પ્રકરણ – ૧૯ બીજું ખૂન
પ્રકરણ – ૧૯ બીજું ખૂન
________________________________________________________________________________________
વહી ગયેલી વાર્તા : સુરત ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઇન્સપેક્ટર માથુર આસિ. ઇન્સપેક્ટર સોની સુરત શહેરનાં પોલીસ કમિશનર મહેતા સાહેબની સૂચના મુજબ ત્રિવેણી એપાર્ટમેન્ટ, મીરાંનગર, કતારગામ પહોંચે છે જ્યાં વિજય રાઘવન નામના એક શખ્સનું ખૂન થયું હોય છે. વિજય રાઘવન રસેશ ગોધાણી સાથે પાર્ટનરશીપમાં ઇન્કમટેક્સ – સેલ્સટેક્સ કન્સલ્ટન્ટ કામકાજ કરતો હોય છે. ત્રિવેણી ઍપાર્ટમૅન્ટની લિફ્ટ પાસે થયેલ ખૂન માટે ગુનેગાર શોધવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર માથુર કડીઓ, પુરાવા મેળવવા સ્થળ પર હાજર રહેલી વ્યક્તિઓની પૂછપરછ કરે છે. જે કામમાં ‘ત્રિવેણી’ ઍપાર્ટમૅન્ટનાં સેક્રેટરી મિ.શર્મા તેમને સહયોગ આપે છે…અને વિજયના ઘરમાંથી શંકાસ્પદ વસ્તુઓની ઇન્સપેક્ટર માથુર શોધ આદરે છે. ને ત્યાં તપાસ દરમિયાન તેમને એક સિગારેટનો ટુકડો – ફિલ્ટર પાર્ટ- અને તૂટેલી દીવાની ચીમનીનો કાચ મળે છે. માથુર તેના પોતીકી સૂઝથી ગુનાની આગલી કડી સુધી પહોંચવા સતર્ક થાય છે. આ દરમિયાન તેને ઇન્સપેક્ટર સોની એક સ્પેશિયલ ટિપ ની નોંધ મૂકી વિજયની ડાયરી આપે છે. માથુરએ ચોકીદાર પવાર, ગિરધારી ,મિ.શર્મા, વિરજી, પરસોત્તમ ભરવાડ, રસેશ ગોધાણીની પૂછપરછ આદરે છે. પછી તે આગળની તપાસ માટે રસેશ ગોધાણીને મળવા જાય છે. ત્યાં મુલાકાત દરમિયાન માથુર તેને કેટલાંક મૂંઝવણમાં મૂકી દેતા સવાલ-જવાબ કરે છે અને ગોધાણી અકળામણ અનુભવે છે અને દરમિયાન ત્રિવેણી એપાર્ટમેન્ટ પર સોની વૉચ ગોઠવી માથુરને જાણ કરે છે અને ત્યાં સોનીને જોવા મળે છે એક પડછાયો વિજય રાઘવનના ફ્લૅટ પાસે! અને સોની સાથેની વાતચીત બાદ અચાનક માથુર ફરી ‘ત્રિવેણી’ ઍપાર્ટમેંટ પર જાય છે – વેશ-પલટો કરીને ! ત્યાં પોતાના માણસો હોવા છતાં – ત્યાં જઈ માથુરે શું કર્યું ? તે આપે અગાઉના પ્રકરણ – ૧૦ થી ૧૯ માં વાંચ્યું …
ને પછી આગળ….
_________________________________________________________
રહસ્યકથા…”ઇન્ફોર્મર”ના અન્ય પ્રકરણ વાંચવા
ઉપર આપેલી ટેબમાંથી જમણી બાજુની ” રહસ્યકથા… ઇન્ફોર્મર “ની ટેબ ઉપર ક્લિક કરો.
કે પછી અહીં ક્લિક કરો – / રહસ્યકથા – ઈન્ફોર્મર /
મારા માટે અત્યંત કિંમતી એવા, તમારા પ્રતિભાવો- કૉમેન્ટ્સમાં લખવા વિનંતી…બ્લૉગરૉલમાં આપેલ ગુજરાતી ટાઇપપૅડની મદદથી તમે ગુજરાતીમાં લખી શકશો.
આભાર.
_________________________________________________________
પ્રકરણ – ૧૯ બીજું ખૂન
પાંડેસરાના પી.એસ.આઇ. રાઠોડની સાથે માથ્રુરની મોબાઇલ ફોન પરની વાતચીત સાંભળી ત્યાં હાજર રહેલા બધાનું અચરજમાં પડી જવું સ્વાભાવિક હતું. કારણકે છેલ્લી બે વારની માથુરની વાતચીત પરથી એટલું સ્પષ્ટ હતું કે પવાર પકડાયો હતો! પણ ઉધના સ્ટેશન પરથી કે પાંડેસરા પરથી? તે સમજ નહોતી પડતી.
અને સબ ઈન્સ્પેક્ટર વિકાસ પ્રધાન હકીકત જાણવા માટે પોતાની ઉત્સુકતાને વધુ રોકી ન શક્યો.
“માફ કરજો, સર! હું ભૂલ ના કરતો હોઉં તો, મને યાદ છે ત્યાં સુધી પહેલીવાર સોની સરનો ફોન હતો, ત્યારે પણ પવાર પકડાયો હોવાનું તમે કહ્યું હતું; જમાદાર વસાવાને અભિનંદન આપતાં હોવાનું પણ મેં સાંભળેલું. પછી બીજી વાર પાંડેસરાથી રાઠોડ સરનો ફોન આવ્યો ત્યારે પણ પવાર પકડાયો હોવાનું તમે કહ્યું!… મને તો બિલકુલ કશું સમજાયું નહીં સર!”
“વિકાસ! તે બરાબર સાંભળ્યું હતું. પહેલીવાર પણ પવાર પકડાયો હતો અને બીજીવાર પણ પવાર જ પકડાયો છે! પણ તને સાચું કહું તો, પહેલીવારનો સંદેશો ખોટો હતો જ્યારે બીજીવારનો સંદેશો સાચો છે! પહેલીવાર ખોટો પવાર કેમ પકડવો પડ્યો હતો? તે હું તને પછી કહીશ” કહી તેની સામે જોઈ સહેજ સ્મિત કરી ઉમેર્યુ, “એ વિચાર કે અસલી પવારને આપણે જ્યારે શોધી રહ્યા હતા, ત્યારે તે પાંડેસરામાં શું કરતો હતો?”
“સર! તે કોઈ મોટા કારભાર માટે જ ત્યાં ગયો હશે! બીજું શું? … શક્ય છે કે કદાચ તેના કોઈ અંગત કામ માટે પણ કદાચ ત્યાં ગયો હોય…નહીંતર એ કંઈ પણ, કોઈને પણ ‘ત્રિવેણી’ પર કહ્યા વિનાં ત્યાં જાય શું કામ?” વિકાસે કહ્યું.
“તારી વાત કદાચ સાચી હોઈ શકે! પણ જાણવું એ રહ્યું કે તે પોતાના કામ માટે ‘રિલાયન્સના વેબ વર્લ્ડ’ પર ગયો હતો કે પછી બીજા? પોતાના મોબાઇલ ફોનનો પ્લાન ચૅઇન્જ કરાવવા ગયો હતો કે પછી કોઈ પ્લાનનો અમલ કરવા? ‘રિલાયન્સ’ ના ફોનનું બિલ ભરવાને બહાને ડિટેઇલ બિલ કઢાવવા? કે પછી…શક્ય છે કે તારી માહિતી મુજબ પ્રશાંત જાદવ, જે કોઈકની સાથે એક ‘અગત્યની બેઠક’ કરવાનો હતો…તે પવાર સાથે પણ હોય!! માટે.. એક મિનિટ…એક મિનિટ_” કહી માથુર ક્ષણવાર માટે અટક્યો. અટક્યો તેવો જ ચૂપ થઈ ગયો! અને પછી બીજી જ મિનિટે આદતવશ આંખો મીંચી ચૂપચાપ બેસી ગયો.
સબ ઈન્સ્પેક્ટર વિકાસ પ્રધાન પણ સમજી ગયો અને તે પણ ચૂપ થઈ ગયો. તેને ખબર હતી કે માથુર સર પોતાની મૂંઝવણનો ઉકેલ, આ રીતે જ હંમેશા શોધતા હતા_ ઘણીવાર!
અજય ચેવલી અને ગિરધારી- બંને અવાચક બની, મૂઢની જેમ બેસીને, બધું સાંભળી રહ્યા હતા.
હનીફે આંખો મીંચી વિચારમગ્ન બેઠેલા માથુરના ચહેરા પરની ખેંચાયેલી રેખાઓ જોઈ, અને મનોમન તેમને કારણ પૂછવા માટે વિચાર્યું; પણ પૂરી હિંમત એકઠી કર્યા પછી પણ તે ના પૂછી શક્યો.
અને પળવાર માટે ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’ની ઑફિસમાં સ્મશાનવત્ શાંતિ થઈ ગઈ.
અકળામણની કેટલીક મિનિટ પસાર થયા બાદ, અચાનક માથુરે આંખો ખોલી, અને પછી વળતી પળે બબડ્યો, ” માય ગોડ, પ્રશાંત જાદવ… યાર હનીફ ! રસેશ ગોધાણી તો ચીખલી પાસે ચૅકપોસ્ટ પર, વલસાડ પોલીસના બંદોબસ્ત હેઠળ અહીં આવી રહ્યો છે; પણ આપણને પ્રશાંત જાદવનો ગઈ રાતથી સંપર્ક નથી થતો ને?!_ “કહી તે ફટ કરતો ખુરશીમાંથી ઊભા થઈ ગયો અને જોરથી લગભગ ચિલ્લાયો, “હનીફ! જલદી પી.એસ.આઇ. રાઠોડને ફોન કરી, કહી દે_ કે પવારને લઈને સીધા અહીં પહોંચે. મને અંદેશો છે કે પ્રશાંત જાદવની જિંદગી સાથે કોઈક રમત રમી રહ્યું છે…”
પછીની બીજી મિનિટ એણે પોતાનો મોબાઇલ ફોન કાઢ્યો અને સોનીને ફોન લગાડ્યો, ” સોની! ક્યાં છે તું?”
“ઑન ધ ટાર્ગેટ સર! તમારી સૂચના મુજબ, હું પંપ રૂમમાં છું. યાદવ મારી સાથે છે. હજી સુધી કોઈ હિલચાલ નથી. સર! હું તમારા આગળના હુકમની રાહ જોઈ રહ્યો છું. ” સામેથી ધીમા સ્વરે સોનીએ કહ્યું.
“વિઝીબિલિટી કેવી છે?”
“પંપ રૂમની બરાબર બાજુમાં, ગ્રાઉન્ડ ફ્લૉર પર રહેતી અથવા આવતી-જતી વ્યક્તિ માટે કૉમન ટૉઇલેટ-બાથરૂમની વ્યવસ્થા છે. પંપ રૂમમાં એક નાનકડા સ્ટૉરેજ માટે જગ્યા પણ છે… અને અહીંથી ત્યાં આસાનીથી નજર રાખી શકાય છે સર!”
“અને સબ્જેક્ટ?”
“સર! મેં હજી હમણાં જ અપ-ડેટ લીધા…હું રાહ જોઈ રહ્યો છું. આશા રાખું છું કે તમારું સાદું ગણિત સાચું પડે!”
“લગભગ સો ટકા સાચું પડવાની શક્યતા છે, સોની!…પવારને પી.એસ.આઇ. રાઠોડે પાંડેસરાથી પકડ્યો છે. પણ તું ઍલર્ટ રહેજે. બૅસ્ટ લક!”
આ તરફ હનીફ પી.એસ.આઇ. રાઠોડ સાથે વાત કરી રહ્યા હતો, તે દરમિયાન ફરી પાછું કશું યાદ આવ્યું હોય તેમ; માથુરે સોની સાથેની વાત પૂરી કરી, હનીફ પાસેથી મોબાઇલ માગ્યો, ” લાવ હનીફ ! મને આપ!…રાઠોડ! સાંભળ_માથુરે બોલું છું. પેલા પવારને એક અડબોથ લગાવી પૂછ કે તેની સાથે બીજું કોણ હતું? અને છેલ્લે કોની સાથે હતો?”
“સર! માફ કરજો ! પણ મેં દોઢ ડહાપણ વાપરી પહેલાં જ એની સાથે થોડો ટપલી દાવ રમી લીધો છે…અહીં શું કામ આવેલો ?_મેં જ્યારે એવું પૂછ્યું, ત્યારે તેણે કહ્યું કે તે પોતાના અંગત કામ માટે આવેલો…અને એમ કહે છે કે તેની સાથે કોઈ નહોતું…પકડાયો ત્યારે પણ તે એકલો હતો. મેં જાતે જ સૌથી પહેલાં તેનો કાંઠલો પકડેલો સર! ” પોલીસ ફૉર્સમાં નવા નવા જોડાયેલા નવલોહિયા રાઠોડે, સગર્વ માથુર પાસે શાબાશીની અપેક્ષાએ જવાબ વાળ્યો.
“ઍક્સલન્ટ વર્ક રાઠોડ! શાબાશ!” માથુરે તેને જરાય નિરાશ ન કર્યો.
“થૅંક્યું સર!”
થોડીવારમાં સામે પોલીસ જીપ ઊભી રહ્યાનો અને તેમાં કરગરતા પવારનો અવાજ સંભળાયો.
“સાહેબ સાચું કહું છું… હું તો અહીં મારા અંગત કામ માટે આવેલો.”
“રાઠોડ! ક્યા પ્રકારના અંગત કામ માટે પાંડેસરા આવેલો? એવું એને પૂછ.”
થોડીવાર પછી રાઠોડ સામેથી કહ્યું, “સર! કહે છે કે તેના ‘રિલાયન્સ’ના મોબાઇલ ફોનનું બિલ વધારે આવતું હોય, પ્લાન બદલાવવા માટે ‘રિલાયન્સ’ના ‘વેબ વર્લ્ડ ઍક્સપ્રેસ’માં આવેલો…બીજું કોઈ જ કારણ નથી, એમ કહે છે.” રાઠોડે કહ્યું.
“સારું રાઠોડ! તું અહીં પહોંચ, પવારને હું રૂબરૂ પૂછી લઉં છું.”
“જી સર” કહી રાઠોડ જવાબ વાળ્યો અને માથુરે ફોન કટ કર્યો.
ત્યાં તો ઈન્સ્પેક્ટર ખન્ના, ‘એસ.એસ.એસ’ ના દિલાવરસિંગ સૈની પાસેથી માહિતી લઈ આવી પહોંચ્યો.
“સર! આ હાર્ડ કૉપી દિલાવરસિંગ સૈનીએ આપી છે તેમાં પવાર, મહેન્દ્રપાલ સિંગ, દિલાવર સિંહ અને તેજપાલની માહિતી છે. સૉફ્ટ કૉપીમાં તેમના આખા સ્ટાફ્ની માહિતી છે. દિલાવરસિંગ સૈની કહેતાં હતો કે આ તમે જ રાખો, ભવિષ્યમાં તમને પાછી ક્યારેક જરૂર પડશે તો ક્યાં શોધતાં ફ્રરશો? પાછા વારંવારના ધક્કા!” કહી ખન્નાએ હાર્ડ કૉપી અને સૉફ્ટ કૉપી માથુરને આપી.
“તેજપાલ અને દિલાવરસિંગ ક્યાં છે?” માથુરે પૂછ્યું.
“સર! દિલાવરસિંહએ કહ્યું કે તેજપાલ, પાંડેસરા, દક્ષેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં પંચશીલ નગરમાં, એક સ્લમ વિસ્તારમાં રહે છે. ટી.બી.ની બિમારીને લીધે, છેલ્લા કેટલાક સમયથી તેની તબિયત પણ સારી નથી રહેતી…તમે ક્યાં એ સ્લમ વિસ્તારની ગંદકીમાં પગ ગંદા કરવા માટે આવવાના? હું જાતે જ તેને લઈને માથુર સાહેબે જણાવેલ સ્થળે પહોંચી જાઉં છું, તમે પહોંચો_”
“એકાદ પોલીસ કૉન્સ્ટેબલને તેની સાથે મોકલ્યો કે નહીં?” માથુરે તેની વાત વચ્ચેથી કાપતા પૂછ્યું.
“ના..ના સર!” કહેતા ખન્ના સહેજ થોથવાયો.
“બધાં પાંડેસરાનું જ કેમ નામ લે છે?” એવું કંઇક માથુર મનોમન ધીમેથી બબડ્યો.
પછી માથુરે ફટાફટ હાર્ડ કૉપીનાં પાનાં પલટાવવા માંડ્યા. બધાના પ્રૉફાઇલ પર નજર નાંખતી વેળા, ક્યારેક તેની નજર ખેંચાતી, તો ક્યારેક સ્થિર થતી. પણ તેણે એ કામ ઝપાટાભેર આટોપી લીધું.
સિટી લાઇટ રોડ પર રહેતાં દિલાવરસિંગ સૈનીની અને સામાન્ય હાલતમાં રહેતાં મહેન્દ્રપાલ સિંગની કરમ કુંડળીમાં ઝાઝો તફાવત માથુરને દેખાયો નહીં. તો પછી તેજપાલ કે પવાર માટે જોખમ ક્યાંથી લેવું? તેણે વિચાર્યું.
ને પછી તેજપાલની વિગત જોઈ. અડ્રેસ જોયું. અને પછી બાઘાની જેમ સન્ન થઈ, સામે નીચે બેઠેલાં અજય ચેવલીને કહ્યું,” ચાલ દોસ્ત ચેવલી! એક-બે કામ કર…આ તારી ઓફિસનું એમએફડી બરાબર ચાલે છે ને?”
“હા સાહેબ!” અચાનક તંદ્રામાંથી જાગ્યો હોય તેમ અજય ચેવલી બોલ્યો.
“તો પછી લે, આ કાગળોની ફટાફટ એક ઝેરોક્ષ કૉપી કાઢી આપ! અને પછી બધાને થોડું પાણી આપ.” કહી તેને તેજપાલ અને દિલાવરસિંગ સૈનીના પ્રૉફાઇલના પેપર તેને આપ્યા.
અજય ચેવલીએ ફટાફટ કૉપી કાઢી, માથુરને આપી.
માથુરે તે કૉપી લઈ ત્યાં ઊભેલા ખન્નાને આપતાં કહ્યું, ” ખન્ના ! તું આ તેજપાલના અડ્રેસ પર જા! અને જોઈ લે કે ત્યાં કોણ કોણ છે? દિલાવર ત્યાં પહોંચ્યો કે નહીં? હું કોઈ તક આપવા માંગતો નથી.”
ત્યાં તો અચાનક નીચેથી એક કૉન્સ્ટેબલ દોડતો દોડતો આવ્યો અને હાંફતા શ્વાસે તેણે કહ્યું, “સર!… સર! હમણાં જ વાયરલેસ પર મેસેજ આવ્યો છે…કાલે મોડી રાત્રે પાંડેસરા, જી.આઈ.ડી.સી.માં એક ખૂન થયું છે. મરનારનું નામ પ્રશાંત જાદવ છે! આ રહ્યું ઘટનાસ્થળનું અડ્રેસ!” કહી તેણે માથુરના હાથમાં અડ્રેસની કાપલી આપી.
“શુંઉઉઉ…? ક્યાં ? “અચંભિત હનીફથી સ્વાભાવિકપણે પૂછાઇ ગયું.
અને ત્યાં ઊભેલા અજય ચેવલીએ રડવા માંડ્યું.
“હા સર! ગઈ રાત્રે…પાંડેસરા, જી.આઇ.ડી.સી. ના વેરાન રસ્તા પર, તેની કારમાં જ કોઈકે તેને ગોળી મારી દીધી છે!” હાંફતા શ્વાસે બોલી રહેલા કૉન્સ્ટેબલના અવાજમાં સહેજ ગભરાટ હતો.
“ઓહ…નો!!” ક્ષણવાર માટે સ્તબ્ધ થઈ ગયેલા માથુરના અવાજમાં વ્યગ્રતા અને તણાવ સ્પષ્ટ જણાતા હતા. છેવટે પોતે ના ઈચ્છતો હતો તેવું જ થઈને રહ્યું! તે આ ઘટના આખી રાતના ઉજાગરા પછી પણ ના રોકી શક્યો તેનું દુઃખ એના ચહેરા પર સ્પષ્ટ કળી શકતું હતું.
વળતી પળે તેણે સામે પડેલો પાણીનો ગ્લાસ પૂરો ગટગટાવી ને કમિશનર મહેતાનો ફોન આવે તે પહેલા, ફટાફટ એક કોલ કરી લેવાનું ઉચિત માન્યું. તેણે પોતાનો મોબાઇલ લઈ ફરી સોનીને ફોન કર્યો.
“સોની! એક ખરાબ સમાચાર આપવાના છે. ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’ માલિક પ્રશાંત જાદવને કોઈકે ગઈ રાત્રે ફૂંકી માર્યો છે! અને_” જવાબમાં સામેથી સોનીના પ્રતિભાવની લગીરેય દરકાર કર્યા વિના તેણે આગળ ચલાવ્યું,”…સાંભળ! હું અત્યારે પાંડેસરા પાસે હું જાઉં છું. અહીં હનીફ અને વિકાસ છે. તું મેનેજ કરી લેશે ને?.. બીજું કોણ છે તારી સાથે? હા, ઠીક યાદ આવ્યું…યાદવ, બરાબર?…ઓ.કે ફાઇન! તારે કદાચ વધારે વાર ન જોવી પડશે. અને હા…તારો મોબાઇલ વાઇબ્રેશન મોડમાં રાખવાનું ચૂકતો નહીં!”
અને ઈશારાથી હનીફ અને વિકાસને, ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’ માં ઊભી કરેલી હંગામી પોલીસ કચેરીનો હવાલો સોંપી તે દોડતો બહાર નીકળ્યો…
સહસા કશુંક યાદ આવ્યું હોય તેમ અજય ચેવલીને કહ્યું, ” તું પણ ચાલ મારી સાથે!”
પેલો હિબકાં ભરતો માથુર સાથે થવા દોડ્યો.
“ચાલ! હવે રડવાનું રહેવા દે! તારા શેઠનો કારભાર કેવો હતો તે તને નથી ખબર?! કદાચ તને ના હોય તો જાણી લે કે તેમણે આજે નહીં તો કાલે આ રીતે જ જવાનું હતું. કાળા કામનો અંત આવો જ આવતો હોય છે, તે તને ક્યાં નથી ખબર ?!…” લિફ્ટ ઉપર આવી રહી હતી, તે દરમિયાન રાહ જોઈ ઊભા રહ્યા હતા ત્યાં તેણે અજય ચેવલીને ટપાર્યો.
ને પેલો ચૂપ થઈ ગયો.
‘રધુપતિભવન’માંથી નીચે ઊતરી, બહાર મેઈન ગેટ પાસે ઊભા રહેલા મોરેને, તેણે જીપમાં બેસતા પહેલા જરા ઊંચા અવાજે કહ્યું, ” મોરે! ચાલ, આપણે તાત્કાલિક પાંડેસરા જવું પડશે…એક મર્ડર પણ થયું છે… પવારનું જ કામ લાગે છે…આપણે જરા ઝપાટાભેર જઈશું _ ”
ને પછી ગેટ પર બેઠેલા મહેન્દ્રપાલ સિંગના ચહેરાને તેણે ગાડીનો સાઈડ મિરર સરખો કરી વાંચવાનો યત્ન કર્યો.. જ્યાં મહેન્દ્રપાલ સિંગના એ ચિંતિત જણાતા વ્યગ્ર ચહેરા પર, ખેંચાયેલી તનાવની રેખાઓ વચ્ચે, પોતે સમજી શકે એટલું કહેવા માટે ઘણું બધું હતું.
“સર! સોની સાહેબ?” પણ મોરે કદાચ સોની સાહેબને, માથુર સાથે ના જોતાં, પોતાની મૂંઝવણમાં હતો.
માથુર પણ ક્ષણવાર માટે ચોંક્યો પણ બીજી પળે ત્વરાથી મોરેને કહ્યું, ” સોની સાહેબ સાથે મારી વાત થઈ ગઈ છે, તે એક અરજન્ટ ઈન્ક્વાયરી પતાવી સીધા પાંડેસરા પહોંચશે… ચાલ, મને મોડું થાય છે. જલદી કર”
ગૂંચવાયેલો મોરે ગાડીનો સેલ મારતા મારતા પણ, પોતાના સાહેબથી કંઇક ગફલત થઈ રહી હોય; એ ભાવથી જોઈ રહ્યો.
છેવટે ગાડીમાં પણ તેનાથી રહેવાયું નહીં, એટલે તેણે હતી એટલી હિંમત કરી એકવાર રસ્તામાં ફરી માથુરને પૂછી જ નાખ્યું.
‘સર! તમારી ભૂલ તો નથી થતી ને? તમને ખબર છે કે સર! હું ડ્યુટી પર ગાડી છોડી ક્યાંય જતો નથી. આજે પણ હું તો અહીં ગાડી પરને ગાડી પર જ બેઠો છું. મેં તો સોની સરને ‘રધુપતિભવન’માંથી બહાર નીકળતા જોયા જ નથી?! સર! હું ચોક્કસ કહું છું.”
માથુરે પહેલાં સહેજ ગુસ્સાભરી નજરે મોરે સામે જોયું; અને પછી મોરેનો ચિંતાતુર ચહેરો જોઈ, રહેવાયું નહીં એટલે જોરથી હસી પડતાં કહ્યું, ” ગુડ! મોરે, તું પણ ચબરાક થઈ ગયો છે…તારી વાત સાચી છે…તારા સોની સર ‘રધુપતિભવન’ પર જ છે!! અને હું પણ તારા જેટલો જ આ વાતમાં ચોક્કસ છું.”
પણ માથુરની એવી વાત સાંભળી મોરેના ચહેરા પરની મૂંઝવણ હતી એનાં કરતાં બેવડાઈ ગઈ! માથુરસર તેને થાબડતા હતા કે તેની સાથે મજાક કરતા હતા તે એને સમજાતું નહોતું! તેમાં વળી એક તરફ તેના સાહેબ, સોની સાહેબ બારોબાર પાંડેસરા ઘટના સ્થળે પહોંચશે એમ કહે છે અને બીજી તરફ તેઓ ‘રધુપતિભવન’ પર જ છે એમ કહે છે! તો પછી સાચું શું?…કદાચ તેઓ રઘુપતિભવન પર હોવાની વાત જ સાચી હતી કારણકે પોતાની નજર ચૂક્યો નહોતો!…ને એમ વિચારતાં તેણે ઍક્સલરેટર પર પગ દાબી દીધો_ ફુલ થ્રૉટલ!
અને પાંડેસરા પહોંચવા માટે તેની જીપ પૂરપાટ ગતિથી દોડવા માંડી.
—-*—–
( ક્રમશઃ )
વધુ આવતાં અંકે…( પ્રિય વાચક મિત્રો __તા.૦૧/૦૩/૨૦૦૯ના રોજ પ્રકરણ – ૨૦ પ્રકાશિત થશે.)
Amazing story….
Pls password
પ્રિય મિત્ર, નમસ્કાર.પ્રતિભાવ આપવા બદલ આપશ્રીનો ખૂબ ખૂબ આભાર. આપનું ઇમેલ જોવા વિનંતી.