાનું વિચારતો વિજય હાથમાં દીવો ઝાલી અને મોં માં સિગારેટ સાથે બારી પાસે પહોંચે છે. દીવાની ચીમની સહેજ ઊંચી કરી, દીવાની જ્યોત વડે તે સિગારેટ સળગાવવા જાય છે. ગાઢ અંધકારમાં અને દીવાના ઉજાસમાં તેનો કમ્મર સુધીનો ભાગ સ્પષ્ટ બને છે. જો કોઈ વ્યક્તિ બારી પાસે ઊભી હોય તો તેનો કમ્મરથી ઉપરનો બધો જ ભાગ બારીના એ ખુલ્લા ભાગમાં આવી જ જાય; મતલબ કે બારીની ફ્રૅમની વચ્ચોવચ. એ જ સમયે, ‘ત્રિવેણી’ થી બરાબર ૩૦-૩૫ ફૂટના અંતરે રહેલી, ‘રધુપતિભવન’ એપાર્ટમેન્ટના નવમા માળે આવેલી પ્રશાંત જાદવની, ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’ ના ઑફિસમાં – કે જે વિજયના ફ્લૅટની બરાબર સામે છે – તેની બારીમાંથી સાયલૅન્સર ચઢાવેલી રિવૉલ્વર અને વૅરિયેબલ પાવરસ્કૉપ લઇને; તકની રાહ જોઇ બેઠેલો, ખૂની વિજય પર ગોળી છોડે છે. ગોળી વાગતા જ વિજય નીચે પડી જાય છે, સાથોસાથ તેના હાથમાં રહેલો દીવાની જ્યોત; જે એમ પણ પવનની લહેરખીથી હોલવાઇ ગઇ હોય છે, એ દીવો નીચે પડતા જ, ચીમની ફૂટી જાય છે. સદનસીબે માંડ માંડ સળગેલી સિગારેટ પણ બુઝાઇ જાય છે. ચીમનીના કાચ પર અને પેલી માચીસ પર લોહીના ટીપાં ઊડે છે. બારી પાસે વિજય નીચે પડવાથી તેના માથાના પાછળના ઢીમચું થઇ જાય છે… “માથુરે પોતાના અનુમાનની વિગતો આપતા કહ્યું. ”
“તો ગોળી કોણે છોડી હતી?” મિ.શર્માએ પૂછ્યું.
“મહેન્દ્રપાલ સિંગે!” માથુરે વળતી પળે કહ્યું કે બધાં મહેન્દ્રપાલ સિંગને ક્રોધિત નજરથી જોઈ રહ્યા.
પણ એ બધામાં, પોતાના ભાગીદારની હત્યાથી ઉશ્કેરાયેલો, રસેશ ગોધાણી કોણ જાણે કેમ પોતાની જાતને રોકી ન શક્યો..
“શુંઉઉઉ? ખૂન મહેન્દ્રપાલ સિંગે કર્યું છે, માથુર સાહેબ?” કહી એકદમ ઊભો થઈ, મહેન્દ્રપાલ સિંગને અડબોથ મારવા માટે દોડ્યો…અને સાથે મહેન્દ્રપાલ સિંગ તરફ ફરી જોરથી ચિલ્લાયો, ” સાલ્લા! મારા નાના ભાઇ જેવા વિજયને મારીને તને શું મળ્યું? શું કામ તેં આ કામ કર્યું? પૈસા માટે? પૈસા જોતા હોય તો વિજય પાસે માંગી લીધા હોત! એ ના થોડો પાડવાનો હતો? અરે, મારી પાસે માંગી લીધા હોત, તો હું આપત! આ જલ્લાદને માથુર સાહેબ ફાંસી થવી જોઈએ.”
હાજર રહેલાં કૉન્સ્ટેબલે તેને પકડી લીધો.
“શાંત થઈ જાઉં રસેશભાઈ! ચાલો, આપણે મહેન્દ્રપાલ સિંગને પૂછી લઇશું કે તેને વિજયની હત્યા કરવાથી શું મળ્યું? બરાબર?” માથુરે રસેશ ગોધાણીને શાંત કર્યો.
“વિજય પર ગોળી ચલાવ્યા બાદ મહેન્દ્રપાલ સિંગ ‘ત્રિવેણી’માં આવ્યો, ત્યાં એવું ઘણું બધું પડ્યું હતું કે જે પુરાવા તરીકે ઉપયોગમાં આવી શકે એમ હતું. બંને જણે પહેલું કામ એ કાચના પેલાં ટુકડાઓ, ખાલી માચીસ, પેલી સિગારેટનો ટુકડો; જે હાથમાં આવ્યું તે ભરવાનું કર્યું, પાછળથી વગે કરીશું એવું વિચારી, એ પ્લાસ્ટિકની બૅગમાં ટીવી. શો કેસમાં સંતાડી દીધી. પછી બંને જણે વિજયની લાશ ઊંચકી લિફ્ટમાં મૂકી આવ્યા!” માથુરે કહ્યું.
“પણ સર! વિજયના ટેબલ પાસે પડેલો સ્ટવ અને દૂધની ખાલી તપેલીનું શું? વિજયના ડાબા હાથમાં રહેલા સાડા ત્રણ રૂપિયા?” સોની મૂંઝાતો હતો.
“વિજયનું ખૂન આયોજનપૂર્વકનું કામ હતું, એ તો લાશ જોતાં જ સ્પષ્ટ થતું હતું. એ બધી આ મહેન્દ્રપાલની ભેજાની નીપજ હતી. તેમણે આપણને ગુંચવવા માટે કશું જ બાકી રાખ્યું નહોતું. તેને ધ્યાનમાં હોય તો, વિજયના ટેબલ પાસે સ્ટવ, એક દૂધની ખાલી તપેલી અને સાથે બીજી ચા-ખાંડ સાથેની તપેલી; વિજયના ફ્લૅટમાં દાખલ થતાં જ આપણી નજરે ચઢે એમ તેમણે મૂક્યા હતા! જાણે વિજય ચા મૂકવાની તૈયારી કરી રહ્યો હોય એવું આબાદ દૃશ્ય આપણી નજર સમક્ષ ખડું કરવામાં આવ્યું હતું. અરે, જે દૂધની તપેલીમાંનું દૂધ, આપણે એમ સમજતાં હતા કે બિલાડી પી ગઇ હશે કે કદાચ ઢોળાઇ ગયું હશે; એ તપેલીમાંનું બધું દૂધ પણ આ ચબરાક મહેન્દ્રપાલ સિંગ જ ગટગટાવી ગયો હતો! શાબાશ મહેન્દ્રપાલ સિંગ! _”
“એક મિનિટ, સર! મહેન્દ્રપાલ સિંગ?? મને સમજાયું નહીં? પવાર કેમ નહીં ? અને તપેલીમાં દૂધ હતું જ એમ તમે કેવી રીતે કહો છો?” સોનીએ આદતવશ ઉતાવળે માથુરને વચ્ચેથી અટકાવી પૂછ્યું.
“વિજયનું દૂધ એપાર્ટમેન્ટની બાજુમાં રહેતા પરસોત્તમ ભરવાડને ત્યાંથી આવતું હતું. પરસોત્તમ ભરવાડના કહેવા પ્રમાણે વિજયના ઘરનું સવારનું દૂધ પણ સાંજે જ પહોંચતું હતું. તેથી ખૂનની રાત્રે પણ દૂધ તો હશે જ! વળી લાશ લિફ્ટમાં મૂક્યા પછી, લિફ્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર સુધી લઈ જવાની હતી; તેના માટે પાવર સપ્લાય ઑન કરવો જરૂરી હતો! પાવર સપ્લાય ઑન કરવા અને “સબ સલામત” છે કે કેમ તે જોવા માટે ‘ત્રિવેણી’ની ભૂગોળથી પરિચિત એવો પવાર, પગથિયાં ઉતરી નીચે ગયો હશે, ત્યારે મહેન્દ્રપાલ સિંગે સાફ-સફાઈથી માંડીને, તપેલીમાંનું દૂધ ગટગટાવી જવા સહિતના, બાકીના કામ પૂરા કર્યા હશે !” માથુરે કહ્યું.
“પછી?” સોનીએ હસતાં હસતાં બે કાન પકડાતા પૂછ્યું.
માથુરે આગળ ચલાવ્યું,” _પાવર સપ્લાય ઑન થતાં જ વિજયની લાશ સાથે લિફ્ટ ખાલી નીચે પહોંચી. દરમિયાન મહેન્દ્રપાલ સિંગ ઉપર રહ્યો અને પવાર ગ્રાઉન્ડ ફ્લોર પર; નીચે લિફ્ટના દરવાજે તેની રાહ જોતો ઊભો હતો. પછી પવારે, લિફ્ટનો દરવાજો ખોલી, વિજયની લાશ એવી રીતે ગોઠવી કે જેથી તેના શરીરનો ઘૂંટણથી નીચેનો ભાગ, લિફ્ટના દરવાજામાં રહે અને બાકીનો ભાગ બહાર; પછી તેણે વિજયના હાથમાં સાડા ત્રણ રૂપિયા મૂકી દીધા! પછી વિજયની હત્યાની પળે, તે નીચે પડવાથી, પછડાટને કારણે બંધ થઇ ગયેલી કાંડા ઘડિયાળમાં સમય ૫.૩૦ પર સેટ કરી દીધો. આ કામ જો તેમણે ના કર્યું હોત તો આપણને ખૂનનો ચોક્કસ સમય મળી ગયો હોત! અને તેમ ના થાય એવું તેઓ ઇચ્છતા હતા. ખેર, ત્યાર પછી પાછા વળતા પવારે પોતાના ઘરેથી, એ ગ્રાઉન્ડ ફ્લોર પંચખૂણિયા ફ્લૅટમાંથી; એક ફ્યૂઝડ્ બલ્બ અને એક દીવાની ચીમની લઈ લીધી. અને ઝપાટાબંધ ઉપર આવ્યો! વિજયના ઘરે પહોંચી પવારે, પોતાને ઘરેથી લઇ આવેલ, દીવાની ચીમની, જરા વધારે પડતું ડહાપણ વાપરી- બરાબર સાફ ચોખ્ખી ચણાંક કરી – દીવા પર લગાવી દીધી! બાકીનું કામ તેઓએ બૅટરીના અજવાળે કર્યું હશે, કારણકે દીવામાં કેરોસીન નાંખી, ફરી સળગાવવાનો સમય તેમની પાસે નહોતો. આપણે જોયેલી પેલી દીવાની ચોખ્ખી ચીમની, મારી આ વાતની સાક્ષી પૂરે છે. ત્યાર પછી બંનેએ ફરી કટકાથી ઓરડામાં પડેલું લોહી-કેરોસીન તથા ફ્લૅટથી લિફ્ટ સુધી પડેલા લોહીના ટીપાં સાફ કરી નાંખ્યાં. અને છેલ્લે રસોડામાંનો ચાલુ બલ્બ કાઢી, ફ્યૂઝ્ડ બલ્બ લગાવી દીધો…”
“પણ, આ બધું શા માટે સર?” હનીફ પોતાની અકળામણ છુપાવી ના શક્યો.
—-*—–
( ક્રમશઃ )
મારા પ્રિય વાચક મિત્રો!
અંત તરફ આગળ વધી રહેલી આ રહસ્યકથાનો હવે પછીનો હપ્તો _તા.૨૯/૦૩/૨૦૦૯ના રોજ પ્રકરણ – ૨૪ પ્રકાશિત થશે.
your story is soooo good ,i start for some minits but it con’t stop till last point.have a nice new year and happy diwali ..to u and yours be loved.