કંટેન્ટ પર જાઓ

પ્રકરણ – ૬ ગોધાણીની અકળામણ

19/11/2008

પ્રકરણ  – ૬ ગોધાણીની અકળામણ

_____________________________________________________________________________________________________________________________________________________________________

વહી ગયેલી વાર્તા :    સુરત ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઇન્સપેક્ટર માથુર આસિ. ઇન્સપેક્ટર સોની સુરત શહેરનાં પોલીસ કમિશનર મહેતા સાહેબની સૂચના મુજબ ત્રિવેણી એપાર્ટમેન્ટ, મીરાંનગર, કતારગામ પહોંચે છે જ્યાં વિજય રાઘવન નામના એક શખ્સનું ખૂન થયું હોય છે. વિજય રાઘવન રસેશ ગોધાણી સાથે પાર્ટનરશીપમાં ઇન્કમટેક્સ – સેલ્સટેક્સ કન્સલ્ટન્ટ કામકાજ કરતો હોય છે. ત્રિવેણી ઍપાર્ટમૅન્ટની લિફ્ટ પાસે થયેલ ખૂન માટે ગુનેગાર શોધવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર માથુર કડીઓ, પુરાવા મેળવવા સ્થળ પર હાજર રહેલી વ્યક્તિઓની પૂછપરછ કરે છે. જે કામમાં ‘ત્રિવેણી’ ઍપાર્ટમૅન્ટનાં સેક્રેટરી મિ.શર્મા તેમને સહયોગ આપે છે…અને વિજયના ઘરમાંથી શંકાસ્પદ વસ્તુઓની ઇન્સપેક્ટર માથુર શોધ આદરે છે. ને ત્યાં તપાસ દરમિયાન તેમને એક સિગારેટનો ટુકડો – ફિલ્ટર પાર્ટ- અને તૂટેલી દીવાની ચીમનીનો કાચ મળે  છે અને હનીફ સ્નિફર ડૉગ લઇ  ઘટનાસ્થળે  પહોંચે તે પહેલા માથુર તેના પોતીકી સૂઝથી ગુનાની આગલી કડી સુધી પહોંચવા સતર્ક  થાય છે. આ દરમિયાન તેને ઇન્સપેક્ટર સોની એક સ્પેશિયલ ટિપ ની નોંધ મૂકી વિજયની ડાયરી આપે છે. માથુરએ કાગળનાં ટૅગ હટાવી જોયું, એક કાગળની ચબરકી ઉપર ઈન્સ્પેક્ટર સોનીએ લખ્યું હતું  ” ૨૦ ડિસેમ્બર અને ૨૧ ડિસેમ્બર નું ડાયરીનું પાનું _!? ” ને સોનીને મનોમન થાબડતા માથુર ચોકીદાર પવારની પૂછપરછ  આદરે છે. પવારની પૂછપરછ દરમિયાન ગિરધારીનું નામ ખૂલે છે જે ત્રિવેણી ઍપાર્ટમૅન્ટનાં કામ કરતો હોવાની વાત મિ.શર્માએ છુપાવી  હોવાની વાતથી માથુર અચંભિત રહી જાય છે. અને તેની શંકાની સોય મિ.શર્મા તરફ વળે છે. મિ.શર્મા અને પરસોત્તમ ભરવાડની પૂછ્પરછ બાદ માથુર અચાનક  ત્રિવેણી એપાર્ટમેન્ટની સામે આવેલ રધુપતિભવનના નવમા માળે આવેલ ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’  ની ઑફિસની તપાસ કરવાનું વિચારે છે. પણ તે બંધ હોવાથી ત્યાંની તપાસ સોનીને સોંપી  તે આગળની તપાસ માટે જવા ત્યાંથી રવાના થાય છે …

_____________________________________________________________________________________________________________________________________________________________________________________________

ને પછી  આગળ….

( પ્રકરણ-૧ લિફટમાં ખૂન )  જો વાંચવું બાકી હોય  તો અહિ કરો.

( પ્રકરણ – ૨ સિગારેટનો ટુકડો )  જો વાંચવું બાકી હોય તો અહિ કરો.

( પ્રકરણ – 3  “સ્પેશિયલ ટિપ )  જો વાંચવું બાકી હોય તો અહિ કરો.

( પ્રકરણ- ૪ સ્કાય બ્લ્યુ કલરની બાલ્કનીવાળો ફ્લૅટ )  જો વાંચવું બાકી હોય  તો અહિ કરો.

( પ્રકરણ – હત્યાનો ખોટો સમય )  જો વાંચવું બાકી હોય તો અહિ કરો.

હવે ગતાંકથી આગળ._

____________________________________________________________________________________________________________________________________________________________________________________________

પ્રકરણ  – ૬ ગોધાણીની અકળામણ

માથુર નીચે ઉતરી ફટાફટ  મોરે સાથે જીપમાં ગોઠવાયો.

જીપ હજી  ‘ત્રિવેણી ઍપાર્ટમૅન્ટ’ની તુરંત શરૂ થતાં રોડના ઢોળાવ ઉતરી જ રહી હશે કે આગળની સીટ પર બેઠેલાં માથુરની નજર  અચાનક રોડની  જમણી તરફ ચાલતા દૂધનાં ડેપો ઉપર ગઈ.  અચાનક ઝબકારો થયો હોય તેમ તેણે મોરેને જીપ ઊભી રાખવાનો હુકમ કરતાં કહ્યું ,”મોરે ગાડી ઊભી રાખ અને પેલાં દૂધવાળાને બોલાવી લાવ તો” !

મોરેએ સત્તાવાહી અવાજમાં પેલાં દૂધવાળાને બૂમ પાડી_ ” એ દૂધ ! અહિ આવ તો !!”

પેલો ધ્રૂજતો ધ્રૂજતો આવ્યો.

“શું નામ છે તારું ?”

“વિરજી, સાહેબ!”

“આ દૂધ વેચાણ કેન્દ્ર તારું જ છે કે પછી તું કામ કરે છે ?”

“હા! સાહેબ મારું જ છે. એની પાછળ જ મારું ઘર છે.”

“સરસ! વિરજી આ સામે ‘ત્રિવેણી’ ઍપાર્ટમૅન્ટમાં ખૂન થયું, એ વિજય રાઘવનને તું ઓળખે છે ખરો ? ”

“હા”

“હવે મને તું એ કહે કે આ વિજય તારે ત્યાંથી કયારે દૂધ લઈ જતો હતો ?”

“સાહેબ મને ખબર છે ત્યાં સુધી તો તેમનું દૂધ સામે પરસોત્તમભાઈ ત્યાંથી જ આવતું હતું. મારે ત્યાંથી તો જ્યારે પરસોત્તમભાઈ ત્યાંનું દૂધ બગડે, બિલાડી બગાડી ગઈ હોય ત્યારે કે પછી દૂધ લાવવાનું રહી ગયું હોય ત્યારે જ લઈ જતા. મતલબ કે મહિને પંદર દિવસે એકાદવાર!  ખૂબ અટકી પડે ત્યારે ! ”

“વિરજી ! આજે સવારે તારે ત્યાં દૂધ કેટલાં વાગ્યે આવ્યું હતું ?”

“સવારે સાડા ચાર વાગ્યે ”

“ચોક્કસ ?! મારે સુમુલમાં ફોન કરી પૂછવાની જરૂર નથી ને ?”

“ના ! સાહેબ ચોક્કસ એટલા માટે કહું છું કે અગિયારમાં ધોરણમાં ભણતી મારી દીકરીની પરીક્ષા ચાલતી હોય તેને વાંચવા માટે હું સાડા ચાર વાગ્યે ઊઠાડું છું;  ઍલાર્મ વાગ્યું અને દૂધની ગાડી આવેલી. તમને વિશ્વાસ ના હોય તો તમે સુમુલ પર ફોન કરી પૂછી શકો છો!  ”

“વિરજી, ગઈ કાલે રાત્રે તમારી શેરીની લાઇટ ગયેલી કે ?” માથુરે ખૂબ ધીમા અવાજે વિરજીને પૂછ્યું.

“ના સાહેબ !” હવે સહેજ ચોંકવાનો વારો માથુરનો હતો… પણ તેના ચહેરાનાં ભાવ તેના હૈયાની વાતને પ્રદર્શિત કરતાં નહોતા. સામેની વ્યક્તિને હંમેશા નિર્લેપ જણાતો ચહેરો તેના વ્યક્તિત્વનું વણસૂલઝ્યું પાસું હતું.

“આજકાલ દૂધનો ભાવ શું ચાલે છે ? સાલું વારેવારે સુમુલવાળા દૂધનો ભાવ વધારે છે અને ખબર નથી રહેતી..ઘરવાળી જ્યારે  કહે આ મહિને પૈસા વધારે આપજો દૂધનો ભાવ વધી ગયો છે, ત્યારે ખબર પડે_ હમણાં તો આવું બે ત્રણ વાર થયું એટલે તને પૂછું છું !”

“એક રૂપિયો ગયા મહિને વધ્યો છે સાહેબ ! સાડા અગિયાર રૂપિયા ”

“અરછા વિરજી! આ વિજયનો સ્વભાવ કેવો હતો ? ”

“સાહેબ ભગવાનનો માણસ હતો ! હંમેશા હસતા રહેતા સામા મળ્યા હોય તો સામેથી આપણને સાહેબજી કહે. પછી હું હોઉં , રાજુ અસ્ત્રીવાળો હોય કે પછી કરોડપતિ સુરેશભાઈ!  ”

“સારું વિરજી તું જા ! તારા ઘરાક તારી રાહ જુએ છે. ” માથુરે તેને ખભે પ્રેમથી હાથ મૂકતાં કહ્યું.

માથુરને લાગ્યું કે વિજય રાધવન માટે આ જ કદાચ સાચો અભિપ્રાય હતો…અને વિરજી ત્યાંથી રવાના થયો એટલે તેણે મોરેને જીપ ચાલુ કરવા  ઇશારો કર્યો.

“કઈ તરફ સર?”

“મોરે!  આપણે વિજય રાઘવનના પાર્ટનર રસેશ ગોધાણીની ઑફિસે જઇશું ..” અને પછી ગજવામાંથી એક કાપલી કાઢી ઍડ્રેસ વાંચતા બોલ્યો, “A / ૩૮, ‘હની’ ટાવર,  ભૂલકાં ભવન સ્કૂલ સામે અડાજણ ”

લગભગ અડધો કલાક પછી માથુર રસેશ ગોધાણીની ઑફિસ પર હતો.

“હજી હમણાં જ મારી પર મિ.શર્માનો ફોન આવ્યો ત્યારે મને ખબર પડી . મારો ફોન બગડેલો હતો એટલે હું સવારથી મારા તમામ ક્લાયંટ અને મિત્રોનો સંપર્ક કરી શકતો નહોતો…મારો તો જમણો હાથ કપાઈ ગયો માથુર સર ! .” માથુરેને લાગ્યું કે  પોતાના ખૂબ જ ઉત્સાહી અને હોંશિયાર પાર્ટનરની હત્યાથી તે ખૂબ  જ વ્યથિત જણાતો હતો.

માથુરે તેને આશ્વાસન આપ્યું અને પછી તે જરા શાંત થયો હોવાનું જણાતા પૂછ્યું, “વિજય રાઘવન તમારો ક્યારથી પાર્ટનર હતો.?”

“શું વાત કરું  માથુર સાહેબ? વિજયે  પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી એક  કર્મચારી તરીકે મારી સંસ્થામાં જ  નોકરી શરૂ કરી હતી ! ઉત્સાહ થનગનાટ એની રોમેરોમમાં ભર્યા હતાં. અભ્યાસુ તો હતો જ વળી પોતે મેળવેલ જ્ઞાનનો  તે સુપેરે ઉપયોગ કરવાનું પણ જાણતો હતો. સમય જતા મારું કામકાજ ઘણું જ વધી ગયું. તેથી  મેં જ તેને મારી સંસ્થામાં ૩૦%નો પાર્ટનર બનાવ્યો. બદલામાં તે મારા એક શાખાનું કામ વ્યક્તિગત રીતે જવાબદારીથી સંભાળતો હતો ! ”

“મિ.ગોધાણી ! માઠું ના લગાડશો ! પણ તમારી બંને વચ્ચે કોઇક બાબતે અણબનાવ કે એવું કશું તાજેતરના દિવસોમાં બન્યું હતું ખરું ?”

“સવાલ જ પેદા થતો નથીને  માથુર સાહેબ ! તમે મારા સ્ટાફને કે પછી મારાં ફેમિલી મેમ્બરને પૂછી શકો છો ! મારી નીતિ રહી છે કે કામકાજમાં બે પૈસા નફો થાય તો વહેંચીને ખાવો. મારો જીવ સંતોષી છે એથીય વિશેષ તો વિજયનો હતો. ક્યારેક સંજોગવશાત્ મારો હાથ ભારે હોય તો પ્રેમથી કહી દેતો – રાહવા દો સામટો હિસાબ સમજી લઈશું…મારે ક્યાં તમારું  ઘર પારકું છે બે ટાઈમની મારી થાળીની જોગવાઈ હું તમારે ત્યાં કરી લઇશ.- ” રસેશ ગોધાણીએ ત્વરિત પ્રતિભાવ આપતા કહ્યું.

“ઓકે મિ.ગોધાણી ! વિજયનો કોઈ દુશ્મન હોય એવી કોઈ વ્યક્તિ કે એવી કોઈ ઘટના તમારા  ધ્યાનમાં હોય તો _”

ક્ષણવાર માટે રસેશ ગોધાણીએ વિચારમાં પડી ગયો…તે કશુંક યાદ કરવાનો પ્રયત્ન કરતો હોય એવું માથુરેને લાગ્યું. તેને ક્યાંક કોઈક વાતે ભય હોય તો… એમ વિચારી, તે દૂર કરવા કહ્યું , “જો તમે કશું જાણતા હોય તો તમે ભય રાખ્યા વિના કહો ! હું તમારી મદદ કરવા જ  તો આવ્યો છું !”

“હં…ના…ના ! માથુર સાહેબ એવી કોઈ વાત હું જાણતો નથી ! અને જાણતો હોઉં તો મને તમને કહેવામાં શું વાંધો ?  એક વાત ચોક્કસ કે વિજય હંમેશા ઝગડાથી દૂર રેહનારો , શાંત સ્વભાવનો માણસ હતો. એટલે હું ખાતરીપૂર્વક કહી શકું કે તેની કોઈ સાથે દુશ્મની ના જ હશે! ”

“તમારી સંસ્થામાં કોઈક સાથે ખટપટ થઈ હોય, કદાચ તમારી જાણ બહાર…? ”

“ના ! તમે મારા કર્મચારીઓને પૂછી શકો છો !” રસેશ ગોધાણીએ વિશ્વાસથી કહ્યું.

“વિજય આ સિવાય કોઈ બીજું કામ કરતો હતો ખરો ? મતલબ કે તમારી સંસ્થાના કામકાજ સિવાયનું અન્ય કોઈ કામ જે એક જરૂરિયાતમંદ વ્યક્તિ બે છેડા મેળવવા માટે વધારેની આવક ઊભી કરી મેળવે છે _”

માથુરને લાગ્યું કે ગોધાણી ખપ પૂરતા જ જવાબ આપવા ટેવાયેલો હતો. ક્ષણવારની શાંતિ બાદ તેમણે રસેશ ગોધાણીને કહ્યું , “જુઓ મિ.ગોધાણી ! તમને વિજય રાઘવનની બાબતમાં આટલી બધી  ઊંડાણથી પૂછપરછ  કરવાનો મારો એક માત્ર હેતુ એ છે કે તમે રહ્યા વિજય રાઘવનના પાર્ટનર ! તમને વિજયની અંગત બાબતોની જાણ  તો  હશે જ …” કહી એક ક્ષણ માટે તે થોભ્યો; અને પછી જાણે કશુંક ગર્ભિત ઈશારો કરતો હોય એ ભાવથી હળવા સ્વરે  બોલ્યો “મારા આ સવાલ પાછળ હું એક બીજી શક્યતા જોઈ રહ્યો છું  મિ.ગોધાણી !  તે એ કે વિજયનો દુશ્મન , કદાચ તમારો દુશ્મન હોઈ શકે !  અને તો_” કહી  માથુરે જાણી જોઈ વાક્ય અધૂરું છોડી દીધું અને જાણે આગળ કશું જ કહેવાનું  ન હોઈ એમ નિર્લેપભાવે નીચી નજર કરી શર્ટના ઉપરનાં પૉકેટમાંથી સિગારેટનું પૅકેટ બહાર કાઢ્યું  અને પૂછ્યું , “તમને વાંધો ન હોય, તો હું એક સિગારેટ…?”

“શું ગરીબ માણસની મશ્કરી કરો છો સાહેબ ! મારે તો આખા દિવસમાં બે પૅકેટ થઈ જાય છે ” કહી રસેશ ગોધાણીએ, ટેબલને એક ખૂણે મૂકેલી ઍશ-ટ્રે  માથુરે  સામે આગળ મૂકતા કહ્યું , “ચાલો હું પણ તમને કંપની આપું ! ” તેણે ફૉરિન બ્રાંડનું પૅકેટ બહાર કાઢ્યું અને માથુર સામે ધર્યુ .

માથુરે નકારમાં માથું હલાવી  પોતાની સિગારેટનો હળવો કસ  લેતાં કહ્યું , ” ‘ફોર સ્કવૅર’ !! હું ભૂલ ના કરતો હોઉં તો વિજય પણ  ‘ફોર સ્કવૅર’ જ  પીતો હતો ! બરાબરને મિ.ગોધાણી ? ”

” હં …હા…!”

માથુર તીક્ષ્ણ નજરે જોઈ રહ્યો ! તેના અધૂરી કે  મૂંઝવી નાંખતી  વાતોની અસર રસેશ ગોધાણી પર સાફ જણાતી હતી. તેની અકળામણ,  સિગારેટ સળગાવતી વેળા,  ધ્રૂજી રહેલા તેના હાથ પરથી સાફ કળી શકાય એમ હતી. ઝપાટાભેર ખેચાતો એક એક સિગારેટનો કસ, રસેશ ગોધાણીની અત્યાર સુધી શાંત જણાતા, અવ્યક્ત રહેલાં તેના વ્યક્તિત્વના બીજા પાસાં તરફ માથુરનું ધ્યાન આકર્ષિત કરી રહ્યા હતા.

કંઈક પ્રસન્નતાથી, માથુરે હળવે રહી પોતાની સિગારેટ અડધી પી ઍશ-ટ્રેમાં  હોલવી નાંખી ! અને  સામે રહેલો પાણીનો ગ્લાસ ઊઠાવી લીધો ..! અને પછી ખૂબ ધ્યાનથી રસેશ ગોધાણીની આગળ દોડતી અકળામણ વાંચવામાં પોતાની તમામ શક્તિ કામે લગાડી !

—-*—–

( ક્રમશઃ )

વધુ આવતાં અંકે…… ( પ્રિય વાચક મિત્રો __તા.૨૭/૧૧/૨૦૦૮ના રોજ પ્રકરણ – ૭ પ્રકાશિત થશે.)

7 ટિપ્પણીઓ
 1. chirag permalink

  i m enjoying all chapters.. good language and good command over subject.

 2. હિરેન દેસાઇ permalink

  માથુરનું પાત્રાલેખન જબરજસ્ત છે.
  પોલીસ તપાસ ની કામગીરીને ખુબ ઝીણવટભરી રીતે આલેખી છે.

 3. Ami permalink

  Hellow
  Kamleshbhai

  Really Good Job.
  I like this story…….
  Ur thiking Power & Word expression,Language its too good .
  we meet again.
  take care …..Have a nice day.

 4. THAKUR KHUSHBU permalink

  jai shri krishna
  khub j saras che story jakadi rake tevi che ane next chapter vachavu hoy to shu proses karvi pade e batavjo.

Trackbacks & Pingbacks

 1. રહસ્યકથા – ગુજરાતી બ્લોગ જગત
 2. રહસ્યકથા – SVR 1993 BATCH

Thnak you...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: