પ્રકરણ – ૨૦ અજાણ્યો કૉલ
પ્રકરણ – ૨૦ અજાણ્યો કૉલ
______________________________________________________
વહી ગયેલી વાર્તા : સુરત ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઇન્સપેક્ટર માથુર આસિ. ઇન્સપેક્ટર સોની સુરત શહેરનાં પોલીસ કમિશનર મહેતા સાહેબની સૂચના મુજબ ત્રિવેણી એપાર્ટમેન્ટ, મીરાંનગર, કતારગામ પહોંચે છે જ્યાં વિજય રાઘવન નામના એક શખ્સનું ખૂન થયું હોય છે. વિજય રાઘવન રસેશ ગોધાણી સાથે પાર્ટનરશીપમાં ઇન્કમટેક્સ – સેલ્સટેક્સ કન્સલ્ટન્ટ કામકાજ કરતો હોય છે. ત્રિવેણી ઍપાર્ટમૅન્ટની લિફ્ટ પાસે થયેલ ખૂન માટે ગુનેગાર શોધવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર માથુર કડીઓ, પુરાવા મેળવવા સ્થળ પર હાજર રહેલી વ્યક્તિઓની પૂછપરછ કરે છે. જે કામમાં ‘ત્રિવેણી’ ઍપાર્ટમૅન્ટનાં સેક્રેટરી મિ.શર્મા તેમને સહયોગ આપે છે…અને વિજયના ઘરમાંથી શંકાસ્પદ વસ્તુઓની ઇન્સપેક્ટર માથુર શોધ આદરે છે. ને ત્યાં તપાસ દરમિયાન તેમને એક સિગારેટનો ટુકડો – ફિલ્ટર પાર્ટ- અને તૂટેલી દીવાની ચીમનીનો કાચ મળે છે. માથુર તેના પોતીકી સૂઝથી ગુનાની આગલી કડી સુધી પહોંચવા સતર્ક થાય છે. આ દરમિયાન તેને ઇન્સપેક્ટર સોની એક સ્પેશિયલ ટિપ ની નોંધ મૂકી વિજયની ડાયરી આપે છે. માથુરએ ચોકીદાર પવાર, ગિરધારી ,મિ.શર્મા, વિરજી, પરસોત્તમ ભરવાડ, રસેશ ગોધાણીની પૂછપરછ આદરે છે. પછી તે આગળની તપાસ માટે રસેશ ગોધાણીને મળવા જાય છે. ત્યાં મુલાકાત દરમિયાન માથુર તેને કેટલાંક મૂંઝવણમાં મૂકી દેતા સવાલ-જવાબ કરે છે અને ગોધાણી અકળામણ અનુભવે છે અને દરમિયાન ત્રિવેણી એપાર્ટમેન્ટ પર સોની વૉચ ગોઠવી માથુરને જાણ કરે છે અને ત્યાં સોનીને જોવા મળે છે એક પડછાયો વિજય રાઘવનના ફ્લૅટ પાસે! અને સોની સાથેની વાતચીત બાદ અચાનક માથુર ફરી ‘ત્રિવેણી’ ઍપાર્ટમેંટ પર જાય છે – વેશ-પલટો કરીને ! ત્યાં પોતાના માણસો હોવા છતાં – ત્યાં જઈ માથુરે શું કર્યું ? તે આપે અગાઉના પ્રકરણ – ૧૦ થી ૧૯ માં વાંચ્યું …
ને પછી આગળ….
__________________________________________________________________________રહસ્યકથા…”ઇન્ફોર્મર”ના અન્ય પ્રકરણ વાંચવા
ઉપર આપેલી ટેબમાંથી જમણી બાજુની ” રહસ્યકથા… ઇન્ફોર્મર “ની ટેબ ઉપર ક્લિક કરો.
કે પછી અહીં ક્લિક કરો – / રહસ્યકથા – ઈન્ફોર્મર /
મારા માટે અત્યંત કિંમતી એવા, તમારા પ્રતિભાવો- કૉમેન્ટ્સમાં લખવા વિનંતી…બ્લૉગરૉલમાં આપેલ ગુજરાતી ટાઇપપૅડની મદદથી તમે ગુજરાતીમાં લખી શકશો.
આભાર.
__________________________________________________________________________________
પ્રકરણ – ૨૦ અજાણ્યો કૉલ
પૂરપાટ દોડતી જીપમાં બેઠેલો માથુરનું દિમાગ પણ ગતિશીલ બની ગયું હતું…
તેના મનમાં પ્રશ્ન ચકરાતો હતો કે પ્રશાંત જાદવને કોણે પતાવી દીધો? એણે વારાફરતી વિકલ્પ વિચારી જોયા… પવાર, તેજપાલ, દિલાવરસિંગ સૈની કે રસેશ ગોધાણી અને મનોમન તાળો મેળવતો રહ્યો. તે વિચારતો રહ્યો હતો…હવે પછીની સંભાવનાઓ અને શક્યતાઓનો સરવાળા-બાદબાકી કરતો રહ્યો અને છેવટે તેનાં મનમાં કેટલાંક સ્વીકાર્ય તર્કનું ગણિત બરાબર બેઠું…દરમિયાન મોરે ચૂપચાપ ગાડી હાંકતો રહ્યો.
ગાડી ઘટનાસ્થળે પહોંચી ત્યારે આજુબાજુ મોટું ટોળું એકઠું થઈ ગયું હતું. જો કે સ્થાનિક પોલીસ સ્ટેશનના જવાબદાર જમાદાર સ્થળ પર હાજર હતા; કારણકે પાંડેસરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. રાઠોડ પવારને પકડીને કતારગામ ‘રધુપતિભવન’ જવા નીકળી ગયા હતા. માથુરને જોતાં સ્થળ પર હાજર કોન્સ્ટેબલે હરકતમાં આવી ગયા અને વધારે ડંડા બતાવી લોક ટોળાંને પાછળ ધકેલવા માંડ્યા. ટોળું તિતર-બિતર થતું સહેજ પાછળ હટ્યું, ફૉરેન્સીક અને ફોટોગ્રાફર આવીને પોતાનું કામ શરૂ કરી ચૂક્યા હતા.
પાંડેસરા જી.આઇ.ડી.સી. રોડનો એ વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવતો હોવા છતાં, એ રોડ કૈંક અંશે નિર્જન જણાતો હતો.. જી.આઇ.ડી.સી.નો છેલ્લો રોડ, આખરી બે મિલની વચ્ચેના પીપળાના ઝાડ નીચેની એકાંત જગ્યા. ખૂનીએ કરેલી સ્થળ પસંદગી હોશિયારીથી કરી હતી. જે બાબત સૂચવતી હતી કે ક્યાં તો તે પારંગત હતો ક્યાં તો પછી તે ખૂબ જ રક્ષાત્મક ‘ગેમ’ રમવા માંગતો હશે! કોઈક દહેશતને કારણે હશે કે પછી સૂઝબૂઝભર્યા આયોજનના ભાગ રૂપે?…માથુરના મનમાં ગડભાંગ શરૂ થઈ ગઈ.
માથુરે જોયું તો પ્રશાંત જાદવની ગાડી એક ઝાડ નીચે પાર્ક કરેલી હતી. અડધી ગાડી રોડની બાજુની, ત્રણ-સાડા ત્રણ ફૂટની કાચી સડક પર હતી અને ગાડીનો આગળનો બોનેટનો ભાગ, મુખ્ય ચાર રસ્તાવાળા રોડની વિરૂદ્ધ દિશામાં હતો. એટલે કે પ્રશાંત જાદવ કદાચ ઘરથી અહીં આવ્યો હોવો જોઈએ…કે પછી શક્ય છે કદાચ કોઈકે તેને બોલાવ્યો પણ હોય? કોઈકે તેને ડ્રાઈવિંગ સીટ પર જ ફૂંકી માર્યો હતો. ખૂનીએ એક ગોળી તેનાં લમણાં પર, ડાબી તરફથી મારી હતી અને બીજી ગોળી તેનાં ડાબી બાજુ છાતીના ભાગમાં ઉતારી દીધી હતી. તેનું શરીર જમણી બાજુ લચી પડ્યું હતું અને તેનું ડોકું ડ્રાઈવર સાઇડના દરવાજા તરફ ઢળેલું હતું. આમ, તેનું આખું શરીર ડ્રાઈવર સાઇડના દરવાજા પર રહેલાં તેની ડોક અને સીટબેલ્ટને સહારે લટકી રહ્યું હતું. તેનો ડાબો પગ સહેજ ઊંચકાઈને સીટ પર આવી ગયો હતો. માથુરે સહેજ વધુ ઝીણવટભરી નજરે જોયું તો તેનું માથું જ્યાં ઢળેલું હતું, એ તરફ તેની લમણે મારેલી ગોળીને કારણે ત્યાં લોહી એક જગ્યાએ કૈંક વધુ પડતું પડ્યું હતું. જ્યારે જમણી બાજુની છાતીના ભાગમાં વાગેલી ગોળીને કારણે ઉડેલું લોહી આજુબાજુ ફેલાઈ ગયું હતું. માથુરની નજર સ્વાભાવિક જ ગાડીની ઇગ્નિશન કી પર ગઈ, જ્યાં તેનો જમણો હાથ, બંધ સ્થિતિમાં રહેલી ઇગ્નિશન કી પર હતો!
પ્રથમ નજરે જે ધ્યાનમાં આવ્યું તેનો આધાર લઈ માથુર પોતાના તર્કને મનોમન પ્રમાણિત કરવા ડ્રાઈવર સાઈડ છોડી ફરીને ગાડીની ખાલી સાઈડ પર ગયો. જ્યાં ઊભા રહી તેણે પ્રશાંત જાદવની લાશનું ફરી નિરીક્ષણ કરવા માંડ્યું. એ તરફ ઊભા રહી, તે ગાડીની ખાલી સાઇડથી લગભગ બે ડગ પાછળ હટી ગયો; પછી તેણે એક આંખ બંધ કરી, જાણે પોતે જ જાદવને ગોળી મારી રહ્યો હોય એમ, પોતાના હાથની આંગળીઓ દ્વારા, રિવૉલ્વર જેવી પ્રતિકૃતિ બનાવી, પ્રશાંત જાદવની લાશ તરફ એક નિશાન તા ક્યું…
ને સહસા તેના મોમાંથી ઉદગાર નીકળી ગયો_”ક્યા બાત હૈ!” અને તેની ધારદાર આંખોમાં વધુ ચમક આવી ગઈ…ને પછી તેણે પોતાની તર્ક-જાલ વધુ ગૂંથવા માંડી…
કદાચ ખૂનીએ અહીં, આ ખાલી સાઈડ તરફ ઊભા રહીને જ ગોળી ચલાવી હતી. સીટ ઉપર અને પ્રશાંત જાદવની છાતીના ભાગ ઉપર, ચારે બાજુ પ્રસારેલું- ઉડેલું લોહી સૂચવતું હતું કે પહેલી ગોળી ત્યાં જ મારવામાં આવી હશે. તે પણ લગભગ પાંચ-છ ફૂટના અંતરેથી જ મારી હશે. ત્યારબાદ ખૂનીએ વિચાર્યું હશે કે કદાચ એક ગોળીથી કામ ન થયું તો?… એ ભયથી જ કદાચ તેણે બીજી ગોળી લમણાં ઉપર, બરાબરનું નિશાન લઈને મારી હતી; જેથી ત્યાં એક જગ્યાએ જ લોહી દદડીને રેલાયું હતું. તેથી ત્યાં એક જ જગ્યાએ લોહીનો મોટો ધબ્બો પડ્યો હતો. કદાચ તે છેલ્લા શ્વાસ ગણી રહેલાં પ્રશાંત જાદવની ખૂબ નજીક જઈને ઉતારી આવ્યો હતો. કદાચ એ માટે તે ડ્રાઈવર સાઈડ પર ગયો હશે. એનો મતલબ એ હતો કે પ્રશાંત જાદવનું કાસળ કોઈપણ ભોગે નીકળી જાય તે તેના માટે કે પછી તેના આકાઓ માટે અત્યંત જરૂરી હતું! અહીં માથુરને આ બાબત, ઘણી બધી રીતે સૂચક લાગતી હતી… કયાં તો? ખૂની એટલો અને એવો રિવૉલ્વર નિશાન લેવા પૂરતો નવો નિશાળિયો હતો; કે જે કદાચ પ્રથમવાર ગોળી ચલાવી રહ્યો હતો. જેણે પહેલી ગોળી મારી પ્રશાંત જાદવને પહેલાં લાચાર બનાવવા વાપરી હતી. તેણે સીધું શિરો ભાગનું નિશાન લેવાનું જાણી જોઈને ટાળ્યું હોવું જોઈએ, જેથી ગોળી ચૂકવાનો ભય પણ નહીં. પછી કદાચ કણસી રહેલાં અને ડ્રાઈવર સાઇડના દરવાજા તરફ ઢળી પડેલા જાદવને લમણે બરાબર નજીક જઈ નિશાન લીધું હતું. પણ તે એટલો બધો પણ ડફોળ નહોતો કે તેણે પોતાને કોઈ જોઈ ના જાય તેની કાળજી ના કરી હોય!! વળી ચબરાકીથી તેણે વેરાન વિસ્તાર પસંદ કર્યો હતો. રાત્રિનો સમય અને ડ્રાઈવરની વિરૂદ્ધ દિશામાં ખાલી સાઈડ પર ઊભા રહી તેણે પ્રશાંત જાદવ સાથે વાતચીત આરંભી હશે. જેથી આવતા-જતાં વાહનોની હૅડલાઇટના ઉજાસથી પોતાની ઓળખ છુપાવી શકે અને સાથોસાથ પોતાના હાથમાં રહેલી રિવૉલ્વર ને પણ એટલી જ સિફતથી સંતાડી શકે_ પ્રશાંત જાદવ અને અન્ય રાહદારીઓની નજરથી! પછી તે કદાચ અંદર ગાડીમાં પણ બેઠો હશે; અને પ્રશાંત જાદવ સાથે કોઈક એવા મુદ્દાની ચર્ચા શરૂ કરી હશે, જે એ બંને માટે ખૂબ જ અગત્યની હશે! દરમિયાન કોઈક બાબતે બંનેને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હશે… જે કદાચ ખૂનીએ જાણી જોઈને આરંભી હશે! જેથી તે પોતાના ધારેલા કામમાં સફળ થઈ શકે…ને માથુરનું અટકળ કરતું મન ક્ષણવાર માટે થોભ્યું, અને બીજી જ મિનિટે ફરી ગણતરીમાં પડ્યું…ઊલટી!
ઉગ્ર ચર્ચા?…ના, શકય નથી! પેલો ખૂની ઉગ્ર ચર્ચા શા માટે કરે?! તેણે તો તકનો લાભ લઈ હસતાં હસતાં વિદાય લેતો હોવાનો ડોળ કર્યો હશે. કદાચ પ્રશાંત જાદવની વાત કે શરતો સ્વીકારી લીધી હશે તેને નચિંત અને બેધ્યાન બનાવવા માટે! મતલબ કે તેઓ શાંતિથી છૂટા પડ્યા હશે પછી… જેથી તક ઝડપી, પ્રશાંત જાદવને વાતમાં રોકી તેણે ચાલાકીથી તેણે પોતાનું કામ પૂરું કર્યું હશે. સાથોસાથ સંભાવના એ પણ હતી કે જ્યારે તેણે રિવૉલ્વર કાઢી હશે ત્યારે જ જાદવનું ધ્યાન તેની પર ખેંચાયું હશે. તેને પોતાના મોતને સામે ઉભેલું જોઈ એણે બનતી ત્વરાથી ત્યાંથી તેણે રઘવાટમાં ત્યાંથી ભાગવાની કોશિશ કરી હશે; ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હશે અને તેનો ઇગ્નિશન કી સુધી લંબાયેલો હાથ; તે ગાડી ચાલુ કરે તે પહેલાં જ, અચાનક છૂટેલી ગોળીને કારણે ત્યાંનો ત્યાં જ રહ્યો!…
પછી માથુરે અડસટ્ટે ઘટનાના સમયનો અંદાજ મેળવવા બૉનેટ પર હાથ મૂક્યો. બૉનેટ ઠંડુ હતું. બૉનેટ ખોલાવી રૅડિયેટરનું ઢાંકણ ખોલી, તેનાં પાણીમાં આંગણી ઝબકોળી…એ પ્રણ ટાઢું બોળ હતું!! મતલબ કે ઘટના મોડી રાત્રે મધ્યરાત્રિ બાદ, બની હોવી જોઈએ. એણે ગાડીની ડૅશબોર્ડ’નાં ગ્લઉ કંપાર્ટમેન્ટ’ માં ખાંખાં-ખોળા શરૂ કર્યા.. ને એના આશ્ચર્ય વચ્ચે એ ખાંખાંવીખી દરમિયાન ત્યાંથી એક ઘડી વાળેલું કાગળ મળ્યું. ક્ષણવાર માટે માથુરને લાગ્યું કે એ કાગળ, આ પ્રકારના કાગળ જેવી જ અદ્દલ સ્ટેશનરી નું પ્રિન્ટીંગ પોતે ક્યાંક જોયું છે! તેણે કૈંક કૂતુહલથી, ટેવવશ, એ કાગળ ઉપાડી લીધું. ને પછી તેણે દિમાગને વધારે કષ્ટ આપવાને બદલે, લઈ એ કાગળની ઘડી ખોલી નાંખી! ખોલતા જ તે ઉછળી પડ્યો_ જાણે લોટરી લાગી ના હોય! ને એ ઘડી ખુલતા જ તેને ઝટ યાદ આવી ગયું કે એવી જ પ્રિન્ટિંગવાળું કાગળ તેણે ક્યાં જોયું હતું! એ હતું વિજય રાઘવનની અંગત ડાયરીનું પેલું ” ૨૦ ડિસેમ્બર અને ૨૧ ડિસેમ્બર નું પાનું”! એક નાનકડી નોંધ સાથે! માથુરે વિજયની ડાયરીની અગાઉ જોયેલી નોંધ સાથે આ મળેલા કાગળના અક્ષરનો તાળો મેળવી જોયો. પોતાના અનુભવપરક મનથી નક્કી કર્યું લીધું કે એ ચોક્કસ વિજય રાઘવનના જ હસ્તાક્ષર હતા! પછી બીજી જ પળે તેણે હસતા હસતા એ કાગળ પોતાના શર્ટના ગજવામાં સરકાવી દીધું.
પછી માથુરે ફૉટોગ્રાફ્રરને બોલાવી પ્રશાંત જાદવના લમણે વાગેલી ગોળીને કારણે, નીચે પડેલાં લોહીના મોટા ધબ્બા સહિતનો; જાદવની લાશનો કેટલાક ખાસ ફોટો લેવા સૂચવ્યું.
હવે?…માથુર વિચારતો હતો_
પ્રશ્ન એ હતો કે ખૂની રિવૉલ્વર લઈ ગયો હશે? કે પછી આસપાસમાં જ ક્યાંક?…અને બીજું પ્રશાંત જાદવને સામેથી અહીં બોલાવનાર જો પેલો ખૂની જ હોય તો!?…અને જો તેણે જ પ્રશાંત જાદવને અહીં બોલાવ્યો હોય, તો તે પહેલેથી જ અહીં હાજર આવી પહોંચ્યો હશે!…શક્ય છે કે અહીં આવતા-જતા કોઈકે તેને તો નહીં પણ તેની ગાડીને જોઈ હશે!.. અને જો તે પહેલેથી જ અહીં હોય, તો તેણે અહીંથી ભાગવા માટેની વ્યવસ્થા પણ અગાઉથી વિચારી રાખી હશે!.. જો તે ટુ વ્હીલર પર આવ્યો હશે તો ચોક્કસ હાઈસ્પીડ બાઇક પર હશે!…પણ ના તે પોતાની ઓળખ છૂપાવવા ફોર વ્હીલરમાં જ આવ્યો હોવો જોઈએ…અને જો એમ હોય તો…તો…અનુમાનની શગ પકડીને, તેણે પ્રશાંત જાદવની ગાડીની વિરૂદ્ધ દિશામાં, ચાલવા માંડ્યું. પછી રોડ ક્રોસ કરીને તે સામે પહોંચી ગયો. ખૂની ચોક્કસ ફોર વ્હીલરમાં જ હશે, એવું તેનું તારણ પોતાની આંગળીને ટેરવે રહેલાં, હાથવગા શકમંદને આધારે મૂકી શકાય એમ હતું. તે નિરાશ ન થયો. સામે રોડને આવેલી ત્રણ ફૂટની કાચી સડક પર, એમ તો ઘણાં બધાં નિશાન હતાં; પણ તેનું ધ્યાન રોડ પર ખેંચાયેલા અને ટાયરથી પડેલાં, ધૂળનાં એ નિશાન પર ગયું; જે સૌથી અલગ અને સ્પષ્ટ તરી આવે એવું હતું. એ નિશાન_ ખૂનીએ રોડ પર પોતાની ગાડી, પ્રશાંત જાદવ ની ગાડીની વિરૂદ્ધ દિશામાં ઊભી રાખી હોવાનું અને કામ પૂરું થયા પછી ઉતાવળે ત્યાંથી હટી જવા માટે; પોતાની ગાડી ત્યાંથી જોશભેર ઉપાડી હોવી જોઈએ એવું કશુંક સૂચવતું હતું.
માથુરે રોડ પર સહેજ આછાંપાછાં, ધૂળથી ઊભરી ઊઠેલાં, એ ટાયરોનાં કેટલાંક નિશાનની, ‘પ્લાસ્ટર ઓફ પેરિસ’ના મૉલ્ડમાં, પ્રતિકૃતિ લેવાનો ફોરેન્સીકવાળાને હુકમ કર્યો…અને પછી ફરી પ્રશાંત જાદવ ની ગાડી પાસે આવ્યો.
તે બીજીવાર નિરીક્ષણ કરી રહ્યો હતો. કંઈક કશુંક રહી ના જાય એ ફેર તપાસ કરી લેવાની તેની આદત હતી. ને તે દરમિયાન અચાનક તેની નજર પ્રશાંત જાદવના પગ પાસે, સીટ નીચે ક્લચ પૅડલ નજીક પડેલા તેના મોબાઇલ પર પડી. અને તેની આંખમાં, લોટરીમાં પણ ‘જૅક પોટ’ લાગ્યો હોય એમ, સૂચક ચમક આવી ગઈ! યાર, આ તો હુકમનો એક્કો હાથ લાગ્યો! એવું કશું વિચારતાં તેણે હાથ મોજાં પહેરી મોબાઇલ ઉઠાવી લીધો.
પ્રશાંત જાદવ ના મોબાઇલની ‘કૉલ લોગ’ ની વિગત રસપ્રદ અને ઉપયોગી જણાતી હતી. માથુરે સૌથી પહેલું કામ ‘મિસ કોલ’ લિસ્ટ જોવાનું કર્યું. એ લિસ્ટ જોતાં જોતાં તેણે પોતે પ્રશાંત જાદવને કરેલાં, પોતાના મોબાઇલ નંબર તે પર અટક્યો. ત્યાર પછીનો નંબર પ્રશાંત જાદવની ઓફિસનો હતો. જે પણ તેણે પોતે જ કર્યો હતો.. પણ તે પછીનો નંબર?…તેને થયું કે આ નંબર…તો !? એ નંબર જોઈ તેની આંખ ચાર થઈ ગઈ હતી કૉલ ડિટેઇલ્સ જોતી વેળા!…કંઇક જાણીતો નંબર લાગતો હતો! ક્યા વાંચ્યો હતો એ નંબર? તેણે પોતાની યાદશક્તિ પર, જરા જેટલું જોર લગાડ્યું કે તેને યાદ આવી ગયું! એ નંબરના છેલ્લા પાંચ આંકડાઓ- … ૧૦૯૮૭- તેના નજર સમક્ષ ઝબકી રહ્યા અને વળતી પળે તે બોલી ઊઠ્યો, ‘યસ’!… આ જ તો એ નંબર પર હતો, કે જેની ઉપર પોતે ‘કોલ ડિટેઇલ્સ’ જોતી વખતે પેન્સિલથી રાઉન્ડ કરીને; વધુ ઊંડાણથી અન્ય નંબર જોડે એ નંબરની વિગતનો ઘડ પાડવા-તપાસવા માટે વિકાસ અને હનીફને આપ્યો હતો!
એ જ નંબર પરથી બે ‘મિસ’ કોલ હતાં_ પ્રશાંત જાદવના મોબાઇલ પર! તે પણ પોતે અહીં પહોંચ્યો તે અગાઉના, હમણાં થોડા સમય પહેલાંના જ હતા!!
‘થેંક્સ દોસ્ત! તું ને યે ગલતી ક્યું કીં?’ તે એવું ધીમેથી ગણગણ્યા વિના ના રહી શક્યો!
તેણે મોબાઇલ હાથમાં લીધો ને થોડી જ વારમાં મોબાઇલ પર લો બૅટરી સિગ્લનનો સંદેશો આવવા માંડ્યો. માથુરે કોલ લોગ ફાઇલ વધુ ઊંડાણથી ચકાસવાનું વિચારી જ રહ્યા હતા… કે અચાનક પ્રશાંત જાદવના એ મોબાઇલની રીંગ વાગી!
– – – – ૧૦૯૮૭. ફરી એ જ નંબર પરથી કોલ હતો! અને બીજી જ મિનિટે તેના દિમાગમાં એક ઝબકારો થયો!
ત્યાં તો રીંગ બંધ થઈ ગઈ. માથુરે ક્ષણવાર માટે બીજા કોઈક મોબાઇલની બૅટરી એ મોબાઇલ ફોનમાં ક્ષણવાર માટે નાંખવાનું અને કોલ લોગ ફાઇલની વધુ માહિતી પૂરેપૂરી ત્યાં જ જોવા માટે વિચાર્યું; પણ બીજી જ ક્ષણે તુરંત માંડવાળ કર્યું. કારણકે તે જાણતો હતો કે ફરી જ્યારે એ નંબર પરથી ફરી રીંગ આવે ત્યારે પોતે મોબાઇલની બૅટરી બદલતો ન હોય! એ તક હાથથી સરકી ન જાય એ ખૂબ જ જરૂરી હતું! અને ધારો કે આવે તો પોતે શું કરવું ?… તેના તેજતર્રાર દિમાગને શ્રમ તો પડતો જ હતો અને નિર્ણય લેતા પહેલાં સખત તાણ અનુભવાતી હતી…છતાં ભાગતી ઘડિયાળની ટિક ટિક વચ્ચે, પોતે શું કરવું તેના માટે મન મક્કમ કરી લીધું!
તે ઝપાટાભેર, બમણી સ્ફૂર્તિથી કામ કરવા લાગ્યો. પ્રશાંત જાદવના એ એન-૭૦ મોબાઇલમાં ‘માઇ ઓન’ સેકસનમાં તેણે ખાંખાં-ખોળા કરી જોયા. તેને જે જોઈતું હતું તે ત્યાં નહોતું. થોડી મગજમારી પછી ‘ટૂલ્સ’ સેક્સનમાંથી તેને જે જોયતું હતું તે મળી ગયું.
માત્ર ક્ષણનો સવાલ હતો!…પ્રશાંત જાદવના મોબાઇલ ફોનના ‘કોલ રેકોર્ડર’ સોફ્ટવેર ને તેણે ઍક્ટીવેટ કર્યું જ હશે_
ને અચાનક_
ફરી રીંગ વાગી_
વળતી પળે તે સ્વસ્થતા રાખી, પોતાનો હાથ રૂમાલ માઇક્રોફૉન પર મૂકી, મોબાઇલનો ‘સ્પીકર’ ફોન ‘ઑન’ કરી દઈ, તેણે મોબાઇલથી પોતાનું મોં સહેજ દૂર રાખી, ખૂબ જ ધીમા અવાજે કહ્યું…
“હં…બોલ!_ ”
અને પછી જ્યારે સામેથી કોઇક ગભરાટના માર્યો, એક જાણીતો અવાજ સંભળાયો ત્યારે તેણે રાહતનો શ્વાસ લીધો! અને સામેથી એ અવાજ સાંભળી, તત્કાલ તેના ચહેરા પર, થોડીવાર પહેલાં જ દેખાતી તાણ દૂર કરતું, ધીરગંભીર સ્મિત ઊભરી આવ્યું. હંમેશાની જેમ _!
પેલાં ઉતાવળમાં હાંફળોફાંફળો બોલતો હતો. પણ તેનો અવાજ ધીમો હતો!_
“… પ્રશાંત સર! તમે ટ્રાફિકમાં છો કે શું ?” સામેથી પેલી વ્યક્તિએ કહ્યું. તેને તેણે પાંડેસરા જી.આઇ.ડી.સીનો, વહેલી સવારના પિક અવર્સનો; હજી થોડીવાર અને થોડીવાર પહેલાં શરૂ થયેલા, ટ્રાફિકના વાહનોનાં હૉર્ન નો અવાજ ડિસ્ટર્બ કરી રહ્યો હતો. માથુર પણ તો એમ જ ઈચ્છતો હતો!
“હા!” તે શક્ય એટલું ઓછું બોલી, સામેની વ્યક્તિને પ્રશાંત જાદવ જ બોલી રહ્યો છે! એ વાત પ્રતીતિ કરાવવા માંગતો હતો.
“હું તમને ક્યારનો ફોન કરતો હતો. તમે ઉપાડતાં કેમ નહોતા?”. હું ખૂબ ઉતાવળમાં છું…
“શુંઉઉઉ?…” માથુરે કહ્યું.
“…સર! તમને કદાચ રોડ પર ટ્રાફિકમાં સંભળાતું ન હશે. જરા ગાડી સાઈડ પર લઈ લો, ખૂબ અગત્યની વાત છે. બીજી કોઈ વાત હોત તો તમને પછી પણ કરી લેત; પણ વાત ખૂબ જ અરજન્ટ છે, તેથી મારે તમને હમણાં જ કરવી પડે એમ છે! હવે મને શું કરવું? એ ખબર નથી પડતી! જરા મૂંઝવણ થઈ જાય છે એવી વાત છે. સાંભળો…”
“હં.. થોભ! હવે… બોલ” માથુરે ગાડી થોભાવી ઊભા રાખી હોવાનો કર્યો.
“જાદવ સર! મારા તમને બે સમાચાર આપવાના છે. એક સારા અને એક ખરાબ છે. સાંભળો…ખરાબ સમાચાર એ છે કે અહીં ‘રધુપતિભવ” ઉપર તમારી ઑફિસ પર પોલીસ આવી છે. કોઈક માથુર સાહેબ કરીને છે. તમારી ઑફિસમાં જ બેઠા છે, પોલીસ સ્ટેશન હોય એમ. મને પણ જવા દેતાં નથી. અને સાથોસાથ છેલ્લા સમાચાર મળ્યા તે મુજબ તેમણે પવારને પકડી લીધો હોવાની માહિતી છે. પણ તેમણે એક પણ બે ખોટા માણસને પણ પકડી લીધાં છે. ગિરધારી અને અજય ચેવલી!….”
ને પછી માથુરે પોતાના મોબાઇલ ફોન કાઢી, સોનીને “મિસ કોલ’ કરવા માટે બટન પર હાથ મૂકયો.
અને અચાનક અટક્યો. અને બીજી જ પળે પોતાના મોબાઇલમાં, પહેલેથી તૈયાર રાખેલો એક મેસેજ તેણે સોનીને મોકલ્યો …
“પેક અપ!”
—-*—–
( ક્રમશઃ )
વધુ આવતાં અંકે…( પ્રિય વાચક મિત્રો __તા.૦૮/૦૩/૨૦૦૯ના રોજ પ્રકરણ – ૨૧ પ્રકાશિત થશે.)
Trackbacks & Pingbacks