પ્રકરણ – ૧૭ મહેન્દ્રપાલ સિંગ છૂટ્યો!
વહી ગયેલી વાર્તા : સુરત ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઇન્સપેક્ટર માથુર આસિ. ઇન્સપેક્ટર સોની સુરત શહેરનાં પોલીસ કમિશનર મહેતા સાહેબની સૂચના મુજબ ત્રિવેણી એપાર્ટમેન્ટ, મીરાંનગર, કતારગામ પહોંચે છે જ્યાં વિજય રાઘવન નામના એક શખ્સનું ખૂન થયું હોય છે. વિજય રાઘવન રસેશ ગોધાણી સાથે પાર્ટનરશીપમાં ઇન્કમટેક્સ – સેલ્સટેક્સ કન્સલ્ટન્ટ કામકાજ કરતો હોય છે. ત્રિવેણી ઍપાર્ટમૅન્ટની લિફ્ટ પાસે થયેલ ખૂન માટે ગુનેગાર શોધવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર માથુર કડીઓ, પુરાવા મેળવવા સ્થળ પર હાજર રહેલી વ્યક્તિઓની પૂછપરછ કરે છે. જે કામમાં ‘ત્રિવેણી’ ઍપાર્ટમૅન્ટનાં સેક્રેટરી મિ.શર્મા તેમને સહયોગ આપે છે…અને વિજયના ઘરમાંથી શંકાસ્પદ વસ્તુઓની ઇન્સપેક્ટર માથુર શોધ આદરે છે. ને ત્યાં તપાસ દરમિયાન તેમને એક સિગારેટનો ટુકડો – ફિલ્ટર પાર્ટ- અને તૂટેલી દીવાની ચીમનીનો કાચ મળે છે. માથુર તેના પોતીકી સૂઝથી ગુનાની આગલી કડી સુધી પહોંચવા સતર્ક થાય છે. આ દરમિયાન તેને ઇન્સપેક્ટર સોની એક સ્પેશિયલ ટિપ ની નોંધ મૂકી વિજયની ડાયરી આપે છે. માથુરએ ચોકીદાર પવાર, ગિરધારી ,મિ.શર્મા, વિરજી, પરસોત્તમ ભરવાડ, રસેશ ગોધાણીની પૂછપરછ આદરે છે. પછી તે આગળની તપાસ માટે રસેશ ગોધાણીને મળવા જાય છે. ત્યાં મુલાકાત દરમિયાન માથુર તેને કેટલાંક મૂંઝવણમાં મૂકી દેતા સવાલ-જવાબ કરે છે અને ગોધાણી અકળામણ અનુભવે છે અને દરમિયાન ત્રિવેણી એપાર્ટમેન્ટ પર સોની વૉચ ગોઠવી માથુરને જાણ કરે છે અને ત્યાં સોનીને જોવા મળે છે એક પડછાયો વિજય રાઘવનના ફ્લૅટ પાસે! અને સોની સાથેની વાતચીત બાદ અચાનક માથુર ફરી ‘ત્રિવેણી’ ઍપાર્ટમેંટ પર જાય છે – વેશ-પલટો કરીને ! ત્યાં પોતાના માણસો હોવા છતાં – ત્યાં જઈ માથુરે શું કર્યું ? તે આપે અગાઉના પ્રકરણ – ૧૦ થી ૧૫ માં વાંચ્યું …
ને પછી આગળ….
રહસ્યકથા…”ઇન્ફોર્મર”ના અન્ય પ્રકરણ વાંચવા
ઉપર આપેલી ટેબમાંથી જમણી બાજુની ” રહસ્યકથા… ઇન્ફોર્મર “ની ટેબ ઉપર ક્લિક કરો.
કે પછી અહીં ક્લિક કરો – / રહસ્યકથા – ઈન્ફોર્મર /
મારા માટે અત્યંત કિંમતી એવા, તમારા પ્રતિભાવો- કૉમેન્ટ્સમાં લખવા વિનંતી…બ્લૉગરૉલમાં આપેલ ગુજરાતી ટાઇપપૅડની મદદથી તમે ગુજરાતીમાં લખી શકશો.
આભાર.
———————————————————————————————-
પ્રકરણ – ૧૭ મહેન્દ્રપાલ સિંગ છૂટ્યો!
મહેન્દ્રપાલ સિંગને માથુરે જ્યારે એમ કહ્યું કે તું હિન્દી ભાષી હોવા છતાં, ગુજરાતી ખૂબ સરસ બોલે છે ત્યારે તે ગૂંચવાયો કે ખરેખર માથુર તેનાં વખાણ કરે છે કે પછી અમસ્તા જ …
અને એની ગડમથલ સમજતાં માથુરને જરાય વાર ના લાગી! હકીકતમાં તો માથુરે તેને તે કેવું ગુજરાતી બોલે છે? એ ચકાસવા માટે જ ગુજરાતીમાં સવાલ કર્યા હતાં.
અને પછી તેણે મહેન્દ્રપાલ સિંગને કશું પૂછવાનું બાજુ પર મૂકીને, પોતાનો મોબાઇલ કાઢ્યો અને ‘સિંગ સિક્યુરિટી સર્વિસ’ ના માલિક દિલાવરસિંગ સૈનીને ફોન કર્યો, ” મિ. દિલાવરસિંગ?… માથુર બોલું છું, સુરત ક્રાઇમ બ્રાન્ચ!…તમને ખબર જ હશે કે કતારગામમાં આવેલ ‘ત્રિવેણી’ એપાર્ટમેન્ટમાં, વિજય રાઘવન નામના શખ્સનું ખૂન થયું છે. ‘વિજય રાઘવનના મર્ડર કેસ’ની તપાસ મારી પાસે છે. આ બાબતે આપણે નજીકના દિવસોમાં મળીશું જ, તે માટે તમારે કદાચ અહીં આવવું પડશે; નહીંતર હું તો આવીશ જ. પણ તે દરમિયાન કેસની તપાસની ગતિ જળવાય રહે એ હેતુથી; તમે મને મળો તે પહેલાં, જો તમને વાંધો ન હોય તો હું તમને કેટલાક પ્રાથમિક સવાલો ફોન પર પૂછવા માંગુ છું…ઓ.કે?”
“__જી!” સામેથી અવાજ આવ્યો.
“મિ. દિલાવરસિંગ! મારે તમને આ રીતે હેરાન કરવા માટેનું એક જ કારણ છે, તે કદાચ તમે સમજી ગયા હશો જ. તે છતાં હું સ્પષ્ટતા કરી દઉં કે અહીં કતારગામના આ બંને એપાર્ટમેન્ટ, એટલે કે ‘ત્રિવેણી’ અને ‘રધુપતિભવન’_બંને ઉપર તમારો જ સિક્યુરિટી કોન્ટ્રેક્ટ ચાલે છે. માટે કેસના પ્રારંભિક તબક્કે આ તપાસમાં, હું તમારા માણસોને ચોક્કસ જવાબદાર ગણી શકું…એ વાત સ્વાભાવિક છે કે તેઓની આ એપાર્ટમેન્ટ બનતી ગુનાખોરી રોકવાનો પ્રથમ જવાબદારી બને છે; અને આ એજન્સીના માલિક તરીકે તમે પણ એટલા જ જવાબદાર છો. ઓ.કે ? આ બંને એપાર્ટમેન્ટ ખાતે, તમારા ત્રણ માણસો કામ કરે છે_ પવાર, મહેન્દ્રપાલ સિંગ અને તેજપાલ…બરાબર?”
“જી બરાબર!” સામેથી દિલાવરસિંગ સૈનીએ કહ્યું.
“જો કે તમારે એક વાતની ચિંતા કરવાની જરૂર નથી, કારણકે પ્રાથમિક તપાસમાં તમારા માણસો આ કેસમાં સંડોવાયા હોય એવું જણાતું નથી. પણ આ બંને એપાર્ટમેન્ટની સુરક્ષાની જવાબદારી તેઓની હોય તેમને હાલ મેં પૂછપરછ માટે રોક્યા છે. અત્યારની પરિસ્થિતિમાં તમારા આ ત્રણેય માણસો મારા શંકાના દાયરામાં નથી.; પરંતુ આ કેસમાં આ ત્રણેય સિવાય અન્ય શખ્સો સંડોવાયેલા છે; એવું સાબિત કરવા માટે મારે કેટલીક માહિતીની જરૂર છે, જે તમે જ આપી શકો છો. આ માહિતી અમારા માટે જ નહીં પણ તમારા માણસોને નિર્દોષ સાબિત કરવા માટે પણ અત્યંત ઉપયોગી પુરવાર થઈ શકે એમ છે…”
“તમારે ક્યા પ્રકારની માહિતી જોઈએ છે?” દિલાવરસિંગ સૈનીએ પૂછ્યું.
“જુઓ મિ. સૈની તમારા બે માણસો પવાર અને મહેન્દ્રપાલની પૂછપરછ લગભગ પૂરી થઈ ગઈ છે અને તેમની સાથે વાત કર્યા પછી મને લાગે છે કે તેઓ નિર્દોષ છે, પણ તેમને હું ખાતરીપૂર્વક નિર્દોષ ત્યારે જ કહી શકું જ્યારે તમે મને આ તપાસમાં મદદ કરો. બીજી એક વાત, તમારા ત્રીજો માણસ, કે જે કદાચ અહીં આવતો જ નથી; છતાં તેની ડ્યુટી અહીં બોલે છે. તેની સાથોસાથ તમારી સાથે હું કેટલીક બાબતોની ચર્ચા કરવા માંગું છું ”
“જી સર! તમે કહો તો હમણાં આવી જાઉં…બાકી તમને વાંધો ન હોય તો તમે મને જે પૂછવું હોય તે; ફોન પર પણ પૂછી શકો છો!” સામેથી દિલાવરસિંગ સૈનીએ વિવેક કરતાં કહ્યું.
“સારું દિલાવરસિંગ! તમે સુરતમાં તમે ક્યારથી છો?”
“દસ વરસથી”
“તમે જેની હત્યા થઈ એ વિજય રાઘવનને કે મિ.શર્મા નામની કોઇ વ્યક્તિને ઓળખો છો?”
“ના સર! વિજય રાઘવન સાથે મારે ક્યારેય મુલાકાત નથી થઇ. હા, મિ.શર્માને એકવાર મળ્યો હતો.” દિલાવરસિંગ કહ્યું.
“મિ.દિલાવરસિંગ! મને ખબર છે કે તમારી એજન્સીનો કોન્ટ્રેક્ટ પ્રશાંત જાદવની ઘણી કન્સ્ટ્ર્કશન સાઇટ પર ચાલે છે…મારે ખાસ તો એ જાણવું હતું કે તમે પ્રશાંત જાદવને અને રસેશ ગોધાણીને કેટલા સમયથી ઓળખો છો? ”
“જુઓ, માથુર સાહેબ! હું રસેશ ગોધાણીને ઓળખતો નહોતો, પણ જાદવ સાહેબે જ મારી ઓળખાણ તેમની જોડે કરાવેલી. દરઅસલ વાત એમ છે કે મારે પ્રશાંતભાઈ જાદવ સાહેબ સાથે લાંબા સમયથી સંબંધ છે. તમારી વાત સાચી છે, તેમની ઘણી બાંધકામ સાઇટ પર મારા માણસો છે. એ કામના કોન્ટ્રેક્ટ માટે, મારે ઘણા વરસો પહેલાં, મારી તેમની સાથે મુલાકાત થયેલી. એ ઓળખાણ ધીરેધીરે ઘનિષ્ઠ મિત્રતામાં બદલાઈ ગઇ. આજની તારીખમાં તેમની કન્સ્ટ્ર્કશન સાઇટ, તેઓ પોતે જ્યાં રહે છે એ બિલ્ડીંગ ઉપર મારા માણસો ફરજ બજાવે છે; એટલું જ નહીં પણ તેમના મિત્રોને પણ તેઓ મારી એજન્સીના નામની ભલામણ કરે છે. જેથી તેમના મિત્ર વર્તુળમાં પણ ક્યાંક ક્યાંક મારા માણસો કામ કરે છે. મને યાદ છે કે ગત વરસે દિવાળીના દિવસો દરમિયાન જ મને તેમણે ગોધાણી સાહેબની ઓફિસે માણસની તાત્કાલિક જરૂરિયાત હોય, ફાળવી આપવા માટે ભલામણ કરેલી. એ સમયે તો હું રસેશભાઇને મળેલો નહીં, પણ મેં મારા સુપરવાઇઝરને તેમને મળવા મોકલી આપેલા. ત્યારબાદ એકાદ-બે વાર, મારે મારા માણસોના સરપ્રાઇઝ ચેકીંગ માટે જવાનું થયેલું, ત્યારે તેમની ઉભડક મુલાકાત થયેલી… બાકી કામકાજમાં રસેશભાઇ માણસ ખૂબ જ નિયમિત . બીજી તારીખે પેમેન્ટ પણ સમયસર બિનચૂક મળી જાય! મોટે ભાગે મારા માણસો સાથે જ પૈસાનો ચેક મોકલી આપે છે. આજ દિન સુધી મારે ઉઘરાણી કરવાની જરૂર નથી પડી. તેમની સરખામણીમાં પ્રશાંતભાઇનું કામ જરા બેફિકરાઇવાળું લાસરિયું . વારંવાર ઉઘરાણી કરવી પડે. પેમેન્ટ મળે તો છે પણ કાપકૂપ કરીને, શું કરું સર!? ચલાવી લેવું પડે કારણકે તેઓને કારણે મને ઘણું કામ મળી રહે છે.” દિલાવરસિંગ સૈનીએ વિગતે ખુલાસો કર્યો.
“પંજાબમાં તમારા ઘરમાલિકના ખૂનના તમે આરોપી હતા અને ૧૯૯૨માં તમારી પર બાંગ્લાદેશી કૈદીઓ પર અત્યાચારને મામલે કોર્ટ માર્શલ સુધી પહોંચેલો, શું એ સાચી વાત છે?”
“કોણે કહ્યું? હા_ ઠીક યાદ આવ્યું મારા માણસોની પૂછપરછ ચાલતી હશે! બરાબર ને? પણ પેલાં ગધેડાં મહેન્દ્રપાલ સિંગ આવી બધી બકબક કરવાની શું જરૂર? અને વિજયની હત્યા સાથે એ વાતનો શું સંબંધ સર? છતાં…તમારી વાત સાચી છે. પણ પહેલાં કેસમાં મારી પરનાં આરોપ ખોટાં હતાં અને હું નિર્દોષ છૂટેલો અને બીજામાં મને ફસાવવામાં આવ્યો હતો. એની વે…માથુર સર! મારી ફરજ છે, હું જાતે જ આવી, આ બધી માહિતીનો ખુલાસો કરી જાઉં છું તો?_”
“પવાર, મહેન્દ્રપાલ સિંગ અને તેજપાલ આ ત્રણેય માણસોને તમે જેની ભલામણથી રાખેલા, તેની પૂરી માહિતી પણ મને આપો. ત્રણેયના સંપૂર્ણ બાયોડેટા, તમે આ સિક્યુરિટી સર્વિસ જ્યારથી ચલાવો છો, એ તથા તમારા પ્રોફાઇલની સંપૂર્ણ વિગતની, એક હાર્ડ કોપી તૈયાર કરી મને આપો. સાથોસાથ તેની તમામ ડેટાની એક સી.ડી પણ બનાવી રાખજો. હું માણસ મોકલું છું ”
“જી સર!”
“હું હમણાં જ ઇન્સપેક્ટર ખન્ના મોકલું છું. તમે માહિતી તૈયાર રાખો! અને હા! તમારાં માણસ તેજપાલને પણ બોલાવી રાખજો … ઇન્સપેક્ટર ખન્ના સાથે તેને પણ અહીં મોકલી આપજો.”
“જી સર! પણ સાચું કહેજો સર, શું આ તપાસ મારા કે મારા માણસો માટે મુશ્કેલી ઊભી કરી શકે એમ છે?” ચિંતિત દિલાવરસિંગ સામેથી પૂછ્યું.
“જરાય નહીં! તમારે ચિંતા કરવાની લગીરેય જરૂર નથી મિ. દિલાવરસિંગ! એમ સમજો કે મારે તમારી ‘ફેવર’ કરવા માટે આ માહિતી જોઇએ છે… કારણકે અમે લગભગ ખૂની સુધી પહોંચી ગયા જ છે અને તે મારી પાસે જ છે. તે પોતાનો ગુનો કબૂલ કરી ચૂક્યો છે.
“અચ્છા?! તમે તો સારા સમાચાર આપ્યા સર! કાતિલ કોણ છે સર?!” દિલાવરસિંગ સૈની ખૂબ જ ઉત્સુકતાથી પૂછી બેઠો.
“ગિરધારી!!” માથુરે ત્વરિત, જાણે કેસ સૉલ્વ કરી દીધો હોય એવા સ્વરે કહ્યું.
એ સાંભળી દૂર ખૂણામાં ઊભેલા ગિરધારીએ, ” સાહેબ હું ખૂની નથી…” એવું કરગરતા સ્વરમાં કહી ફરી રડવાનું શરુ કર્યું
“ગિરધારી, એ કોણ સાહેબ?” દિલાવરસિંગ નામ જાણવા આતુર હતો.
“મિ.શર્મા કરીને ‘ત્રિવેણી’ એપાર્ટમેન્ટના સેક્રેટરી છે તેમનો અંગત સેવક છે. વિજય રાઘવનને મારી ગામ ભાગી ગયો હતો.. હત્યાના કારણ બાબતે મોં નથી ખોલતો, હજી પૂછપરછ ચાલુ છે_ એક મિનિટ…એક મિનિટ! પ્લીઝ હોલ્ડ ઓન!” અચાનક તેણે દિલાવરસિંગ સૈનીને ફોન પર રોક્યો … દૂરથી ઈન્સ્પેક્ટર સોની ‘ત્રિવેણી’ પર જઈ પરત આવી ગયો હતો. માથુરે તેને મોબાઇલના માઈક પર હાથ મૂકી, ચૂપ રહેવાનો ઇશારો કર્યો.
પછી સોની કશુંક કહે તે પહેલાં, તેને બાજુ પર લઇ જઈ કહ્યું ,” મિ.શર્માને ઘરે તો તેમનો ભત્રીજો હિતેશ જ હાજર હશે એટલે તેની વાત છોડ… મને પવાર ના અપડેટ આપ !”
સોનીએ માથુરને ધીમેથી હકીકત જણાવી…
“સર! તમારી વાત સાચી છે. મિ.શર્માના ત્યાં તો તેમનો ભત્રીજો હિતેશ, ઈજાગ્રસ્ત હાલતમાં છે. સાધારણ ઇજાઓ છે. પગમાં થોડી વધુ વાગ્યું છે. મેં તેને પૂછપરછ કરી લીધી છે. મિ.શર્માએ જણાવેલી વાત સાચી છે. પણ પવારને ‘ત્રિવેણી’ના કોઇ પણ રહીશે નથી મોકલાવ્યો! તે આપણી ચિંતાનું મુખ્ય કારણ છે…”
માથુરે સોનીની વાત સાંભળી અને તેને કાનમાં કશુંક કહ્યું કે તુરંત સોની આવ્યો હતો, તેના કરતાં બમણાં વેગે ત્યાંથી તરત નીચે ચાલ્યો ગયો.
ને માથુરે ફરી દિલાવરસિંગ સૈની સાથે વાત માંડી, ” સૉરી મિ. સૈની! તમને તકલીફ આપી. પણ એક વાત તમે મને એ કહો કે તમારા માણસોને મોબાઇલ ફોન કેમ નથી આપતા? અડધી રાત્રે બિચારાને કોઈકની ક્યાંય તાત્કાલિક જરૂર પડી તો શું કરે? બિચારા તમારા માણસોએ તમારો કે સ્થાનિક રહેવાસીઓનો સંપર્ક કરવો હોય કે પછી પોલીસને અગત્યના સંદેશા આપવો હોય તે માટે તેમણે એસટીડી બુથનો ઉપયોગ કરવો પડે છે…. શહેરની ગુનાખોરી રોકવા માટે આ અગત્યના કામ માટે તમારે આ સવલત તમારા માણસોને પૂરી પાડવી જોઈએ. હવે તો મોબાઇલ સેવાઓ પણ સસ્તી થઇ ગઇ છે, અને તમારે તો ગ્રુપ માં આ સેવા લેવાની છે….શકય હોય તો હું તમને તાત્કાલિક એકાદ-બે દિવસમાં તેનો સર્ક્યુલર કઢાવી મોકલીશ. કમિશનર સાહેબનું જાહેરનામું પણ કદાચ બહાર પડશે …પણ હું ઇચ્છું છું કે તમે મારી આ મૌખિક સૂચનાનું પાલન કરો. બોલો ક્યારથી આપો છો ?… કહી માથુરે મહેન્દ્રપાલ સિંગ તરફ જોઈ આંખ મિચકારી.
મહેન્દ્રપાલ સિંગ મરક મરક હસી પડ્યો…
“જ…જી…” કદાચ દિલાવરસિંગ સૈની ગેંગ ફેંફેં થઇ ગયો હોવાનું જણાતા માથુર ફોન મૂકી દીધો.
પછી માથુરે મહેન્દ્રપાલ સિંગને કહ્યું, ” તારા બોસને કામ સારૂં કરાવવું છે, પણ સવલતને નામે મીંડું! આ દિલાવર પગાર પૂરો આપે છે તને? કે પછી ગમે તે બહાને કાપી લે છે? જેટલા પર સહી કરાવે છે તેટલો જ આપે છે કે પછી…?’
“સર! મેં આજ દિન સુધીમાં ક્યારેય પગાર પૂરો નથી લીધો! પાછા સૈની સાહેબ બે વાઉચર પર સહી લે છે એકમાં ઓછી રકમ હોય જે અમને ચૂકવાતી હોય અને બીજામાં વધારે … સર, કેમ? તે મને નથી ખબર!” મહેન્દ્રપાલ સિંગે ઠાવકાઇથી કહ્યું.
“અચ્છા મિ. દિલાવરસિંગ સાથે તારે કોઇક બાબતે ખટરાગ જેવું કંઇક ખરું કે?”
“ના સર!” મહેન્દ્રપાલે કહ્યું.
એટલામાં ઘરે ફ્રેશ થવા ગયેલો અજય ચેવલી ત્યાં આવી પહોંચ્યો…
તેને જોતાં જ માથુર બોલી ઊઠ્યો,” લો આ બીજો આવ્યો! ચાલ દોસ્ત ચેવલી, આવી જા લાઇનમાં ! બેસી જા!”
અજય ચેવલીને કશું ના સમજતાં બાઘાની જેમ ઊભો રહી ગયો.
_ અને મહેન્દ્રપાલ સિંગ કૈંક ફાટી આંખે જોતો રહી ગયો.
આ તરફ માથુર ફોન પર પોતાની વાતચીત પૂરી કરે તેની ચૂપચાપ રાહ જોઈ રહેલાં હનીફે કોલ ડિટેઇલ્સ લઈ માથુર પાસે આવ્યો,” સર! આ માહિતી કદાચ ઉપયોગી લાગે છે જરા નજર નાંખી દો પ્લીઝ !” કહી તેણે પ્રશાંત જાદવના ફોન પર મધ્યરાત્રિએ થયેલ હાઈ લાઈટર પેનથી માર્કિંગ એક મોબાઇલ ફોન નંબરવાળું પેજ માથુર સામે ધર્યુ…
ત્યાં તો અચાનક માથુરનો મોબાઇલ રણકી ઊઠ્યો.
સોનીનો ફોન આવ્યો હતો …
“હા! બોલ સોની! શું સમાચાર છે?’ માથુરે ઊઠીને બારી પાસે આવી જતા કહ્યું.
“…” સોનીએ માથુરને સંદેશો આપ્યો.
“શું વાત કરે છે, વાહ! વેરી ગુડ…પવાર પકડાઈ ગયો? ક્યાંથી ? શું ..?ઉધના સ્ટેશન પરથી? મને હતું જ એ જ સાલ્લો લબાડ છે ! ઓ.કે.. કોની ટીમે પકડ્યો?… અચ્છા ! જમાદાર વસાવા? નામ તો પહેલીવાર સાંભળું છું ! સરસ ! તું જરા મારા તરફથી તેને અભિનંદન સંદેશો આપી દેજે ! આપણે અહીં બધાંને હેરાન કરી રહ્યા છે…કોનું નામ આપે છે, શું ગિરધારીનું ..સાલ્લો બહાર જવાનું કહી અહીં જ ભટકતો હતો અને મિ.શર્મા તેને નિર્દોષ કહેતાં હતાં.. આપણો શક સાચો નીકળ્યો.. ” કહી ખૂબ જ ઉત્સાહિત જણાતા માથુરે મોબાઇલ પોતાના ગજવામાં મૂક્યો અને ગિરધારી પાસે ગયા!
તેને ઝાલી બે ગાલ પર બે અડબોથ લગાવી,”બોલ સાલ્લા! તારી કોલ ડિટેઇલ્સ અને તારું લૉકેશન તને ખૂની પુરવાર કરે છે. સાલ્લો તું જ હત્યાની રાત્રે વિજયના ઘરમાં ભરાયેલોને ? વિજયના ઘરની ચાવી ક્યાંથી લાવ્યો? શા માટે તે વિજયને માર્યો? કોણ કોણ છે તારી સાથે …બોલ?”
જવાબ આપવાને બદલે ગિરધારીએ રડવાનું ચાલું રાખ્યું.
પછી માથુર હસતાં હસતાં મહેન્દ્રપાલ સિંગ પાસે ગયા !
તેમના ચહેરા પર હાશ જણાતી હતી. તેમણે મહેન્દ્રપાલ સિંગને કહ્યું, ” આ કેસ લગભગ સૉલ્વ થઇ ગયો છે તું અત્યારે આ બધા પકડાઇ ન જાય ત્યાં સુધી નીચે હાજર રહેજે !ખાસ કરી આ ગિરધારીનો બચ્ચો જોખમી છે. માટે તું સાવચેત રહેજે! પણ તું સાચવજે, તેની પાસે કોઇ હથિયાર પણ હોય શકે છે. જે કોઇ ગેટ પરથી આવ-જા કરે તે તારે ધ્યાન રાખવાનું છે; સમજ્યો ?!”
“હા! સર મારે પણ દિલાવરસિંગજીને આ વાત જણાવી પડશે કશું ન સમજી શકતો મહેન્દ્રપાલ સિંગે હસતા હસતા રવાના થયો …
—-*—–
( ક્રમશઃ )
વધુ આવતાં અંકે…( પ્રિય વાચક મિત્રો __તા.૧૫/૦૨/૨૦૦૯ના રોજ પ્રકરણ – ૧૮ પ્રકાશિત થશે.)
કમલેશભાઈ… ખરેખર કમાલ કરો છો કારણ કે એક રહસ્યકથા માટે જરૂરી માહિતી હોવી, ચોક્સાઈ રાખવી, તાણાવાણા જાળવવા,સાતેસાથે વાર્તા જળવાઈ રહે… આ બધું સહેલું નથી. આજનાં વાતાવરણમાં એક સાફસુથરી સામાન્ય વાર્તા લખવી એ પણ અઘરું કામ છે. જ્યારે તમે તો રહસ્યકથા સાથે પનારો પાડ્યો છે. એ પણ સફળતાપૂર્વક! તમારી આવી પ્રવૃત્તિ સદાય જીવંત રહે એવી શુભેચ્છા.