પ્રકરણ – ૧૮ પવાર પકડાયો!
પ્રકરણ – ૧૮ પવાર પકડાયો!
____________________________________________________________________________________________________________________
વહી ગયેલી વાર્તા : સુરત ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઇન્સપેક્ટર માથુર આસિ. ઇન્સપેક્ટર સોની સુરત શહેરનાં પોલીસ કમિશનર મહેતા સાહેબની સૂચના મુજબ ત્રિવેણી એપાર્ટમેન્ટ, મીરાંનગર, કતારગામ પહોંચે છે જ્યાં વિજય રાઘવન નામના એક શખ્સનું ખૂન થયું હોય છે. વિજય રાઘવન રસેશ ગોધાણી સાથે પાર્ટનરશીપમાં ઇન્કમટેક્સ – સેલ્સટેક્સ કન્સલ્ટન્ટ કામકાજ કરતો હોય છે. ત્રિવેણી ઍપાર્ટમૅન્ટની લિફ્ટ પાસે થયેલ ખૂન માટે ગુનેગાર શોધવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર માથુર કડીઓ, પુરાવા મેળવવા સ્થળ પર હાજર રહેલી વ્યક્તિઓની પૂછપરછ કરે છે. જે કામમાં ‘ત્રિવેણી’ ઍપાર્ટમૅન્ટનાં સેક્રેટરી મિ.શર્મા તેમને સહયોગ આપે છે…અને વિજયના ઘરમાંથી શંકાસ્પદ વસ્તુઓની ઇન્સપેક્ટર માથુર શોધ આદરે છે. ને ત્યાં તપાસ દરમિયાન તેમને એક સિગારેટનો ટુકડો – ફિલ્ટર પાર્ટ- અને તૂટેલી દીવાની ચીમનીનો કાચ મળે છે. માથુર તેના પોતીકી સૂઝથી ગુનાની આગલી કડી સુધી પહોંચવા સતર્ક થાય છે. આ દરમિયાન તેને ઇન્સપેક્ટર સોની એક સ્પેશિયલ ટિપ ની નોંધ મૂકી વિજયની ડાયરી આપે છે. માથુરએ ચોકીદાર પવાર, ગિરધારી ,મિ.શર્મા, વિરજી, પરસોત્તમ ભરવાડ, રસેશ ગોધાણીની પૂછપરછ આદરે છે. પછી તે આગળની તપાસ માટે રસેશ ગોધાણીને મળવા જાય છે. ત્યાં મુલાકાત દરમિયાન માથુર તેને કેટલાંક મૂંઝવણમાં મૂકી દેતા સવાલ-જવાબ કરે છે અને ગોધાણી અકળામણ અનુભવે છે અને દરમિયાન ત્રિવેણી એપાર્ટમેન્ટ પર સોની વૉચ ગોઠવી માથુરને જાણ કરે છે અને ત્યાં સોનીને જોવા મળે છે એક પડછાયો વિજય રાઘવનના ફ્લૅટ પાસે! અને સોની સાથેની વાતચીત બાદ અચાનક માથુર ફરી ‘ત્રિવેણી’ ઍપાર્ટમેંટ પર જાય છે – વેશ-પલટો કરીને ! ત્યાં પોતાના માણસો હોવા છતાં – ત્યાં જઈ માથુરે શું કર્યું ? તે આપે અગાઉના પ્રકરણ – ૧૦ થી ૧૮ માં વાંચ્યું …
ને પછી આગળ….
______________________________________________________________________
રહસ્યકથા…”ઇન્ફોર્મર”ના અન્ય પ્રકરણ વાંચવા
ઉપર આપેલી ટેબમાંથી જમણી બાજુની ” રહસ્યકથા… ઇન્ફોર્મર “ની ટેબ ઉપર ક્લિક કરો.
કે પછી અહીં ક્લિક કરો – / રહસ્યકથા – ઈન્ફોર્મર /
મારા માટે અત્યંત કિંમતી એવા, તમારા પ્રતિભાવો- કૉમેન્ટ્સમાં લખવા વિનંતી…બ્લૉગરૉલમાં આપેલ ગુજરાતી ટાઇપપૅડની મદદથી તમે ગુજરાતીમાં લખી શકશો.
આભાર.
______________________________________________________________
પ્રકરણ – ૧૮ પવાર પકડાયો!
મહેન્દ્રપાલ સિંગ ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’ની ઑફિસમાંથી બહાર નીકળી રહ્યો હતો, ત્યારે જ માથુરે કમિશનર મહેતા સાહેબને ફોન લગાડ્યો અને કૈંક ઊંચા અવાજે કૉરીડોરમાં આવતા જતા અને બહાર ઊભેલા બધાં સાંભળે તેમ બોલવા માંડ્યું, ” સર! માથુરે! હેલો_ હેલો સ..ર! માથુર…તમારો અવાજ બરાબર સંભળાતો નથી…હેલો!_”
“માથુર! તારો અવાજ કાનના પડદા ફાટી જાય એટલો ઊંચો કેમ છે? તું મને ધીમેથી બોલશે તો પણ સંભળાશે!” સામેથી કમિશનર મહેતાએ માથુરને વચ્ચેથી અટકાવતાં કહ્યું.
“સર! અહીં કતારગામમાં જ્યાં હું બેઠો છું, ત્યાં ‘રઘુપતિભવન’માં નેટવર્કની તકલીફ હોય એમ લાગે છે. કદાચ મારા ફોનમાં તકલીફ હોય શકે… મને તમે બોલો છો તે ખૂબ ધીમું સંભળાય છે… અને તમારો અવાજ પણ તૂટે છે…ઊભા રહો, હું બહાર નીકળું છું.. ” કહી માથુર વાત કરતા કરતા બહાર કૉરીડોરમાં નીકળ્યો.
“હું તને હમણાં ફોન કરવાનો જ હતો. સારું, બોલ શું વાત છે?”
“સર! સાંભળો…’વિજય રાઘવન હત્યા’ કેસમાં જરા અપડેટ આપી દઉં. કદાચ તમારી ઉપર તમારા મિત્ર, મિ.શર્માનો ફોન આવશે…કદાચ કોઇક નિર્દોષને પકડ્યો હોવાની ફરિયાદ કરશે. મેં એક-બે શકમંદને પકડ્યા છે. પણ તમારા મિત્ર મિ.શર્મા, તમને ગિરધારી નામની વ્યક્તિ બાબતે ફરિયાદ કરશે…જે મિ.શર્માનો અંગત સેવક છે…ના સર! પણ તો ચિંતા ના કરશો…પ્લીઝ સર! મિ.શર્માને તમે કહી દેજો કે અસલી ગુનેગારને હું છોડતો નથી, અને કોઇ નિર્દોષને કારણ વગર રંજાડતો નથી. તમે પણ એ વાત સારી રીતે જાણો જ છો સર! મને ખબર છે કે તમે મને ક્યારેય તપાસ દરમિયાન બિનજરૂરી પૂછપરછ કરતાં નથી અને મને પૂરી છૂટ આપો છો, તેથી જ હું કામ ઝડપથી પતાવી શકું છું. આ તમને આગોતરી જાણ કરી રાખું છું… પછી વિગતે વાત કરીશ પણ એ તો તમને ખબર છે સર_” માથુરે ખુલાસો કર્યો.
“ઓ.કે! ઓ.કે. સાંભળ! મારા મિત્ર શર્મા મારી સામે જ બેઠા છે.” સામેથી કમિશનર મહેતાએ કહ્યું.
જવાબમાં માથુરે સહેજ અવાજ ધીમો કરી કહ્યું, “માફ કરજો…સર! મિ.શર્માને જરા ધીરજ રાખવા કહો. તમે મિ.શર્માને પૂછી જુઓ, અને કહો કે જો તેઓ કહેતા હોય તો ગિરધારીની કબૂલાત તેમને ફોન પર સંભાળવું! માટે તેમને છોડવાનો તો સવાલ જ નથી. હું એ વ્યક્તિને છોડીશ તો મારી તપાસને અસર થશે. પ્લીઝ સર! મિ.શર્માને શું જવાબ આપવો? એ જરા, તમારી રીતે નક્કી કરી દેજો. સર! આ કેસમાં મારી તપાસ ખૂબ નાજુક તબક્કામાંથી પસાર થઈ રહી છે. હજી એક શકમંદ ખુલ્લો ફરી રહ્યો છે અને એકાદ બીજાને વેતરી નાખવાની ફિરાકમાં હોય એવું મને લાગી રહ્યું છે. તમને થોડીવાર રહી ફરી પાછો ફોન કરું છું…’
“સારું! હું જોઈ લઉં છું અને શર્મા જોડે વાત કરી લઉં છું. ગિરધારી જોડે તેમની વાત કરાવવાની હાલમાં જરૂર નથી.” એવા કમિશનર સાહેબનો સામેથી પ્રતિભાવ સાંભળી લીધાં બાદ માથુરે કોલ કટ કર્યો.
પણ તેમની નજર મોબાઇલ ફોનના, લાલ કોલ ડિસક્નેકટ બટનની પર નહીં પણ મહેન્દ્રપાલ સિંગ પર હતી જે લિફ્ટ પાસે પહોંચી તો ગયો હતો…પણ તેની ચાલમાં જોવા મળતી લશ્કરી ચાલમાં ચિત્તા જેવી ચપળતા નહોતી તેને બદલે તે ધીમે પગલે ચાલી રહ્યો હતો…કંઇક તો કારણ હશે કે! કે પછી અમસ્તા જ…
એવું વિચારી રહેલો માથુરે, એ જોઈ કૈંક ઉત્સાહિત થઇ એ જ અંદાજમાં બીજો હુકમ કર્યો..” હનીફ! જા તો નીચેથી બીજા ત્રણેક જવાન બીજા બોલાવી લે. અહીં જરૂર પડશે. આપણે ડાયરો ભરવો પડશે એવું લાગી રહ્યું છે.”
હનીફ નીચેથી ત્રણ પોલીસવાળાને નીચેથી બોલાવી લીધા. તેઓને ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’ની ઑફિસ બહાર હનીફે ડ્યુટી પર ગોઠવી દીધા!
અચાનક માથુરની આવી વર્તણૂંકની હનીફ અને વિકાસ પ્રધાનને નવાઈ તો નહોતી. તેઓ જાણતાં હતાં કે આ બાબત હવે કોઇક અણધારી પરિસ્થિતિ માટે કે ઘટના માટે તેઓએ તૈયાર રહેવાનું ગર્ભિત સૂચન જેવી હતી! ક્યારથી આ બધું જોઈ રહ્યા હતાં, અને સમજવાની કોશિશ કરી રહ્યા હતા. તેઓ જાણતા હતાં કે માથુર સર ભલે શાંત દેખાતાં હોય પણ જ્યારે ફિલ્ડ પર કામ કરતા હોય અને તેમની ઝડપી અસરકારક નિર્ણયશક્તિ હંમેશા નહીં પણ ઘણીવાર અજબના પરિણામ આપતી હતી. એ નિર્ણયમાં આ પ્રકારની આક્રમકતા તેમની કામ કરવાની આગવી પદ્ધતિનો એક ભાગ હતો… આજનું તેમનું કામ કૈંક એવું તો નહોતું ને ?…તેઓ વિચારતાં હતા.
અને માથુર_
તેનું મન વીજળી વેગે ચાલતું હતું…
ગિરધારી અને અજય ચેવલી સામે હતાં. મિ.શર્મા અને મહેન્દ્રપાલ સિંગ પણ પાસે જ હતાં. દિલાવરસિંગ સૈની પણ મળી જશે. પણ તેજપાલને ચકાસવાનો હતો. પણ આ પવાર, પ્રશાંત જાદવ અને રસેશ ગોધાણી બંને હાથમાં નહોતો..તેમાં વળી પોતે એક જોખમ લીધું હતું. એક ગેમ રમવાનું અને સફળ થાય તો કામ થઇ જાય એમ હતું…વિકાસ પ્રધાનના કહેવા પ્રમાણે પ્રશાંત જાદવ એના ઘરે પણ નથી! તેનાં પત્ની અને બાળકો ઘરે છે. તેઓના કહ્યા પ્રમાણે પ્રશાંત જાદવે છેલ્લો ફોન ગત રાત્રે દસેક વાગ્યે કરેલો. અને કોઇની સાથે એક અગત્યની ‘બેઠક’ હોવાથી વાત કરેલી! કોની સાથે હશે એ ‘અગત્યની બેઠક’? અને એનો મુદ્દો શું હશે?.. ‘લાવ, એને જ પૂછી લઉં!’ એવું વિચારી; લાંબી મથામણ બાદ માથુરે ફોન લગાડ્યો પ્રશાંત જાદવને …
તેનાં આશ્ચર્ય વચ્ચે પ્રશાંત જાદવના મોબાઇલ પર આખી રિંગ પાસ થઇ ગઈ, પણ તેણે ફોન ના ઉપાડ્યો! માથુરે ફરી તેની ઑફિસના લેન્ડલાઇન નંબર પરથી પ્રયત્ન કર્યો, તો પણ પ્રશાંત જાદવે ફોન ન ઉપાડ્યો તે ન જ ઉપાડ્યો!! ‘ક્યાંક કોઇ_કશું ઊંધું તો વેતરી રહ્યું તો નથીને?…’તેણે વિચાર્યું.
“હનીફ! બેટા, જો તો મોબાઇલ કંપની પર ફોન કરી પૂછ તો કે આ નંબર પરથી ક્યાંય બીજે ફોન થયાં રહ્યા છે ખરા? શકય હોય તો તેનું લૉકેશન જાણી લે જે !”
માથુર હનીફને કહી સૂચના આપી જ રહ્યો ને ત્યાં તો તેના મોબાઇલની રીંગ વાગી…સામે રસેશ ગોધાણી હતો !
તેના અવાજ પરથી લાગતું હતું કે તે થોડો ગુસ્સામાં હતો “માથુર સર?…રસેશ બોલું છું! હું તો સપરિવાર સાપુતારા જવા નીકળ્યો છું. પણ ચીખલી પાસે ચૅકપોસ્ટ પર, વલસાડ પોલીસે મને રોક્યો. કહે છે તમારે પરત સુરત જવું પડશે. સુરત પોલીસ કમિશનરનો આદેશ છે…આ તમે શું માંડ્યું છે, સાહેબ? કૈંક સમજાવો આ લોકોને. તમને કહીને, સંદેશો મૂકીને તો હું નીકળ્યો હતો. તો પછી મને શા માટે હેરાન કરવામાં આવી રહ્યો છે અને_”
“બહુ આકળા ન થાવ! શાંતિથી મારી વાત સાંભળો રસેશભાઈ ! વિજય રાઘવનનો કેસ આ રીતે વણાંક લેશે એ મને નહોતી ખબર. વિજયની હત્યા માટે, મેં બે શકમંદ પકડી લીધા છે અને આ બાબતે કેટલાંક મુદ્દે, મારી તમારે સાથે ખુલાસા કરવાની સત્વરે જરૂર છે. એટલાં માટે તમને તકલીફ આપવી પડી. બાકી તમે મને અડધી રાત્રે મેસેજ મોકલી લખ્યું હતું કે વહેલી સવારે હું સાપુતારા રવાના થવાનો છું…મેં તમને કશું કહ્યું? અને મેં તમને ‘હા’ નહોતી કહી! બરાબર? તમે મને ફોન કર્યો હતો એ વાત પણ સાચી, તો પણ મેં ‘ના’ જ કહી હોત! તમને સાપુતારા જવા માટે પરવાનગી થોડી આપી હતી? તમે તો તમારી મરજીથી હંકારી મૂક્યું હતું. અને એક વાત તમને ખાસ કહું કે હજી એક હત્યારો નાસતો ફરી રહ્યો છે; આ સંજોગોમાં તમારા સાથે મને તમારી ફેમિલીની ચિંતા થાય છે. માટે પ્લીઝ !…તમે સમજી શકો છો આ વાત…”
“શું વાત કરો છો માથુર સર! વિજયની હત્યા માટે કોઇ પકડાઇ ગયું?! કોણ છે?” અતિ ઉત્સાહમાં આવી ગયેલા રસેશ ગોધાણીએ સામેથી પૂછ્યું.
“છે એકાદ બે નમૂના, જે છે તેને કદાચ તમે ઓળખતા પણ ન હશો. તમે રૂબરૂ અહીં આવો એટલે તમને બધી વાત કરું છું. બરાબર?”
“બરાબર, બરાબર સર!!” પોતાના પાર્ટનરની હત્યા માટે શકમંદ પકડાઇ ગયાના સમાચાર સાંભળી રસેશ ગોધાણીનો અવાજમાં એક પ્રકારની ગરમાહટ આવી ગઈ હતી અને તેનો ગુસ્સો ઓગળી ગયો હતો.
“અને હા, સાંભળો રસેશભાઈ! તમારી પોલીસ માટેની સૂગ બાજુ પર મૂકી, પોલીસ પ્રૉટેક્શન માટે ના નહીં પાડતા! તમે ત્યાંથી પોલીસ ટીમ સાથે જ આવજો. સરળતા ખાતર તમે પોલીસની ગાડીમાં બેસી જજો. કારણકે હજી જે હત્યારો એક શકમંદ બહાર આઝાદ ફરી રહ્યો છે કે કદાચ તમને શોધતો પણ હોય…હું તમને ગભરાવી નથી રહ્યો, ફક્ત એલર્ટ કરી રહ્યો છું… તમારી કાર તમારા ફેમિલી સાથે પોલીસનો માણસ લઇ લેશે અને તેમને સુખરૂપ તમારાં ઘરે પહોંચાડી આવશે. એ જવાબદારી મારી. હું ત્યાં હાજર અધિકારીને જરૂરી સૂચના આપી દઉં છું. તમે નચિંત થઈ જાવ…તમે જરા ત્યાં ઊભેલા સબ ઇન્સેપેક્ટરને ફોન આપો..”
“ઓ.કે સર! તમે કહ્યું પછી ના પાડવાનો સવાલ જ નથી.” ખૂબ જ આજ્ઞાંકિત અવાજમાં રસેશ ગોધાણીએ હા કહી.
અને માથુરે જરૂરી સૂચના આપી, કૈંક હાશ સાથે ફોન કટ કર્યો.
“લો સર!’ હચ’માં મારે વાત થઇ છે. પ્રશાંત જાદવે ગત રાત્રિએ દસ વાગ્યે કરેલાં છેલ્લો કોલ નું લૉકેશન પાંડેસરા વિસ્તાર બતાવે છે! ” ત્યાં તો હનીફે માથુરે સોંપેલું કામ પૂરું કરી માથુરને માહિતી આપી.
“મતલબ કે આપણી પાસે પડેલી આ કૉલ ડિટેઇલ્સ બાદ બીજા કોઇ ફોન થયાં નથી. બરાબર ને?…લાવ તો, મને પ્રશાંત જાદવના મોબાઇલનું કૉલ ડિટેઇલ્સ લિસ્ટ આપ”
માથુરે હનીફ પાસે પ્રશાંત જાદવના મોબાઇલનું કૉલ ડિટેઇલ્સ ધ્યાનથી જોવા હજી તો શરૂ જ કર્યું હતું કે તેના મોબાઇલની રીંગ વાગી…
પાંડેસરા પી.એસ.આઇ. રાઠોડનો ફોન હતો_
“પવાર?… શું વાત કરે છે? ક્યાંથી? પાંડેસરા રિલાયન્સના વેબ વર્ડ પાસેથી? ગુડ… શું? પવાર જેવો લાગે છે? અરે, કદાચ એ જ હશે…જરા જો તો રાઠોડ! તેની ડાબી આંખ પાસે ઉપરના ભાગમાં લગભગ એક ઈંચ જેટલું, વાગ્યાનું નિશાન છે?… છે ને? બસ, તો પછી ચોક્કસ એ જ છે. તું લઈ આવ અહીં જ ! હું જોઈ લઉં છું…શું કહે છે? રિલાયન્સના વેબ વર્ડ એક્સપ્રેસમાં ગયેલો, ફોનના પ્લાન બદલાવવા…! જુઠ્ઠુ બોલતો હશે! મરવા માટે બહાર ભટકે છે સાલ્લો! વેલ ડન રાઠોડ!”
માથુર બોલી રહ્યો હતો તેમ તેમ હાજર રહેલાં બધાં, આશ્ચર્યથી ફાટી આંખે સાંભળી રહ્યા …
કારણકે થોડા સમય પહેલાં મહેન્દ્રપાલ હતો ત્યારે પણ ઉધના સ્ટેશન પરથી પવાર પકડાઇ ગયો એવો સોની સાહેબનો મોબાઇલ પર સંદેશો આવેલો!!
તો પછી પવાર પકડાયો ક્યાંથી? ઉધના સ્ટેશન પરથી કે પાંડેસરાથી? હમણાં પકડાયો તે પવાર હોય તો પહેલાં પકડાયો તે કોણ હતું? અને માથુર સર જે રીતે અભિનંદન આપી રહ્યા હતા, તે રીતે તો બંને વાત સાચી જણાતી હતી!…તો પછી સાચી હકીકત શું હશે?_
—-*—–
( ક્રમશઃ )
વધુ આવતાં અંકે…( પ્રિય વાચક મિત્રો __તા.૨૨/૦૨/૨૦૦૯ના રોજ પ્રકરણ – ૧૯ પ્રકાશિત થશે.)
Trackbacks & Pingbacks