પ્રકરણ – 8 પડછાયો
પ્રકરણ – 8 પડછાયો
——————————————————————————————————————————–
વહી ગયેલી વાર્તા : સુરત ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઇન્સપેક્ટર માથુર આસિ. ઇન્સપેક્ટર સોની સુરત શહેરનાં પોલીસ કમિશનર મહેતા સાહેબની સૂચના મુજબ ત્રિવેણી એપાર્ટમેન્ટ, મીરાંનગર, કતારગામ પહોંચે છે જ્યાં વિજય રાઘવન નામના એક શખ્સનું ખૂન થયું હોય છે. વિજય રાઘવન રસેશ ગોધાણી સાથે પાર્ટનરશીપમાં ઇન્કમટેક્સ – સેલ્સટેક્સ કન્સલ્ટન્ટ કામકાજ કરતો હોય છે. ત્રિવેણી ઍપાર્ટમૅન્ટની લિફ્ટ પાસે થયેલ ખૂન માટે ગુનેગાર શોધવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર માથુર કડીઓ, પુરાવા મેળવવા સ્થળ પર હાજર રહેલી વ્યક્તિઓની પૂછપરછ કરે છે. જે કામમાં ‘ત્રિવેણી’ ઍપાર્ટમૅન્ટનાં સેક્રેટરી મિ.શર્મા તેમને સહયોગ આપે છે…અને વિજયના ઘરમાંથી શંકાસ્પદ વસ્તુઓની ઇન્સપેક્ટર માથુર શોધ આદરે છે. ને ત્યાં તપાસ દરમિયાન તેમને એક સિગારેટનો ટુકડો – ફિલ્ટર પાર્ટ- અને તૂટેલી દીવાની ચીમનીનો કાચ મળે છે અને હનીફ સ્નિફર ડૉગ લઇ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા માથુર તેના પોતીકી સૂઝથી ગુનાની આગલી કડી સુધી પહોંચવા સતર્ક થાય છે. આ દરમિયાન તેને ઇન્સપેક્ટર સોની એક સ્પેશિયલ ટિપ ની નોંધ મૂકી વિજયની ડાયરી આપે છે. માથુરએ કાગળનાં ટૅગ હટાવી જોયું, એક કાગળની ચબરકી ઉપર ઈન્સ્પેક્ટર સોનીએ લખ્યું હતું " ૨૦ ડિસેમ્બર અને ૨૧ ડિસેમ્બર નું ડાયરીનું પાનું _!? " ને સોનીને મનોમન થાબડતા માથુર ચોકીદાર પવારની પૂછપરછ આદરે છે. પવારની પૂછપરછ દરમિયાન ગિરધારીનું નામ ખૂલે છે જે ત્રિવેણી ઍપાર્ટમૅન્ટનાં કામ કરતો હોવાની વાત મિ.શર્માએ છુપાવી હોવાની વાતથી માથુર અચંભિત રહી જાય છે. અને તેની શંકાની સોય મિ.શર્મા તરફ વળે છે. મિ.શર્મા અને પરસોત્તમ ભરવાડની પૂછ્પરછ બાદ માથુર અચાનક ત્રિવેણી એપાર્ટમેન્ટની સામે આવેલ રધુપતિભવનના નવમા માળે આવેલ ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’ ની ઑફિસની તપાસ કરવાનું વિચારે છે. પણ તે બંધ હોવાથી ત્યાંની તપાસ સોનીને સોંપી તે આગળની તપાસ માટે રસેશ ગોધાણીને મળવા જાય છે. ત્યાં રસેશ ગોધાણીની મુલાકાત દરમિયાન માથુર તેને કેટલાંક મૂંઝવણમાં મૂકી દેતા સવાલ-જવાબ કરે છે અને ગોધાણી અકળામણ અનુભવે છે અને પોલિસ પ્રોટેક્શન લેવાની ના પાડે છે દરમિયાન ત્રિવેણી એપાર્ટમેન્ટ પર સોની વૉચ ગોઠવી માથુરને જાણ કરે છે. …
ને પછી આગળ….
( પ્રકરણ-૧ – લિફટમાં ખૂન ) જો વાંચવું બાકી હોય તો અહિ કરો.
( પ્રકરણ – ૨ સિગારેટનો ટુકડો ) જો વાંચવું બાકી હોય તો અહિ કરો.
( પ્રકરણ – 3 "સ્પેશિયલ ટિપ " ) જો વાંચવું બાકી હોય તો અહિ કરો.
( પ્રકરણ- ૪ સ્કાય બ્લ્યુ કલરની બાલ્કનીવાળો ફ્લૅટ ) જો વાંચવું બાકી હોય તો અહિ કરો.
( પ્રકરણ – ૫ હત્યાનો ખોટો સમય ) જો વાંચવું બાકી હોય તો અહિ કરો.
( પ્રકરણ – ૬ ગોધાણીની અકળામણ ) જો વાંચવું બાકી હોય તો અહિ કરો.
( પ્રકરણ – ૭ પોલીસ પ્રૉટેક્શન ) જો વાંચવું બાકી હોય તો અહિ કરો.
હવે ગતાંકથી આગળ._
——————————————————————————————————————————–
પ્રકરણ – 8 પડછાયો
માથુર સાથે ચર્ચા થયા મુજબ પોતે ગોઠવેલી વૉચ અંગે તમામ વ્યક્તિની સ્થિતિ બાબતે સોની ટેવ મુજબ મનોમન ફરી આકલન કરી રહ્યો હતો. આખરે પોતાના માણસોના જાનનું પણ એમાં જોખમ રહેલું હતું. થતું હતું માથુર તેની ગણતરીમાં સાચા પડે તો સારું. ક્યારેક પૅનિક થતું આ જૉબમાં, પણ આ કામમાં રહેલું સાહસ અને રહસ્યનું તત્વ તેનો રસ આ કામમાં તેને પરોવાયેલો રાખતા હતા. બાકી આજની રાત તેણે અહિ ‘ત્રિવેણી’ એપાર્ટમેન્ટની અગાશી પર અંધારામાં કાઢવાની જરૂર શું હતી.? મસ્તીથી ઘરેડમાં જીવતાં બીજા પોલીસ ઑફિસરોની જેમ જ તે પણ ઘસઘસાટ ઊંઘતો હોત પથારીમાં! આ તો સાલ્લું ઑફિસનું કામ પણ ઘરે લઈ જવાનું …મનમાં ઘટનાઓના અંકોડા જોડાયા જ કરે તમે ના ઇરછો તોપણ !
લાગ જોઈ તે પવારની નજર ચૂકવી ‘ત્રિવેણી’ પર આવી ગયો હતો ! જ્યારે પવાર મહેન્દ્રપાલ સિંઘ પાસે રાત્રે સાડા બાર વાગ્યા થોડી વાર માટે ગયો ત્યારે! ત્યારનો તે ‘ત્રિવેણી’ એપાર્ટમેન્ટની પાણીની ટાંકી પાસે બેઠો હતો… અને બધી જંપી ગયા પછી કંઇક બનશે એની રાહ જોઈ રહ્યો હતો!
– ને તેમ બન્યું પણ ખરું !
તે વૉકી ટૉકી પર ‘રઘુપતિભવન’થી દૂર ઊભેલા હનીફને "મહેન્દ્રપાલ સિંગ" પર કડી નિગરાની રાખવાનું કહી રહ્યો હતો કે અચાનક ‘ત્રિવેણી’ એપાર્ટમેન્ટની લાઈટ ગઈ ! તેણે ત્વરાથી ઘડિયાળમાં જોયું, રેડિયમ કાંટો રાત્રિનાં ર-૩૦ દર્શાવતા હતાં. તે જલ્દીથી પોતાની પૉઝિશન પરથી ઊઠ્યો અને ઝપાટાબંધ પગથિયાં ઊતરતો પહોંચી ગયો નવમા અને દસમા માળના પગથિયાં પાસે ! પગથિયાની RCC વૉલની આડશ લઈ સંતાઈને તેણે પોતાની નજર સ્થિર કરી દીધી બરાબર લિફ્ટના દરવાજાની સામે જ વિજય રાઘવનનો ફ્લૅટ I-4 પર !
તેણે વધારે રાહ જોવાની પણ જરૂર ન પડી. થોડી વાર પછી આછા અંધારામાં તેણે જોયું કે એક પડછાયો બિલ્લીપગે વિજય રાઘવનના ફ્લૅટ તરફ સરકી રહ્યો હતો. તેની ચાલ ઝડપી હતી પણ તેમાં એક ખામોશી હતી અને સ્વસ્થતા. તેના પૅંન્ટનો કલર તો ખબર નહોતો પડતો પણ શર્ટ કાળા કલરનું હોવાનું સોનીએ અનુમાન લગાવ્યું. ત્યાં સુધીમાં તો પેલો પડછાયો વિજયના ફ્લૅટ પાસે પહોંચી ગયો હતો. તેને આશ્ચર્ય વચ્ચે તેણે ત્યાં ખૂબ હળવેથી તેણે વિજયના ફ્લૅટના દરવાજાનો આગળો હળવેથી ખોલી અંદર સરકી ગયો ! તેનું આશ્ચર્ય પામવું સ્વાભાવિક હતું કારણકે વિજયના ઘરનું તાળું તો પોતે માર્યું હતું તેના ઘરમાંથી લઈને અને તેની ચાવી પોતાની પાસે હતી.! માથુર સાહેબે જાણી જોઈ ના પાડી હતી દરવાજો સીલ કરવાની !
ક્ષણવાર માટે સોનીને થયું પણ ખરું કે માથુર સાહેબની સૂચના અવગણી પેલાને ઝડપી લઉં. પણ પછી કંઇક કાચું કપાઈ જવાના અંદેશાથી અને ઉપરીના આદેશને બિનજરૂરી ના અવગણવાની પોતાની આદતવશ તે અટકી ગયો. તેણે ઝપાટાભેર પેન્ટના સાઈડ પૉકેટમાંથી પોતાનો મોબાઇલ કાઢી તેનો કેમેરો નાઇટમૉડ પર ઍક્ટીવેટ કરી, વિજયના દરવાજા પર ફોકસ કરી દીધો.
થોડી વાર, કદાચ ત્રણ ચાર મિનિટ જ થઈ હશે કે સોનીને ફરી વિજયના ઘરના દરવાજા પાસે હળવી હલનચલન જણાય. એ દરવાજો જરા સરખો ખૂલ્યો , પેલી વ્યક્તિ આજુબાજુ જોયું. બહાર કોઈ નથી તેની ખાતરી કરી તે બહાર આવી ગયો.! સોનીએ તેના મોબાઇલ કેમેરામાં જોયું કે વિજયના ફ્લૅટના દરવાજાને તેણે હળવેથી બંધ કરી દીધો. સોનીએ તેનો ચેહરો ઓળખવાની મથામણ કરી જોઈ પણ ઝાઝું અંધારામાં ઉકેલાતું નહોતું. ત્યાં તો સોનીએ જોયું તો એ પડછાયો પોતાના ગજવામાંથી કશું કાઢી રહ્યો હતો. અને પછી સોની કશું વિચારે તે પહેલાં તો તેણે પોતાનું કામ પતાવી દીધું હતું. તે વિજયના દરવાજાને તાળું મારી રહ્યો હોય એવું જણાતું હતું ! ફરી તે નીચેની તરફ જવા, દાદર પાસે પહોંચ્યો. પછી આવ્યો હતો, એનાથી બમણી ઝડપે નીચે દાદર પરથી ઊતરવા માંડ્યો.
પેલી વ્યક્તિ માંડ એક માળ નીચે ઉતાર્યો હશે કે સોનીએ પોતાના સ્થાન પર ઊભો થઈ ગયો. તેણે નીચે દાદર પર નજર દોડાવી પેલો પડછાયો દેખાય તો તે કઈ તરફ જાય તે જોવા માટે ! પણ અંધારામાં કશું સમજી શકાતું નહોતું. પેલો પડછાયો અંધારામાં ઓગળી ગયો હતો.
પછી સોની બે ત્રણ પગથિયાં કૂદાવતો વિજયના ફ્લૅટ પાસે ગયો. મોબાઇલ ચાલુ કરી તેના આછાં અજવાળામાં દરવાજાનાં નકૂચા પર નજર નાંખી! દરવાજાને ફરી તાળું લાગી ગયું હતું ! પોતે સવારે મારેલું એ જ તાળું હતું ! ચાવી તો બે જ વ્યક્તિ પાસે હતી એક પોતાની પાસે અને બીજી મિ.શર્મા પાસે ! કૈંક વિચારતાં તેણે ગજવામાં હાથ નાંખ્યો. વિજયના ફ્લૅટની એ ચાવી પોતાની પાસે જ હતી! કોણ હશે ..? તેને થયું ..હાથ મોજાં પોતાના ગજવામાં છે ! કરી નાંખું સાહસ ! ખોલી નાંખું દરવાજો ચાલ્યો જાઉં અંદર !
છેવટે થોડી મથામણ પછી, અંદર પેલી વ્યક્તિ શું કરી આવી તે જોવાની થોડી ઇરછા તેણે માંડમાંડ રોકી !
સોની હજી તો તે આગળ કશું વિચારે તે પહેલા તો એક ઝબકારો થયો અને ‘ત્રિવેણી’ એપાર્ટમેન્ટની પૅસેજ લાઇટ ફરી ઝળહળ થઈ ઊઠી !
તે હતી એટલી તાકાત એકઠી કરી, ત્યાંથી દાદર પર થઈ ઉપરની તરફ ભાગ્યો !
અહિ કોઈની નજરમાં આવી તે વાત લંબાવવા માગતો નહોતો. બે ત્રણ પગથિયાં, કડક તાલીમ છતાં, કૂદાવતા જવાનું સહેલું નહોતું. અગાશીમાં પહોંચ્યો ત્યારે થોડો હાંફી રહ્યો હતો.
થોડા શ્વાસોશ્વાસ સ્થિર થયા. ભૂખ લાગી હતી. ગજવામાં હાથ નાંખ્યો. છેલ્લી ફાઈવ સ્ટાર પડેલી હતી. ગજવામાંથી ફાઈવ સ્ટાર કાઢી તેણે ચગળવા માંડી. ખાતા ખાતા માથુરને ફોન કરવા વિચારતો હતો. પણ માથુર સરને રિપોર્ટ આપતા પહેલા બહારની પરિસ્થિતિ શું છે તે જાણવું જરૂરી હતું…તેણે ચોકલેટ પૂરી થતાં સુધી વિચારી લીધું હતું.
થોડી વાર પછી તેણે હનીફને ઢંઢોળ્યો , "હનીફ, મહેન્દ્રપાલ સિંગનું શું સ્ટેટસ છે ? "
ઑબ્જેક્ટ ત્યાં જ છે સર! તેની ખુરશી પર જ બેઠો છે !
"તું આમતેમ નથી થયો ને ? "
"ના સર!"
"તેની કોઈક બીજું મળવા માટે આવેલું ? "
"બીજું ખાસ? "
"ના સર! પણ સર ‘ત્રિવેણી’ની લાઇટ થોડી વાર પહેલા ગયેલી અને લગભગ આઠ દસ મિનિટમાં જ પાછી આવી ગયેલી. એની પ્રૉબ્લેમ સર ? "
"નો"
"બીજું ?"
"હા સર! હમણાં પાંચેક મિનિટ પહેલા જ તે મિ.શર્મા સાથે બહાર ગયો છે. નવી નકોર મારુતિ સ્વીફ્ટમાં ! "
"ઓકે હનીફ ! હું કહું પછી તું અહીંથી હટજે… અને પવાર કે મહેન્દ્રપાલ સિંગ આમ તેમ જતા દેખાય તો મને કહેજે ." સોનીએ વાત પૂરી કરી. પછી હમણાં બનેલી ઘટનાનો ચિતાર આપવા માથુરને ફોન જોડ્યો, કારણકે સમય વેડફવો કદાચ મોંધો પડી શકે એમ હતો.
"શું ખબર છે ? " સામેથી હેલોને બદલે માથુરનો સીધો પ્રશ્ન આવ્યો.
"સર તમે સાચા હતા સર ! મારું ‘ત્રિવેણી’ એપાર્ટમેન્ટ પરનું રાત્રિ રોકાણ વ્યર્થ નથી ગયું"
"એમ ? શું થયું ? "
જવાબમાં સોનીએ માથુરને ‘ત્રિવેણી’ એપાર્ટમેન્ટ પર લાઈટ ગયા બાદ વિજય રાઘવનના ફ્લૅટ પર બનેલી તમામ હકીકત જણાવી. માથુરે એકપણ સવાલ કર્યા વિના સોનીની વાત ધ્યાનથી સાંભળી.
એકીશ્વાસે બોલી રહેલો સોનીની ‘ત્રિવેણી’ પર બનેલી પૂરી ઘટનાનો વાત સાંભળ્યા બાદ માથુરે પ્રતિભાવમાં ખૂબ હળવેથી સોનીને એટલું જ કહ્યું , "ચીમનીના કાચના અને સિગારેટના ટુકડાંવાળી પેલી પ્લાસ્ટિકની બૅગ ટી.વી શૉ કેસ પાછળ લેવા ગયેલો! બિચારો કમનસીબ ! એને ક્યાં ખબર હતી કે એ બૅગ તો ફૉરેંસિક વિભાગમાં છે! ખન્ના તપાસ માટે આપી આવ્યો છે ! "
"કોણ સર? "સોની ઉત્સુક્તાથી પૂછી બેઠો.
"એ તને પછી કહું છું. તું મને એ કહે કે પેલા પવારના શું સમાચાર છે? " માથુરે તેને ટાળી વળતો પ્રશ્ન કર્યો.
"હા સર ! પવારને હમણાં થોડી વાર પહેલા જ મિ.શર્મા ગાડીમાં બેસાડી ક્યાંક લઈ ગયા છે." સોનીએ કહ્યું.
" ગુડ! સોની તું મને એ કહે કે ‘ત્રિવેણી’ની લાઇટ ગયેલી ત્યારે મિ.શર્મા ક્યાં હતાં ખબર છે ? "
"સર! યાદવ અને હનીફ સાથે ચર્ચા થયા મુજબ મિ.શર્મા ક્યાંક બહારથી ગાડીમાં આવ્યા. પવાર સાથે કંઇક વાતો કરી અને પછી બંને કયાંક બહાર સાથે ગયા. પણ ચોક્કસ માહિતી છે કે ‘ત્રિવેણી’ની લાઇટ ગયેલી ત્યારે મિ.શર્મા ત્યાં નહોતા! "
"સર ! મને કહ્યું નહિ કે પેલી વિજયનો ઘરમાં ઘૂસેલી વ્યક્તિ કોણ હતી ?" સોનીએ ફરી અધિરાઈથી પૂછ્યું.
"એ તને કહું છું પણ તે પહેલાં તું ‘ત્રિવેણી’ એપાર્ટમેન્ટ પરથી હટી જા. ઘરે જા, અને આરામ કર ! કાલે સવારે આપણે મળીશું ! ત્યારે વધારે વાત કરીશ. તું પેલો પવાર મિ. શર્મા સાથે બહારથી આવે તે પહેલાં ભાગ ! જરૂર પડે તો ફનીફ અને યાદવને બોલાવજે ! ‘રઘુપતિભવન’ પર બેઠેલા "મહેન્દ્રપાલ સિંગનું ધ્યાન હટાવવા ! ઝડપ રાખજે. હવે કોઈ વિજયના ઘરે આવવાનું નથી !"
"જી સર ! " કહી ફોન કટ કરવા જતો હતો કે સહસા કૈંક યાદ આવી જતાં સહસા તે ફરી હળવેથી ફોન પર ઉતાવળે બોલી ઊઠ્યો , "સર..સર..! એક મિનિટ હું તમને એક વાત કહેવાનું તો ભૂલી જ ગયો.!"
"શું ?"
" સર ! પેલા ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’ ના પ્રશાંત જાદવ ‘રઘુપતિભવન’ ખાતેની પોતાની ઑફિસ ખોલીને બેઠેલા છે . હજી લાઈટ સળગે છે.! "
"શું ? અત્યારે પ્રશાંત જાદવ ત્યાં છે ?! ‘રઘુપતિભવન’ આ સમયે એ શું કરી રહ્યો છે.? " માથુરને ન સમજાયેલા હોય એવા પ્રશ્નો તેને જ ઉકેલવા દેવાનું વિચારતો, સોની ‘ત્રિવેણી’ એપાર્ટમેન્ટના દાદર તરફ હળવા પગલે પહોંચ્યો અને હનીફને બેક અપ માટે બોલાવી ‘ત્રિવેણી’ એપાર્ટમેન્ટ છોડવા નીચે ઉતરી ગયો.
—-*—–
( ક્રમશઃ )
વધુ આવતાં અંકે…… ( પ્રિય વાચક મિત્રો __તા.૧૧/૧૨/૨૦૦૮ના રોજ પ્રકરણ – ૯ પ્રકાશિત થશે.)
Trackbacks & Pingbacks