કંટેન્ટ પર જાઓ

વિદ્રોહ

28/12/2008

વિદ્રોહલંડનના હિથ્રૉ ઍરપોર્ટ પરથી ઉપડેલા બૉઈંગનું આઠમી મિનિટે અપહરણ થાય છે. ૨૦૧ બંધક સાથેના આ વિમાનનો ત્રાસવાદીઓ મુંબઈ શાંતાક્રુઝ ઍરપોર્ટ પર કબજો રાખે છે. આ અપહૃત વિમાનમાં બંધક બનેલી ઈતિ પોતાના પતિને ભાર્ગવને ભારતના રક્તપિત્ત સારવાર કેંદ્રમાં મૂકવા આવી હતી, તે પણ ફસાઈ છે. પોતાના પતિના વકરેલા રક્તપિત્ત રોગથી, પોતાને અને સ્વજનોને દૂર રાખવાના હેતુથી ભારત આવેલી ઈતિ, ખરેખર જાણતી હોય છે કે રક્તપિત્ત સ્પર્શજન્ય રોગ નથી…છતાં રોગગ્રસ્ત ભાર્ગવને સહન શકતી નથી !એક તરફ ભય ગમે ત્યારે મોત આવે એનો ભય અને બીજી તરફ ત્રાસવાદીઓની સાથેની એ વિદારક  ક્ષણો વચ્ચે  ઈતિની મનોગ્રવેગી વ્યથા ! છેવટે એક સંવેદનપ્રેરક ઘટના બાદ શું થાય છે ?

શબ્દસૃષ્ટિના માર્ચ ૧૯૯૭ ના અંકમાં પ્રકાશિત, એકી બેઠકે લખાયેલી મારી એકમાત્ર આ નવલિકા, વિદ્રોહ અત્રે અહીં રજૂ કરી રહ્યો છું. જે મારી અત્યંત પ્રિય નવલિકાઓ પૈકીની એક છે.


વિદ્રોહ

 

“મેં આપ સબ કો એકબાર ફિર સે બોલ દેતા હૂં… મહેરબાની કરકે  પ્લેન મેં કોઈ ગરબડ કરને કી કોશિશ ના કરે ! નહીં તો મેં _”  કહી, વધુ કશુંક કહેવાને બદલે ત્રાસવાદી કમાંડરે, પોતાની તેજાબી નજર અને રિવૉલ્વરનું નાળચું બૉંઈગના તમામ ઉતારુઓ પર ઝડપથી ફેરવ્યું.

“મનજિત ! અગર કોઈ જરા બી ગડબડ કરે…તો ગિરા દેના ! “, કહી, બૉંઈગના તમામ ઉતારુઓને બીજા ત્રાસવાદીઓની નજરકેદમાં મૂકી , તે  કૉકપીટ તરફ ચાલ્યો ગયો.

પૅસેંજરોની ગભરામણનો કોઈ પાર નહોતો ! બૉંઈગના તમામ ૨૦૧ માણસોની જિંદગી ત્રણ ત્રાસવાદીઓના હાથમાં ઝૂલતી હતી. લંડનના હિથ્રૉ ઍરપોર્ટ છોડ્યાની, આઠમી મિનિટે જ બૉઈંગનું અપહરણ કરી લેવાયેલું , તેથી અપહરણના છેલ્લા ત્રીશ કલાકનો માનસિક ત્રાસ, અપહરણકારો અને ઉતારુઓ,બંને માટે થકવી નાખનારો હતો.

હું પણ અસ્વસ્થ હતી….

મેં બારી બહાર નજર નાંખી. શાંતાક્રુઝ ઍરપોર્ટ પર અંધારાને ઓળા ઊતરવા માંડ્યા હતા. ક્યાંય કશી હિલચાલ નહીં, બધું જ સૂમસામ !

“…. કદાચ આખું ઍરપોર્ટ કોર્ડન કરી લેવાયું હશે ! ટોચના રાજકારણીઓ, અધિકારીઓ , મધ્યસ્થીઓ , લશ્કરી-અર્ધ લશ્કરી , એ.ટી.એસ. અને એન.એસ.જી. નાં દળોનો ખડકલો થઈ ગયો હશે , પણ – કદાચ જ અમને બચાવી શકશે ! ” મેં વિચાર્યું … અને બહારથી નજર હટાવી લીધી.

“આ સરકારી માણસો શા માટે વાટાઘાટ લંબાવ્યે રાખે છે ? તેમનું કોઈ સ્વજન બાનમાં નથી એટલે…? તેઓ જાણતા જ હોય છે, કે આ ઉગ્રવાદીઓ જાત જાતની ધમકી આપી, પોતાના સાથીદારોને મુક્ત કરાવી લે છે; તો પછી શા માટે તેમને એન્કાઉટર  જ _? ” એવું કશુંક કહેવા , બાજુમાં બેઠેલાં ભાર્ગવ તરફ , હું સહેજ જમણી તરફ ઝુકી; પણ માંડ દશ ફૂટ દૂર ઊભેલા ત્રાસવાદીને જોઈ, હું ચૂપ રહી.

ભાર્ગવે મારી તરફ જોયું. તે સહેજ હસ્યો. મારા મનની અકળામણ તે કદાચ કળી ગયો હતો ! આવા ભયત્રસ્ત વાતાવરણ વચ્ચે,તેની ગજબની સ્વસ્થતા જ મને વધુ અકળાવતી હતી !

હું સુડતાળીસ થઈ હતી અને તે માર્ચમાં પચાસ પૂરાં કરી ચૂકયો હતો. છેલ્લાં બાવીસ વર્ષના લગ્નજીવનમાં પોતે ક્યારેય ભાર્ગવને આટલો શાંત જોયો નહોતો ! વહેંત છેટે ઊભેલા મોતનો જાણે કોઈ ભય જ ના હોય તેમ અચલ…

હંમેશા તણાવમાં રહેતો, જિંદગીના દરેક વળાંક પર, નિર્ણય લેતી વખતે દ્વિધામાં રહેતો – એ ભાર્ગવ  –  તો આજે નહોતો જ !

ઋત્વીકને સહેજ તાવ આવે કે તે ઉપર-નીચે થઈ જતો, રાતભર તેની પથારી પાસે જાગતો બેસી રહેતો ! અરે, મને પણ સહેજ ઠોકર વાગે કે એનો જીવ કપાઈ જતો, ” ઈતિ ! સવારે મૉટેલ પર જાય તે પહેલાં ડૉ.મહેતાની પાસે થઈને જજે  ! ડૉ. મહેતા, ‘ડ્રેસિંગની જરૂર નથી’ એમ કહે, તો કહેજે  – ‘ભાર્ગવે કહ્યું છે , માટે કરી આપો !’ “…. ને પછી ભગવાનને કોસતાં બબડતો , “…આ બધી ઉપાધિઓ આપવા માટે, ઉપરવાળાને પણ બીજું કોઈ મળતું નથી લાગતું ! આવેઆવે, અને આપણી ઉપર ! ”

દરેક વ્યક્તિમાં , કામમાં તે અંગતપણે રસ લેતો – પછી તે મૉટેલ હોય કે પેટ્રોલ પંપ, હું – ઋત્વીક – મમ્મી – ડૅડિ – કોઈ પણ હોય ! પણ _ તે પોતાની જાતની કાળજી રાખવામાં જ કોણ જાણે કેમ…!?

હું તો કિનારે જ ઊભી હતી, અને અચાનક ચઢી આવતાં મોજાંની જેમ ભાર્ગવ પોતાની જિંદગીમાં આવ્યો હતો, ને પોતે કંઈક સમજે, તે વિચારે તે પહેલાં તો ખેંચાઈ ગયેલી…

‘ ઈતિ ! છોકરાંઓ તો આપણા ભારત તરફનાં જ સારાં ! આ લંડનના છોકરાં-છોકરીઓ તો સાવ જ વંઠેલ હોય છે ! ” એવું મમ્મી-પપ્પા માનતાં.

‘ આ વર્ષે તો ખાલી હાથ જવું જ નથી !’ એવા પાકા નિશ્ચય સાથે મમ્મી-પપ્પા સાથે હું ભારત આવેલી. હંમેશાની જેમ બે મહિનાના ટૂંકા ગાળામાં મારે છોકરો પસંદ કરવાનો હતો. હું જોતાંજોતાં થાકી હતી. જલદી, લંડન પાછાં ફરવાની, સ્વજનો સામે વિદ્રોહ કરી, ધનેશ સાથે જ…! એવી ઈચ્છા રહી રહીને જોર કરતી; પણ સ્વજનો માટેની અતૂટ લાગણી, મજબૂત બેડીની જેમ મારા પગમાં પડી હતી.

લંડન પાછાં ફરવાનું અઠવાડિયું જ બાકી રહ્યું હતું…કે અચાનક મમ્મી- ડૅડિએ નવસારી નજીકના ગામમાંથી ભાર્ગવને શોધી કાઢ્યો ! કુશળ ઍન્જિનિઅર હતો. મધ્યમ વર્ગનો હતો. શાંત સ્વભાવનો, રંગે શ્યામ અને દેખાવમાં સાધારણ – વિદેશી વાતાવરણમાં મારી બાજુમાં ઊભો રહે એવો તે બિલકુલ નહોતો. મને તેનામાં, તેના અભ્યાસ સિવાય કશું જ ગમે  એવું નહોતું; તેથી મારાથી હંમેશાની જેમ ‘ના’ થઈ ગઈ !પણ _

મારાં પણ સત્તાવીસ પૂરાં થયાં હતાં. છેલ્લાં ચાર વર્ષની જેમ, સતત મને લગ્ન કરાવ્યા વિના, પરત લંડન જવું મમ્મી-ડૅડિને પણ મંજૂર નહોતું ! ભાર્ગવ અમારા લંડનના કામકાજમાં ધ્યાન આપી શકે એટલું ભણેલો અને હોંશિયાર તો હતો જ ! તેઓ તેમની રીતે સાચા જ હતા ! છેવટે તેઓના દબાણ સામે ઝૂકી, મેં મારી જિંદગી સાથે મોટું સમાધાન કરેલું.

એ લગ્નનાં જોતજોતાંમાં બાવીસ વર્ષ પૂરાં થઈ ગયા. એ લગ્ન પછીના, લંડનથી ભારતના ત્રીજા ફેરે, તે અપહરણમાં અટવાયાં; ને અહીં શાંતાક્રુઝમાં…

અચાનક મેં ભાર્ગવને તેની સીટ પરથી ઊભો થતો જોયો !

” શું કરે છે, ભાર્ગવ ? બેસી જા !” કહી ગભરાટમાં હું તેનો હાથ પકડવા ગઈ; પણ તે પહેલાં તો મને અવગણતો, તે પોતાના જમણા હાથની, નખ આગળથી બટકી ગયેલી, ટચલી આંગળી ઊંચી કરતાં અડધો ઊભો થઈ ગયો હતો _!

” પ્લીઝ, મારે જરા… ”  તેણે સામે ઊભેલા ત્રાસવાદીને વિનંતી કરી.

તેને બાથરૂમ જવું હતું.

” રાજન ! ઇસ કો જરા લે કે જા તો ! ” સામે ઊભેલાએ ત્રીજા ત્રાસવાદીને કહ્યું.

પણ મારી નજર સામેથી હટતી નહોતી, ભાર્ગવની પેલી નખ આગળથી બટકી ગયેલી ટચલી આંગળી…

– એટલો જ સ્તો, મારે ભારત આવવું પડ્યું હતું !

લગ્ન પછી, અમે બંને એકબીજા સાથે ના છૂટકે ઘસડાતાં રહ્યાં હતાં. મને ક્યારેય ભાર્ગવમાં ધનેશ મળે એમ નહોતો ! પાંચ-સાત મહિનાનું, મનમેળ વિનાનું દૈહિક આકર્ષણ – અને પછી ઋત્વીક! તે પછીની હરેક ક્ષણે, હું ભાર્ગવને કારણ-અકારણ અવગણતી રહી અને અમે એક-બીજાથી દૂર હડસેલાતાં ગયાં !

એટલું બધું કદાચ ન પણ થાત, જો ભાર્ગવની પીઠ પરનું, નાનું, અંડાકાર, સહેજ લાલ ચકામું _

મારી નજર તો અચાનક જ પડી ગયેલી, તેની પીઠના જમણા ભાગ ઉપર ! હું ચોંકી ! મારું મન તોફાને ચઢ્યું. કશું સૂઝતું નહોતું. રહી રહીને પેલું, વાળ વિનાનું અંડાકાર ચકામું મારી નજર સમક્ષ આવી જતું. કેટલાય દિવસ સુધી, હું રોજ ભાર્ગવની પીઠ પર હાથ ફેરવી, જોતી રહી – તેનો ફેરફાર !

પણ પછી એક દિવસ રહેવાયું નહીં. પીનકુશનમાંથી ટાંકણી કાઢી મેં પેલા લાલ ચકામા પર હળવેથી ભોંકી, ” – કૈંક  લાગે છે, ભાર્ગવે ? ”

”  ના ! ”  તેને આશ્ચર્ય થયું.

મેં ધ્રૂજતા હાથે, ફરી, જગ્યા બદલી, સહેજ વધુ જોરથી ટાંકણી ભોંકી – ” હવે ? ”

” ના…! કશું નથી લાગતું ! કેમ…શું વાત છે, ઈતિ ? ”

મારા હાથમાંથી ટાંકણી છૂટી ગઈ ! મારાથી હળવી ચીસ પડાઈ ગઈ ! ને પછી હું ધ્રુસકે ધ્રુસકે  રડી પડેલી, “ભાર્ગવ ! તેં દગો કર્યો ! તારે લગ્ન પહેલાં – મને, મારાં મમ્મી-પપ્પા ને આ વાત કહેવી જોઈતી હતી…”

” તું શું કહેવા માંગે છે ? કૈંક સ્પષ્ટ કહે તો સમજ પડે ! ” તે ગૂંચવાયેલો હોય એમ લાગતું હતું.

”  શું ? ખરેખર તને ખબર નહોતી ભાર્ગવ ? ”

”   શું …?”

” – કે તને લેપ્રસી… !”  હું વધું કશું બોલી શકી નહોતી.

” લેપ્રસી…? અને મને ? શું વાત કરે છે ? કોણે કહ્યું ? “_  તેને ચોંકી જતાં પ્રશ્નોનો ખડકલો કરી દીધો.

“_ આ તારી પીઠ પરનું લાલ ચકામું સંપૂર્ણ સંવેદનહીન છે, ભાર્ગવ…!! ”

ને ત્યારે – તે ફાટી આંખે, ફર્શ પર બિછાવેલી, ઇમ્પૉર્ટેડ લાલ જાજમને જોતાં, અવાક બની મને સાંભળી રહ્યો !

“તું તો ઠીક, પરંતુ તારા મા-બાપ પણ આવી ગંદી રમત…  ” મારાથી મન મૂકી આક્રોશ ઠલવાઈ ગયો.

એમ પણ હું મારાં લગ્નથી નાખુશ હતી જ, તેમાં વળી આ નવો ફણગો…

ત્યાં તો ભાર્ગવ બાથરૂમ જઈને આવી ગયો.

“અબ… કલ સુબહ મેં જાના !” કહી પેલો ત્રાસવાદી ભાર્ગવની સામે જોઈ ઘૂરક્યો. હું ક્ષણવાર માટે ધ્રૂજી ઊઠી ! પણ, ભાર્ગવના ચહેરા પર કૈંક ના સમજાય એવું સ્મિત રમતું હતું !

મેં પ્લેનની બારી બહાર જોયું. ઠંડીની સાથેસાથે અંધારું જામતું જતું હતું અને રાતનો સન્નાટો ભયાનક લાગતો હતો .

ને ત્યાં અચાનક તો કૉકપીટમાંથી બહાર આવી, પેલો ત્રાસવાદી કમાંડર કૈંક ગુસ્સાથી બરાડ્યો, ”  મનજિત ! યે ગવર્મેન્ટ સાલી બહોત ચીકચીક કર રહી હૈ. અબ બોલતે હૈ – ઔર છ ઘંટે કી મોહલત દો. પ્રધાનમંત્રી કી વિપક્ષો સે બાતચીત ચલ રહી હૈ. મૈં ને દો ઘંટે કી આખરી વૉર્નિંગ દે દી હૈ, ફિર ભી, ઉન્હોંને હમારે સાથીઓ કો નહીં છોડા તો – પ્લેન ફૂંક દેંગે ! સાલ્લો ને- મજાક સમજ રખ્ખી હૈ ! ”  કહી તે આવ્યો હતો, એના કરતાં વધુ જોરમાં પગ પછાડતો પાછો વળી ગયો.

– ને ભયનું લખલખું પ્રસરી ગયું બૉઈંગમાં ! બધાં ફફડતાં હતાં !

મારી નજર ભાર્ગવ પર પડી, તે પણ ધ્રૂજતો હતો – ભયથી નહીં, પણ ઠંડીથી !

તે પોતાની બટકી ગયેલી આંગળીઓથી ઝાલી, તેનો કોટ પહેરવાનો ધ્રુજારો યત્ન કરી રહ્યો હતો _ ને અભાનપણે, તેને કોટ પહેરાવવા માટે મારો હાથ લંબાઈ ગયો ! વર્ષોથી ભાર્ગવ તો ઘણુંબધું એકલપંડે કરવા માટે ટેવાયેલો હતો, એ વાત તો હું જાણતી જ હતી; છતાં પણ …

આમ પણ ભાર્ગવને ઠંડી વધારે લાગતી. રૂમ હીટર વગર તેને લગીરેય ચાલતું નહીં ! રાત્રે પણ તે હંમેશા, પતલી ચાદરની અને તેની ઉપર ગોદડી લઈ, ઓઢોમોઢો કરી સૂઈ જતો_તેના અલગ રૂમમાં !

” સતત તેનાં સંસર્ગમાં રહેશો – તો બધાંને ચેપ લાગશે ! ”  એવું કૈંક કહીં, મમ્મીએ જ ભાર્ગવને અલગ રૂમ ફાળવી આપી હતી.

શરૂ શરૂમાં તો ભાર્ગવે દવા પણ લીધી, પરંતુ એક તરફ મારા સહિત, ઘરનાં સ્વજનનો અણગમો અને બીજી તરફ આ રોગ તરફની તેની નબળી પ્રતિકારક શક્તિ ! ને ધીરેધીરે તેના શરીર પર વધુ ચિહ્નનો દેખાવા માંડ્યા. તેના પૂરા શરીર પર નાના-મોટા સોજાઓ આવ્યા. તેના ચહેરાની ત્વચા સહેજ સખત, સહેજ જાડી બની અને તેના પર પાતળી કરચલીઓ દેખાવા માંડી. તેનાં હાથ, પગ, નાક, કાનની બૂટ…કશું જ બાકી બચ્યું નહોતું !

ડૉક્ટરો સાથે ચર્ચા પછી, હું પણ જાણતી થઈ હતી – કે આ રોગ વારસાગત નથી, છતાં પણ મને અંદરખાને ભય હતો..કે અવારનવાર ભાર્ગવના સંસર્ગમાં આવવાથી, ક્યાંક ઋત્વીકને પણ_ ! અને એવા ભયજનિત વિચારથી ખેંચાઈ, હું વારંવાર ઋત્વીકનું મેડિકલ ચૅક-અપ કરાવતી રહેતી…રોજ નવડાવ્યાં પછી તેનું શરીર પૂરેપૂરું ચકાસી લેતી ! એ ક્રમ ઋત્વીક સમજતો થયો ત્યાં સુધી ચાલ્યો ! પણ પછી તો – ”  હું પપ્પા ને વળગીને સૂઈ જાઉં, તો પણ મને કંઈ નથી થવાનું ! ” – એવું કહી ઋત્વીક સૌને અવગણતો.

જો કે ભાર્ગવે તેની તરફે કોઈ કચાશ છોડી નહોતી ! બધાંને પ્રેમથી મળવાની કોશિશ કરતો… પણ તેનાં શરીર પર, જળોની જેમ ચોંટેલા ચકામાંઓ – કદાચ ઋત્વીક સિવાય, બધાંને તેની તરફ ઢળતાં રોકતાં હતાં.

મારી અવહેલના, તેની બેદરકારી, વિદેશની ખૂબ મોંઘી સારવાર,  મમ્મી-પપ્પાનો રુક્ષ વહેવાર…ઘણા બધા અવરોધો હતા તેની સારવારમાં !

ને છેવટે ‘કેસ’ હાથમાંથી સરકતો ગયો…

“તમારા લોકોને લીધે – મરી જિંદગી નરક થઈ ગઈ ! ધનેશ – શું ખોટો હતો ? દેખાવડો હતો…પૈસાપાત્ર હતો..વિદેશી રીતભાતથી ટેવાયેલો હતો…બસ ! આપણાથી ઊતરતી જ્ઞાતિનો હતો એટલું જ ને ?!…”

“… મારે માથે એક રોગિષ્ટને મારી, તમને લોકોને શું મળ્યું ? ” …હું અવારનવાર સ્વજનો પર મારો આક્રોશ ઠાલવતી.

મારી કાયમની આવી કચકચથી કંટાળી, એકવાર મમ્મીએ મને ભાર્ગવથી છૂટવાનો ઇલાજ સૂચવ્યો; ” – તું એક કામ કર ! ભાર્ગવને ઇંડિયા મૂકી આવ…’રક્તપિત્ત સારવાર કેન્દ્ર’માં !! આપણે થોડા પૈસા ડૉનેટ કરીશું _ ને એ લોકો તેની સંપૂર્ણ  કાળજી પણ રાખશે…સાથોસાથ આપણે પણ ભયમુકત થઇશું ! ”

“પણ મમ્મી, હવે આ ઉંમરે _! લોકો શું વિચારશે ? મારું મન નથી માનતું…! ”

” સમાજના ભયથી અને ભાર્ગવની ઉંમરનો વિચાર કરી તું અહીં અટકી જશે, તો આપણી પ્રગતિ રૂંધાઈ જશે ! આપણા ધંધાદારી સંબંધો બગડી રહ્યા છે. ભાર્ગવનો ભયાવહ કુરૂપ ચહેરો જોઈ, કોણ આપશે છોકરી ઋત્વીકને ?” મમ્મીએ વળતી દલીલ કરી.

પોતે મક્કમ મનથી, મને-કમને પોતાની મમ્મીનું સૂચન સ્વીકારી લીધું ! પરંતુ ઋત્વીકે હંમેશાની જેમ તેના પિતાની તરફદારી કરી, ” મમ્મી ! આ રોગ કૌટુંબિક-વારસાગત નથી એવું તો તું જાણે જ છે… ને છતાં પણ, તું પપ્પાને ‘સારવાર કેન્દ્ર’માં મૂકવા તૈયાર થઈ ગઈ…હા, તે સંસર્ગજન્ય રોગ છે: પણ પપ્પા તો આમેય અહીં અલગ રૂમમાં રહે છે, કારણ વિના કોઈને મળત નથી- કે નથી કોઈને બીજી રીતે હેરાન કરતાં…ને ત્યાં ‘સારવાર કેન્દ્રવાળા’ તેમનું કેવુંક ધ્યાન રાખશે ? કમ સે કમ અહીં તેઓ આપણી આંખ આગળ તો છે _પોતાની ઈચ્છા…આકાંક્ષા…જરૂરિયાત…બાબતે બે શબ્દો આપણને કહી, હળવા તો થઈ શકે છે; ને ત્યાં – ના! મમ્મી, ના ! તું કૈંક મોટી ભૂલ કરી રહી છે…! ”

ક્ષણવાર માટે ઋત્વીકની ધારદાર સાચી દલીલ સાંભળી,  હું બે ડગ પાછળ હઠી ગઈ -પણ છેવટે લાગણીના તંતુઓ, નિર્ણાયક મનોબળ સામે તૂટી પડ્યા ! હું ભારત આવવા નીકળી, ભાર્ગવ સાથે… ને ત્યાં _

– પેલાં ત્રાસવાદીઓ વચ્ચે ફરી કંઈક ગુસપુસ થઈ. તેમનાં ચહેરા પરની રેખાઓ તંગ હતી _! કદાચ સરકાર સાથેની ખેંચતાણથી તેઓ કંટાળ્યા હતા.

મારી નજર ભાર્ગવ પર પડી. તે હસ્યો ! કંઇક અજબ, જુસ્સાદાર ! તેના ચહેરા પર એ હાસ્ય વધુ ભયાનક લાગતું હતું !

” શું વાત છે, ભાર્ગવ ? મોત સામે ઊભું છે, અને તું આમ _?” કૈંક અકળામણ અનુભવતાં હું તેને પૂછી બેઠી.

“_ ઈતિ ! અહીં ‘બાન’ તરીકે મને તો આ બધું જ રોજીંદી ઘટમાળમાંથી પસાર થઈ રહ્યો હોઉં એવું લાગે છે! મને હસવું આવે છે, તારી હાલત જોઈને ! તું મોતથી છેડો ફાડવા ગઈ _ને, લે, આ જો, એ સામું ઊભું !…”  કહી તે ફરી ગર્ભિત હસ્યો !

આજીવન મેં તેને કહેવામાં કશું જ બાકી રાખ્યું નહોતું, પરંતુ આજે જ્યારે તે પહેલીવાર કૈંક કડવું બોલ્યો, એટલાં બે શબ્દો સાંભળવાની પણ મારામાં હિંમત નહોતી. તેથી હું તેને રોકવા ઇચ્છતી હતી _”  પ્લીઝ…ભાર્ગવ !”  હું અકળામણથી બોલી ઊઠી.

– અને ભાર્ગવ પણ ક્યાં જુઠ્ઠું બોલતો હતો…! તેનો રોગ અમને વળગી ના જાય, એ માટે અમે તેને બધી રીતે અળગો કરી નાંખ્યો હતો ! તેનાં કપડાં, વાસણ, રૂમ, ભોજન – બધું જ અલગ…અલગ…!

“શા માટે હું આજ દિન સુધી ભાર્ગવને અવગણતી રહી હતી ?” વિચારોની ચડસાચડસીમાં હું સ્વગત પ્રશ્ન પૂછી બેઠી…કે વિચારોએ દિશા બદલી !!

” …આ બધામાં ભાર્ગવનો શું વાંક ? કદાચ તેની પીઠ પરના ચકામાં બાબતે તે અજાણ પણ હોય, એવું પણ બન્યું હોય કે કદાચ તેનાં મા-બાપએ જ આ વાત તેનાથી છુપાવી હોય…નહીંતર, હકીકત જાણતો હોત તો તેણે જ સામેથી મને ‘ના’ કહી દીધી હોત ! _અરે, કદાચ મારી જ, જો તેના જેવી હાલત હોત તો…બિચારાએ જીવ રેડી દીધો હોત, મારી સારવારમાં…!”

“…ભારતના ‘સારવાર કેન્દ્ર’માં રહેવાથી ભાર્ગવને ક્યાં કશો ફર્ક પડવાનો હતો ? પણ તેની ગેરહાજરી ઘરનાને તો જરૂર ખૂંચશે જ ! તે સતત ઘરમાં તરવરતો રહેતો. ભલે તે અલગતાના કોશેટામાં પુરાયેલો હોય, ભલે તેની વાતો પર, સૂચનો પર,  કોઈ ધ્યાન ન આપતું હોય…પણ, વાતવાતમાં તેની ટકોર, તેની દોડાદોડ, તેનો ઉત્સાહ – તેનું અસ્તિત્વ હર પળે બધાંને કૈંક વિચારવા માટે મજબૂર કરતું હતું ! જોકે, તેને તો બધું જ કોઠે પડી ગયું હતું – બધાની સાથે-સાથે રહી, અલગ-અલગ જીવવાનું !…”

” તેં છેવટે તારી મરજીનું જ કામ કર્યું ને, મમ્મી ! નાંખી આવીને પપ્પાને ‘સારવાર કેન્દ્ર’માં ! હવે તારા જીવને શાંતિ થઈ હશે, કેમ ? …તું  ખૂબ નિષ્ઠુર છે, મમ્મી !” મને અચાનક ઋત્વીક યાદ આવી ગયો. તેના હૈયામાં, તેના પિતા માટે ધરબાયેલી લાગણી બાબતે, પોત સારી પેઠે અવગત હતી. તેથી ભાર્ગવને મૂકી, ઘરે પહોંચ્યા પછીની પરિસ્થિતિનો સામનો કરવાનું કામ,  કદાચ સહેલું તો નહોતું જ !

“…ખરેખર ! ઋત્વીક કહે છે એટલી બધી હું નિષ્ઠુર છું… ? કે પછી…ધનેશને લીધે _ ? ધનેશ ના મળ્યો, તેના માટે શું ભાર્ગવ એકલો જવાબદાર હતો ? મમ્મી-પપ્પા અને પોતે… હા, કદાચ ધનેશ માટે પોતે પણ વિદ્રોહ કરી શકી હોત ! આ બધી બાબત માટે ભાર્ગવ નિર્દોષ છે, એવું જાણવા છતાં પોતે તેને અવગણતી રહી હતી _ ”

” –  બસ ! અબ કોઈ બાતચીત નહીં ! સા…લ્લે, બેકાર કી બાતેં કરકે વક્ત નિકાલ રહે હૈ… ” ત્યાં તો એવું કશુંક બોલતો બોલતો પેલો ત્રાસવાદી કમાંડર,  ફરી કૉકપીટમાંથી બહાર આવ્યો ! પછી _ ” …મનજિત, રાજન ! દેખો, દશ મિનિટ બાદ, હમ બૉઈંગ ઉડા દેંગે ! તૈયાર રહેના… ” ગુસ્સામાં એવું બોલી, તે આમથી તેમ આંટા ફેરા મારવા માંડ્યો.

મારું હૈયું ધબકાર ચૂકી ગયું ! ઊંચા શ્વાસે મેં મારી કાંડા ઘડિયાળમાં જોયું… ૮-૫૦ થઈ હતી ! દશ મિનિટ પછી _ એટલે કે નવ વાગ્યે ! એક વિનાશક વિસ્ફોટ…ને પછી બધું જ _

– એ ભયજનિત વિચાર માત્રથી ક્ષણાર્ધમાં તો મારું શરીર પરસેવાથી તર થઈ ગયું !

મેં ફરી ભાર્ગવ સામે જોયું. ભયગ્રસ્ત ઉતારુઓ વચ્ચે એ જ એકલો, આંખો મીંચી બેઠો હતો ! તેના ચહેરા પર ભયની એક રેખા સુધ્ધાં જણાતી નહોતી ! હું વિચારમાં પડી _ને મને તેના આછાં લાલ ચકામાંવાળા કપાળ પર હાથ મુકવાની ઈચ્છા થઈ આવી…!

આ તરફ ત્રાસવાદીઓનો ગણગણાટ સહેજ વધ્યો હતો – તેઓ ઉતાવળે ‘ઑપરેશન’ પૂરું કરવા માટે કામે લાગી ગયા હતા.

ભાર્ગવ હજીય આંખો બંધ કરી, સ્થિતપ્રજ્ઞની જેમ બેઠો હતો ! … શું વિચારતો હશે ? મનોમન ખુશ થતાં કદાચ મને જ કોસતો હશે –  ‘સારું જ થયું, જે થયું તે ! છેવટે મરવાનીને મારી સાથે ! મને હડહડ કરવામાં વળી ક્યાં કશું બાકી રાખ્યું હતું ? ‘

_ કે પછી વિચારતો હશે -” હવે આ ઉંમરે ‘સારવાર કેન્દ્ર’માં ! અરે, ઈતિની જગ્યાએ કોઈ બીજી લાગણીશીલ સ્ત્રી હોત…તો કદાચ _ ”

ત્યાં તો મારા મનના વલોવાતા ઉચાટ વચ્ચેથી, ફરી પેલો સામે ઊભેલા મોતનો ભય સળવળ્યો – ને હું ઝાઝું કશું વિચારી ના શકી… મેં ફરી મારી ઘડિયાળમાં નજર નાંખી ! નવ વાગ્યાને ઉપર પાંચ મિનિટ થઈ હતી ! –  ”  કદાચ મારી ઘડિયાળ આગળ હશે, નહીંતર તો ક્યારનું, આ બધું જ – ફુરચેફુરચા થઈ ગયું હોત… ” હું વિચારતી હતી _ કે લોહીના લાલ રંગથી લિસોટાયેલા,  અસંખ્ય ટુકડાઓ મારી નજર સમક્ષ ઘડાકાભેર ઊડી રહ્યા.

”  – કમાંડર ! બૉમ્બ મા ટાઈમર ચલતા નહીં હૈ…શાયદ બિગડ ગયા હૈ …ફિર ભી- મેં દેખતા હૂં! લેકિન, થોડા વક્ત લગેગા !  “એકાએક કૈંક દબાયેલા અવાજે એક ત્રાસવાદી બોલ્યો.

” ક્યા _? ક્યા બકતા હૈ ? પહેલે દેખા નહીં થા ક્યા ? સાલ્લો, એક કામ ભી ઠીક સે નહીં કર શકતે _! ચલ, જલદી સે ચૅક કર … ” કહી ત્રાસવાદી કમાંડરે, ગુસ્સાથી મુઠ્ઠી ભીંસોટી, પગ પછાડ્યા – અને પછી કૈંક બમણાં ઝનૂનથી, આમથી તેમ આંટાફેરા મરવા માંડ્યો !

જિંદગીની આખરી ક્ષણો મારા હાથમાં હતી. મારું મન ફરી મોત તરફથી હટી, ભાર્ગવના વિચારોમાં પરોવાયું… કે કોઈક અદ્રશ્ય બળથી, અચાનક હૈયે સંતાપની ભરતી ચઢી…અને આંખોમાં બંને કાંઠેથી ઉદ્વેગ છલોછલ છલકી ઊઠ્યો ! હૈયું બોલતું હતું, કે ક્ષણવાર માટે – જો આ સમય સ્થિર થઈ જાય…તો આજ દિન સુધી અવ્યક્ત રહેલા, લાગણીભીનાં બે શબ્દો, કહી દઉં ભાર્ગવને _

– કે અચાનક ઝમતી નજર વચાળેથી મેં જોયું, તો ભાર્ગવે આંખો ખોલી હતી !

તે કૈંક આશ્ચર્યથી મને જોઈ રહ્યો હતો !

” રડવાનું  ના હોય, ગાંડી !” મને લાગ્યું કે હંમેશની જેમ ત કૈંક એવું જ બોલશે – પણ તે કશું જ ના બોલ્યો !! તેના ચહેરા પરથી લાગતું હતું કે તે કશુંક કહેવા તો ઈચ્છતો જ હતો – કે પછી કશુંક કરવા…

– તેણે કોટનાં ગજવામાંથી તેનો જમણો હાથ બહાર કાઢ્યો ! બટકી ગયેલી આંગળીઓવાળો એ હાથ, મારી આંખો સુધી લંબાયો અને પછી મારી ઝાંખી, તરલ નજર સુધી…લગોલગ પહોંચી ગયો ! હું વલોવાતા હૈયે તેના એ હાથના સ્પર્શને ઝંખી રહી…!

ત્યાં તો ત્રાસવાદી કમાંડર ફરી ગર્જ્યો, ” – એક ઔર રાસ્તા હૈ મેરે પાસ, હમારી શક્તિ કા અંદાઝા દિખાને કે લિયે _! હમેં હર હાલ મેં ઇસ ‘મિશન’ કો પૂરા કરના હૈ ! ઔર…ઈસ કે લિયે હમ એક કે બાદ એક… ” કહી તેણે પોતાની રિવૉલ્વરનું નાળચું બૉઈંગ ઉતારુઓ પર ધીરે ધીરે ફેરવવા માંડ્યું…તેની નિર્દય આંખો પહેલો શિકાર શોધતી હતી !  _તે અચાનક ઈતિ પર સ્થિર થઈ ગઈ! કદાચ તેના માટે એ જ સૌથી નજીકનું, સૌથી સહેલું નિશાન હતું !

હું ચોંકી ! ફક્ત ટ્રિગર દબાવવાની જ વાર હતી…મારી આંખોમાં ભય ફાટફાટ થતો હતો…

અને મોતથી બચવા, આકળા થઈ ભાગતા શ્વાસો – ડરનાં માર્યા ક્યારે ડગલું ચૂકી જાય તે કહેવું મુશ્કેલ હતું ! મેં મારું કંપતું શરીર સીટ પર સમેટી લીધું !

ત્યાં તો ત્રાસવાદી કમાંડરની ટ્રિગર પરની આંગળી, સહેજ પાછળ હઠી…ને સાયલૅન્સર ચઢાવેલી રિવૉલ્વરમાંથી હળવો અવાજ થયો _

” ફિસ્સ….! ”

ને પછી બધું જ ક્ષણવારમાં બની ગયું _

ભયથી કંપતી મારી અર્ધખુલ્લી આંખે મેં ભાર્ગવને તેની સીટ પર ઊભો થતાં જોયો…તેનાં બટકી ગયેલી આંગળીઓવાળો હાથ મારી તરફ ત્વરિત ગતિથી લંબાયો – ખૂબ જોરથી…! ને પછી – હું કંઈક સમજુ તે પહેલાં તો – હળવો ધક્કો…ને હું મારી સીટ પરથી નીચેની તરફ ફંગોળાઈ…ગોળી તેના ડાબા ખભા પર આછેરો ઘસરકો કરતીક નીકળી ગઈ- સીધી સીટના બૅક-રૅસ્ટમાં…! વેદનાથી કણસતો ભાર્ગવ મારી સીટ તરફ ઝૂકી પડ્યો …ને લોહીની પાતળી સેર ઊડી..ને, ઊતરી…તેના ખભેથી…તે મારા હાથ સુધી ! – કૈંક અભાનપણે તેના બટકી ગયેલાં આંગળીઓવાળો હાથ આવી ગયો મારા હાથમાં…!

બૉઈંગ આખું જ સ્તબ્ધ અને અવાક્ !!

અસ્વસ્થતાની થોડીક ક્ષણો પસાર થઈ ગઈ…ને પછી મારી સાડીના છેડાથી, તેના ખભા પરનો ઘા દબાવતા, લાગણીભીનાં સ્વરે મેં ભાર્ગવને કહ્યું,  ”  ભાર્ગવ ! એક વાત કહું ? વર્ષોથી પહેલાં સ્વજનો સામે વિદ્રોહ કરવાની એક તક ગુમાવી, મેં એક મોટી ભૂલ કરેલી ! પણ હવે, જો કદાચ આ અપહરણમાંથી બચી, હું પરત લંડન જઈશ…તો સ્વજનો સામે; તેમને ચોંકાવી નાંખનાર એક વિદ્રોહ  મંડાણ કરીશ _ ઋત્વીકને અત્યંત પ્રિય એવી એક ‘અમૂલ્ય ભેટ’ તને પરત આપીને !! ”

******

મિત્રો

આપણને બ્લૉગ જગતમાં બ્લૉગ લેખકને સૌથી મોટો ફાયદો એ છે કે તેઓને વાચકનો પ્રતિભાવ તુરંત મળી જાય છે. જે લેખકને મન સાચો પુરસ્કાર હોય છે. પરંતુ આ નવલિકા પ્રકાશિત થયા બાદ પ્રતિભાવ રૂપે કેટલાક સન્માનીય સાહિત્યકારો અને ભાવકોના  પત્રો મળ્યા હતા. મારે માટે અત્યંત અમૂલ્ય એવા એ પત્રો પણ આ સાથે રજુ કરું છું.

1.        એક જુદા જ વિષયને લઈને આવતી  વાર્તા “વિદ્રોહ”  તમને ગમવી જોઈએ. આ વાર્તા ઉત્તમ છે એવું નથી પણ એમાં પ્રતીતિ કરતા પ્રશ્નો છે…અને જે રીતે નિરૂપણ થયું છે તેમાં વાર્તાની ગતિ અને એકથી વધુ ઘટનાઓના તાણાવાણા ગુંથવામાં લેખક ઠીક ઠીક સફળ રહ્યા છે તે નોંધવું ઘટે.

( વિવેચક અને લેખક શ્રી રવીન્દ્ર પારેખ , “નવ ગુજરાત ટાઇમ્સ” – ‘વાર્તા વૈભવ’ વિભાગ તા. ૨૦/૪/૯૭ )

2.       ઘણા સમય પછી એક સરસ વાર્તા વાંચવા મળી. તમે પાસે હોત તો મારી ખુશી વ્યક્ત કરતાં તમારો બરડો થાબડી દીધો હોત. ખાસ્સા દૂર છો એટલે પત્ર લખું છું… પણ ક્યારેક મળી જશો ત્યારે તમારા ખભાનું આવી બન્યું સમજજો. એ લાગણી અત્યારે મનમાં સંઘરી બેઠો છું.

( વાર્તાકાર સ્વ. કનુ અડાસી, વડોદરા. તા. ૭/૩/૯૭)

3.       એક સાહિત્યકારની રૂએ કોઈપણ જાતની ઓળખાણ વગર આ પત્ર લખી રહ્યો છું. શબ્દસૃષ્ટિ ના અંકમાં આપની વાર્તા વિદ્રોહ વાંચી. ખૂબ જ ગમી. પૂરી કરીને તરત મુંબઈની લોકલમાં જ આપને આ પત્ર લખી રહ્યો છું.

અભિનંદન …એક અદ્દભૂત વાર્તાના પ્રસવ બદલ. વધુ ને વધુ લખતા રહો એવી શુભેચ્છા !

[ સાહિત્યકાર શ્રી દિલીપ રાવલ, ‘ધ્રુવિ’ કોમ્પ્લેક્ષ,અંબાડી નગર,વસઈ (વૅસ્ટ ) મુંબઈ.તા. ૧૫/૫/૯૭]

4.       અંતનિર્હિત સત્યનું સચોટ નિરૂપણ, સરસ ‘થીમ’  અને ખૂબ સુંદર માવજત. મુખ્ય પાત્ર ‘ઈતિ’ ના મનોભાવનું હ્રદયસ્પર્શી આલેખન. વાર્તાની શરૂઆત – ઘટનાક્રમનો વિકાસ યથાયોગ્ય અને રસભંગવિહિન.

(  ડૉ.સનત જોશી, તબીબી અધિકારીશ્રી,  સુરત મહાનગરપાલિકા, ‘લક્ષ્મીકાંત નગર’, કતારગામ, સુરત )

5.       “વિદ્રોહ” મને ખૂબ ગમતી હ્રદયસ્પર્શી  વાર્તાઓ પૈકીની એક વાર્તા છે.

( કિરણ ચૌહાણ – સુરતની યુવા પેઢીના ગઝલકારોમાં મોખરાનું સ્થાન ધરાવતા ગઝલકાર )


વાર્તાવિશ્વ

વાર્તાવિશ્વની અન્ય વાર્તાઓ વાંચવા નીચેની નવલિકાઓના શીર્ષક પરની લિંક પર ક્લિક કરો.↓20 ટિપ્પણીઓ
 1. meena l permalink

  આટલા વરસો પછી ફરીથી નવલિકા વિદ્રોહ વાંચી. ખૂબ હ્રદયસ્પર્શી વાર્તા છે. વિષય ની માવજત ખુબ જ સરસ છે. ભવિષ્ય માં પણ આવી જ સુંદર નવલિકા આપતા રહેજો.

 2. bankim patel permalink

  “Very Good.”

  Bankim Patel

 3. vimal permalink

  Hello Kamleshbhai

  i dont know that u r writter. but when i read u r story.
  i am :))

  very nice

  Vimal

 4. સરસ વાર્તા. ગતિ…સંવેદના….આલેખન.. સારી રીતે સચવાયું છે. આજે પણ અલગ પડે એવો વિષય છે. અભિનંદન.

 5. pragnaju permalink

  હ્ર દ ય સ્પ ર્શી વા ર્તા

 6. કાસીમ અબ્બાસ permalink

  ભય નું વાતાવરણ, સામે મોત, વિચારો નું વમળ – વિદ્રોહ નો સંકલ્પ.
  વાર્તા નો પ્લોટ બહૂજ સરસ છે.

 7. ખુબ જ સરસ અને હ્રદયસ્પર્શી નવલીકા વાંચવા મળી.
  ખુબ ખુબ અભીનંદન………
  ગોવીન્દ મારુ
  http://govindmaruwordpress.com

 8. કમલેશભાઈ….ઈમેઈલથી તમે લખેલ વાર્તા “વિદ્રોહ ” બારે જણ્યું અને વાર્તા વાંચવાની શરૂઆત કરતા અંત સુધી વાંચવાનો રસ રહ્યો. એક હ્રદયસ્પ્રશી વાર્તા, જેમાં હોસ્ટેજો સામે આતંકવાદીઓનું વર્તન સહીત ઈતિ-ભાર્ગવની જીવન કહાણીનું વર્ણન જે રીતે થયું તે એક અદભુત રીતે થયું છે…..જેમાં, સમાજમાં “ઉંચ-નીચ જાતી “ની ચાલુ રહેલી પ્રથા, તેમજ “રોગો પ્રત્યેની અજાણ આધારીત ખોટી માન્યતા ” બારે ઉલ્લેખ કરી માનવતાને સુધારા કરી સત્યના માર્ગ તરફ દોરે છે. અભિનંદન, કમલેશભાઈ !…ડો. ચંદ્રવદન મિસ્ત્રી, લેન્કેસ્ટર,કેલીફોર્નીઆ,યુ.એ.સે.

 9. I tried to send an Email response & amp; it was REJECTED..Just to let you know…..may be I need to have your consent.
  Chandravadan Mistry.
  http://www.chandrapukar.wordpress.com

 10. Purshottamdas L. Patel permalink

  Ghanuj saras lakhyu chhe. Thank’s a lot.

 11. કમલેશભાઇ,
  નમસ્કાર્!
  ખરેખર જે શબ્દ સ્પર્સે નહીં તે શબ્દ નુ સાહિત્ય ની દુનિયા માં ભલા શું કામ?
  તમારી સાહિત્ય યાત્રા ને આગળ ધપાવો,બેસ્ટ ઑફ લક!

  http://yuvarojagar.gujaratiblos.com

 12. shraddha permalink

  dear kamleshbhai,

  a very good one. videsh ni dharati par rahine pan bharatiya sanskar ne ujagar rakhavani prerna aapti navalika che.

 13. મિલીન દેસાઇ permalink

  કમલેશભાઈ,

  તમને ખૂબ ખૂબ અભિનંદન.હજુ એક જ પ્રકરણ વાચ્યુ છે. પણ તમે નહિ માનો પણ મને એવુ લાગે છે કે જાણે હુ પણ એ પ્લેનમા બેઠેલો છુ. બહુ સરસ.

  મિલીન દેસાઇ ( બેંગલોરથી )

 14. trupti permalink

  kamleshbhai ,

  vaerry exellant and intresting.

 15. Thanks very sensitive story which touch the heart
  thanks again. realy we have to care love one while they sick not leave them we r human being we not to forget

 16. લેપ્રસી – વિષય અને તેણે લઇ ને ભણેલા લોકો પણ કેવો પ્રતિભાવ આપે છે અને પછી થી ની મનોદશા નું ખુબજ સુંદર વર્ણન…..

 17. Jigna permalink

  Very nice story👌

 18. Sir Thanks to you , You give us this type of heart touching story to read & not only read but also improve our feeling with our beloved.
  Thanks

  • Namskar Avniji. When someone cares about you and does things to try to make you happy, with selfless reasons. Just because they like to know you’re smiling…Thank you very much for your feedback. this story which is very close to my heart, so your comment is very valuable for me.

urvashi ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: