કંટેન્ટ પર જાઓ

એમ.એસ. ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી

11/10/2016

ફિલ્મ ટ્રેલર ‘રુસ્તમ’ જોવા ગયો ત્યારે જ નક્કી કરી લીધું હતું કે આ ફિલ્મ જોવી. આ રહ્યાં તેના કારણો…

  • જે તે ફિલ્મ જોવાનું હું અલગ અલગ કારણે પસંદ કરું છું. ક્યારેક હિરોઈન/હીરો ગમતા હોય તો, તો ક્યારેક તેના દિગ્દર્શક; ક્યારેક સ્ટોરી જાણતી હોય તો કે પછી એનો પ્રોમો દમદાર લાગ્યો હોય તો (કહાની- મેં પ્રોમોને આધારે જોઈ હતી) તો ક્યારેક સારા ફિલ્મ ક્રિટીક્સનો રિવ્યૂ વાંચીને જાઉ. ‘એમ.એસ. ધોની’ની પસંદગી ત્રણ કારણથી. એક તો એ મારા પ્રિય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનાં જીવનચરિત્ર પર આધારિત હતી. બીજું તેનો પ્રોમો મને ‘રુસ્તમ’ જોવા ગયો ત્યારે ગમ્યો હતો. ધોનીની જેમ ફિલ્મ ચાલશે એવું ત્યારે વિચારેલું. ત્રીજું મને ગમતાં રાઈટર-દિગ્દર્શક નીરજ પાંડે! જેમને ખાતે ‘સ્પેશ્યલ ૨૬’, ‘બેબી’, અને એવોર્ડ વિનિંગ મજબૂત સ્ટોરી સ્ક્રીપ્ટ અને એકપણ ગીત વિનાની ગતિમય ફિલ્મ ‘વૅડન્સ-ડે’ જેવી ફિલ્મ બોલતી હોય તો તેમની ફિલ્મ અવશ્ય જોવી રહી. આ મારું સાદું ગણિત!
  • એક ખાસ મિત્રએ કહ્યું હતું કે ભાઈ આ ફિલ્મ ના જોવાય! પણ હું મનોમન નક્કી કરી ચૂક્યો હતો. તેમાં વળી કવિ મિત્ર શ્રી કિરણસિંહ ચૌહાણનો સંદેશો આવ્યો,”મારા બંને દીકરાઓની પણ પ્રબળ માંગ છે કે પહેલા જ દિવસે જોવા જઈશું. હું પણ વિચારું છું, ચાલો સાથે માણીએ!” તેમને ત્યાં પણ ધોનીના બે નાના પણ ‘મોટા’ ફેન છે -પલ્લવ અને નમ્ર. ઘરવાળીએ તો ક્યારનું જ કહી દીધેલું હું તો આવવાની જ. ફર્સ્ટ ડે જ જોવું એવું કંઈ નહીં પણ ગોઠવણ થઈ ગઈ. કવિશ્રીએ ટિકિટ લઈ લીધી એટલે ઔર સરળ થઈ ગયું. ને મેરી તો નિકલ પડી..એક અદભુત નાટક ‘મંછા’ના કલાકાર મિત્ર શ્રી પરેશભાઈ વોરાએ, એમ તો ‘પાર્ચ્ડ’ ચૂકી ના જવાય એવું સપ્રેમ આગ્રહપૂર્વક સૂચવેલું. તેમની માફી સાથે_ હું લાચાર હતો! હવે ‘પાર્ચ્ડ’ ક્રોમકાસ્ટથી ઘરનાં હોમ થિયેટરમાં જોઈશ!
  • ફિલ્મ ધોની બાયોગ્રાફી પર આધારિત હોય, તેમાંય જો “અનટોલ્ડ’ સ્ટોરી હોય તો અચૂક જોવાનું મન થાય.
  • ભારતીય ટીમનાં કે અન્ય ટીમના સારા પ્લેયર મને ગમતા રહ્યાં છે. તેમાંય વિશ્વનાથ, સચિન, સેહવાગ, રાહુલ દ્રવિડ, અઝહર, ગાંગુલી, વિરાટ,રણતુંગા, વિવિયન. મને આ કોઈ પણ પ્લેયરની મેન્ટલ ટફનેશ હંમેશા આકર્ષિત કરતી રહી છે. કુંબલે મને તેની સ્પીડ મિશ્રિત સ્પિન માટે ગમે, પણ વેસ્ટ ઈ. સામેની ટેસ્ટ સિરીઝમાં(કદાચ ૨૦૦૨) જ્યારે તૂટેલા જડબાં સાથે પાટો બાંધી, તેણે બોલિંગ કરી ત્યારે જેટલો રુંવાડા ઊભા થઈ ગયા! રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ મેળવનાર ભારતની સ્ટાર બેડમિન્ટન પ્લેયર પીવી સિંધૂ આખર સુધી ગોલ્ડ માટે લડી. ભલે સિલ્વર મેડલ મળ્યો પણ બધા ખુશ હતા. કારણ કે તેણે ૧૦૦ ટકા આપ્યા હતા. સારા પ્લેયર આપણને જિદગીની લડાઈમાં આગળ વધવા પ્રોત્સાહિત કરે. ધોનીની આવી છેલ્લે સુધી પરિણામ પોતાને પક્ષે ના થાય ત્યાં સુધી લડી લેવાની તાકાતથી હું કાયમ અભિભૂત થયો છું. એક તરફ ૧૨૫ કરોડ લોકોની અપેક્ષા અને બીજી તરફ એકલપંડે લડવાનું  હોય…ટેન્સ તો થવાય જ સાહેબ!.
  • મને જાણવામાં રસ હતો કે રાંચી જેવા શહેરમાંથી આ ખેલાડી કેટલા અને કેવા સંઘર્ષ કરી આગળ પહોચ્યો હતો? દેશના અગ્ર હરોળનાં મોટા ખેલાડીને લીડ કરવાની તાકાત ધરાવતો હોય તો એ ક્ષમતા કોણે પારખી!? તેય સફળતાપૂર્વક! કોણે આ ખેલાડીને શોધ્યો? તેને આગળ લાવવા તેના પહેલા કોચથી માંડી અન્ય કોચની શું ભૂમિકા હતી? ખાસ તો પડદા પાછળની વાતો..
  • ધોનીની કરેલ સંઘર્ષની સાથોસાથ વાત જાણવી હતી તેના શાંત, નિશ્ચલ, અડગ મન વિષે! કુતૂહલ હતું કે એ અચલ ,નમ્ર, શીતલ સ્વભાવ-દિમાગ પાછળનું રહસ્ય શું? એ જ્ન્મદત્ત હતું કે પરિસ્થતિ નિર્મિત? કે પછી એણે એ રીતે પોતાને ઢાળ્યો હતો? ઉચાટ ભરી વિકટ પરિસ્થિતિમાં તે કેવી રીતે પોતાને સ્વસ્થ કેવી રીતે રાખી શકે છે? ગજબના ચકરાવે ચઢી જાવ, તેવા નિર્ણયો લે છે. કેમ? કેવી રીતે? વિશ્વકપ જેવી અત્યંત મહત્વની સ્પર્ધામાં, ટીમ મુશ્કેલ સ્થિતિમાં હોય તો બેટિંગ ઓર્ડરમાં કોણ પોતાને પ્રમોટ સાહસ કરે? તેય એ દેશમાં કે જેના ક્રિકેટપ્રેમીઓને વિજયથી ઓછું બીજું કશુય ખપતું ના હોય! જ્યાં ગમે તે ઉચ્ચ દરજ્જાના ખેલાડીને પણ તેની અગાઉની ઉપલબ્ધિ ભૂલી, પહેલા મીડિયાને પછી ચાહકો જરાય બક્ષતા નથી! આમ તો લાંબા સમયથી હું ક્રિકેટ બહુ પ્રમાણમાં જોઉં છું. અગત્યની ટુર્નામેન્ટ કે ગમતાં ખેલાડીની રમત છોડી હવે ક્રિકેટ જોવાનું ઓછું કરી દીધું છે. ને સ્ટેડિયમમાં જોવાનો લ્હાવો હજી મળ્યો કે લીધો નથી. પણ ટીવીના સ્ક્રીન મેં જયારે ધોનીને જોયો છે ત્યારે મને તેની શાંતતા-ત્વરિત નિર્ણયશકિત-સ્પર્શી જાય છે. હું આશ્ચર્યમાં પડી જાઉ એટલો શાંત? છેલ્લા બોલ સુધી ધીરજ આ ખેલાડી કેવી રીતે રાખી શકતો હશે? ઉચાટ તો એનેય થતો જ હશે? એ કેવી રીતે ગેમ રીડ કરે? કેવા અને કેટલા કડવા નિર્ણયો લેવા પડે? શા માટે? અને સૌથી મોટી વાત જ્યારે ઈચ્છિત ધ્યેય પ્રાપ્ત થાય ત્યારે તે સૌથી પાછળ હોય, ખ્યાતિ ખેવના વિના!! વર્લ્ડકપના એ આખરી સિક્સ પછીની તેની સ્થિર, લક્ષ્યવેધી આંખો! ઘણું બધું જાણવું હતું. કદાચ આ ફિલ્મ જોવાથી મારું કુતૂહલ શમે એવી આશા ય ખરી.
  • મને લાગે છે ત્યાં સુધી એ ‘બોર્ન જીનિયસ’ હતો. સચિનની જેમ! પણ મેં સચિનની જેમ તેને નખ કરડતા નથી જોયો! કોઈ કામ તેને મન નાનું નહોતું. રમત માટે કે પોતાના ધ્યેય માટે એ ગમે તે જગ્યાએ રહેવા કે સંઘર્ષ કરવા પ્રતિબદ્ધ હતો. પિતાજીની અત્યંત જરૂરી ઈચ્છા વિરુદ્ધ કે મેદાન પર કોચની મરજી વિરુદ્ધ જવા માટે એનું મન કેટલું અને કેવું ઉપરનીચે થયું હશે? સહેલું અને સરળ લાગે તે કામને ઠોકર મારતા તે અચકાતો નથી. રેલ્વેની ટીસીની નોકરી છોડી એક અડગ નિશ્ચય સાથે! પ્રબળ કુટુંબભાવના તેને હૈયે ખરી જ. પોતાના પિતાજીને કહે છે એક વર્ષ મને આપો, હું કરીને બતાવીશ, નહીં તો તમે કહો તે કરીશ! મતલબ, નિર્ણયો લેતા પહેલા એ બધાને સાથે લેવાનું એના લોહીમાં હતું. યાદ આવે છે ઓસ્ટ્રેલિયા સામે સહેવાગ સાથે મળી એક ઓવર ઇશાંત પાસે કરાવેલી…અને પોન્ટિંગ પેવેલિયનમાં!
  • ફિલ્મનું એક દૃશ્ય જે મને અને કવિમિત્ર કિરણસિહ ચૌહાણને પણ એટલું જ ગમ્યું. કુચબિહાર ટ્રોફીમાં પંજાબ સામેની મેચમાં યુવરાજના પ્રભાવમાં ટીમ કેવી રીતે હારે છે, એનું ધોનીનું પોતીકું વિશ્લેષણ! ગજબનું હતું! પ્રભાવી રીતે ફિલ્માવાયેલું છે! એ સમયે ફિલ્મમાં દર્શાવ્યા મુજ્બ ખ્યાલ આવે કે જયારે તેની ટીમના અન્ય ખેલાડી યુવીને ધ્યાનથી જોવામાં ખોવાયેલા( ક્યા પ્લેયર હૈ!) અને પ્રભાવમાં આવી ગયેલા ત્યારે એ યુવીને નજરઅંદાજ કરતો, ચાર ડગલાં આગળ ઊભેલો દર્શાવ્યો હતો! આમ,એ કોઈના/સામેની ટીમના પ્રભાવમાં પહેલેથી જ ન આવવાવાળો બેબાક ખેલાડી છે!
  • ફિલ્મ જોઈ ત્યારે ખબર પડી કે ધોની જન્મ સમયે જ ક્યાંય બીજા ઘરે જ પહોંચી ગયો હોત! પિતા પાનસિંગ પંપ ઓપરેટર હતા, કે જેને અન્ય મધ્યમ વર્ગીય પરિવારના વડીલોની જેમ પોતાના બાળકોના સુરક્ષિત ભવિષ્યની ચિંતા હોય જ!
  • મને ખબર નહોતી કે સ્કૂલ લેવલે કોઈ બીજો છોકરો વિકેટકીપર તૈયાર ના થયો ત્યારે કોચ બેનરજી ગોલકીપર માહીને ક્રિકેટમાં ખેંચી લાવ્યા, ગોલકીપર ધોની તો ક્રિકેટ દડાથી ગભરાતો નહોતો પણ તેણે એ ‘છોટા બોલ’ લાગતો હતો! સરકારી નોકરી ઈચ્છાતા પિતાને, બહેન-માની મદદથી, ‘મહી’ને સપોર્ટ આપવા સમજાવી લે છે! એ મને નહોતી ખબર! તેને હેલિકોપ્ટર શોટ સમોસાને બદલે સંતોષે શિખવેલ, એ પણ નહોતી ખબર. તેની જિદગીમાં સાક્ષી સિવાય પણ કોઈ હતું? ફિલ્મને હિસાબે હતું. પ્રિયંકા! હું તો નહોતો જાણતો. ૩ કલાકનું પેપર ૨.૩૦ કલાકમાં લખી, પેસેન્જર ટ્રેન પકડી પ્રેકટીસ માટે દોડવાનું ઝનૂન અજબ હતું! મેદાન પરની તેની ચુસ્તી-સ્ફૂર્તિ-રનીંગ પાછળ આવા પરિબળો જ તો કારણભૂત નહીં હોય?! પિતાને રાત્રે પીચને પાણી આપતા જુએ ને તે જિંદગીમાં આગળ ઉપર જવાનું મનોમન વિચારે છે. મને નહોતી ખબર કે તેને મિત્રોનો સહકાર કેવો ગજબનો હતો! કોચ બેનરજી કે કપ્તાન ગાંગુલીના તેની ઉપરના અતૂટ વિશ્વાસની વાત થોડી જાણીતી! પણ ક્યારેક ઝોનવાદનાં દબાવમાં ખોટા સિલેક્શનને કરી કારણે વિવાદમાં રહેતી, પસંદગી સમિતિ, હંમેશા ભૂલ નથી કરતી. ઘણીવાર સારા નિર્ણય પણ લે છે. થેન્ક્સ ટુ કિરણ મોરે! જેના ભગવાનજી સચિન હોય! તે સ્કૂલ ક્રિકેટ દરમિયાન રમતા કૈં કેટલાને મેદાન સુધી ખેંચી જતો, આજે જ ખેંચી જ રહ્યો છે!…‘મહી માર રહા હૈ!’ એજ મેદાન, એજ સ્કૂલ જ્યાં તે રમ્યો છે જોવું તો રહ્યું.
  • એ ‘થોડે સે મેં ખુશ થવા વાળો થોડો હતો’ પહેલેથી જ ‘ટ્રાય કરવી હોય તો હમી કર લેગે’ના ઝનૂનવાળો! ‘નબળી ટીમ’ સાથે રમવું એને ગમતું નથી. હક્કથી સ્ટ્રાઈક લેવાવાળો; કહો કે તેનો આત્મવિશ્વાસ કેવો ગજબનો! જેનાથી એ વારંવાર જીત્યો છે અને આપણને ખુશ કરતો રહ્યો છે!
  • મલદે સૂરજ કે મોં પર મલાઇ, બેસબ્રિયાં, પથ્થર કે સબ રાસ્તે, પરવા નહીં, જાગીર તેરી તેરા ખજાના જાયે વહી લે જાયે જહાં… કદમો પે તેરે બાદલ ઝૂકેગે.. (સ્મૃતિ આધારિત) ગણગણવાનું ગમે એવા ગીતો છે.
  • કદાચ ફિલ્મ થોડી ટૂંકી હોત તો સારું થાત, કેટલીક જાણીતી વાતોને વિવાદની વાતો ફિલ્મમાં આવરી લીધી નથી. તો સાથે દિગ્દર્શકની બ્રેક પછી સહેજ પકડ ઢીલી પડી હોવાનું મને લાગ્યું. પણ ધોનીના તમે ચાહક ના હો તો પણ એકવાર નિહાળો તો કશું ખોટું નથી_ચોક્કસ!
  • સુશાંત સિંગ ધોનીના પાત્રમાં ઓતપ્રોત અનુભવાયો. તેની ચાલઢાલમાં કે બોડી લેંગ્વેજમાં, ધોનીની ખૂબ નજીક રહ્યો હોવાનું મને લાગ્યું. મહેનત તો તેણે ધોની બનવા કરી જ છે! અનુપમ ખેર જાનદાર. શાળા કોચ તરીકે રાકેશ શર્મા અને અધિકારી તરીકે કુમુદ મિશ્રા પણ પ્રભાવી રહ્યા.
  • આકરા અને કડક નિર્ણય લેવા ઘરને મામલે કદાચ અચકાયો હશે પણ જ્યારે જિદગી બદલવાની વાત હોય, મેદાન પરની વાત હોય કે કારકિર્દીની વાત હોય તો એ હિમતભર્યો નિર્ણય લે છે. જેઓ ક્રિકેટમાં પોતાની કારકિર્દી બનાવવા ઈચ્છતા હોય તો સમજી લે કે એટલું સરળ નથી જેટલું દેખાય છે, પણ હા, જો નૈસર્ગિક રમત અને ટેલન્ટ હોય તો યા હોમ કરી પડવું. અન્યથા ઘણી બધી સારી રમતો છે, પડો યા હોમ કરીને…
  • મધ્યમ વર્ગનો એક સંઘર્ષરત પરિવારનો છોકરો ભારતીય ટીમનો સફળ કપ્તાન કેવી રીતે બન્યો? જાણવું જરૂરી હતું. ફિલ્મી સે હી સહી! એક પ્રેરણાત્મક ફિલ્મ તરીકે જોઈ શકાય! જો તમે ‘મિલ્ખાસિંઘ’ કે ‘મેરીકોમ’ જોવા જઈ શકો તો ‘એમ.એસ.ધોની’ કેમ નહીં? હવે કહો ધોની કેટલાએ જોયું?
ટિપ્પણી આપો

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.