કંટેન્ટ પર જાઓ

પ્રકરણ – ૨૪ સાજિશનો સૂત્રધાર

29/03/2009

પ્રકરણ ૨૪   સાજિશનો સૂત્રધાર   

 

____________________________________________

વહી ગયેલી વાર્તા :    સુરત ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઇન્સપેક્ટર માથુર આસિ. ઇન્સપેક્ટર સોની સુરત શહેરનાં પોલીસ કમિશનર મહેતા સાહેબની સૂચના મુજબ ત્રિવેણી એપાર્ટમેન્ટ, મીરાંનગર, કતારગામ પહોંચે છે જ્યાં વિજય રાઘવન નામના એક શખ્સનું ખૂન થયું હોય છે. વિજય રાઘવન રસેશ ગોધાણી સાથે પાર્ટનરશીપમાં ઇન્કમટેક્સ – સેલ્સટેક્સ કન્સલ્ટન્ટ કામકાજ કરતો હોય છે. ત્રિવેણી ઍપાર્ટમૅન્ટની લિફ્ટ પાસે થયેલ ખૂન માટે ગુનેગાર શોધવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર માથુર કડીઓ, પુરાવા મેળવવા સ્થળ પર હાજર રહેલી વ્યક્તિઓની પૂછપરછ કરે છે. જે કામમાં ‘ત્રિવેણી’ ઍપાર્ટમૅન્ટનાં સેક્રેટરી મિ.શર્મા તેમને સહયોગ આપે છે…અને વિજયના ઘરમાંથી શંકાસ્પદ વસ્તુઓની ઇન્સપેક્ટર માથુર શોધ આદરે છે. ને ત્યાં તપાસ દરમિયાન તેમને એક સિગારેટનો ટુકડો – ફિલ્ટર પાર્ટ- અને તૂટેલી દીવાની ચીમનીનો કાચ મળે  છે. માથુર તેના પોતીકી સૂઝથી ગુનાની આગલી કડી સુધી પહોંચવા સતર્ક  થાય છે. આ દરમિયાન તેને ઇન્સપેક્ટર સોની એક સ્પેશિયલ ટિપ ની નોંધ મૂકી વિજયની ડાયરી આપે છે. માથુરએ ચોકીદાર પવાર, ગિરધારી ,મિ.શર્મા, વિરજી, પરસોત્તમ ભરવાડ, રસેશ ગોધાણીની  પૂછપરછ  આદરે છે. પછી તે આગળની તપાસ માટે રસેશ ગોધાણીને મળવા જાય છે. ત્યાં મુલાકાત દરમિયાન માથુર તેને કેટલાંક મૂંઝવણમાં મૂકી દેતા સવાલ-જવાબ કરે છે અને ગોધાણી અકળામણ અનુભવે છે અને દરમિયાન ત્રિવેણી એપાર્ટમેન્ટ પર સોની વૉચ ગોઠવી માથુરને જાણ કરે છે અને ત્યાં સોનીને જોવા મળે છે એક પડછાયો વિજય રાઘવનના ફ્લૅટ પાસે! અને સોની સાથેની વાતચીત બાદ અચાનક માથુર ફરી ‘ત્રિવેણી’ એપાર્ટમેંટ પર જાય  છે – વેશપલટો કરીને ! ત્યાં પોતાના માણસો હોવા છતાં – ત્યાં જઈ માથુરે શું કર્યું ? તે આપે અગાઉના પ્રકરણ – ૧૦ થી ૨૩ માં વાંચ્યું …

ને પછી  આગળ….

રહસ્યકથા…ઇન્ફોર્મરના અન્ય પ્રકરણ વાંચવા   

ઉપર આપેલી ટેબમાંથી જમણી બાજુનીરહસ્યકથા… ઇન્ફોર્મર ની ટેબ ઉપર ક્લિક કરો.

કે પછી  અહીં ક્લિક કરો –  / રહસ્યકથા – ઈન્ફોર્મર /

મારા માટે અત્યંત કિંમતી એવા, તમારા પ્રતિભાવો- કૉમેન્ટ્સમાં લખવા વિનંતી…બ્લૉગરૉલમાં આપેલ ગુજરાતી ટાઇપપૅડની મદદથી તમે ગુજરાતીમાં લખી શકશો.

આભાર.

કમલેશ પટેલ

____________________________________________________________

પ્રકરણ ૨૪  સાજિશનો સૂત્રધાર   

આ બધું શા માટે?… હનીફ તારા આ પ્રશ્નનો જવાબ આપતા પહેલા આપણે મહેન્દ્રપાલને  એક સવાલ પૂછી લઇએ, કહી માથુર મહેન્દ્રપાલ સિંગ તરફ ફર્યો, “ધારો કે મહેન્દ્રપાલ તમે લોકો વિજય રાઘવનની હત્યા કરવા માટે એ રાત્રે અસફળ રહ્યા હોત, તો તમારા બીજો વૈકલ્પિક પ્લાન શું‍ હતો? વિજયની હત્યા મીન મેખ હતી બરાબરને?…”

“હા! સાહેબ…જો તે રાત્રે અમે તેમને મારી ન શક્યા હોત, તો બીજી દિવસે મેં ગમે તે રીતે પણ અમે તેમને માર્યા હોત. બીજી દિવસે શું હું તો તે ઘડી એ જ, ‘ત્રિવેણી’ પર પહોઁચીને તેમને ઉડાવી દેવાનું વિચારતો હતો….મેં તો પવારને કહ્યું જ હતું કે આ બધા નાટક રહેવા દે અને વિજયભાઈને સીધા તેમના ઘરમાં ઉડાવી દઇએ. પણ પવારનો જીવ નહોતો ચાલતો. પવારને કહી રહ્યો હતો કે આપણને બંનેને, ન કરે નારાયણ  કોઈ રાત્રે ‘ત્રિવેણી’ માં જોઈ જાય; તો બધી વાતનો ભાંડો ફૂટી જાય. તે સૅઇફ ગૅમ રમવા માગતો હતો…સાથોસાથ તે ઈચ્છતો હતો કે વિજય રાઘવન મરે ત્યારે એ અ‍ંતિમ ક્ષણોમાં પોતાના હત્યારાનું મોં ન જુએ..કમસેકમ તેનું પોતાનું તો નહીં જ. વિજયભાઈ પર તેને લાગણી હતી. વિજયભાઈએ તેને પૈસાથી માંડી, બીજી અનેક રીતે પણ ડગલે ને પગલે મદદ કરી હોવાથી તેમનો અહેસાનમંદ હતો. તેથી…”

“હંમમ્.. બરાબર ત્યારે! મારા મગજમાં બેસતું નહોતું કે જે કામ આસાનીથી થઈ શકતું હતું; તેના માટે તમે લોકોએ આ બધી લમણાંકૂટ  શા માટે કરી?”

ત્યાં તો પવારનો ધ્રૂસકે ધ્રૂસકે  રડવાનો માંડ્યો.., “મારી ભૂલ થઈ ગઈ સાહેબ!! માફ કરી દો!

“અલ્યા! ચૂપ કર! હવે નાટક રહેવા દે! સાલ્લા, જે ઘરના અન્નનાં બે કોળિયા તારા પેટમાં ગયા હોય, તેને ત્યાં આવુ દુષ્કૃત્ય કરતા તને શરમ ન આવી? જેની માફી માંગવાની હતી એ તો હવે આ દુનિયામાં નથી રહ્યો; કોઈપણ વ્યક્તિને પૂછો, બધા એક વાત અવશ્ય કહેતા કે વિજય ખૂબ ભલો માણસ હતો! માથુર સાહેબ છોડશે, પણ હું તને છોડવાનો નથી! અહેસાન ફરામોશ!”, સોની અકળાયો.

ભાગ્યે જ લાગણીવશ થતા સોનીનું અકળાવું યોગ્ય જ હતું. માથુરે પણ સોનીને વાળ્યો નહીં…

પવાર આંસુ સાફ કરતો ચૂપ થઈ ગયો.

“_અને સર! તમે ‘ત્રિવેણી’ માંથી અચાનક ‘રધુપતિભવન’ માં જવાનું કેમ વિચાર્યું?” સોનીએ અધીરાઈથી પૂછ્યું.

“સોની! પહેલા મને જ્યારે વિજયના ઘરમાંથી, ને બારીની ગ્રિલ પાસેથી, સિગારેટનો ટુકડો મળ્યો; ત્યારબાદ લોહીથી ખરડાયેલી ચીજવસ્તુઓ સાથે પ્લાસ્ટિકની બૅગ મળી અને જ્યારે મને થયું કે જો ખૂન ઘરમાં જ થયું હશે. ત્યારબાદ મને થયું કે જો વિજય અહીં કદાચ…કદાચ બારી પાસે જ ઊભો રહ્યો હોય ત્યારે, જો માર્યો હોય તો…ખૂનીએ બારી પાસે ઊભેલી વ્યક્તિને પીઠ પર ગોળી ચલાવી પડે! તો એ હત્યારાના હાથમાં શું‍ આવે? કદાચ વિજય જીવતો રહી જાય ને તો કદાચ જેલ. પછી થયું કે હત્યારાએ, તેને કોઈપણ બહાને પોતાની દિશામાં મોં ફેરવવા મજબૂર કર્યો હશે! અને જો તેમ ન કર્યું કે થયું હોય તો સામેથી…એટલે કે ‘રધુપતિભવન’ માંથી કર્યું હોય શકે… ત્યારે મેં મારી તપાસનો એક છેડો રધુપતિભવન તરફ વાળ્યો.”

“ઓ.કે? હનીફ! હવે તારા પ્રશ્નનો જવાબ આપું. આ બધું જ તપાસને ગેરમાર્ગે દોરવવાએ માટે, મૂળ હકીકતથી આપણને દૂર લઈ જવા માટે કરવામાં આવ્યું હતું. તેની શરૂઆત સોની સાહેબથી થઈ. વિજયના ફ્લૅટમાં દાખલ થયાં બાદ સોનીએ મને સ્ટવ અને તપેલી બતાવી! મને પહેલા થયું કે કદાચ વિજયના ઘરમાં ગેસ ના હશે, અને પછી ત્યાં ગેસ છે કે નથી? એ જોવા માટે હું રસોડામાં ગયો. વિજયના ઘરનાં રસોડામાં હવા-ઉજાસના અભાવે, ખૂબ જ અંધારું હતું. તેથી મેં રસોડાની લાઇટ ચાલુ કરી પણ ત્યાં તો  ફ્યુઝ્ડ બલ્બ લાગેલો હતો!! પછી મેં બાથરૂમનો બલ્બ એ રૂમમાં નાંખી ત્યાં ગેસ કનેકશન જોયું! મને નવાઈ લાગી! કનેકશનની પાઇપ પણ બરાબર હતી! રસોડામાં ગૅસ જોયો, તેને ગૅસ ચાલુ કર્યો, ગૅસ ચાલુ હતો ! ચૂલો અને સિલિન્ડરને જોડતી રબર પાઇપ પણ આખી જ હતી. કતારગામનો આ વિસ્તાર વારંવાર વીજળીના ધાંધિયાને કારણે ત્રસ્ત રહ્યો છે. જેની જરૂરિયાત વધારે હોય એ જનરેટર અને ના હોય તે આવી વૈકલ્પિક વ્યવસ્થાથી ગાડું ગબડાવ્યે રાખે. આ બધી બાબતો પરથી મે સ્વાભાવિક જ અનુમાન બાંધેલું કે_ વહેલી સવારે વિજયને વાંચતા વાંચતા કંટાળ્યો હશે. તેને ચા પીવાનું મન થયું હશે. રસોડાનો બલ્બ ફ્યૂઝડ્ હોય; તે ગેસ પર ચા મૂકવાને બદલે, બહારના-આગળના રૂમમાં, સ્ટવ અને તપેલી લઈ આવ્યો હશે. ખાંડ-ચા નાંખી, સ્ટવ પર તપેલી મૂકી, વિજયએ દૂધની તપેલી જોઇ. દૂધની ખાલી તપેલી જોઈ તેણે વિચાર્યું હશે કે બિલાડી દૂધ પી ગઈ હશે. તેથી સાડા ત્રણ રૂપિયા લઇ, કોથળીનું એક માપ જેટલું છૂટું દૂધ – વિરજી છૂટું દૂધ વેચે છે – લેવા લિફ્ટમાં નીચે આવે છે. અને એ નીચે ઊતરે છે ત્યારે તેનું ખૂન થાય છે…પણ હકીકતમાં આવું કશું જ બન્યું નહોતું! માથુરે કહ્યું.

“સર! તમને ક્યારે ખ્યાલ આવ્યો કે તમારું અનુમાન ખોટું છે? પવારે ચીમની બદલી છે એવી તમને ક્યારે ખબર પડી?” ઉત્કંઠિત સોનીએ પૂછ્યું.

“પેલી પ્લાસ્ટિક બૅગ મળી પછી મને થયું કે હું ખોટો છું અને ખોટી દિશામાં જઈ રહ્યો હતો; ને પછી મેં બીજી દિશામાં વિચારવાનું શરૂ કર્યું. તને યાદ હોય તો આપણે પવારનો પંચખૂણિયો ફ્લૅટ જોવા ગયેલા. પવારે ધ્યાન બીજે વાળવા માટે પરસોત્તમનું નામ દીધું એટલે મેં તરત જ તેને અમસ્તા જ પરસોત્તમ ભરવાડને બોલાવવા મોકલી આપેલો; પછી હું રસોડામાં નજર નાંખવા ગયો. મેં જોયું કે પવારના ઘરે વિજયના ઘરે હતો એવી જ ચીમનીવાળો દીવો હતો; પણ તેની ચીમની નહોતી! અંધારામાં ગભરાટના માર્યા બંને જણે ત્રણ ભૂલ કરી હતી. એક તો પવારે ચીમનીનો ગ્લાસ સાફ કરી નાખ્યો હતો. બીજું પ્લાસ્ટિક બૅગ ટીવી શો કેસમાં ઉતાવળમાં મૂકી દીધી હતી અને ત્રીજી લિફ્ટમાં સાફ કરવાનો રહી ગયેલો પેલો લોહીનો ધબ્બો- મારા મનના ઊંડાણમાં આશંકાનું બીજ રોપી ગયા હતા” માથુરે ચોખવટ કરી.

“તો પછી મહેન્દ્રપાલ સિંગ તમારી નજરમાં ક્યારે આવ્યો?”, સોનીએ પૂછ્યું.

“વિજયની હત્યાની રાત્રે તારો અને હનીફનો, ‘ત્રિવેણી’ પરનો રિપોર્ટ આવ્યો પછી મને થયું કે લાવ જરા મહેન્દ્રપાલની મળી લઉં _ કારણકે તેં કહ્યું હતું કે તે ‘એસ.એસ.એસ.’. નો માણસ છે! તેથી મને એકવાર રૂબરૂ મળવાની ઇચ્છા થઈ હતી; અને  બીજું પવાર મને મનથી ઘણો નબળો લાગતો હતો. તેની એકલાની આવું સાહસ કરવાની તાકાત લાગતી જ નહોતી! ને એવું વિચારીને તેની મુલાકાત લેવા મેં વેશપલટો કર્યો. ત્યાં પહોંચી તેને ચકાસવા માટે અમસ્તું જ તેને કહ્યું કે હું પવારનો સગો છું અને પવારને શોધતી પોલીસ, મારા -એટલે કે પવારના કાકાને ઘરે- આવેલી! મારે તેની પ્રતિક્રિયા જોવી હતી કે જો હું પવાર પર પોલીસને શક છે; એમ કહું તે પછી તે શું કરે છે!? હનીફ એ વાત નો સાક્ષી છે કે કેવો ખેલ થયેલો.. તે ગભરાયો અને તેણે મને ત્યાંથી જલદી રવાના કરવા માટે તેણે કહ્યું કે તે અહીં‍ હાજર છે પછી મારે પવારની ચિંતા શું કરવાની?! હું  હટ્યો કે તરત જ મહેન્દ્રપાલ સિંગ લગભગ ૧૫ મિનિટ ગુમ થઈ ગયેલો…ક્યાં ગયેલો પાલ!? કોને ફોન કરવા ગયેલો? ” માથુરે અચાનક મહેન્દ્રપાલને પૂછ્યું.

મહેન્દ્રપાલ સિંગ કશું જ ન બોલ્યો.

“સારું તું કેટલો સમય ચૂપ રહે છે તે જોઉ છું!” માથુરે તેને કહ્યું અને પછી આગળ ચલાવ્યું; “મને મહેન્દ્રપાલની આ ઉતાવળ ખૂંચી! વળી એ બંને ‘એસ.એસ.એસ.’ના લેબલ નીચે આવતા હતા તેથી મેં મારા અનુમાન અને તારણો તેઓની આસપાસ બાંધ્યાં! સાથોસાથ તેનું પવાર તરફનું તેનું વલણ મને અચરજમાં નાંખી રહ્યું હતું કે પોલીસને પવાર પર શક હોવા જેવી અગત્યની બાબત, પણ તેણે પવારને જણાવવાની દરકાર કેમ ન કરી નહોતી!? અહીં એણે પહેલી ભૂલ કરી. એ ગુનેગાર ના હોત તો તે નિર્દોષ ભાવથી પવારને આ વાત જણાવવા દોડ્યો હોત. તને ધ્યાન હોય તો, હનીફ કહેતો હતો કે મહેન્દ્રપાલ, મિ.શર્મા સાથે પવાર ગઇ રાત્રે બહારથી આવ્યા પછી પણ મળવા ગયો નહોતો! અને મારા સંદેહને પુષ્ટિ મળી. બીજી સવારે હું જ્યારે ‘રધુપતિભવન’  પર ગયો અને મેં ત્યાંનું મુલાકાતી રજિસ્ટર જોવા માંગ્યું; ત્યારે તેણે મારી સાથે વાતવાતમાં સિફતથી મિ.શર્માનો ઉલ્લેખ કરી દીધો. ત્યારબાદ તેની પૂછપરછ દરમિયાન પણ, ચાલાકીથી દિલાવરસિંગ સૈની અને તેજપાલના ગુનાહિત ભૂતકાળનો ઉલ્લેખ કરવાનું ન તે ચૂક્યો! કારણકે તેણે એ વાત પવારને જણાવવાને બદલે ઉપર પહોંચાડી હતી અને તેને ઉપરથી તેમ કરવાની સૂચના મળી હોવી જોઈએ.! બાકી હતું તે કૉલ ડિટેઇલ્સની માહિતીએ પૂરું કર્યું. તમને લોકોને ધ્યાન હોય તો આપણે કૉલ ડિટૅઇલ્સની ચકાસણી કરી રહ્યા હતા તે દરમિયાન મેં તેનો મોબાઇલ ફોન નંબર —– ૧૦૯૮૭ જોયો; જેનું કૉલ લૉકેશન કતારગામ ‘રધુપતિભવન’  પાસે જ દર્શાવતું હતું! અને જેના તમામ ક્રૉસ રૅફરન્સ પ્રશાંત જાદવના મોબાઇલ ફોનની માહિતી સાથે ક્રૉસ થતાં હતા. તેથી સ્તો મેં કહ્યું હતું કે હવે પવારનો વારો છે …એ બંને જણા થઈને પવારને પણ પૂરો કરી નાંખત! બરાબરને મહેન્દ્રપાલ?…. ”

“માય ગોડ! શું કહ્યું તમે? પ્રશાંત જાદવના મોબાઇલ સાથે ક્રૉસ રૅફરન્સ મળે છે !?? મતલબ કે પ્રશાંત જાદવ જ વિજયની હત્યા પાછળનો મુખ્ય સૂત્રધાર છે?” રસેશ ગોધાણીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું.

હાજર રહેલાં તમામ ભલે અવાચક બની ગયા હોય, પણ તેઓની મન સ્થિતિ ગોધાણી જેવી જ હતી એવું તેઓના ચહેરા પરથી સ્પષ્ટ વાંચી શકાતું હતું!

માથુર બીજી પળે પવાર તરફ ફર્યો એને પછી ફરી તેને પૂછ્યું, “પવાર! તારા કાકા જેવી કોઈ વ્યક્તિ અહીં નથી તે હવે આપણે બધાં જાણીએ છીએ. પણ તેમને ત્યાં, તને શોધતી પોલીસ ગયેલી એવી કોઈ માહિતી તને મહેન્દ્રપાલે આપેલી?”

“ના સાહેબ! મને પૂછો હું બધું જ કહીશ સાહેબ! આ કૂતરો તો તમે કહો છો તેમ મને પણ નહીં છોડતે…અરે! હું તો તે રાત્રે પણ ‘સુંદરની ચા’ની લારી પરથી સીધો ‘ઉમિયા’ની પર, મહેન્દ્રપાલ પાસે ગયેલો. ત્યાં મેં જ મહેન્દ્રપાલના મોબાઇલ પરથી વિજયભાઈને ફોન કરેલો. સાહેબ! વિજયભાઈએ કંટાળેલા હશે કે ઊંઘમાં, એ મને ખબર નથી, પણ તેમણે ચોક્કસ નંબર જોયા વિના ફોન લીધો હોવો જોઈએ. કારણકે મેં જ તેમને મહેન્દ્રપાલના મોબાઇલ પરથી, એમ કહેલું કે સામે મહેન્દ્રપાલને હું ફોન કરું છું, તે ઉપાડતો નથી; જરા બારી પાસેથી રધુપતિભવન’ના ગેટ પર નજર નાંખી કહો કે મહેન્દ્રપાલ છે કે કેમ? ને પછી આ કૂતરા મહેન્દ્રપાલે જ મારી સામે તેમની ઉપર ગોળી ચલાવેલી!! તેણે જ મને અહીં ભેરવ્યો છે.. “ગુસ્સાથી રાતાપીળા થતા પવારે, કૈંક ઘૂરકીને  મહેન્દ્રપાલ તરફ જોતાં કહ્યું.

“મહેન્દ્રપાલ સિંગ! તેં શા માટે ખૂન કર્યું? એ ફ્લૅટ તો મિ.શર્માનો છે? કે જેઓ નિર્દોષ છે અને પછી રહ્યો પ્રશાંત જાદવે, કે જેણે તે ઓફિસ કામ માટે એ ભાડે રાખ્યો હતો. તારે જો ગોળી ચલાવી પડી હોય તો જાદવની મરજીથી જ ચલાવી હશે. તારા મોબાઇલની કૉલ ડિટેઇલ્સ, પવારનું બયાન અને તેં પ્રશાંત જાદવ સમજી કરેલી મારી સાથેની વાતચીત… તું મારા માટે ફીટ કેસ છે. સમજ્યો?” માથુરે કહ્યું.

“કોણે તારી પ્રશાંત જાદવ સાથે તારી ઓળખાણ કરાવેલી ? અડધી રાત્રે તું ક્યા હતો? કોને બોલાવવા ગયેલો? પ્રશાંત જાદવે જ કેમ  વિજયના ખૂનની સોપારી આપી ? મહેરબાની કરી બધું બોલવા માંડ… ” સોનીએ કહ્યું.

મહેન્દ્રપાલે કહ્યું , “સાહેબ! જાદવ સાહેબ વારેવારે ‘ત્રિવેણી’ પર આવતા હતા. બીજું દિલાવર સરના તેમની સાથેના સારા સંબંધને કારણે અમારે અવારનવાર તેમની અન્ય સાઇટ પર ક્યારેક ફરજ પર જવાનું થતું. એ જ એમની ઓળખાણ. પવાર મારે ત્યાં આવતો જતો રહેતો હતો. અમારો સંબંધ વધુ ગાઢ થયો. થોડા દિવસ પહેલા પ્રશાંત જાદવ સાહેબે મને મળેલા. તેમણે તે દિવસે ખૂબ પીધું હતું. તેમણે વાતવાતમાં મને કહ્યું કે એક પાર્ટી ખૂબ મગજમારી કરે છે અને મને પતાવી દેવાની ધમકી આપે છે. પૈસા મારા છે પણ માંગવા જાઉં છું ત્યારે દાદાગીરી કરે છે; વધારે માથાફોડી કરું તારે એ પાર્ટી કહે છે હું તમારા પૈસા ખાઇ થોડો જવાનો છું? મળશે એટલે આપીશ. મારો હાથ ભીંસમાં છે ત્યારે તેણે છેલ્લે તો નાગાઈ પર ઉતરી આવી મને ચોખ્ખું કહી દીધું કે પૈસા નથી આપવાનો જા! થાય તે કરી લે! હવે જો એક પણ ફોન આવ્યો ટાંટિયા તોડાવી નાંખીશ…”

“તું એ પાર્ટીની કે જેનો ઉલ્લેખ પ્રશાંત જાદવે તારી સાથે વાતચીતમાં કરેલો, તેને તું ઓળખે છે?”

“ના! સાહેબ વાતચીત થઈ ત્યારે નહોતી ખબર પછી ખબર પડેલી…તે પણ કહું છું તમને. જ્યારે જાદવ સાહેબે પેલી પાર્ટીએ તેમના ટાંટિયા તોડાવી નાંખશે એવી વાત કહી ત્યારે મેં કહ્યું સાહેબ એ શું તમારા ટાંટિયા તોડવાનો તમે જ એના તોડી નાખો!  એટલે તેમણે પૂછ્યું કે કોઇ તારા ધ્યાનમાં છે ખરું? મેં કહ્યું એક ભાઇ છે, જે પૈસા લઈ આવા કામ કરે છે , તમે કહેતાં હોય તો એને પૂછી લઉં? ત્યારે તેમણે કહ્યું પૂછીને જલદીથી જલદી જણાવવા કહ્યું! સાચું કહું તો પૈસા લઈને મને જ કામ કરવાની ઇચ્છા થતી હતી. મેં એકલાએ ખૂબ વિચાર કર્યો. કીડો મારા મનમાં જ બરાબર સળવળતો હતો. ઘરની પરિસ્થિતિનું ખરાબ. એક માત્ર પગાર. પત્ની કિડનીની બિમારીથી ગ્રસ્ત! હું ચૂપચાપ એ ચાન્સ લઈ લઉં તો ક્યાં કોઈને ખબર પડવાની હતી. મેં પવારને વાત કરી. પવાર પણ ટુકડે ટુકડે વિજયભાઈ અને અન્ય એપાર્ટમેંટના રહીશો પાસે લગભગ ૭૦૦૦૦ હજાર રૂપિયા લઈ ચૂક્યો હતો તેને દેવું હતું. આમ તેને પણ પૈસા આપવાના હતાં. વિજયભાઈ તેની પાસે બે-એક વાર પઠાણી ઉઘરાણી કરી ચૂક્યા હતાં…

…પવાર અને મેં બંને જણે બે દિવસ વિચાર કર્યો. અને પછી અમે નકકી કર્યું કે આ કામ બહાર આપવાને બદલે અમારે જાતે જ કરવું. ત્યાં સુધી પેલી પાર્ટીનું નામ અમને ખબર નહોતી. મેં જાદવ સાહેબને વાત કરી. તેમણે થોડા દિવસ રહી અમને એમ કહી ના પાડી દીધી કે પેલી પાર્ટી સાથે તેમનું સમાધાન થઈ ગયું છે અને પેલી વ્યક્તિએ તેના બાકી નીકળતા પૈસા આપી દીધા છે. અમે નિરાશ થયા. તે મારી નિરાશા પારખી ગયો. પણ તે એનો ઇરાદો બીજો હતો. કદાચ તે અમારું પાણી માપવા માગતો હતો અને સાથોસાથ અહીં પણ ઓછા ભાવમાં સોદો પાર પાડવા માંગતો હતો. અચાનક આવી ને એક દિવસ તેણે કહ્યું કે મારે તો અહીં જ  રહેતી એક વ્યક્તિનો નું કાસળ કાઢી નાંખવું છે મારા ધંધામાં બહુ મોટી ખોટ તેને લીધે થઈ છે અને કહી તેમણે અમને વિજય રાઘવનનું નામ આપ્યું.!! વિજયભાઇનું નામ પડતાં જ પવાર પાછળ હટી ગયો. તેથી અમે શરૂઆતમાં તો ના પાડી. પણ પરિસ્થિતિ મારા હાથમાં ક્યાં હતી. પવારને મેં સમજાવ્યો કે તું ના પાડશે તો પણ મારે તો આ હિસાબ સમજી જ લેવો પડશે; કારણકે મારો હાથ તેનાથી વધુ તંગ હતો અને તે ના પાડે તો પછી પણ વિજયને ક્યાં હું છોડવાનો હતો? પવારે વિચાર્યું કે ચાલો આ બહાને દેવું ચૂકતે થશે! અને તે પણ મારી સાથે કમને આ કામ માટે તૈયાર થઈ ગયો.”

” ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’ તાળું કેમ માર્યું હતું? કોણે તને કહ્યું હતું? પ્રશાંત જાદવે? ” મહેતા સાહેબે તેને પૂછ્યું.

” સર! જાદવ સાહેબે જ મને તેની ચાવી આપી રાખેલી અને કહેલું કે જ્યારે જરૂર પડે ત્યારે એનો ઉપયોગ હું કરી શકું છું. વિજયની હત્યા પછી પણ તેમણે પોતે ચાલાકી વાપરી, તેમના ક્લાર્ક અજય ચેવલીને સાંજે બોલાવી લીધો હતો; એમ કહીને કે તેઓ રાત્રે ત્યાં રોકાશે. અજય ચેવલીને તેઓ અહીં અગત્યના કામ માટે આવવાના છે; એવું જણાવી રોકી રાખ્યો હતો સાથોસાથ મને તેમણે ઑફિસના દરવાજે રાત્રે બહારથી તાળું મારી દેવાની સૂચના આપી હતી! તેમને ખબર હતી કે અજય ચેવલીને અહીં રાત્રિ રોકાણ દરમિયાન એક્સ-રૅટેડ ફિલ્મ જોવાની આદત છે. તે પણ લાઇટ ચાલુ રાખીને! અને પોલીસનું ધ્યાન એ તરફ મંડાયેલું રહેશે. એટલે ખોટી પૂછપરછ પણ ટાળી શકાશે.. અને તેઓ પોતાના કામ શાંતિથી કરી શકે.”

“તું હોશિયાર તો ખરો મહેન્દ્રપાલ! મારું ધ્યાન બીજે દોરવાનો માટે તેં પહેલાં મિ.શર્મા અને ગિરધારી પર મારું ધ્યાન હટ્યું પછી તેમાં તું ન ફાવ્યો તો તેં દિલાવર સિંગ સૈનીનો ગુનાખોરીનો રેકોર્ડ મારી સામે રજૂ કરી દીધો. પણ હું તને વેશપલટો કરી મળ્યો પછી ત્યાંથી લગભગ ૧૫ મિનિટ ગુમ રહ્યો હતો? સાચું કહે તું ક્યાં ગયેલો?”  તેની આંખમાં આંખ પરોવી માથુરે સીધો સવાલ કર્યો…

મહેન્દ્રપાલે કહ્યું, “હું તો જાદવ સાહેબને ફોન કરવા માટે જ ગયેલો, ટોઈલેટની ઉપરની ટાંકી પાસે સંતાડેલ મોબાઇલ કાઢી ચાલુ કરી વાત કરવા જાઉં તેમાં ૧૫ મિનિટ થઈ જાય એ સ્વાભાવિક છે સાહેબ! …હું તેમને જણાવવા માગતો હતો કે પોલીસ પવારના કાકાને ત્યાં તપાસ કરવા માટે ગયેલી અને હવે આવું આવું ચાલુ રહ્યું તો પવાર આપણને નડશે. કમનસીબે જાદવ સાહેબની હત્યા થઈ ગઈ હોય તેમને ફોન લાગ્યો જ નહીં. સવારે વાત કરીશ એવું વિચારી હું ત્યાં જ અટકી ગયેલો. પવાર પાસે પોલીસ પહોંચે તો મને પણ મુશ્કેલી થાય એમ હતું. એટલે હું તો પવારને એમ પતાવી દેત. પવાર કોઇ પણ હિસાબે પોલીસના હાથ ના લાગવો જોઇએ. એવી મારી ગણતરી હતી..પણ મને શું ખબર સાહેબ કે બીજાની હત્યાની સાજિશ રચનારને, જાદવ સાહેબને પતાવી દેવાનું, એ જ સમયે  કોઈ બીજી વ્યક્તિ પણ વિચારી રહી હતી. મને તો કંઈ સમજ નથી પડતી! લાગે છે કે પેલી શાંતિનગરવાળી પાર્ટી કે જેની સાથે સાહેબને બોલાચાલી થયેલી એવું કશું કહેતાં હતાં એમણે જ કદાચ…  હકીકતમાં જાદવ સાહેબની હત્યા થવાથી અમારે હાથ, જેલના સળિયા સિવાય કશું જ નથી આવ્યું! પણ સાહેબની હત્યા કરનાર કોણ !?… ”

—-*—–

( ક્રમશઃ ) 

મારા પ્રિય વાચક મિત્રો!

આ રહસ્યકથાનો હવે પછીનો છેલ્લો હપ્તો _તા.૦૪/૦૪/૨૦૦૯ના રોજ પ્રકરણ – ૨૫ પ્રકાશિત થશે.

8 ટિપ્પણીઓ
 1. કમલેશભાઇ, છેલ્લે સુધી જકડી રાખ્યા હોં .. બહુ જ સરસ રીતે આલેખન કર્યુ છે.

 2. Amit Chavda permalink

  hi
  very good story but i am not able to read page no. 23 and page no. 25.
  please inform me via mail when page no.23 and page no. 25 is available.

  Regards

  Amit Chavda
  Database Administrator
  I-Engineering Software Pvt Ltd.
  505, Sapath-1, SG Hwy,
  Vastrapur, Ahmedabad.
  http://www.i-engineering.com

  • પ્રિય મિત્ર અમિતભાઈ ,
   નમસ્કાર ,
   કુશળ હશો જ.
   તમે રસ લઈ મારી નવલકથા વાંચી તમારો બહુમૂલ્ય પ્રતિભાવ આપ્યો તે બદલ હું આપનો આભારી છું.
   વધુમાં તમને પ્રકરણ-૨૩ અને પ્રકરણ-૨૫ના પેજ ના મળ્યા અને તમારી રસક્ષતિ થઈ તે બદલ ક્ષમા પ્રાર્થુ છું. હકીકતમાં પોસ્ટ મૂકી હતી તે દરમિયાન આ પ્રકારની મુશ્કેલી ન હતી. કદાચ થીમ બદલવાથી આ ક્ષતિ થઈ હશે?… આ બાબતે મારા અજ્ઞાનને સહન કરી લેશો. જરૂરી ક્ષતિ સુધારી લીધેલ છે.
   તક્લીફ આપવા બદલ ક્ષમા.
   ખૂબ ખૂબ આભાર.
   કમલેશ પટેલ

 3. Hanif Chaudhari permalink

  Kamdhandho muki ne vachva chotadi de evi story che yar.so.goooooood .what next?

Trackbacks & Pingbacks

 1. રહસ્યકથા – ગુજરાતી બ્લોગ જગત
 2. રહસ્યકથા – SVR 1993 BATCH

Thnak you...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: