કંટેન્ટ પર જાઓ

મારી નવલકથાની ઉઠાંતરીનો કેસ આખરે ઉકેલાયો…

15/07/2018

થોડા દિવસ પહેલા મારે એક પોસ્ટ મૂકવી પડેલી. કારણ મોટું હતું મૌલિક લેખન સાહિત્ય ચોરીનું…મારી થ્રિલર “ઇન્ફોર્મર” દોસ્ત દીપેશ શાહ નામના શખ્સએ સીધી મારા બ્લોગ https://kcpatel.wordpress.com ઉપરથી ઉઠાંતરી કરી https://medium.com પર પોતાને નામે ચઢાવી દીધી હતી!

અગાઉ એફબી, twitter અને મારા બ્લોગ ‘શબ્દસ્પર્શ’ ઉપર પણ આ વાત મિત્રોને જણાવી ચૂક્યો છું.

મેં એ સંદર્ભએ ભાઈ શ્રી દીપેશને મેસેજ કરી સત્વરે એ ચોરીચખારી બંધ કરી, પોતાના નામે કરેલી મારી નવલકથા સપ્રેમ હટાવી લેવા વિનંતિ કરી. એ ભાઈએ મારી વિજ્ઞપ્તિ અવગણી. ઉપરથી વટથી એ ચોરેલું સાહિત્ય ત્યાં રહેવા દીધું. એટલે મારે નછૂટકે એફબી ઉપર લખવું પડ્યું. જે સાચું કહું તો મને ગમ્યું નહોતું. જાહેરમાં કોઇ વિષે આમતેમ લખવું મને વધુ ગમતું નથી. સવાલ ફક્ત મારા મૌલિક લેખનકાર્યનાં ન્યાયનો હતો.

એક બીજી વાત હું ખાસ નોંધીશ કે સામાન્ય રીતે હું કોઈને ટૅગ કરતો નથી. મને તેમ કરવું બહુ યોગ્ય લાગતું નથી.. હા, ક્યારેક પત્નીને ટૅગ કરું કે ક્યારેક દીકરા/દીકરીને. વધારેમાં ક્યારેક જ_ તેઓના એક બે મિત્રને કે કોઇક સંબંધીને ટૅગ કરું. એ જે તે પોસ્ટના વિષય પર નિર્ભર હોય.
દિલી માફી સાથે જણાવું તો મેં ઉપરોક્ત ચોરી કેસની પોસ્ટમાં કેટલાક મિત્રોને સકારણ ટૅગ કર્યા હતા. જેમાં લેખક મિત્રો અને સ્વજનોય ખરા. એક કારણ એવું હતું કે મારી વાત વધારે લોકો સુધી પહોંચે અને છેવટે તમામમાં કોઇક એવો કૉમન મિત્ર મળી જાય જે મારી વાત બિનધાસ્ત બની મારી ઠેકડી ઉડાવી રહેલ દીપેશભાઇને પહોચાડે. બીજું સમાંતરે અન્ય લેખક મિત્રો પણ વધુ સાવચેત થાય . કવિ મિત્ર કિરણસિંહ ચૌહાણને અહીં જાણીને અધિકારપૂર્વક ટૅગ કરેલા. એક તેઓશ્રી શરૂઆતથી જ મારાં લેખનકાર્ય સાથે જોડાયેલાં રહ્યાં છે. માર્ગદર્શક અને મિત્ર તો ખરા જ તો સાથોસાથ મારા પ્રકાશક! એટલે એમને અધિકારપૂર્વક ટૅગ કરી શકું એવુંય મનમાં ખરું! તે પછી મેં વ્યક્તિગત રીતે તેમની અલગથી માફી માંગી લીધી. છતાં આજે અહીં આપ સૌની સાથે તેમનીય ફરી માફી માગું છું.

મેં પોસ્ટ મૂકી. બ્લોગ ઉપર લખ્યું. ટ્વિટ કર્યું. ને પછી પરિણામ મળ્યું પણ ખરું પણ અધરું. સંદેશો પહોંચ્યો દીપેશભાઇ સુધી! તેમણે મને-medium-ઉપર બ્લૉક કર્યો!! અને મને થોડી હાશ થઇ!!

મારું સુભાગ્ય કે હું ઝાઝો આપ સૌ મિત્રોના સંપર્કમાં રહેતો ન હોવા છતાં આપ તમામ મિત્રો મારી પડખે રહ્યાં. જેમાં મારાં પ્રકાશક મિત્રો, લોકપ્રિય ને વિદ્વાન લેખકમિત્રો, સાહિત્યકારો, પત્રકારો, બ્લોગર મિત્રો અને મારાં વાચકવૃંદનો અમૂલ્ય સહકાર મળ્યો. વોટ્સએપ અને ઇમેલથી પીઠબળ આપનાર મિત્રો પણ સતત સાથે રહ્યાં. આપ સૌના સ્નેહનું ઋણ સ્વીકારી આભાર વ્યક્ત કરું છું.

મેં -medium-માં હકીકત જણાવી. દીકરા તુલ્ય પ્રિય દોસ્ત નીરવ પટેલને તો એનો વોટ્સએપ મેસેજ મળતા જ મેં સામેથી કહ્યું_ તું પણ લખ! એણે પણ બધા કામ પડતા મૂકી મારા વતી જોર લગાવી રજૂઆત કરી. આભાર નીરવ. પણ આ Medium વાળા પણ ભારે માયા. વાત આગળ વધતી નહોતી.

ત્યાં મને મિત્ર શ્રી કાર્તિકભાઇ મિસ્ત્રીનો ખ્યાલ આવ્યો. આ અગાઉ પણ મેં બ્લોગ લેખન બાબતે તેમની સલાહ લીધી હતી. મારા બ્લોગ ( https://kcpatel.wordpress.com ) ઉપર ‘blogroll’ વિભાગમાં તેમનો બ્લોગ પણ ૨૦૦૮થી છે જ. મેં તેમની પાસે આવા કેસમાં શું કરી શકાય? એ બાબતે માર્ગદર્શન માંગ્યું. તેમણે વળતી જ પળે મારો હાથ ઝાલ્યો. જાણે પોતાનાં જ સર્જનની લૂંટ થઇ હોય એમ સમય ગુમાવ્યા વિના; મારા વતી -medium- માં મેં મોકલાવેલ પુરાવાઓ સહિત ‘કોપીરાઇટ વાઇલેશન’ હેઠળ વજનદાર રજૂઆત કરી. એ જફાવાળું કામ હતું, જેમાં અલગ અલગ માહિતી અને પુરાવાઓ રજૂ કરવા પડે. પણ તેમણે બમણાં હોંશથી મારો ઇમેલ મળ્યો એ સાથે જ રિપોર્ટ કરી પછી મને વળતો જવાબ આપી દીધો.

મને જણાવવું ગમશે કે બ્લોગર મિત્ર શ્રી કાર્તિકભાઇ મિસ્ત્રી આમ તો વ્યવસાયે સોફ્ટવેર એન્જિનિયર પણ તેમનો ગુજરાતી ભાષા અને પુસ્તક પ્રેમ જાણીતો. તેઓશ્રી ફ્રી અને ઓપનસોર્સ સોફ્ટવેર ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરી ચૂક્યા છે/રહ્યા છે. તેમની લેખનશૈલી અલગ નોખી ભાત પાડે એવી છે. જેમાં તાજગી છે અને વિવિધતા છે. તેમના બ્લોગમાં પણ અજબનું નાવીન્ય છે. જેમાં લિનક્સ થી માંડી કેમેરાની ક્લિક્સ સુધી, વિડિયો ગેમ્સથી માંડી વિકિપીડિયા સુધી, સાયક્લિંગ થી માંડી ટ્રૅકિંગ સુધી તો મોબાઇલ થી માંડી મુવી સુધીની વાત હોય…આ લિસ્ટ ખાસું મોટું છે!! તેમની પોતીકી શૈલીમાં એવી રસસ્પદ રજૂઆત હોય કે દરેક વર્ગના વાચકોને ગમે જ. લખે એવું સીધું આરપાર વીંધી નાંખે એવું. જે કહેવાનું હોય તે સ્પષ્ટ કહી દે. તમને કશું નવું જાણવું હોય તો તેમના આ બ્લોગની મુલાકાત અવશ્ય લો. ખાલી હાથ નહીં જ આવો એની હું ખાતરી આપું. આ રહી લિંક_ https://kartikm.wordpress.com/
આમ પોતાના અતિ વ્યસ્ત સમય વચ્ચે ફરિયાદ દાખલ કરી કાર્તિકભાઇએ મને સધિયારો આપ્યો. એય પાછો એટલો જ લાગણીસભર… ”reported copyright violation …Let me wait for some time…We can then take action according to it…” આમ તેમણે મારી ચિંતા તેમની પોતીકી ચિંતા બનાવી દીધી હતી. સાચા દિલથી ઋણ સ્વીકાર સાથે કહું છું કાર્તિકભાઇ, આ Let me બહુ વજનદાર હતું અને તેથી હું નિશ્ચિંત થઇ ગયો!

તેમની રજૂઆત રંગ લાવી. ને સુભગ પરિણામ મળ્યું! -medium-એ અસરકારક ફરિયાદ ધ્યાન ઉપર લીધી. પેલા ભાઈને તો જ્ઞાન વહેલું લાધ્યું નહોતું! નહિતર મને બ્લૉક કરવાનું રહેવા દઇ પોસ્ટ હટાવી લીધી હોત! પણ કદાચ -medium-એ ફરજ જ પાડી હશે!! ભાઇ દીપેશને પોતાનું એકાઉન્ટ મારી નવલકથા સહિત ત્યાંથી હટાવવામાં આવ્યા. મારી લૂંટની તમામ સામગ્રી પાછી મળી હતી…રાહત અને આનંદ. કેમ ન હોય? ને એથીય સવિશેષ સહુ મિત્રોનો સહકાર અને પીઠબળને કારણે જ શક્ય બન્યું.

એફબી પર જ આપ સૌની સામે આ ‘કોપી-પેસ્ટ’નો કેસ રજુ કર્યો હતો. ઉકેલાયો પણ ખરો. એ વાત પણ અહીં જ સમયસર રજૂ થવી જોઇતી હતી. કમનસીબે નજીકના સ્વજનનાં આકસ્મિક પ્રસંગને કારણે દોડધામ રહી તેથી અહીં આ બાબતે આભારસૂચક બે શબ્દો લખવામાં હું મોડો પડ્યો. તે માટે આપ સૌની ક્ષમા પ્રાર્થી_ સપ્રેમ વંદન. તમે હાથ ઝાલ્યો, પડખે રહ્યાં_પ્રત્યક્ષ/પરોક્ષ સાથે તમારો સહકાર મળ્યો એટલે મને વધુ બળ મળ્યું, અને જીત્યો. એ વાતનો હરખ જ હરખ અને ફરી ફરીને આભાર!!

આ ઘટનાનું મુખ્ય પાત્ર_ દોસ્ત દીપેશ તારોય આભાર_ આ ચોરીપ્રકરણનો અંત લાવવા બદલ.

મારી આ નવલકથા ‘માતૃભારતી’ એપ https://www.matrubharti.com/book/4116/chapter-1-lift-ma-khun# ઉપર અને

‘પ્રતિલિપિ’એપ https://gujarati.pratilipi.com/read?id=6755373518708117 ઉપર
મારી મંજૂરી અને પરવાનગીથી મોબાઇલ વપરાશકારો
માટે ; મારા બ્લોગ “શબ્દસ્પર્શ”ની સાથોસાથ પ્રકાશિત થઈ ચૂકી છે. વળી નજીકના ભવિષ્યમાં પુસ્તક સ્વરૂપે પણ ઉપલબ્ધ થનાર છે.

ટિપ્પણી આપો

Thnak you...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: