કંટેન્ટ પર જાઓ

પ્રકરણ – ૯ વેશ-પલટો

13/12/2008

પ્રકરણ  – ૯ વેશ-પલટો


વહી ગયેલી વાર્તા :    સુરત ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઇન્સપેક્ટર માથુર આસિ. ઇન્સપેક્ટર સોની સુરત શહેરનાં પોલીસ કમિશનર મહેતા સાહેબની સૂચના મુજબ ત્રિવેણી એપાર્ટમેન્ટ, મીરાંનગર, કતારગામ પહોંચે છે જ્યાં વિજય રાઘવન નામના એક શખ્સનું ખૂન થયું હોય છે. વિજય રાઘવન રસેશ ગોધાણી સાથે પાર્ટનરશીપમાં ઇન્કમટેક્સ – સેલ્સટેક્સ કન્સલ્ટન્ટ કામકાજ કરતો હોય છે. ત્રિવેણી ઍપાર્ટમૅન્ટની લિફ્ટ પાસે થયેલ ખૂન માટે ગુનેગાર શોધવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર માથુર કડીઓ, પુરાવા મેળવવા સ્થળ પર હાજર રહેલી વ્યક્તિઓની પૂછપરછ કરે છે. જે કામમાં ‘ત્રિવેણી’ ઍપાર્ટમૅન્ટનાં સેક્રેટરી મિ.શર્મા તેમને સહયોગ આપે છે…અને વિજયના ઘરમાંથી શંકાસ્પદ વસ્તુઓની ઇન્સપેક્ટર માથુર શોધ આદરે છે. ને ત્યાં તપાસ દરમિયાન તેમને એક સિગારેટનો ટુકડો – ફિલ્ટર પાર્ટ- અને તૂટેલી દીવાની ચીમનીનો કાચ મળે  છે. માથુર તેના પોતીકી સૂઝથી ગુનાની આગલી કડી સુધી પહોંચવા સતર્ક  થાય છે. આ દરમિયાન તેને ઇન્સપેક્ટર સોની એક સ્પેશિયલ ટિપ ની નોંધ મૂકી વિજયની ડાયરી આપે છે. માથુરએ ચોકીદાર પવાર , ગિરધારી ,મિ.શર્મા,પરસોત્તમ ભરવાડ, અને રસેશ ગોધાણી ની પૂછપરછ  આદરે છે. પૂછપરછ દરમિયાન અચાનક  ત્રિવેણી એપાર્ટમેન્ટની સામે આવેલ રધુપતિભવનના નવમા માળે આવેલ ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’  ની ઑફિસની તપાસ કરવાનું વિચારે છે. પણ તે બંધ હોવાથી ત્યાંની તપાસ સોનીને સોંપી  તે આગળની તપાસ માટે રસેશ ગોધાણીને મળવા જાય છે. ત્યાં મુલાકાત દરમિયાન માથુર તેને કેટલાંક મૂંઝવણમાં મૂકી દેતા સવાલ-જવાબ કરે છે અને ગોધાણી અકળામણ અનુભવે છે અને પોલિસ પ્રોટેક્શન લેવાની ના પાડે છે દરમિયાન ત્રિવેણી એપાર્ટમેન્ટ પર સોની વૉચ ગોઠવી માથુરને જાણ કરે છે અને ત્યાં સોનીને જોવા મળે છે એક પડછાયો વિજય રાઘવનના ફ્લૅટ પાસે …

ને પછી  આગળ….


રહસ્યકથા…”ઇન્ફોર્મર”ના અન્ય પ્રકરણ વાંચવા

ઉપર આપેલી ટેબમાંથી જમણી બાજુની ” રહસ્યકથા… ઇન્ફોર્મર “ની ટેબ ઉપર ક્લિક કરો.

કે પછી  અહી ક્લિક કરો –  ” રહસ્યકથા – ઈન્ફોર્મર

મારા માટે અત્યંત કિંમતી એવા, તમારા પ્રતિભાવો- કૉમેન્ટ્સમાં લખવા વિનંતી…બ્લૉગરૉલમાં આપેલ ગુજરાતી ટાઇપપૅડની મદદથી તમે ગુજરાતીમાં લખી શકશો.

આભાર.

કમલેશ પટેલ


પ્રકરણ  – ૯ વેશ-પલટો

માથુર વિચારમાં પડી ગયો સોનીના શબ્દો હજી તેના કાનમાં અથડાયા કરતા હતા.. “સર! પેલા ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’ ના પ્રશાંત જાદવ ‘રઘુપતિભવન’ ખાતેની પોતાની ઑફિસ ખોલીને બેઠેલો છે..અને હજી લાઈટ ચાલુ છે! ”

” અત્યારે પ્રશાંત જાદવ ‘રઘુપતિભવન’ની ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’ માં શું કરી રહ્યો  ?! પ્રશ્ન એક હતો પણ તેનું મન એ એક તણખાંથી જ વધુ વેગીલું બની ગયું હતું..”મિ.શર્મા, મહેન્દ્રપાલ સિંગ,  દિનેશ બાવા, ગિરધર, પવાર, રસેશ ગોધાણી,  અને પ્રશાંત જાદવ!  વિજયની આસપાસ ફરતી આ વ્યક્તિમાંથી કોણ હશે? કડી જોડવા તે અધીર થયો હતો. સોનીએ કહેલી વાતથી તેણે મનોમન મેળવેલી કડીમાં એક સેંધ પડી ગઈ હતી…

ત્યાં તો સોનીનો ફોન આવ્યો, “સર?”

“તને મેં ઘરે જઈ આરામ કરવા કહ્યું હતું ને? ” માથુરે સોનીને ટકોર કરી.

“ઘરે જઈને પણ શું કરું  સર!  ઊંઘ જ નથી આવવાની ? એના કરતા કંઈક કામ કરું તે સારું! હવે આગળ શું ?” સોનીએ ઉત્સુકતા બતાવી.

” આગળ? સોની મને લાગે છે કે વિજય રાઘવનની હત્યાથી જ વાત પતી જશે એવું લાગતું નથી. અંકોડા વધુ ગૂંચવાતા જાય છે.” માથુરે કહ્યું.

“મતલબ ? પણ કદાચ એક નહીં વધારે ભેજાં અહીં કામ કરી રહ્યાં છે.  જો પરિસ્થિતિ હાથમાં ન રહી તો હવે કદાચ મને લાગે છે કે રસેશ ગોધાણીનો વારો છે?”

“શું? ”

“હા! કારણ તું જાણે છે, રસેશ  એ  વિજય રાઘવનનો પાર્ટનર છે અને તેની હિલચાલ અને ગભરાટ મને કંઈક આ પ્રકારનો અંદેશો સૂચવે છે ! અને તારે ઊંઘ બગાડવી હોય તો એક કામ કર ”

“બોલો સર ? ”

“જો ઊંઘ ના જ આવતી હોય તો હું કેટલાક નંબર આપું છું. તેની મોબાઈલ કોલની માહિતી મેળવવાની કોશિશ કર! અને શકય હોય તો  રસેશ ગોધાણીના ઘર પાસે જા! અને તે ના જાણે તેમ જાણવાની કોશિશ કર કે તે ક્યાં છે ? તેનો ફોન નથી આવ્યો કે તે શહેર છોડી બહારગામ ફરવા જવાનો છે મતલબ કે તે શહેરમાં જ હોવો જોઈએ. પણ ધ્યાન રાખજે કે કામ સાવધાનીથી થવું જોઈએ!”

“જી સર! પછી હું ઑફિસે આવું કે પછી..?”

“પછી હું તને જણાવું છું.મને પણ એક કામ યાદ આવ્યું છે. મને જરા ઉતાવળ છે…” સોનીની વાત વચ્ચેથી કાપતાં માથુરે કહ્યું. અને પછી સોનીના જવાબની રાહ જોયા વિના તેણે ફોન મૂકી દીધો.

પોતાની ઑફિસમાંથી નીકળી માથુર ઝડપથી સીધો લૉકર રૂમમાં પહોંચી ગયો. એક કબાટ ખોલી તેમાંથી એક જુનવટ કપડાંની જોડ કાઢી. તે થોડાં ગંદા લાગતાં હતા. માથુર કપડાં તેના નાક પાસે લઈ ગયો અને સૂંઘતાં જ સહેજ  નાકનું ટીચકું ચઢાવ્યું. પણ બીજી જ મિનિટે તે ગતિશીલ બની ગયો. થોડીવારમાં તો પોતાના સાદા કપડાં બદલી તેણે એક મેલો પાયજામો, જૂની કફની અને માથે સફેદ ટોપી પહેરી લીધી ! તે  ઝૂંપડપટ્ટીમાં રહેતો કોઈ સાદો -સામાન્ય માણસ લાગતો હતો; કે જેના દીદારના ઠેકાણા નહોતા. અને જે કેટલાય દિવસથી નાહ્યો ન હોય એવો – અદ્દલ ઝૂંપડાંવાસી મહારાષ્ટ્રીયન લાગતો હતો.

ઓફિસની બહાર નીકળી તેણે મોરેને શોધી જોયો. બહાર ડ્યુટી બજાવતો હવાલદાર રતિલાલ સોસા ઉતાવળે તેની પાસે આવ્યો…માથુરના કપડાં જોઈ તે સમજી ગયો હતો કે સાહેબ કે કોઈ અત્યંત ખાનગી કામ માટે વેશ બદલી નીકળ્યા હશે. એ પોતે અને એના પોતાના અધિકારીઓને કેટલીયવાર આવા બહુરંગી વેશભૂષામાં જોયા હોવાથી તેને એ વાતની નવાઈ ન લાગી.

“સોસા! મોરે ક્યાં છે?”

“સર! બાજુના પોલીસ કવાર્ટસમાં! તુકારામના ઘરે! કહેતો હતો કે તુકારામ એકલો છે મળતો પણ આવું અને સાથેસાથે જરા હાથ મોં ધોઈ આવું.   બોલાવી લાવું સર ?” હવાલદાર સોસાએ કહ્યું.

“ના! રહેવા દે. એને આરામ કરવા દે. કાલે કદાચ વધારે દોડધામ કરવાની થશે….ઠીક છે,સોસા ! તું મને એ કહે કે આપણા માળીની સાઇકલ ક્યાં છે?”

“સ્ટોર રૂમની બાજુમાં મૂકેલી છે. બિચારાને ખાતાએ જે સાઇકલ આપેલી એ ઘર પાસેથી ચોરી થઈ ગઈ છે. ૩૦૦/- રૂપિયાવાળી બીજી જૂની સાઇકલ લાવીને મૂકી ગયો છે. સાહેબ તેને_ ”

“સારું સારું! એ સાઇકલ ચાલુ હાલતમાં છે કે પછી ?”

“ચાલુ જ છે…પરમ દિવસે તે કાતરની ધાર કઢાવવા એ સાઇકલ પર જ ગયેલો.”

“સરસ!  તું ફટાફટ જા અને એ સાઇકલના ટાયરમાં હવા છે કે નહીં તે જોઈ લે અને જો હોય તો લઈ આવ અને પેલી જીપમાં મૂકી દે… અને સાંભળ મારા ટેબલનાં ખાનામાં જીપની બીજી ચાવી છે તે લઈ આવજે !”

“જી! ” કહેતો હવાલદાર રતિલાલ દોડ્યો.  જાણતો હતો કે આવા સમયે કેવી ઝડપ અને ગતિથી કામ કરવાનું હતું.

લગભગ બે મિનિટ બાદ માથુરે પોતાની જીપ જાતે હંકારતો કતારગામના રસ્તા પર હતો. દશ મિનિટ પછી  ‘ત્રિવેણી’ એપાર્ટમેન્ટ લગભગ અડધો કિલોમીટર દૂર પહોંચી તેણે જીપ ઊભી રાખી. સાઇકલ બહાર કાઢી અને તેની પર બેસી આગળ વધ્યો.

‘ત્રિવેણી’ એપાર્ટમેન્ટના નજીક પહોંચતાં. તેણે ત્રાંસી આંખે દેસાઈ ફળિયાને નાકે જોયું.  સ્ટ્રીટ લાઈટના અજવાળે તેણે જોયું કે એક વ્યક્તિ  મારુતિ ગાડીનું સમારકામ  કરી રહ્યો હતો અને બીજો નજીકના ઓટલો પર બેઠેલો હતો…ઓટલા પર બેઠેલી વ્યક્તિએ માથુરને જોયો અને દૂરથી જ બૂમ પાડી…” એ સાઇકલ ! ક્યાં જાય છે અત્યારે?”

માથુર સમજી ગયો તે યાદવ હતો. યાદવની પાસે જવાને બદલે તેણે સાઇકલ જોરથી આગળ દોડાવા માંડી ! યાદવ પાછળ દોડ્યો ! સ્ટ્રીટ લાઇટથી દૂર આછાં અંધારામાં પહોંચતાં જ માથુરે ઝડપ  ધીમી કરી નાંખી અને ત્યાં સુધીમાં તો તેની પાછળ દોડેલા યાદવએ તેનું પાછલું સીટ કૅરિયર પકડી લીધું હતું.

“કેમ અલ્યા ઊભો નથી રહેતો? હું કંઈ અમસ્તો  બૂમ નથી પાડતો.”  ગુસ્સા ભરાયેલાં યાદવએ  કૅરિયર છોડી પાછળથી માથુરને બોચીમાંથી ઝાલ્યો.

“ભાઈ, હું… અત્યારે ‘ત્રિવેણી’  પર જાઉં છું! મહેન્દ્રપાલ સિંગને મળવા !!” યાદવ પકડતા જ માથુરે કહ્યું.

“કેમ?”

“માથુરે સાહેબે કહ્યું છે એટલે !!” માથુરે હળવાશથી કહ્યું.  યાદવના હાથની પકડ ધીમી થઈ ગઈ. ગજવામાંથી બૅટરી કાઢી અને મોં પર ફેંકી. અને વળતી પળે જ સૅલ્યુટ ઠોકવા જતો હતો કે માથુરે તેનો હાથ પકડી અટકાવ્યો …”ના યાદવ ! અહીં નહિ ! કોઈએ જોઈ જશે તો મુશ્કેલી થઈ જશે.!”

” આઈ એમ ઍક્સ્ટ્રીમલી સૉરી સર! મેં તમને ઓળખ્યા જ નહિ! તમે ? આમ અડધી રાત્રે સર? અમને કોઈકને  કહ્યું હોત ! મને એમ કે આટલી રાત્રે કોણ છે? અને તે પણ ‘ત્રિવેણી’ તરફ જતું હોય એટલે… સર ”

“અરે યાદવ! મને તો આનંદ છે કે તેં મને પકડ્યો. મારા માણસો કેટલા સતર્ક છે તે પણ મને ખબર પડી ને ! ગુડ વર્ક યાદવ ! મિકેનિક માં કોને ઊંચકી લાવ્યો છે? ”

“નૂતન ! માફ કરજો સર !  બે બાટલીના પૅગ  પીવડાવીને જ લઇ આવ્યો છું… ગાડી નીચે શાંતિથી સૂઈ તો રહે ! મારુતિમાં રિપેરીંગ જેવું તો કશું કરવાનું નથી. મને જરૂર પડે એટલે સહેજ પગ હલાવું ફરી ઊભો થાય અને બે ચાર મિનિટ આમ તેમ કરે ફરી પાછો નીચે સૂઈ જાય ! અહીંના સ્થાનિક બે ચાર લોકો આવી ગયા. શું થયું ? એમ પૂછતાં હતા. મેં કહ્યું “ઍસ્સાર”માંથી આવું છું. કંપનીની ગાડી છે, તેથી કંપનીના માણસો સામાન લઈને આવે કે પછી બ્રેક ડાઉન વાન આવે પછી જ આગળનું કામ ચાલશે.”

“બીજું કશુંક ખાસ ?”

” પેલાં બંને જેની સાથે તમે સવારે વાત કરતા હતા .. પવાર અને મિ. શર્મા થોડીવાર પહેલાં સાથે બહાર ગયા !”

“સરસ! ”

“સારું તું જા! હું હમણાં ફરી આવું છું. અને સાંભળ… હું પરત ના આવું ત્યાં સુધી જો મિ.શર્મા ગાડી લઈને આવતાં દેખાય, તો પૂછ્પરછને બહાને રોકી રાખજે. મારે થોડીવારનું જ કામ છે. ધ્યાન રાખજે!  સાથે પવાર છે કે નહીં ? બરાબર ? ” કહી યાદવના જવાબની રાહ જોયા વિના માથુરે સાઇકલના પૅડલ મારી મૂક્યા.

તે સાઇકલ લઈ ‘રઘુપતિભવન’ ના ગેટ પાસે પહોંચ્યો. ગેટ  પર મહેન્દ્રપાલ સિંગ બેઠેલો હતો. પણ તેને જોતો ના હોય તેમ ‘રઘુપતિભવન’માં, ઉપરની તરફ  નજર નાંખતો તે આગળ વધ્યો. એ બહાને તેણે જોઈ લીધું કે ‘રઘુપતિભવન’માં ઉપર ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’ ની ઑફિસ લાઈટ હજી ચાલુ  છે કે કેમ? અને સાથોસાથ તે મહેન્દ્રપાલ સિંગને તેની બેફિકરાઈનું દર્શાવવા માંગતો હતો.

તેણે મહેન્દ્રપાલ સિંગ  ‘રઘુપતિભવન’ના મુખ્ય દરવાજા પાસે જ્યાં બેઠો હતો ત્યાંથી  આગળ ‘ત્રિવેણી’ તરફ જવા માંડ્યું.

એટલે મહેન્દ્રપાલ સિંગને તેની ખુરશીમાંથી ઊભો થઈ તેને બૂમ પાડી, “એ કાકા ! કિધર જા રહે હો ?”

માથુર સાઇકલ પરથી ઊતરી તેની પાસે ધીમી ચાલે ગયો…અને શક્ય એટલો ગભરાટ ચહેરા પર લાવતા કહ્યું, ” વહાઁ વો સામને વાલી બિલ્ડીંગ પે ! મેરા ભાંજા વહીં પે વૉચમેન હૈ. ”

“ક્યા નામ હૈ ઉસકા ?”

“પવાર”

“ક્યોં? ક્યોં  મિલના હૈ ઉસે ? ક્યા બાત હૈ ?” મહેન્દ્રપાલ સિંગે સહેજ કરડાકીથી પૂછ્યું

“દેખિયે સાબ! હમારે ઘર કા એક સંદેશા દેના થા ઉસે ”

“વો તો બહાર ગયા હૈ.  લેકિન પવારને તો કભી અપને કિસી ચાચા કે બારે મેં નહીં બતાયા?”

“મેં ઉસકે દૂર કા ચાચા લગતા હૂં ….કબ તક લૌટેગા?  ડ્યુટી છોડ કે આધી રાત કો ક્યૂં ગયા ? ” માથુરે તેના અવાજ વધુ સ્પષ્ટ કરી વજનદાર કરી દીધો, જેથી મહેન્દ્રપાલ સિંગ  બીજી લમણાઝીક ના  કરે.

“શાયદ દેર લગેગી ! હમારે એક સાબ કે સાથ ગયા હૈ ! ”

“ક્યા શર્મા સાબ કે સાથ ગયા હૈ ?”  માથુરે બીજો તેને વધુ ઠંડો કરવા પૂછી નાખ્યું.

“જી…જી ! આપ શર્મા સા’બકો જાનતેં હૈં ?”

“પવાર બાત બાત મેં કભી ઉસકા નામ લેતા રહેતા હૈ !”

“ચાચા ! ક્યા બાત હૈ ? મુઝે બતા દિજીએ. મેં પવાર કો બતા દૂંગા. હમ લોગ એક હી કંપની મેં કામ કરતે હૈ ! ” મહેન્દ્રપાલ સિંગના અવાજમાં નરમાશ આવી ગઈ.

“દેખિયે …ક્યા નામ આપકા ?”

“જી ! મહેન્દ્રપાલ સિંગ !”

“દેખિયે પાલ સાબ ! મેં બહોત જલદી મેં હૂં ! ઐસે તો મેં આપકો બતાતા નહીં,  લેકિન આપ સાથ મેં હી કામ કરતેં હો ઔર આપકી  એક હી કંપની હૈ, તો બતાને મેં કોઈ દિક્કત નહીં …” કહી માથુર સહેજ  અટક્યો  પછી આજુબાજુ કોઈ જોતું નથી એની ખાતરી કરતો હોય તેમ જોવા લાગ્યો. ત્રાંસી આંખે મહેન્દ્રપાલ સિંગની અકળામણ વધી જાય એ રીતે, સહેજ ગંભીરતાથી ધીમા અવાજે, મહેન્દ્રપાલ સિંગના કાન નજીક મોં લઈ જઈને કહ્યું, . ..આપ કિસી કો બતલાઓગે તો નહીં ના_?”  મહેન્દ્રપાલ સિંગે કંઈક અવઢવથી નકારમાં માથુ હલાવ્યું, એટલે માથુરે આગળ ચલાવ્યું, ” દેખિયે ભાઈ સાહબ ! મેં ઠહેરા ગરીબ આદમી ! મુઝે ક્યા પતા? પવાર યહાઁ ક્યા કરતા હૈ? કહાઁ આતા જાતા હૈ ? મેં ભલા, મેરી મિલ કી નોકરી ભલી!  મેં બાલ બચ્ચેવાલા આદમી હૂં!_”

“ચાચા બાત ક્યા હૈ ?” મહેન્દ્રપાલ સિંગ કદાચ અકળાયો હતો !

“ભૈયા આજ મેરે ઘર પે અભી અભી પુલિસ આયી થી !! પવાર કે બારે મેં પૂછ રહી થી !  યહાઁ પે કિસી કા  ખૂન હૂઆ હૈ, ઉસ મેં પુલિસ કો પવાર પે શક હૈ ! આધા ઘંટે તક ઠોસ દેકેં મુઝે પૂછ રહે થે! કહેતે થે અગર ઝૂઠ બોલોગે તો ડાલ દેંગે અંદર !  પવાર ભાગા તો નહીં ના? યહીં પર હૈ ક્યા ?…. મેં ને પોલીસ કો બોલ દિયા કે સાબ વો તો ઐસા કર હી નહીં શકતા! વો કર શકતા હૈ ક્યા ? ” એક સાથે અનેક ગૂંચવી નાંખે તેવી વાત કહી માથુરે ફરી આજુબાજુ જોયું અને પછી અટક્યો …જાણી જોઈને !

“ફિર ? આપને ક્યા કહાઁ ?” માથુરના પ્રશ્નોના જવાબ આપવાને બદલે મહેન્દ્રપાલ સિંગે સામો માથુરને પ્રશ્ન  કર્યો.

“મેં ને બોલ દિયા કે સાબ પવાર મહેનતી લડકા હૈ ..વો ઐસા નહીં કરેગા ? મેં તો ઉસે યહીં બતાને આયા થા, ઔર સાથ મેં પૂછ ભી લેતા કે ઉસને સચમુચ …કહી શર્મા સાબ કો ઉલ્લૂ બના કે ..વો હૈ તો યહી પે ના ? ”

“હા…હા ! વો યહી પર હૈ અભી આ જાયેંગા. ઉસને કુછ નહીં કિયા ચાચા આપ ચિંતા મત કરો ! ”

“ચિંતા તો હોંગી હી ન ભૈયા ચાર ચાર બચ્ચે હૈ ઉસકે ! કહીં કુછ ગલત કામ મેં ફસ ગયા તો મેં ઉસકે બાપ કો ક્યા જવાબ દૂંગા ? આપ  બતાઓ ,  અબ મેં ક્યા કરું ? મેં તો ઉસ કે પિતાજી સે બાત કરને સે પહેલે ઉસે પૂછને કે લિયે યહાઁ આયા થા_”

“ઠીક હૈ ચાચા ! આપ ચિંતા મત કિજીએ ! વો ઐસા નહીં કર શકતા ! આપ જાઈએ મેં ઉસે બાત કર લૂંગા ! ” મહેન્દ્રપાલ સિંગ માથુરને કહ્યું.

ત્યાં તો દૂરથી મંડપ બાંધકામવાળા સાથે બેઠેલો હનીફ, એક ભસતાં કૂતરાને મારતો મારતો લાકડી લઈને ત્યાં આવી પહોંચ્યો. એ બંનેની તરફ જોઈને બોલ્યો,  ” મહાનગરપાલિકા સાલ્લાઓનો નિકાલ કરી નાંખે છે, તો પણ ક્યાંથી  પાછા આટલા બધાં આવી જાય છે ! કોર્પોરેશનની હૉસ્પિટલમાંથી  ૧૦૦/- રૂપિયાનું એક, એવા ત્રણ ઈંજેક્શન મારા છોકરાંએ  હજી પંદર દિવસ પહેલાં જ પૂરાં કર્યા છે.  બોલો કાકા ગુસ્સો આવે કે નહીં ?” તેણે માથુરને ધ્યાનથી જોવાનો પ્રયત્ન કરતાં તેની ખૂબ નજીક આવી કહ્યું…તેની નજર સ્થિર માથુર પર જ ખોડાયેલી હતી.

“આતા હૈ ભાઈ, ગુસ્સા આતા હૈ !…” કહી માથુર મહેન્દ્રપાલ સિંગ તરફ ફરી બોલ્યો , ” ચલિયે પાલ  સા’બ મેં ચલતા હૂં !”  અને પછી સાઇકલ લઈ હનીફ ની સાથે ચાલતા ચાલતા  તેની તરફ નજર મેળવી બોલ્યો, “_ મુઝે  આપ સે જ્યાદા ગુસ્સા  આયા થા. ક્યૂં કિ મુઝે  તો ખુદ  મહાનગરપાલિકા કી હૉસ્પિટલ  મેં કૂત્તે વાલા સૂઇ ના મિલને સે બહાર સે ૩૦૦/- રૂપિયા વાલી દેની પડી થી !!”

હનીફ હજીય તેને ધ્યાનથી ગૂંચવણભરી નજરે જોઈ રહ્યો હતો.!

‘રઘુપતિભવન’થી દૂર વાત કરતાં કરતાં કોળીવાડને છેડે પહોંચતા   તેણે ધીમા સ્વરે કહ્યું, ” બેટા હનીફ !! ઉપર ‘રઘુપતિભવન’ મેં સે પ્રશાંત જાદવ કબ બહાર નીકલતા હૈ ? વો પક્કા કરકે  કલ સુબહ મેરી ઑફિસ મેં મુઝે મિલ ! મેં તેરી બરાબર કી ખબર લેતા હૂં .. સાલ્લા ! તુને શાદી કબ કી ? તેરી શાદી મેં મુઝે ક્યોં નહીં બુલાયા ?”

“સર…!” એવું કશુંક બોલવા જતાં અટકી ગયેલા  હનીફના હાથમાંથી લાકડી છૂટતા છૂટતા રહી  ગઈ!

અને તે સ્તબ્ધ મૂર્તિ બની દૂર અંધારામાં સાઈકલ પર માથુરને ઓગળી જતો જોઈ રહ્યો !

સહસા તેની નજર પાછળ ‘રઘુપતિભવન’ના મુખ્ય દરવાજા પર પડી… મહેન્દ્રપાલ સિંગ  ત્યાં નહોતો.!!

—-*—–

( ક્રમશઃ )

≈ વધુ આવતાં અંકે…… ( પ્રિય વાચક મિત્રો __તા.૧૭/૧૨/૨૦૦૮ના રોજ પ્રકરણ ૧૦  પ્રકાશિત થશે.)

5 ટિપ્પણીઓ
 1. Brinda permalink

  wonderful thriller! awaiting next episode!

 2. Meena Patel permalink

  વાહ ખુબ જ સરસ ! તમે વાચકોને જકડી રાખો છો. માથુર સરે તો જબરો વેશપલટો કર્યો છે ને ! થ્રીલર વાર્તામાં હોવા જોઈએ એવા તમામ તત્વો તમારી વાર્તામાં જણાય છે…જે હવે પછીના હપ્ત્તામાં પણ જણવાઈ રહેશે એવી આશા રાખું છું… ૧૦મા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છું

 3. Keyur bhavsar permalink

  You write really amazing detective story.

Trackbacks & Pingbacks

 1. રહસ્યકથા – ગુજરાતી બ્લોગ જગત
 2. રહસ્યકથા – SVR 1993 BATCH

Thnak you...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: