કંટેન્ટ પર જાઓ

‘મિજાજ ‘ : કિરણકુમાર ચૌહાણનો અને ગુજરાતી ગઝલનો

10/01/2009

મિજાજ : કિરણકુમાર ચૌહાણનો અને ગુજરાતી ગઝલનો

 

ગઝલસંગ્રહ - 'મિજાજ'

ગઝલસંગ્રહ - 'મિજાજ'

રાજેશ વ્યાસ ‘મિસ્કીન’એ  ‘..ગુજરાતી પુરસ્કૃત ગઝલની ત્રીજી પેઢીનાં એક મહત્વનાં નામ તરીકે’ જેની ગણના કરી છે; જે રાજ્ય અને રાજ્ય બહારના કવિસંમેલન અને દૂરદર્શન,આકાશવાણી,ટીવી ચેનલો પર પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી ચૂક્યા છે; જેણે ગઝલ, હઝલ ઉપરાંત નાટક, ગીત, નવલિકા અને હાસ્ય નિબંધ જેવા અન્ય સાહિત્ય ક્ષેત્રમાં પણ પોતાનું પ્રદાન કર્યું છે; જેણે આ અગાઉ ૨૦૦૩માં પ્રથમ ગઝલસંગ્રહ ‘સ્મરણોત્સવ‘, ૨૦૦૫માં હઝલસંગ્રહ ‘ફાંફા ના માર‘ એમ બે સંગ્રહ આપ્યા છે… એવા સુરતના મારા કવિ મિત્ર કિરણકુમાર ચૌહાણ ૨૦૦૮માં  હવે તેમનો નવો ગઝલસંગ્રહ ‘મિજાજ’ લઈને આવ્યા છે.

 

ગઝલસંગ્રહની અર્પણવિધિ માટે કિરણે જે શબ્દો લખ્યાં છે એ તો તમારે વાંચવા જ રહ્યા…

સામાન્ય ભાવકની હેસિયતથી કહું તો કિરણની ગઝલો મને ગમવાનુ‍ એક કારણ તેની સરલ અને નિખાલસ રજૂઆત છે. તે પણ એકદમ  સ્વાભાવિક બોલચાલની ભાષામાં, જરાય આયાસ વિના તે આપણી સાથે વાતચીત  કરતાં હોય એમ લખે છે. ગુજરાતી ભાષા વાંચી શકતી કોઈપણ વ્યક્તિ આ સંગ્રહમાં રમમાણ થઈ શકે છે.

કિરણ કેવી સરસ વાત લખે છે…

લાંબી ટૂંકી મજલ લખે છે,

આ માણસ પણ ગઝલ લખે છે.

શબ્દકોશ નારાજ થઈ ગયા,

એવું સીધું સરલ લખે છે.

‘દર્શક’જીએ  ક્યાંક કહ્યું છે…ઉત્તમ કૃતિઓ જીવનને મધુર કરે છે. અને તે પણ કશી જોરજબરાઇ વિના. બારણાની તિરાડમાંથી ફૂલોની સુગંધ જેમ વાયુ વાટે પથરાય છે. આવું સાહિત્ય ચિત્તમાં પ્રવેશી આનંદ-લહરથી વાચકને ડોલાવી દે છે… ‘મિજાજ’ આપણા ચિત્તને ડોલાવી દે એવો સંગ્રહ છે. જેમાં અસલી સુરતી મિજાજ અને કિરણના કવિ મિજાજની સાથોસાથ વ્યક્તિત્વની આછેરી ઝલક પણ મળી રહે છે…તેને નજીકથી જાણનાર આ બાબતે સુપેરે પરિચિત છે જ.

નવા વર્ષની પૂર્વ સંધ્યાએ કિરણ મને મળવા ઘરે આવ્યો ત્યારે તેણે બહું આત્મવિશ્વાસથી કહ્યું… ‘ હવે તો બાંય ચડાવીને જ લખવું છે…’ અને એ વાતની પ્રતીતિ સંગ્રહના લગભગ દરેક પાનાં ફેરવતાં આપણને  સતત થતી રહે છે.

અહીં તો ભલભલા આવી ગયા બાંયો ચડાવીને,

પરંતુ કોણ લઈને જઈ શક્યું દરિયો ઉઠાવીને !

ના મળે અધિકાર, ત્યારે ગર્જના કરવી પડે,

નહિ તો આખી જિંદગી બસ યાચના કરવી પડે.

ઝેર સમું જીવન દઉં છું, જીવી લેશે?

મેં પણ કીધું ‘લાવો…કોણે ના પાડી!’

ભૂલી ગયાં કે બ્રહ્મ તણા અંશ છો તમે?

ચપટીક સુખને માટે તમે કરગરી રહ્યાં !

કવિ શ્રી રાજેશ વ્યાસે સાચું જ કહ્યું છે તેમ અહીં વાંચવા -મમળાવવા ગમે એવા અનેક હ્ર્દયસ્પર્શી  શેર છે.

તડકાના ત્રાટકમાં જીવ્યા, વરસાદી વાછટમાં જીવ્યા,

કાયમ એક ખુમારી સાથે ઘટમાં તોયે વટમાં જીવ્યા.

તુંય ડગ એકાદ ભર ને જો પછી,

આપણી વચ્ચેનું અંતર બહુ નથી.

રહ્યું એક આંસુ આ પાંપણને વળગી,

આ સૂકાતી આંખોનો શણગાર થઇને.

કોઈ દિ’ એને ભરોસે બેસવું સારું નહીં,

આપણી આ હસ્તરેખા સાવ નફ્ફ્ટ હોય છે.

બધાંયે વક્ષનો કકળાટ એક જ વાત પર ચાલ્યો,

કુહાડીમાંય હોવાનો અમારી ડાળનો હાથો.

જેને નથી કમાડ કે દીવાલ,બારી, છત,

તાળુંય કેમ મારવું મનનાં મકાનને.

અને આજની મધ્યમ વર્ગીય કૌટુંબિક સમસ્યાને વણી લેતાં કેટલાંક મનભાવન શેર વિનાં આ પોસ્ટ અધૂરી ગણાશે…

અધૂરી લાગણી,ઈચ્છા, ફરજ વચ્ચે ભટકતાં હો,

અને દીકરી પૂછાવે,”પપ્પા ક્યારે ઘેર આવો છો?”

બાપ સઘળું સોંપી દીકરાને કહે,

“મારા માટે થોડી મિલકત રાખજે !”

બાળક જ્યાં ખોળાંમાં આવ્યું,

માની છાતી દરિયો થઈ ગઈ.

રાતભર બાપે દબાવી ખાંસીને,

એ જ ચિઁતા,’છોકરાં જાગી જશે! ‘

સાવ નાની વાતમાં ઘર છોડીને ચાલ્યા ન જાવ,

છાતીનો અડધોઅડધ વિસ્તાર ખાલી થાય છે.

વાચકને ગુજરાતી કવિતા અને ગુજરાતી સાહિત્યની વધુ નજીક લઈ જવા હોય તો સર્જકે પાસે મારા જેવો સામાન્ય ભાવક શી અપેક્ષા રાખે છે, તે સમજવા માટે કિરણનો સંગ્રહ ‘મિજાજ’ એક ઉત્તમોત્તમ ઉદાહરણ છે. કિરણને દિલની શુભેચ્છાઓ… આ રીતે જ એક મનભાવન કાવ્યસંગ્રહ ૨૦૦૯ના અંત સુધીમાં આપવાનું હું તેની પાસે વચન લઈ ચૂક્યો છું…મિત્રો, તે સો ટકા આપણને નિરાશ નહીં કરે !!

આ પુસ્તક મેળવવું હોય તો નીચેના સ્થળેથી મેળવી શકાય છે. પુસ્તકની કિંમત ૬૦/- છે.

( ટપાલ ખર્ચ માફ )

સાંનિધ્ય પ્રકાશન

૧૦૦, શાંતિકુંજ સોસાયટી,

પાલનપુર જકાતનાકા,

મીની વિરપુર રોડ, સુરત-૯

ઇ-મેલ: kirankumarchauhan9@gmail.com.

From → કવિતા

2 ટિપ્પણીઓ
  1. kirankumar chauhan permalink

    very nice review of my book ‘Mijaj’. thanks kamleshbhai.

  2. nicely u cover it…..
    thanks…..

Thnak you...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: