કંટેન્ટ પર જાઓ

ખુશી

28/07/2018

આ ત્રણ ચહેરોએ મારું દિલ જીતી લીધું. એકને હું ક્યારેય રૂબરૂ મળ્યો નથી. પણ દસેક દિવસમાં બે વાર મળવું થયું. પહેલા મારા સાહિત્યરસિક મિત્રો ડૉ.બ્રિજેશ સરનાં અને ત્યારબાદ ડૉ. આશિષ સરનાં સ્ટેટ્સ પર.

એનો રેંક ત્રીજો છે પણ એની ખુશી એવી કે જાણે પ્રથમ રેંક મેળવ્યો હોય! કદાચ એ તબક્કે એણે એવું અને એટલું બધું મેળવ્યું હોવાનું અનુભવ્યું ને વ્યક્ત કર્યું કે જાણે એ સિદ્ધિનાં સર્વોચ્ચ શિખર પર બેઠો હોય! એ અને માત્ર એ! જેમાં પોતાની મર્યાદામાં રહી, પોતે કરેલ તમામ પ્રયાસ બાદની શ્રેષ્ઠતમ ઉપલબ્ધિ!! અભિવ્યક્તિય અંતરતમ દિલથી. એવી કે પોતે જ્યાં છે ત્યાં તે જ સૌથી ઉપર છે! પોતાની ઉપલબ્ધિને હરખના પહાડની ટોચ પર મૂકી તે ઊભો છે, જાણે ગોવર્ધન ઊંચક્યો હોય! એની અસર કેવી જોરદાર છે કે પ્રથમ ક્રમ પર વિજેતા પણ એવું વિચારે કે મેં શું ગુમાવ્યું!? આ ફોટોગ્રાફમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ માસૂમ બાળકનાં મનોભાવ વધુ બોલકા બન્યા છે જેથી કદાચ ત્રીજા ક્રમે રહેલ ખુશી મને વધુ સ્પર્શી ગઈ. ક્રોએશિયા હાર્યું પણ બધાનું દિલ જીતીને ગયું. એ દેશનાં વડાએ દુનિયાભરનાં લોકો ને અને ખાસ તો નેતાઓને શીખવા જેવી ખેલદિલીની ભાવના દેખાડી. તેમના સ્મિતમાં એક પોતીકાપણું ઝળકતું દુનિયાએ જોયું. કદાચ એ ટીમ માટે સહાનુભૂતિ એટલા માટે થઈ કે તેમણે રમતમાં શ્રેષ્ઠ પ્રયાસ કર્યો સાથે એટલી જ ખેલદિલી દેખાડી! મને યાદ આવે છે ક્યાંક શ્રી કૃષ્ણકાંત ઉનડકટ સરએ લખ્યું છે કે તમે ક્યારેક કોઈને દિલથી લાઈક કર્યું છે? જો કરો તો દિલથી કરો. સામે ફિલ થવું જોઈએ. એફબી પર મુશ્કેલ છે. મારા માટે હંમેશ એવું શક્ય નથી. જોરદાર ફોટોગ્રાફ્સ માટે હું એ અનામ ફોટોગ્રાફર મિત્રને સલામ કરું છું અને બંને ડૉકટર મિત્રોનો શેર કરવા બદલ આભાર.

હવે વાત બીજા છોકરાની. એ મને સિક્કિમમાં મળી ગયેલો. હોટેલ નોર્બુલિંકા પરના અમારા રોકાણના બીજા દિવસની સાંજે. અમે સાઇટ સીઇંગ કરી પરત આવ્યા ત્યારે એ રમતો હતો. એકલો એકલો. મને થયું હોટેલના માલિકનો દીકરો હશે. અમે આવ્યા અને તે તરત રમત છોડી બેગ લેવા માટે ઊભો રહી ગયો. ‘બેગ?’ એવા પ્રશ્ન સાથે એનું આવેલું મીઠડું સ્મિત! ને હું થંભી ગયો.મારા અભ્યાસથી લઈ તેના શાળા બાબતના સવાલોનો તે ફટાફટ સસ્મિત જવાબ આપતો ગયો. વાત વાતમાં ખબર પડી કે એતો હોટેલમાં રૂમ સર્વિસ આપનાર સેવકનો દીકરો હતો. એનું નામ? કદાચ નીતિન! ઠીક યાદ નથી. નાનકડી પાંચ મિનિટની મુલાકાત પછી હોટેલના ડાઇનિંગ રૂમમાં હું જમતો હતો ત્યાં મેં પડખેથી ધીમો અવાજ સાંભળ્યો_
‘સર, રોટી લાઉં?’
‘નહીં’!;
‘સ્વીટ?’
‘નહીં..’
‘એક તો લિજીયે?અચ્છી હૈ’
‘ચલો, રખ દો! આપ બોલતા હૈ તો ખા લેતા હૂં!’
મેં એનું દિલ રાખી લીધું અને ફરી પેલું તરોતાજા સ્મિત! એ તરોતાજા સ્મિત એના પિતા જેવું જ હતું! જેમાં પ્રેમ, સેવાભાવ, આદરભાવ સાથે સૌને પોતીકા કરી લેવાની તાકાત હતી. મને યાદ છે. પત્ની મીના અને કલ્પના મેડમે તે દિવસે આગ્રહપૂર્વક રસોડામાં જઇ જાતે મસાલા ખીચડી તૈયાર કરાવડાવી હતી. નીતિન અને તેના પિતા બંને ઉત્સાહ અને કૈંક દિલી ખુશીથી અમને પીરસી રહ્યા હતા.ભોજન બાદ અમે રૂમમાં જતા રહ્યા. અમારે બીજે દિવસે નાથુલા જવાનું હતું. તે દિવસે હોટલ ખાલી જ હતી. અમે ફક્ત સાત પ્રવાસી હતા ને રાત્રે વરસાદ બરાબર જામ્યો હતો. રાત્રિના 10.00 થયા હશે હું અમસ્તો જ પૅસેજમાં સોફા પર બેઠો હતો. બૌદ્ધ શૈલીમાં શણગારેલી દિવાલ અને હળવા ધીમા અવાજમાં વાગતા મંત્રોચ્ચાર મનને ગજબની શાંતિ અર્પતા હતા. હું એ ભીંતચિત્રોમાં ખોવાયેલો હતો. સમાંતરે રાત્રીના અંધકારમાં વરસાદી સંગીતનો રણકાર વાતાવરણમાં રોમાંચ અને રહસ્ય જગાવતા હતા.
‘અરે સર! આપ યહાઁ બૈઠે હૈ?’ અચાનક બાજુમાં આવી ઊભેલા નીતિને મને ચોંકાવી દીધો! તે હસતો હસતો હાથમાં ચાવી ફેરવી રહ્યો હતો. ફરી એજ ખુશી છલકાવતું હાસ્ય!
‘મેરી જાન લોગે ક્યા?’
‘મરે આપ કે દુશ્મન સર!’
‘ ઔર આપ? ઇતની રાત કો? કહાઁ?’
‘ટેરેસ કા દરવાજા બંધ કરને’
‘બૈઠો’
‘નહીં, પહેલે કામ!આપ કો કુછ ચાહિયે?’ તેણે સસ્મિત ચાવી ફેરવતા પૂછ્યું.
‘નહીં’
તે બેફિક્ર ગીત ગુનગુનાવતો સીડી ચઢી ગયો. દરવાજો બંધ થયો ને વરસાદી પાણીમાં પલળી આવ્યો. ફરી ચાવી આંગળીઓ વચ્ચે નચાવતો. મારી પાસે ઊભો રહ્યો.’કિતને બજે સોતે હો?’ મેં પૂછ્યું.
’11 બજ જાતે હૈ! હૉમ વર્ક કરને કે બાદ’
‘ઓહ! સુબહ સ્કૂલ જાને સે પહેલે મિલતેં હૈ! એક ફોટો તો બનતી હૈ!…આપ કે સાથ’
‘જી, મિલતેં હૈ સુબહ!’ કહી હજી કશું પૂછું તે પહેલાં ફરી ચાવી રમાડતો તે ચાલ્યો ગયો.ફરી એજ ચમકદાર સ્મિત!’
હું સોફા પર જડાયેલો રહ્યો. તેના વિશે વિચારતો રહ્યો

જોકે કમનસીબે તે મને સવારે ન મળ્યો. મને વસવસો હતો પણ મારો ફ્રેન્ડ, ફોટોગ્રાફર અને ગાઇડને દેવને સવારે એ મળ્યો હતો. એ જ છલોછલ છલકાતી ખુશી સાથે. ચબરાક દેવએ એ મૉમેન્ટ ઝડપી લીધી અને મને પહોંચાડી. એટલે મનેય આનંદ.
પણ તેની ખુશી અદ્દલ તેના પિતા જેવી જ હતી! બલ્કે એથીય વિશેષ હશે! જાણે દુનિયાનું બધું જ સુખ તેમની પાસે હતું! જાણે ખુશીનો નશો ચઢ્યો હોય, ને હું પણ એમાંથી બાકાત નહોતો ! સિક્કિમથી પરત આવી,
સ્ટેટ્સમાં સમય મળ્યે કશુંક લખીશ એવું વિચારી નીતિન અને તેના પિતાનો ફોટો સાચવી રાખ્યો હતો. આ ત્રીજો ફોટો મળ્યો ને ખુશી દિલથી અવતરી અને આ રહી તમારી સામે!

આપણી પાસે જે છે. જેટલું છે, બસ!તેનો આનંદ માણવો. જેટલું અને જેવું મળ્યું છે કે મેળવ્યું તે બીજાથી તો સવિશેષ જ છે. તો કેમ નહીં તેને ખુલ્લાં દિલથી આવકારીએ? સહૃદયી ભાવથી અભિવ્યક્ત થઈએ. જે નથી તેનો રંજ શું કામ રાખવો? ખુશી જ્યારે દિલથી વ્યક્ત થાય તો એની મજા કૈંક ઔર જ હોય! સામેની વ્યક્તિને સ્પર્શી જાય જ છે. એટલે જ કોઇ ખુશ હોવાનો કે વ્યક્ત કરવાનો ડોળ કરે તો સામેની વ્યક્તિ તરત પકડી લે છે. કોઈનો ડ્રેસ,ફોટોગ્રાફ, વાત,વિચાર,સ્મિત,ચહેરો…વિ. અનેક વાતે જો તમારો માંહ્યલો ખરેખર રાજી થયો હોય તો બેબાકીથી વ્યક્ત કરવું એનાથી તમે ખુશી જ વહેંચો છો!

કદાચ સિક્કિમ આવી જ ઉર્જાસભર લીલીછમ ખુશીઓનાં વાદળોથી ઘેરાયેલું છે એટલે જ કાંચનજંગા શિખર સોનેરી રંગથી ચમકતું રહ્યું છે.
એ ત્રણ ચહેરાઓ સતત મારી આંખ આગળ તરવરી રહ્યા છે. આ ત્રણેય ગુરુઓએ મને ખુશ રહેવાનો મંત્ર આપ્યો. એ ઋણ સ્વીકાર સાથે આભાર. વંદન ત્રણેયની જીંદાદિલીને! બાકી તમારે દુઃખ કે અભાવની પીડા લઈને જ જીવવું હોય તો હું રોકવાવાળો કોણ? તમારો એ પ્રથમ ક્રમ તમને મુબારક!*સૌને ચારે દિશામાંથી ખુશી પ્રાપ્ત થાય એવી અભ્યર્થના*

ટિપ્પણી આપો

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.