કંટેન્ટ પર જાઓ

રણવાટ

30/09/2008

રણવાટ

( નવલિકા )

દશ વર્ષ …

દેશની સરહદ સાચવતાં સાચવતાં એટલા ઝપાટાબંધ ઓગળી ગયા હતા કે હરિસિંહને તેનો લગીરેય ખ્યાલ ના રહ્યો.

તેમ છતાં, આ વરસો દરમિયાન તેના મનનો એક ખૂણો સતત ઉપરતળે થતો રહ્યો હતો, એનાથી એ અજાણ પણ નહોતો. તે દરમિયાન તેનો ગુસ્સો ઓગળતો રહ્યો હતો અને તેના નિશ્ચયની ગાંઠ સહેજ ઢીલી પડી હતી. એમેય એ બધું ઝટ ભલાઈ એવું હતું !

આવી જ એક સાંજે વિચારોની ચડસાચડસીમાં તેનું મન ઝાલ્યું ન રહ્યું…

બીજે દિવસે વહેલી સવારે, લાંબી રજા માટે મૅજરને સમજાવીૢ તેણે વાદરણાની વાટ પકડી….

…..વાદરણાં અને વાદરણાંની લીલીછ્મ્મ સીમ…પરાગકાકાની દુકાન અને પચ્ચીસ પૈસાવાળી બે ઇંચનાં પાનાંની કૅટ વલ્લભ હજામ અને પોતાની દિવેલથી ચળકતી ટાલ … આમલી પીપળી અને કાવડિયો બાવો…તૂવેરના ખેતરમાં સળગી મરેલો ખાલપો રબારી અને તેને જોઇ પોતે કરેલી ચીસાચીસ…નવગ્રહ મંદિર અને તેનો તાંત્રિક ગોમતી સરોવર અને ભરીમાતાના મંદિર પાસેનો ખપ્પરિયો કૂવો…બા‚બાપુજી‚માલા અને…અને… ઇન્દ્રાણી…..! બસની ગતિથીયે વધુ ઝડપથી તેનું મન ભાગતું હતું….!

બસમાંથી ઉતરી તેણે વાદરણાની દિશા પકડી.

પોતાને આમ અચાનક આવેલો જોઇ‚બધાંની કેવી પ્રતિક્રિયા હશે, તેનું અનુમાન બાંધવું તેના માટે સહેલું નહોતું જ ‚ છતાં…અનુમાન બાંધતાં મનની લગામ ખેંચવાની તેની લગીરેય ઇચ્છા નહોતી.

— કદાચ બધાં જ આનંદથી નાચીએ ઊઠશે‚ માની લાગણીનાં ઘોડાપૂરને તો કેમ કરી ખાળી શકાશે, એતો કદાચ હજીય બેલગામ હશે..પિતાજીનો ક્રોધનો લાવા ઠંડો પડ્યો હશે કે કેમ, અને માલા ‚ માલા તો ગાંડી…ગાંડી …! એવા વિચારે ‚ઘરે પહોંચવા માટે તેણે કૈંક બમણાં વેગે ચાલવા માંડ્યું.

અધિરાં હૈયે તે ઢળતી સાંજે તે ઘરે પહોંચ્યો ‚પરંતુ તેના આશ્ચર્ય વચ્ચે ઘરે કોઇ નહોતું! ફળી ખાલી હતી! એક નાનો છોકરો દેખાયો તેને પૂછ્યું તો ખબર પડી કે બધાં ગોમતી સરોવર પર ગયા હતા…પૂનમ ભરવા માટે…તે રાહ જોઇને બેઠો.

ગોમતી સરોવર પર પૂનમ ભરવા? …કોને લઇને ગયા હશે?…અવિચારી મનનું જોર કંઇ ઓછું નહોતું…

વાદરણાને તેની આજુબાજુનાં ગામના લોકો માટે ગોમતી સરોવર ચમત્કારોથીયે કંઇક વિશેષ હતું. આજ દિન સુધી મૃત શરીરથી વણસ્પર્શ્યુ રહ્યું હોવાથી ગોમતી સરોવરને લોકો અતિ પવિત્ર માનતા અને તેથી જ તેની સાથે અનેક ચમત્કારિક લોકવાયકા જોડાયેલી હતી.

કાર્તિક પૂનમની પૂર્વ રાત્રિએ પ્રેતયોનિમાં માનનારા લોકો ત્યાં ભેગા થતા. જો કોઇ માંદુ હોય અને વૈદ-હકીમ થાકી ગયા હોય ત્યારે લોકો તેને વળગાડ ગણી ‚ લોકો તેને ગોમતી સરોવરમાં સ્નાન કરવા માટે લઇ આવતાં. ખાસ કરી જો કાંઇક ભૂત-પ્રેત ‚ વળગાડ જેવું હોય ‚તો પૂનમ અને પૂનમ પછીના પાંચ દિવસ ‚ ગોમતી સરોવરમાં સ્નાન કર્યા પછી, નજીકના નવગ્રહ મંદિરમાં, મેલી વિદ્યાના કહેવાતા જાણકાર, ત્યાંના આધિક પાસે ઝાડ – ફૂંક કરાવતાં, જાગુરિયાના ડાકલાં અને હાંકોટા સાંભળી ભલભલાં ભૂત પિશાચ કેડો છોડી દે – એવી લોકોની અતૂટ શ્રધ્ધા! તેથી કાર્તિક પૂનમને દિવસે ગોમતી સરોવર જાગુરિયાનાં ડાકલાં, તાંત્રિકનાં હાંકોટા, અને પીડિતોના ચિત્કાર અને કોલાહલથી સતત કૈંક લાચારીથી કણસતું- છટપટતું રહેતું.

– મણકી માહી, જરાક આફાહી ખહજે !

– – એ મના, તી ફાઇ જરીક વધારે ઊંચુ રાખજે હં કે! ની તો હાહરી હેલી ગભેણની થાંભલી લાગી જાય એવી જ સે.!

– જગલા,ઓણ મા’હારા માણહ બૌઉ લાગતું ઊતું,ની કે?

– ગામમાં હાહરા ડાકણાં વધી ગેયલા સે! મોગારની સીમ તો રાતે જે જાય એ લપટાયુ જ હમજવું.

_અચાનક, બહાર ફળીમાં કંઇક હોહા થતી સાંભળી, તે ઘરની બહાર નીકળ્યો….ટોળું મોટું હતું! તે કૈંક કુતૂહલ સામે ગયો…!

તેની ઉપર નજર પડતાં જ ટોળું, ક્ષણવાર માટે થડકી ગયું!

તેણે જોયું, ફળીમાં આગળ છ સાત જુવાનિયાઓ, ભીની ચાદરમાં કોઈકને ઊંચકી લગભગ દોડતાં, આવતાં હતાં. મા અને બીજા સગાંસંબંધી પણ બહુ પાછળ નહોતા… ચાંદરણાનાં અજવાળે, એ ભીની ચાદરમાં હાલકડોલક થતાં એ કૃશ વ્યક્તિનો ચેહરો…એ ચેહરો..તેણે ટોળાંની સાથે દોડતા દોડતા ઓળખવાનો પ્રયત્ન કર્યો…છેવટે ઓળખી પણ કાઢ્યો, પણ ખાસ્સી મથામણ પછી— તે માલા હતી!

અવાક ક્ષણો અભાનપણે, ટોળાંને ઠેબે ચઢી…

તે માંડ માંડ ગબડી પડતાં બચ્યો.

— માલા! ઓ..માલા! હું હરિસિંહ … હરિસિંહ તારો –

“તારો ઘરવાળો!” એવું કૈંક તેનાથી બોલાય જતું હતું! પણ માલાની અપલક તાકી રહેતી, ફાટી આંખોને જાણે

ભાર પડતો હોય, તેમ એની જીભ ઊપડી જ નહીં.

તેનું અસ્વસ્થ મન માનવા તૈયાર જ નહોતું કે જેની જિંદગી પોતે…

શ્યામલ વર્ણ, કાળા ભમ્મર વાળ અને સહેજે તરત નજરમાં વસી જાય એવો નમણો ચેહરો પોતે માલાને દિલથી ચાહી નહોતી, છતાં એવું તો આંખને ખૂણેથી જોયેલું જ … દશ વર્ષ પહેલાં–

ક્યાં ખોવાઈ ગયું હતું એ બધું?

વિખરાયેલા, શુષ્ક થઇ ગયેલા વાળ, સૂકાઇને દોરડી થઇ ગયેલું દુર્બળ શરીર, કૂવા પડેલ આંખો, શરીર ઉપર જ્યાં અને ત્યાં ફાટી પડેલી લોહીની ટશરો અને ચહેરો જાણે કોતરી કાઢી હોઇ એવી ભયત્રસ્ત રેખાઓ…

બદલાયેલું માલાનું એ રૂપ જોઈને એ ત્યાં જ ફસડાઈ પડ્યો. કૈંક લાગણીભીનાં હૈયે, માલાના કપાળ પર તે હાથ ફેરવતો રહ્યો… ક્યાંય સુધી…

અચાનક ટોળામાંથી ભાવવિહીન અવાજો ઊઠ્યા…

– અલ્યા મંગા, ગોમતીશરણ થઈ કે શું?

– ના હોઈ રવલા, ગોમતીએ તો બરાબર વાતો કરતી હતી..

ને માલાના ઠંડા શરીરનું લખલખું સૂસવાટાભેર, તેના સ્તબ્ધ હૈયાં સુધી પહોંચી ગયું….!

બધું જ નિષ્કંપ હતું!…અને તે અવાક…

રાત્રિનાં અંધકારમાં ફિણોટાયેલી એ અવાક ક્ષણો , ક્યાંય સુધી, એમ જ સ્તબ્ધ થઈ અટકી રહી-

– હરિ બેટા, તું ગયો ને ગયો, માલા તો ગાંડી જ થઈ ગઈ હતી… ઘરમાં કશું જ કામ કરતી નહોતી. ઘણીવાર તો કામ કરવાનું શું હોય અને કરે શું! બસૢ સૂનમૂન થઈ બેસી રહેતી…ક્યારેક અડધી રાત્રે ઊઠી લવારે ચઢીએ જતી, તો ક્યારેક કસમયે ઘર છોડી, ભરીમાતાના મંદિરે જઈ બેસી રહેતી… નરસિંહ વૈદએ કહ્યું.

– અરે, ભરીમાતાના મંદિરે જઈ બેસી રહે એ તો સમજ્યાૢ પણ ક્યાંક, કૈં કેટલાયને, અવગતિયા જીવનો જ્યાં અઢણાટ લાગ્યો છે, એ ખપ્પરિયો કૂવાની થાળે ચઢી પડતું મૂકે તો…?

– તેની મા પણ પોતાની જાતને રોકી શકી નહીં, અરે, ગોમતીએ ના લઈ ગયા હોત તો પેલી ચૂડેલ ક્યારનીયે ખપ્પરિયે લઈ ગઈ હોત, ફાટી મૂઈ! બચારીનાં નસીબની વેરી થઈ’તી. રાંડ! વળગી તે એવી વળગી, કે અભાગીનો જીવ લઈને જ ગઈ…!

– “કોણ મા?” હરિસિંહ, કૈંક આશ્ચર્યથી પૂછી બેઠો.

– “મૂઈ! ઇન્દ્રાણી, બીજું કોણ?” માના અવાજમાં ગુસ્સો હતો.

– ઇન્દ્રાણી….

ઇન્દ્રાણી…એ નામ યાદ આવતાં જ તેનાં વિચારો યુવાન થઇ ગયા….

ઇન્દ્રાણી – ફળીની જ છોકરી હતી. પોતે માંડ વીસનો થયો હતો, ને નજર મળી ગયેલી ઇન્દ્રાણી સાથે.

વાદરણાંની સીમમાં થતી ઉભયની મુલાકાતની ચર્ચા,ડમરી થઈ, – સીમમાંથી ગામમાં અને ગામમાંથી ઘર સુધી ઉડતીક આવી પહોંચેલી.

આમ તો પોતાનું સગપણ પારણાંમાં હતો ત્યારે જ થઇ ગયેલુંૢ માલા સાથે.. માલા, બાપાના મિત્રની દીકરી થતી હતી. પોતાની અને ઇન્દ્રાણીની વાતો સાંભળી રૂઢિચુસ્ત પિતાજીનું લોહી ઉકળી ઊઠ્યું- “… પારકી ન્યાતની છોકરી ઘરમાં લાવી, નાતબહાર થવું છે, સા…” અને પછી એક સણસણતો તમાચો–

માએ પણ મોં ચઢાવ્યું…પોતાની ન્યાતથી નીચ ન્યાતની છોકરી સાથે સંબંધ બાંધી વંશમાં કોઈએ ના કરી હોય એવી ભૂલ મેં કરી હતી …એવું તે માનતી.

પોતાનો બાપ પણ એમ હારે એવો નહોતો. “શું કરું? શું ના કરું ?” ….એવી પોતાની મથામણ વચ્ચે કૈંક રસ્તો વિચારું તે પહેલાં તેણે મૂછને વળ દેતા ઘડિયા લગ્ન લઈ લીધા. – માલા સાથે. લગ્ન કરી, તપ્ત હૈયે ગામમાં દાખલ થયો ત્યારે અશુભ સમાચાર મળ્યા, ઇન્દ્રાણીએ ખપ્પરિયો પૂર્યો હતો..પોતાનું મન ત્યારે વધારે ખાટું થઈ ગયું. ત્રસ્ત હૈયું, અકલ્પ્ય પરિસ્થિત, જવાન લોહી જબરદસ્ત ગડમથલ આને પછીની દિશ બાંધી દીધી, નિયતિએ…

ને છેવટે, માલાની સઘળી ઈરછા વણસ્પર્શી રાખી, લગ્નની પહેલી રાતે જ પોતે ઘર છોડ્યું.

ભટક્તો રહ્યો, આમતેમ, ક્યારેક મોત વહાલું કરવાનું મન થતું, પણ પછી કોણ જાણે કેમ પાછો પડતો. એક દિવસ થાકેલો હારેલો પહોંચી ગયો સૈનિક ભરતી મેળામાં- આત્મહત્યા કરીને કાયરની જેમ શા માટે મરવું? ઝીલી લઇશ દુશ્મનની ગોળીઓ સામી છાતીએ! ને દેશ માટે મરીશ તો જીવતર લેખે લાગશે. એવું એક માત્ર લક્ષ્ય, આંખ સામે રાખીને, પોતે રણવાટ પકડેલી…

– હરિ બેટા! થાકી ગયો હશે, ઘડીક આરામ કરી લે.

– ભૂતકાળના સ્મ્રુતિપડળો વચ્ચેથી તેની માએ તેને બહાર ખેંચી કાઢ્યો.

– ના..ના.. હું તો ટેવાયેલો જ છું. તમે બધાં જ, કદાચ ઘણા દિવસના ઊજાગરાને કારણે થાકી ગયા હશે; તમે બધાં શાંતિથી આરામ કરી લો…હું બેઠો છું.

એમ કહીએ તેણે બધાંને આરામ કરવા જણાવ્યું.

જુવાનિયાઓ સગાંસંબંધીને કહેણ મૂકવા દોડ્યા હતા. દૂરનાં સગાંઓ બીજે દિવસે બપોરે આવે તે પછી જ સ્મશાન જવાનું હોવાથી, ચાર-પાંચ ઘરડાંઓ બહાર ઝોકાં ખાતાં બેઠાં હતાં. ઘરમાં ખૂબ જ નજીકના સ્વજન સિવાય કોઈ જ નહોતું.

સન્નાટાભેર રાત કપાતી જતી હતી..

તેણે માલા સામે જોયું, તેની સહેજ અધખુલ્લી આંખ બંધ કરવા માટે, તેણે તેની આંખ ઉપર હાથ મૂક્યો.

…. પતિ વિનાં ભરજુવાનીમાં તેણે કેવી રીતે દિવસો પસાર કર્યા હશે? ઇન્દ્રાણી તરફનાં આકર્ષણને કારણે પોતે માલાની લાગણીને અવગણી હતી. પતિ વિરહમાં ઝૂરતી માલાએ, મનોવેધક વ્યથાના દબાણ તળે, પોતાના સ્વજનોની અપેક્ષા વિરુદ્ધ કશુંક અણચિંતવ્યું કર્યુ હશે. જેને સૌએ પહેલાં ગાંડપણ અને પછી ઇન્દ્રાણીના વળગાડમાં ખપાવ્યું હશે…કદાચ પછી જ શરૂ થઈ હશે, ગોમતી સરોવર….નવગ્રહ મંદિર…ઝાડ – ફૂંક્…તાંત્રિક અને મંત્ર-તંત્રની, માલાની યાતનામય સફર …કદાચ, તેથી જ માલાની તબિયત સુધરવાને બદલે વધુ બગડી હશે…તે મનોમન કંઈક ગણતરી માંડતો જતો હતો, ને તેના હૈયે વેદના પ્રસવતી જતી હતી…તેના ક્રોધિત વિચારો વચ્ચેથી પસાર થતી હરેક ક્ષણ, તેની આક્રોશની શગને વધુને વધુ પ્રજ્વલિત કરતી જતી હતી..

– હમણાં જ જાઉં અને પેલાં નવગ્રહ મંદિરના તાંત્રિકને ચપટીમાં… પણ પછી શું? કદાચ કોઈ બીજો તાંત્રિક આવશે…ને આ સ્વજનો, આ સમાજ … બધું ઉપરનીચે કરી નાંખું…બધું જ ધૂમિલ દેખાતું હતું ૢ છતાં–

તે આંખો બંધ કરી વિચારતો રહ્યો….

કોઈક આશાવંત વિચાર ક્યાંકથી મળી જશે જ …એ આશામાં! એ દિશામાં…ક્યાંય સુધી.

******

પરોઢ ફૂટે તે પહેલાં— તે ઊઠ્યો. બહાર જઈ જોયું. ફળિયું હજીય અચેત જણાતું હતું. રાત આખી ચાલેલા મનોમંથનને અંતે મળેલા તણખાંને મનની મુઠ્ઠીમાં બાંધી, પોતાના નિશ્ચયની ગાંઠ, કસીને ફરી ખેંચી, તે ઘરમાં આવ્યો. આજુબાજુ જોયું.–

ચાર-પાંચ સ્વજનો અર્ધજાગ્રત શા બેઠાં હતાં…

ને પછી તેણે એક સૈનિકને છાજે તેવી ત્વરાથી કામ કરવા માંડ્યું—

તે માલા પાસે આવ્યો. એક હળવું ચુંબન તેના કપાળ પર કરી, તેના મૃત ને તેણે ચાદરમાં લપેટી તેણે ખભે લઈ લીધું. તેની આંખો સજળ થઈ… પણ તેમાં એ વહી જાય તે પહેલાં ઝપાટાબંધ ત્યાંથી બહાર નીકળી ગયો.

ગભેણમાં ગાયને પાણી પીવડાવતી મા, કૈંક આશ્ચર્યથી તેને તો ઘડીક તેનાં ખભે રહેલાં, માલાના મ્રુત શરીરને જોઈ રહી…!

— હરિ બેટા, શું કરે છે? …તે અચંભિત હતી!!

— મા,———, કહી માના પ્રત્યાઘાત રાહ જોયા વિનાં જ, લગભગ ભાગતો તે ફળી પાર કરી ગયો.

નિશાળ ફળિયેથી નીકળતા, બે-ચાર કૂતરાંઓ હા…ઉ, હા…ઉ કરી ઊઠ્યાં! – પણ તે તેને ડારતો, તે સીમ ભણી વળી ગયો.

ગભેણનાં બલ્બનાં આછાં અજવાળામાં, તેની તેજાબી આંખનાં, ન સમજાય એવાં ભાવને સમજવાનો વ્યર્થ પ્રયત્ન કરતી તેની મા, પાછળ દોડી…

માની બૂમાબૂમથી સફાળા જાગેલાં સ્વજનો પણ પાછળ દોડ્યા…

ખભે બોજો લાદી દોડવાનું કામ, જુવાન હરિસિંહ માટે સામાન્ય હતું.ગોમતી સરોવર પહોંચતાં તેને વાર ન લાગી.

ગોમતી પર, પૂનમ પછીનો બીજો દિવસ હોય, વહેલી સવારથી જ તેમાં સ્નાન કરવા આવનારાઓની ભીડ હતી. પાસેનાં નવગ્રહ મંદિરમાં કલ્પ કરાવનારાઓનું નાનકડું ટોળું હતું. તેઓ કદાચ આધિકની આવવાની, તેની ગાદી પર બેસવાની રાહ જોઈ રહ્યાં હતાં. એક તિરસ્કાર ભરી નજર તેણે નવગ્રહ મંદિર તરફ નાંખી, પછી રહેવાયું નહીં એટલે જાણે દુશ્મનને ભાળ્યો હોય તેમ એ તરફ જોઈને ગુસ્સાથી થૂક્યો…

તે ગોમતી સરોવરની પાળ પાસે પહોંચ્યો.

કે તેનું ધ્યાન સરોવરની પાળ ઉપર કોઈકે હમણાં જ કરેલી, તાજી ધારાવાઈ પર ગયું. ધારાવાઈમાં વચ્ચોવચ મૂકેલ નાગરવેલના પાન પર, અબીલ-ગુલાલ છંટકારેલ સોપારીનો ઢગ હતો અને સાથે હતી કાપડની બનાવેલી ઢીંગલી! તેનો ધગધગતો ક્રોધ કાબૂમાં ના રહ્યો. ગુસ્સાથી રાતા-પીળા થતા તેણે એક લાત દીધી—કે ગયું બધું જ, સીધું ગોમતીમાં!.

તેની ઝડપને કારણે, ખૂબ પાછળ રહી ગયેલી તેની મા, સૌ પ્રથમ ગોમતી પર પહોંચી. તેની માએ કંપતા હૈયે, દૂરથી તેને ધારાવાઈમાં લાત મારતો જોયો.!

–હરિ, આ શું કરે છે? બેટા!..

પણ તેની માના શબ્દો તેના સુધી પહોંચે તે પહેલાં તો ખુલ્લી હવામાં ઓગળી ગયા.

મા, તેની પાસે પહોંચી, તે પહેલાં જૢ તે પગ વડે આખી ધારાવાઈ રગદોળી ચૂકયો હતો…દૂધ-પાણી વડે બંધાયેલું આખું કૂંડાળું, અબીલ-ગુલાલમય થઈ ગયું હતું. પછી એજ છિન્નભિન્ન કૂંડાળામાંૢ, મૃત માલાનાં શરીરને ખભેથી ઉતારી, બંને હાથમાં ઝાલી તે ઊભો રહ્યો…આક્રોશ તેની આંખમાં લાલ ટશર થઈ ફાટફાટ થતો હતો.

— માલા! આ અંધારકોટડીમાંથી, જા હવેથી તું મુક્ત! અગ્નિદાહ નહિ, પણ આ જલદાહ જ કદાચ સાચો રસ્તો છે, તારા નિર્વાણનો… કહેતાં જ તેના હાથમાંથી માલાનું મૃત શરીર છૂટ્યું , અને કૈંક વેગથી ગોમતી જળમાં ઝિંકાયું…!

વર્ષોથી, આજ દિન સુધી મૃત શરીરથી વણસ્પર્શ્યા ગોમતી સરોવરમાં…!

એક જોરદાર ધબાકો-અને વહેલી સવારની આળસ મરડી રહેલાં ગોમતી જળમાં એ પ્રકંપ-જાણે એક પ્રચંડ પ્રહાર-ને ગોમતી જળમાં અસંખ્ય સ્પંદનો ઊઠ્યાં…

….અચરજભરી આંખે, તેને રોકવા માટે, કશુંક ન સમજી શકેલી માનો, લંબાયેલો હાથ એમ જ- સ્તબ્ધ હવામાં કંપતો રહી ગયો.

લો, આ પાળ હવે તૂટી….

ગોમતી સરોવર પરનું માંડલું એમ જ અવાક્, રસાબોળ મૂકી, પાછું જોયાં વિનાં, તેણે ઘરે જવા માટે, લાંબા ડગ ભરતાં ચાલવા માંડ્યું! તેનું હરેક ડગલું, આવનારા કપરા કાળનો, મજબૂતાઈથી સામનો કરવાના તેનાં અડગ નિર્ધારને વધુને વધુ દ્ર્ઢ બનાવતું જતું હતું…

કંઈક અજબની ખુમારી હતી—તેની ચાલમાં, જાણે ફરી રણવાટ…

*** **** *** ( ૧૦/૧૦/૨૦૦૮ – અપ્રકાશિત )

7 ટિપ્પણીઓ
 1. wonderful, Dost !!!!

  the cruelty of the society is very high and the FIGHT is till on….. congrats !!!!!

 2. Shuchi permalink

  Wonderful!!!!!! Koike to sharuvat karvij pade kahevata samajni krurta same…. Bravo..

 3. Jayesh Rathod permalink

  Nice One

 4. jayesh panseriya permalink

  wonderful story

Thnak you...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: