કંટેન્ટ પર જાઓ

પ્રકરણ – ૧૦ ત્રીજી વ્યક્તિ

18/12/2008

પ્રકરણ  – ૧૦     ત્રીજી વ્યક્તિ

_________________________________________________________________________________________________________

વહી ગયેલી વાર્તા :    સુરત ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઇન્સપેક્ટર માથુર આસિ. ઇન્સપેક્ટર સોની સુરત શહેરનાં પોલીસ કમિશનર મહેતા સાહેબની સૂચના મુજબ ત્રિવેણી એપાર્ટમેન્ટ, મીરાંનગર, કતારગામ પહોંચે છે જ્યાં વિજય રાઘવન નામના એક શખ્સનું ખૂન થયું હોય છે. વિજય રાઘવન રસેશ ગોધાણી સાથે પાર્ટનરશીપમાં ઇન્કમટેક્સ – સેલ્સટેક્સ કન્સલ્ટન્ટ કામકાજ કરતો હોય છે. ત્રિવેણી ઍપાર્ટમૅન્ટની લિફ્ટ પાસે થયેલ ખૂન માટે ગુનેગાર શોધવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર માથુર કડીઓ, પુરાવા મેળવવા સ્થળ પર હાજર રહેલી વ્યક્તિઓની પૂછપરછ કરે છે. જે કામમાં ‘ત્રિવેણી’ ઍપાર્ટમૅન્ટનાં સેક્રેટરી મિ.શર્મા તેમને સહયોગ આપે છે…અને વિજયના ઘરમાંથી શંકાસ્પદ વસ્તુઓની ઇન્સપેક્ટર માથુર શોધ આદરે છે. ને ત્યાં તપાસ દરમિયાન તેમને એક સિગારેટનો ટુકડો – ફિલ્ટર પાર્ટ- અને તૂટેલી દીવાની ચીમનીનો કાચ મળે  છે. માથુર તેના પોતીકી સૂઝથી ગુનાની આગલી કડી સુધી પહોંચવા સતર્ક  થાય છે. આ દરમિયાન તેને ઇન્સપેક્ટર સોની એક સ્પેશિયલ ટિપ ની નોંધ મૂકી વિજયની ડાયરી આપે છે. માથુરએ ચોકીદાર પવાર, ગિરધારી ,મિ.શર્મા, વિરજી, પરસોત્તમ ભરવાડ, રસેશ ગોધાણીની  પૂછપરછ  આદરે છે. પૂછપરછ દરમિયાન અચાનક  ત્રિવેણી એપાર્ટમેન્ટની સામે આવેલ રધુપતિભવનના નવમા માળે આવેલ ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’  ની ઑફિસની તપાસ કરવાનું વિચારે છે. પણ તે બંધ હોવાથી ત્યાંની તપાસ સોનીને સોંપી  તે આગળની તપાસ માટે રસેશ ગોધાણીને મળવા જાય છે. ત્યાં મુલાકાત દરમિયાન માથુર તેને કેટલાંક મૂંઝવણમાં મૂકી દેતા સવાલ-જવાબ કરે છે અને ગોધાણી અકળામણ અનુભવે છે અને પોલિસ પ્રોટેક્શન લેવાની ના પાડે છે દરમિયાન ત્રિવેણી એપાર્ટમેન્ટ પર સોની વૉચ ગોઠવી માથુરને જાણ કરે છે અને ત્યાં સોનીને જોવા મળે છે એક પડછાયો વિજય રાઘવનના ફ્લૅટ પાસે! અને સોની સાથેની વાતચીત બાદ અચાનક માથુર ફરી ‘ત્રિવેણી’ ઍપાર્ટમેંટ પર જાય  છે – વેશ-પલટો કરીને ! પોતાના માણસો હોવા છતાં – ત્યાં જઈ માથુરે શું કર્યુ? તે આપે વાંચ્યું અને…

ને પછી  આગળ….

____________________________________________________________________________________________________-

રહસ્યકથા…”ઇન્ફોર્મર”ના અન્ય પ્રકરણ વાંચવા 

ઉપર આપેલી ટેબમાંથી જમણી બાજુનીરહસ્યકથા… ઇન્ફોર્મર “ની ટેબ ઉપર ક્લિક કરો.

કે પછી  અહી ક્લિક કરો –  “ રહસ્યકથા – ઈન્ફોર્મર 

મારા માટે અત્યંત કિંમતી એવા, તમારા પ્રતિભાવો- કૉમેન્ટ્સમાં લખવા વિનંતી…બ્લૉગરૉલમાં આપેલ ગુજરાતી ટાઇપપૅડની મદદથી તમે ગુજરાતીમાં લખી શકશો.

આભાર.

કમલેશ પટેલ    

________________________________________________________________________

પ્રકરણ  – ૧૦    ત્રીજી વ્યક્તિ

હનીફને હળવો ચમકારો કરાવી  માથુર સાઇકલ પર  આગળ નીકળી ગયો. શેરીની આગળનો ગાયત્રી મંદિર આગળના વણાંક આગળ સ્ટ્રીટ લાઈટ લગભગ નહીંવત હતી. એ ત્યાં ઊભો રહ્યો અને દૂર દેસાઈ ફળિયાને  બીજે છેડે સ્ટ્રીટ લાઈટના અજવાળે યાદવ હજી ઓટલા પર બેઠેલો હતો. એને થયું કે જરા યાદવને મળીને નીકળી જાઉં …એવું વિચારી તે આગળ વધવા જતો હતો કે એક નવી નકોર મારુતિ ‘સ્વીફ્ટ’  ગાડી દેખાય અને તેણે યાદવને તેની જગ્યા પરથી ઊભો થતો જોયો. તેને સમજતા વાર ના લાગી કે એ મારુતિ મિ.શર્માની જ હોવી જોઈએ.

ફક્ત ક્ષણેક માટે થોભ્યો અને બીજી ક્ષણે જ તેણે જોરથી સાઇકલ દોડાવી !

તેણે વિચારી લીધું હતું કે યાદવે હવે શર્માની ગાડી ઊભી રાખવાની કોઈ જરૂર નથી. ન કરે નારાયણ કાલે મારે યાદવનો શર્મા સામે ઉપયોગ કરવો પડે તો…શા માટે યાદવને મિ.શર્મા સામે છતો થવા દેવો?…

એક તો એકદમ સાંકડો વણાંક, બીજું અવરોધકની તરીકે યાદવે રિપેરીંગ માટે ઊભી રાખેલી ગાડી અને  ત્રીજું યાદવનું તેની જગ્યા પરથી ઊભા થવું -તેથી મિ.શર્માની ગાડી સ્વાભાવિક જ ધીમી પડી ગઈ હતી. યાદવ પણ લગભગ મિ.શર્માની ગાડીને અટકાવવા માટે લગભગ ત્યાં સુધી પહોંચી જ ગયો હતો..

અને માથુરે સહેજ દૂરથી જ મોટા અવાજે બૂમ પાડી, “આનંદ ભાઉ ! ઓ ભાઉ ..! માઝ  ઘર યેથે  આહે ! આઈ તુલા  બોલવતે આહે  ! ચલા!!”  

અને કામ થઈ ગયું . સહેજ ગૂંચવાયેલાં  યાદવનું ધ્યાન માથુર પર ગયું. મિ.શર્માનું ધ્યાન પણ માથુર પર ગયું. ત્યાં સુધીમાં તો માથુર રોડથી ઊંધી દિશામાં નીચું મોં કરી સાઈકલનું લૉક જાણે તેના વ્હીલ સ્પૉકમાં લાગી જતું હોય એવો ડોળ કરવા માંડ્યો…ભલે તેણે ડ્રેસ બદલ્યો હતો છતાં પવાર કે મિ.શર્મા તેને ચહેરાથી ઓળખી શકે એમ હતા. તે શક્ય એટલી કાળજી રાખવા માગતો હતો. વાંકા વળતી વખતે ઘડીભરમાં તેણે  તો તીક્ષ્ણ નજરે મિ.શર્માની બાજુમાં બેઠેલા પવારને જોઈ લીધો હતો.

યાદવ પણ પરિસ્થિતિ પામી ગયો હતો. માથુરનું આમ અચાનક બૂમ પાડવું સૂચક હતું કે કામ થઈ ગયું છે- ઑલ ક્લીયર ! અને તેણે શર્માની ગાડી અટકાવવાની  વિચાર માંડવાળ કર્યો. તે મિ.શર્માની તરફ જવાનું છોડી માથુરે તરફ વળી ગયો .. ઊંધી દિશામાં! “હો ..! વિઠ્ઠલ ભાઉ !! …” અને પછી આગળ અટકી ગયો…

ને ત્યાં સુધીમાં તો મિ.શર્માની ગાડીનું ગિયર આગળ વધવા માટે બદલાઈ ચૂક્યું હતું.

“મરાવી નાંખશો સર! આગળ આવડતું જ નહોતું ! બચી ગયો ! તમને ખબર તો છે કે મને તમારી જેમ મરાઠી નથી આવડતું ! તો પછી..”

 “અલ્યા શું કરું? માથે ટોપી પહેરેલી છે અને અંદર પવાર બેઠેલો હતો ! મારે કદાચ તારો કાલે ઉપયોગ કરવો પડે તો? જોખમ લીધાં વિના છૂટકો જ નહોતો ! મનેય ક્યાં વધારે આવડે છે !! ”

યાદવને લાગ્યું કે માથુર સાહેબે ભલે આત્મવિશ્વાસથી કામ ક્રર્યુ હોય તો પણ તેમના ચહેરા પર હળવા તનાવ પછીની શાંતિ તરવરતી હતી.

“યાદવ! તું મને એ કહે કે પાછળની સીટ પર કોઈ બીજું બેઠેલું દેખાતું હતું ખરું ?”

“ના. કોઈ બેઠેલું જણાતું નહોતું. આગળ પવાર હતો!… હનીફને કહી દઉં કે પાછળથી કોઈ ઊતરે છે કે કેમ ? તે જોઈ લેશે ! ”

“ના તે જરૂર નથી. એમ તો એના ધ્યાનમાં હશે.  હું તેને મળી આવ્યો છું…પણ તું હવે તારી નાટક મંડળી હવે સમેટી લે! ગાડી રેડી રાખ! આપણું  અહીં ઊભા રહેવું જોખમી છે. બાકીનું કામ હનીફ જોઈ લેશે! કદાચ થોડીવારમાં પવારને મેં મહેન્દ્રપાલ સિંગ હસ્તક  મારો એક સંદેશો મોકલાવ્યો છે; અને  પહોંચતાં જ મને શોધવા અહીં  દોડતો આવી શકે છે ! તું પણ પેલાં પિંડકને ઊઠાડ અને ભાગ! ! લવકર !! ”

“શું સર ?”

“જલદી કર !!”

“જી સર!” કહી તેણે, માથુર સામે નજર મેળવી, જવા માટે સૂચક સંમતિ લઈ લીધી. બીજી પળે ગજવામાંથી ચાવી કાઢી દોટ મૂકી પોતાની ગાડી તરફ. માથુરે પણ પોતાની જીપ પાસે પહોંચવા પૂરી તાકાતથી સાઇકલ હાંકી.

પોતાની જીપ પાસે પહોંચી સાઇકલ પાછળની સીટ વચ્ચે નાંખી, માથેથી મહારાષ્ટ્રીયન  ટોપી કાઢી આગલી સીટ પર ફેંકી; માથુરે જીપ ચાલુ  કરી. હજી થોડો આગળ ગયો કે તેને મનમાં થયું હનીફ જરાય લાપરવાહ રહે તે પાલવે એમ નહોતું. તેણે હનીફને ફોન લગાડ્યો.

“હનીફ મિ.શર્મા અને પવાર હમણાં મારુતિમાં આવ્યા તેં જોયા?”

“હા સર!”

“કોણ કોણ અંદરથી બહાર આવ્યું? કેટલી વ્યક્તિ હતી ?”

“ત્રણ વ્યક્તિ અંદરથી બહાર આવેલી સર! ચશ્માધારી મિ.શર્મા તો દૂરથી જ ઓળખાઈ ગયા અને બીજી વ્યક્તિ પવાર જ હતી જે આગળથી ઊતર્યો હતો; પણ કાળું પૅન્ટ પહેરેલી ત્રીજી વ્યક્તિ જે પાછળથી ઉતરી તે મારાથી ન ઓળખાઈ! તે જરા લંગડાતા ચાલતી હતી અને ચાલતી વખતે  મિ.શર્મા અને પવારના ખભાનો તે સહારો લઈ રહી હતી ?”

“શું? તું ફરી કહે એ વ્યક્તિએ શું પહેર્યુ હતું ? કાળો પૅન્ટ ? ”

 ” જી સર !”

” એ વ્યક્તિ પછી ક્યાં ગઈ ? તેં એ જોયું ?”

“જી સર એ તો મિ. શર્મા સાથે જ ગ્રાઉન્ડ ફલૉરના એક ફ્લૅટ માં ગઈ!”

“ચોક્કસ હનીફ ? દૂરથી તને એ ખ્યાલ આવતો હતો ખરો કે એ બરાબર લિફ્ટની સામેનો ફ્લૅટ છે  ? ”

“ચોક્કસ સર!”

“ફ્લૅટ નં. ઍ – ૪!  મિ.શર્માનું ઘર! લિફ્ટની સામેવાળો ફ્લૅટ! ” માથુર ફોન પર હળવેથી બબડ્યો તે હનીફને પણ સંભળાતું હતું.! ને પછી માથુરનો સ્પષ્ટ અવાજ હનીફે સાંભળ્યો, ” હનીફ ! પવાર પછી ક્યાં ગયો ?”

“એના ઘર તરફ પેલા પંચખૂણિયા ફ્લૅટ તરફ ગયો હતો સર !”

“શું મિ.શર્માની ગાડી આવી ત્યારે મહેન્દ્રપાલ સિંગ ત્યાં હતો ?”

” મહેન્દ્રપાલ સિંગ ત્યાં જ હતો સર !  એણે પોતાની ખુરશીમાં બેઠા બેઠા દૂરથી પવારને હાથ કર્યો તે પણ  મેં જોયો.”

“શું મહેન્દ્રપાલ સિંગ પવારને મળવા ‘ત્રિવેણી’ પર નહોતો  ગયો ?” માથુરે સહેજ આશ્ચર્ય પામતાં પૂછ્યું.

“ના. સર હજી હમણાં પણ મહેન્દ્રપાલ સિંગ તેની જગ્યા પર જ બેઠો છે….અને સર! એક મિનિટ ફોન પર વાત કરું છું ત્યારે જોઉ છું હમણાં પવાર મિ.શર્માના ઘર પાસે આવ્યો છે. હવે મિ.શર્મા તેના ખભે હાથ મૂકી બહાર પૅસેજમાં ચાલતા ચાલતા મુખ્ય દરવાજાની તરફ આવી રહ્યા છે. અને મિ.શર્મા હાથમાં કાગળ કે પૈસા જેવું કશુંક છે….”

“સારું હનીફ! ખાસ ધ્યાન આપજે અને જોતો રહેજે કે પવાર મહેન્દ્રપાલ સિંગને મળવા જાય છે કે મહેન્દ્રપાલ સિંગ પવારને ! ”

“જી સર ! ”

“અને બીજું પેલા ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’ની ઑફિસની લાઇટ હજી ચાલુ છે કે બંધ?”

 “જી સર હજી ચાલુ જ છે.”

“સારું મારો ફોન ન આવે ત્યાં સુધી ત્યાંથી હટતો નહીં ! ”

“પણ સર! હું ભૂલી જાઉં તે પહેલાં એક વાત કહીં દઉં કે આ ત્રિવેણી ની વૉચમેનની ખુરશી પર કોઈક બેઠું છે ! અને તેને હું નથી જાણતો!…

”  કદાચ ગિરધારી હશે!? ‘ત્રિવેણી’ના રહિશોના નાનામોટા પરચૂરણ કામ કરે છે! મિ.શર્માનો અંગત પગારદાર નોકર ! પણ એ ક્યારે આવ્યો ?”

“મેં તો તેને આવતા નથી જોયો !”

“સારું હનીફ! તું આજે સ્પૉટ છોડે તે પહેલાં ‘ત્રિવેણી’ની બાજુમાંથી પડતી સાંકડી ગલી ક્યાં બહાર નીકળે છે ? તે નજર નાંખતો આવજે.” કહી માથુરે ફોન કટ કરી એક્સિલરેટર પર પગ દબાવ્યો.  ઘડિયાળમાં નજર નાંખી સવારે પોણા ચાર થવા આવ્યા હતા.

ઘરે જાઉં કે ઑફિસ જાઉં એવી દ્વિધામાં – ચાલ ઘરે જ  જરા ફ્રેશ થઈ ને પછી ફરી ઑફિસ જઈશ!- એવું વિચારી તેણે ગાડી ઘર તરફ વાળી. તે હજી ઘરના પગથિયાં ચઢતો જ હતો કે તેનો મોબાઇલ રણકી ઊઠ્યો. સામે સોની હતો… “સર ! મેં રસેશ ગોધાણીની પાકી બાતમી મેળવી લીધી છે કે તે નથી ઑફિસમાં કે નથી તેના ઘરે ! તેના ઘરે તાળું લટકે છે ! તપાસ કરતા ખબર પડી કે તે કોઈ સંબંધીને ત્યાં સહકુટુંબ લગ્ન પ્રસંગમાં ગયા છે. હું અજાણ્યો બની  તેમનું લૉકેશન અને ગતિવિધિ જાણવા પીસીઓ પરથી ફોન કરું છું. રીંગ જાય છે પણ ઉપાડતો નથી.”

“બરાબર! મેં જે નંબરો આપેલા તેની કૉલ ડિટેઇલ્સ, રાતનો સમય છે એટલે મેળવવાની તકલીફ પડતી હશે નહિ?”  

“સર ‘ઍર ટેલ’માંથી સવારે કૉલ ડિટેઇલ્સ મળી જશે અને હવે ‘હચ’માં જવાનું વિચારું છું મેં તેના અધિકારી અમિતાભ ભાટિયા મારો મિત્ર છે તેની જોડે વાત કરી દીધી છે અને બઘી વાત જણાવી દીધી છે તે કલાક દોઢ કલાક્માં માહિતી ઉપલબ્ધ કરાવી આપશે!  વિચારું છું. અહીં જ એકાદ કલાક  ‘સોમનાથ ટી સ્ટૉલ’ પાસે રસેશ ગોધાણીની રાહ જોઈ બેસું ! ત્યાં સુધીમાં ‘હચ’ની કૉલ ડિટેઇલ્સ આવી જાઈ તો લઈને જ આવું..”

“તેં તારા મોબાઇલમાં વિજય રાધવનના ફ્લૅટમાં દાખલ થતી વ્યક્તિના વિઝ્યુલ્સ લેવાનો પ્રયત્ન કરેલો, તે દ્ર્શ્યો કેવા છે ?”

“સૉરી સર! મેં કેટલીયવાર એ ક્લિપ જોઈ ! અંધકારને લીધે ક્લિપના દ્ર્શ્યો  નબળાં છે. કશું જ કળાતું નથી. માત્ર હલનચલન જોઈ શકાય છે…પેલી વ્યક્તિનો ચહેરો ઓળખાતો નથી.!”

“સારું ! હું તને પાછો ફોન અડધો કલાક – કલાકમાં કરું છું. ત્યાં સુધી રસેશના ઘર પાસેથી હટતો નહિ ! ”

ઘરે જઈ બાથરૂમમાંથી  ફ્રેશ હજી બહાર જ આવ્યો કે પત્નીએ દૂધનો ગ્લાસ ધરતા કહ્યું, “બળી આ નોકરી છે હજી ઘરે આવ્યા નથી કે ફરી શરૂ !  આ તમારા મોબાઇલમાં પહેલા રીંગ વાગી અને પછી કંઈક મેસેજ આવ્યો હોય એવો ઍલાર્મ વાગતું હતું ”

માથુરે એક મિસ્ડ કોલ જોયો એ રસેશ ગોધાણીનો હતો ! અને એક મેસેજ પણ હતો રસેશ ગોધાણીનો ! તેમાં માફી માગતા તેણે લખ્યું હતું કે તે આજે વહેલી સવારે તે સાપુતારા જવા રવાના થશે !!  

દૂધનો ગ્લાસ ગટગટાવી માથુરે એક લાંબો શ્વાસ લઈ સોફામાં અડધો કલાક લંબાવ્યું …

રસેશ ગોધાણી …સાપુતારા !!! અચાનક…

પછી પંદર વીસ મિનિટ સુધી મનમાં વિચારોની ઘડભાંગ બાદ તેણે મોબાઇલ ઉઠાવ્યો … સોનીને ફોન કરવા !

 

—*—–  

 ( ક્રમશઃ ) 

વધુ આવતાં અંકે…… ( પ્રિય વાચક મિત્રો __તા.૨૫/૧૨/૨૦૦૮ના રોજ પ્રકરણ – ૧૧ પ્રકાશિત થશે.)

Thnak you...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: