પ્રકરણ – ૧૨ ઑફિસમાં હલચલ !
પ્રકરણ – ૧૨ ઑફિસમાં હલચલ !
વહી ગયેલી વાર્તા : સુરત ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઇન્સપેક્ટર માથુર આસિ. ઇન્સપેક્ટર સોની સુરત શહેરનાં પોલીસ કમિશનર મહેતા સાહેબની સૂચના મુજબ ત્રિવેણી એપાર્ટમેન્ટ, મીરાંનગર, કતારગામ પહોંચે છે જ્યાં વિજય રાઘવન નામના એક શખ્સનું ખૂન થયું હોય છે. વિજય રાઘવન રસેશ ગોધાણી સાથે પાર્ટનરશીપમાં ઇન્કમટેક્સ – સેલ્સટેક્સ કન્સલ્ટન્ટ કામકાજ કરતો હોય છે. ત્રિવેણી ઍપાર્ટમૅન્ટની લિફ્ટ પાસે થયેલ ખૂન માટે ગુનેગાર શોધવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર માથુર કડીઓ, પુરાવા મેળવવા સ્થળ પર હાજર રહેલી વ્યક્તિઓની પૂછપરછ કરે છે. જે કામમાં ‘ત્રિવેણી’ ઍપાર્ટમૅન્ટનાં સેક્રેટરી મિ.શર્મા તેમને સહયોગ આપે છે…અને વિજયના ઘરમાંથી શંકાસ્પદ વસ્તુઓની ઇન્સપેક્ટર માથુર શોધ આદરે છે. ને ત્યાં તપાસ દરમિયાન તેમને એક સિગારેટનો ટુકડો – ફિલ્ટર પાર્ટ- અને તૂટેલી દીવાની ચીમનીનો કાચ મળે છે. માથુર તેના પોતીકી સૂઝથી ગુનાની આગલી કડી સુધી પહોંચવા સતર્ક થાય છે. આ દરમિયાન તેને ઇન્સપેક્ટર સોની એક સ્પેશિયલ ટિપ ની નોંધ મૂકી વિજયની ડાયરી આપે છે. માથુરએ ચોકીદાર પવાર, ગિરધારી ,મિ.શર્મા, વિરજી, પરસોત્તમ ભરવાડ, રસેશ ગોધાણીની પૂછપરછ આદરે છે. પછી તે આગળની તપાસ માટે રસેશ ગોધાણીને મળવા જાય છે. ત્યાં મુલાકાત દરમિયાન માથુર તેને કેટલાંક મૂંઝવણમાં મૂકી દેતા સવાલ-જવાબ કરે છે અને ગોધાણી અકળામણ અનુભવે છે અને દરમિયાન ત્રિવેણી એપાર્ટમેન્ટ પર સોની વૉચ ગોઠવી માથુરને જાણ કરે છે અને ત્યાં સોનીને જોવા મળે છે એક પડછાયો વિજય રાઘવનના ફ્લૅટ પાસે! અને સોની સાથેની વાતચીત બાદ અચાનક માથુર ફરી ‘ત્રિવેણી’ ઍપાર્ટમેંટ પર જાય છે – વેશ-પલટો કરીને ! ત્યાં પોતાના માણસો હોવા છતાં – ત્યાં જઈ માથુરે શું કર્યું ? તે આપે વાંચ્યું અને…
ને પછી આગળ….
રહસ્યકથા…”ઇન્ફોર્મર”ના અન્ય પ્રકરણ વાંચવા
ઉપર આપેલી ટેબમાંથી જમણી બાજુની ” રહસ્યકથા… ઇન્ફોર્મર “ની ટેબ ઉપર ક્લિક કરો.
કે પછી અહી ક્લિક કરો – / રહસ્યકથા – ઈન્ફોર્મર /
મારા માટે અત્યંત કિંમતી એવા, તમારા પ્રતિભાવો- કૉમેન્ટ્સમાં લખવા વિનંતી…બ્લૉગરૉલમાં આપેલ ગુજરાતી ટાઇપપૅડની મદદથી તમે ગુજરાતીમાં લખી શકશો.
આભાર.
પ્રકરણ-૧૨ ઑફિસમાં હલચલ !
‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’ની ઑફિસની ચાવી લેવા પ્રશાંત જાદવના કલાર્કને ઘરે ગયેલી પોલીસ ટીમ-તે ઑફિસ પર છે – એવી માહિતી મળતા, તેઓએ રઘુપતિભવન તરફ જવા માટે ગાડી ફેરવી.
ટીમ રઘુપતિભવન નજીક પહોંચી ત્યારે દરેકનાં મનમાં બે જ પ્રશ્ન ચકરાતા હતા …શાંત જાદવનો ક્લાર્ક ક્યાં હશે ? અને પ્રશાંત જાદવની ઑફિસમાં કોણ હશે?
દૂરથી જ માથુરે ગાડીમાંથી જ ‘રઘુપતિભવન’ બિલ્ડિંગની ઉપર નજર નાંખી…’ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’ ની પ્રશાંત જાદવની ઑફિસની લાઈટ હજી સળગી રહી હતી.! ‘ત્રિવેણી’ પર નજર નાંખી, પવાર એના સ્થાન પર નહોતો! મહેન્દ્રપાલ સિંગ ખુરશી પર પગ ચઢાવી બેઠો હતો…
ત્યાં ઈન્સ્પેક્ટર ખન્ના સોનીની સૂચના મુજબ પહેલાં પહેલાં જ પહોંચી ગયો હતો અને બંદોબસ્ત ગોઠવી ચૂક્યો હતો.
પોતાની વોચસ્પૉટ છોડી થોડે દૂર હનીફ પણ હાજર હતો. માથુરે તેને રઘુપતિભવનથી દૂર ગાડી ઊભી રખાવી બોલાવ્યો.
જીપ નજીક આવી ધીમેથી બબડ્યો, “સર ! સૅલ્યુટ કરવાની તો તમારી ના છે એટલે ..” – કહી હનીફ એક મજૂરની, જેમ બે હાથ જોડી ઊભો રહ્યો.
“હનીફ ! ચાલ રહેવા દે હવે ! મે તને ‘ત્રિવેણી’ એપાર્ટમેન્ટની બાજુમાં પડતી સાંકડી ગલીનો રસ્તો ક્યાં જાય છે તે તપાસ કરવા કહેલું ” માથુરે હનીફને પૂછ્યું.
” સર ! હું ‘ત્રિવેણી’ એપાર્ટમેન્ટના પાછળના ભાગમાં તપાસ કરી આવ્યો છું. તમે મને એક સાંકડી ગલી બાબતે પૂછેલું; તે ગલી, સીધી પાછળના ખેતરમાં થઈને, પોસ્ટલ સોસાયટીમાં નીકળે છે. આ દેસાઈ ફળિયાના લોકો તેનો ઉપયોગ કરે છે, પણ કદાચ ‘ત્રિવેણી’ ના રહીશોના પ્રમાણમાં ઓછો !”
“મતલબ કે ‘ત્રિવેણી’ પર, એ ગલીમાંથી પાછળ આવવું-જવું શક્ય છે..કદાચ પેલો મિ.શર્માનો અંગત પગારદાર સેવક..શું નામ એનું ? હા.. પેલો ગિરધારી ! ગઈ કાલે રાત્રે તેં એને ‘ત્રિવેણી’ એપાર્ટમેન્ટના ગેટ પર બેઠેલો જોયો હતો એ ! ત્યાંથી જ આવ્યો હશે..”
“શકય છે સર ! ગિરધારી ત્યાંથી જ આવ્યો હોવો જોઈએ ! હું સો ટકા સ્યૉર છું, કે એ મારી નજર સામે તો આવ્યો જ નહોતો સર !” …હનીફે કહ્યું. તેણે હજી તેના હાથ જોડી રાખ્યા હતાં !
” અલ્યા હનીફ ! હાથ છોડ અને કહે બીજી કશુંક શું અજુગતું લાગ્યું હતું ?”
“સર! જુઓ પેલો મહેન્દ્રપાલ કદાચ મને જોતો જ હશે ! માટે હું હાથ તો નથી જ છોડવાનો !” , હનીફ કહ્યું અને પછી ઉમેર્યુ, “સર! બાકીની વાત તો તમને ખબર છે; માત્ર મને નવાઈ ઉપર ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’ની ઑફિસમાં લાઈટ સળગતી રહી તેની નહીં; પણ નવાઈ મને ત્યારે લાગી જ્યારે રાત્રે એકાદવાર કોઈ વ્યક્તિ અંદર હિલચાલ કરી રહી હોય એમ જણાયેલું. કદાચ મારો ભ્રમ પણ હોય છતાં થોડી ખાતરી પણ છે કે અંદર નક્કી કોઈક છે ! તે વખતે હું સામે આ ‘ત્રિવેણી’ની પાછળ ગલીમાંથી કોઈ રસ્તો છે કે કેમ ? _ તે તપાસ કરવા ગયો હતો, એટલે… જરા દૂરથી જોયેલું ! તમને ફોન કરવાનો હતો, ત્યાં તો ખબર પડી કે તમે અહીં જ આવવા માટે નીકળી ચૂક્યા છો એટલે – ”
“સરસ ! તેં તો મને ખૂબ સારા સમાચાર આપ્યા ! આખી રાત એ સળગતી લાઈટ મને પજવતી રહી છે; તે તો ખરેખર બત્તી સળગાવી દીધી !”
“હવે હું નીકળું છું…મહેન્દ્રપાલને હવે થોડો વહેમ ગયો હોય, એવું મને લાગે છે સર ! પેલાં ડેકોરેટરર્સવાળા માણસો પણ મને કહેવા લાગ્યા છે, હનીફભાઈ આટલી વારમાં તો બે મંડપ ઊભાં થઈ જાય. કામ કરીએ કરીએ ને કેટલુંક ધીમું કરીએ…! બસો બીજા વધારે આપી કામ લંબાવ્યું છે !”
માથુરે ઈશારાથી હા કહી.
આ તરફ પોલીસની ગાડી જોઈ એટલે મહેન્દ્રપાલ સિંગ તેની જગ્યા પરથી ઊભો થઈ ગયો હતો. તે જરા કૂતુહલથી માથુરને, હનીફ સાથે વાત કરતાં જોઈ રહ્યો હતો !_ ‘શું પૂછતાં હશે ? કદાચ ખૂન થયું હોય તો… પોલીસવાળા છે, ગમે તેને ગમે તે સવાલ કરી નાંખે’…તે વિચારતો હતો.
જીપ આગળ પહોંચી રઘુપતિભવન પર. માથુરે મહેન્દ્રપાલ સિંગને બોલાવ્યો. પોતાની ઓળખ આપી અને તેની પાસે રાખેલા મુલાકાતી રજિસ્ટર માંગ્યું.
“તમે લોકો નિયમિત આ રજિસ્ટરમાં નોંધ કરો છો. ?” માથુરે મહેન્દ્રપાલ સિંગને પૂછ્યું.
“હા સર! ”
“તો તો_ ગઈકાલ આવેલ બધી વ્યક્તિઓની અહીંથી વિગત મળી રહેશે.!”
“હા સર! ”
મુલાકાત રજિસ્ટરમાં માથુર ઉતાવળે મુલાકાતીઓની યાદી જોઈ રહ્યો હતો ક્યાંક કશુંક મળી જાય એ આશામાં ! ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’, પ્રશાંત જાદવ કે નવમા માળ ના ઉલ્લેખ સાથેની તમામ ઍંટ્રી તેણે ધ્યાનથી જોઈ…ત્યાં આખા દિવસમાં કોઈ પણ મુલાકાતી ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્ ડેવલેપર્સ’ની ઑફિસે આવ્યો નહોતો !!
“મહેન્દ્રપાલ સિંગ ! ઉપર ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’ ની ઑફિસમાં કોણ છે ?” માથુરે મહેન્દ્રપાલ સિંગને અચાનક સીધો સવાલ કરી ચોંકાવી દીધો.
“હં..કોઈ નહીં ! સાહેબ !” મહેન્દ્રપાલ સિંગ જરા થોથવાયો.
“તને ચોક્કસ ખબર છે, ને કે ત્યાં કોઈ નથી?”
“હા સર! હું ડ્યુટી પર આવ્યો છું, ત્યારબાદ અહીં કોઈ નથી આવ્યું!”
“તારો ડ્યુટી ટાઈમ શું છે ?”
” સર ! સાંજે સાતથી સવારે સાત.”
“અચ્છા! તું મને એ કહે કે અહીં આ મુલાકાત રજીસ્ટરમાં, તમે લોકો જાણીતાની પણ નોંધ કરો છો ?”
“હું સમજ્યો નહીં સાહેબ !” તેણે પોતાની મૂંઝવણ જણાવી.
“જેઓ રોજીંદી અહીં અવરજવર રહેતી હોય એવા, કે અહીં ફ્લૅટ ના ધરાવનાર તું વ્યક્તિગત રીતે જાણીતો હોય એવી વ્યક્તિઓ..”
“કરવી જ પડે ને સાહેબ ! સોસાયટીના પ્રમુખનો હુકમ છે. રહિશો સિવાયની કોઈપણ વ્યક્તિ હોય, નોંધ તો કરવી જ પડે.. છતાં પણ ક્યારેક તો ચલાવી લેવું પડે ને સાહેબ ! બહુ જાણીતા હોય તો ક્યારેક ઍન્ટ્રી નથી કરતો !”
“જાણીતા – એટલે..? તારે હિસાબે ?”
“સાહેબ, એવું છે કે …લો, હવે તમને ગઈ કાલે રાતની જ વાત કરું. ખાલી પાંચ મિનિટ… ફકત પાંચ મિનિટ માટે શર્મા સાહેબ આવેલા…તો હું કાંઈ એવી નોંધ થોડો કરવાનો હતો ? તેમનો તો અહીં ફ્લૅટ પણ છે…મારેય બે આંખની શરમ તો રાખવી જ પડે ને! ખરું કે નહીં ?”
” સાચી વાત છે તારી ! એટલી તો સંબંધમાં શરમ રાખવી જ પડે ને.. અરે ઘારોં કે આજે રાતે હું આવું, તો તું કાંઈ થોડી નોંધ કરવાનો ? કરશે…?’ કૈંક ખંધુ હસતાં માથુરે તેને કહ્યું.
“શું સાહેબ, તમે ગરીબ માણસની મશ્કરી કરો છો !” મહેન્દ્રપાલ સિંગ વિવેક કર્યો.
“પાલ યાર ! શર્મા સાહેબ ગઈકાલે રાત્રે કયારે આવેલા ? તારા ધ્યાનમાં છે ખરું?”
“રાત્રે સમય તો સાહેબ ધ્યાનમાં નથી, પણ અહીં ગાડી લઈને ક્યાંક જતાં હતા, તે પહેલાં ઊભા ઊભા આવી ગયેલા.”
“તારી ડ્યુટી દિવસપાળીમાં હોય છે કે રાતપાળીમાં ?”
“મોટે ભાગે રાતપાળીમાં ”
માથુરના ભવાં તણાયા ! અચાનક કશું યાદ આવી ગયું હોય એમ તે મહેન્દ્રપાલ સિંગ તરફ ફર્યો.., ” એક મિનિટ, એક મિનિટ મહેન્દ્રપાલ ! તારી ડ્યુટી નો સમય તે સાંજે સાત થી સવારે સાત નો કહ્યો ને? પણ હું ગઈકાલે સવારે વિજય રાઘવનની લાશનું નિરીક્ષણ કરવા આવ્યો, ત્યારે તો અહીં કોઈ નહોતું… કેમ ?”
“જી સર ! ગઈ કાલે તેજપાલ આવ્યો નહોતો ! તેની સવારની ડ્યુટી હોય છે અને હું કાયમ રાતપાળીમાં આવું છું. એમ પણ તેજપાલ બરાબર હાજરી પૂરાવતો નથી. એટલે દિવસે, ગિરધારીની ઍપાર્ટમેંટવાળાઓએ કામચલાઉ વ્યવસ્થા કરી રાખી ગાડું ગબડાવ્યે રાખ્યું છે…પણ ગિરધારી પણ બે દિવસ નહોતો એટલે અહીં કોઈ નહોતું.”
“અચ્છા ! અચ્છા ! મહેન્દ્રપાલ, તારી પાસે મોબાઇલ ફોન નથી ?”
“ના સર !”
“આ તો તકલીફવાળું કામ છે ? રાત્રે જો તારે આકસ્મિક સંજોગોમાં કંઈ જરૂર પડી, તો તું ત્યારે શું કરે છે ? તારી કંપની કે આ ‘રઘુપતિભવન’વાળા તને એક આટલી સવલત નથી આપતા ફોન વગર તો મુશ્કેલી પડી જાય !”
“આ આગળ વિરજીભાઈનું દૂધ વેચાણ કેન્દ્ર છે, ત્યાં તેમનું STD-PCO છે. રાત્રે બાર વાગ્યા સુધી તો ફોન બહાર હોય અને પછી વહેલી સવારે વિરજીભાઈ ચાર સાડાચારે તો ઊઠી જતા હોય …રાત્રે ૧૨ થી ૪ ના અગત્યના સમયમાં થોડી મુશ્કેલી પડે. પણ હજી સુધી એવી જરૂર નથી પડી સર !”
“અલ્યા એ તો જ ખરો સમય છે કાળા કામો કરવાનો ..અને પેલા વિરજીનું ડબલું ન ચાલતું હોય ત્યારે તો ?..આ કઈ જાતની સિક્યુરિટી ! એક ફોન તારે રાખવો જ જોઈએ ” માથુરે તેને ટપાર્યો.
મહેન્દ્રપાલ સિંગને કશું સમજાયું નહીં હોય તેમ ફાંફાં મારવા લાગ્યો…
તેને એમ જ વિચારતો મૂકી માથુરે ખન્નાને બોલાવ્યો.
અને પછી સહેજ ઊંચા અવાજે તેણે ખન્નાને ખાસ સૂચના આપી, ” ખન્ના ! હું ઉપર જાઉં છું, નવમા માળે ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’ ની ઑફિસ પર. ત્યાં હમણાં કોઈ આવવું જોઈએ નહીં ! તું અહીં જ ઊભો રહેજે ! તપાસમાં પૂરી થાય ત્યાં સુધી અહીંથી કોઈ બહાર પણ ન જશે ! અને’ત્રિવેણી’ એપાર્ટમેન્ટ પરથી પણ !…જરૂર પડે તો મહેન્દ્રપાલ સિંગની મદદ લે જે_” અને પછી મહેન્દ્રપાલ સિંગ તરફ ફરી વાત પૂરી કરતાં કહ્યું….” મહેન્દ્રપાલ ! આ ખન્ના સાહેબ કહે તેમ કરજે ! બરાબર ?”
“જી સર !”
બધાં નવમા માળે પહોંચ્યા. દરમિયાન માથુરનું મગજ વીજળીવેગે ચાલતું હતું…’હનીફ કહેતો હતો કે ઉપર રાત્રે અંદર કંઈક ગતિવિધિ જણાય હતી !…પ્રશાંત જાદવનો ક્લાર્ક પોતાને ઘરે; અહીં ઑફિસ પર જતો હોવાનું કહી, નીકળ્યો હતો !… પ્રશાંત જાદવ અને તેનો ક્લાર્ક બંને ઑફિસ પર જ હશે ? શું બંને સાથે હશે ?… હોવા તો સાથે જ જોઈએ ! અને તો એ બે, અત્યારે સાથે મળી શું કરી રહ્યાં હશે ?…’
જ્યારે ઉપર પહોંચ્યા ત્યારે તેમને બીજો આંચકો લાગ્યો…
જોયું તો ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’ ની ઑફિસની દરવાજે તાળું લટકતું હતું !
માથુરે પણ વિચારમાં પડી ગયો !_ “જો અહીં તો તાળું હોય…તો પછી, અંદર કોણ હશે ?…જે લાઇટ સળગતી રાખી કામકાજ કરી રહ્યું છે?”
આવી ગડમથલ કરતાં માથુરે તાળું ખેંચી જોયું. લૉક બરાબર હતું. પછી થોડીવાર ડૉર બેલ વગાડી જોયો, પણ અંદરથી કશો પ્રત્યુત્તર ના મળ્યો !
” મોરે! જા દોડ જલદી ! તારી ગાડીની ટોમી લઈ આવ !”
” કેમ સર! ?” મોરેથી ઉત્સુકતાવશ પૂછાઇ ગયું.
“ભરોસો નહીં, આજે કદાચ તારે ગુનો કરવો પડશે એમ લાગે છે! તું તારે જા, ટોમી લઈ આવ, એટલે કહું છું..” માથુરે કહ્યું.
મોરે દોડતો જઈ ટોમી લઈ આવ્યો.
માથુરે તેને ટોમીથી તાળું તોડવાનો હુકમ કર્યો.
મોરેએ ટોમી તાળાં પાસે ભેરવી, તેને મચડવા માંડ્યું…
દસ પંદર મિનિટ સુધી મોરે અને સોનીએ સાથે બંને જણાએ જોર કર્યું, ત્યારે સહેજ તકલાદી લાગતું એ તાળું તૂટ્યું.
તાળું તૂટ્યું પણ ખરું, પણ ધક્કો મારી દરવાજો ખોલવાનો પ્રયત્ન કરી જોયો, તો દરવાજો ખૂલ્યો નહીં …!! ત્યારે બધાં ચકિત થઈ ગયા.
બહાર તાળું અને અંદરથી દરવાજો બંધ !
મોરે અને સોની જોરથી જોરથી દરવાજો ઠોકવા માંડ્યો…
માથુર દરવાજો તોડી નાખવાનો હુકમ આપવાનું વિચારતો જ હતો કે એક ધીમો અવાજ સંભળાયો, “એક મિનિટ …આવું છું ..!”
અવાજ સંભળાતા માથુરે બધાને રોક્યા.
ને પછી બધાં ના આશ્ચર્ય વચ્ચે થોડીવાર રહી અંદરથી દરવાજો ખૂલ્યો…
માથુરના મોં માંથી તેને જોતા જ શબ્દો સરી પડ્યા_ !
” અલ્યા તું !?”
—-*—–
( ક્રમશઃ )
વધુ આવતાં અંકે…… ( પ્રિય વાચક મિત્રો __તા.૮/૧/૨૦૦૯ના રોજ પ્રકરણ – ૧૩ પ્રકાશિત થશે.)
પ્રકરણ ૧૨ વાંચ્યા પછી હવે એ જાણવાની ખુબ જ ઇંતેજારી છે કે ત્યાં પ્રશાંત જાદવની ઓફિસમા કોણ હશે ? જલ્દીથી પ્રકરણ ૧૩ આપશો.