Archive

Posts Tagged ‘વાર્તાવિશ્વ’

ગર્ભજલ

ગર્ભજલ

સહેજ મટકું મારીને જાગી ત્યારે મારી પથારીમાં આજે આવેલી ટપાલનો થોકડો પડ્યો હતો. કામવાળી પદ્મા મૂકી ગઈ હશે, ઘરે જતી વેળામે વિચાર્યું. મેં ઉતાવળે ટપાલ ઊથલાવવા માંડીમોટા ભાગની ટપાલ જયની હતીહંમેશાની જેમસાહિત્યિક સામયિક, શૅ સર્ટિફિકેટ, ન્યૂ્ઝીલેન્ડથી આવેલો ફોઇસાસુનો શુષ્ક ભાષામાં લખાયેલો પત્ર, એક પોસ્ટકાર્ડ, અને અમારીજૉઇન્ટલાઇફ પૉલિસીની પ્રિમિયમ ભરવાની નોટિસ

જયનો આગ્રહ હતો, અમારીજૉઇન્ટલાઇફ પૉલિસીમાટેએમાં કૈંક લાભ વધારે હતો એવું તેણે કહેલું. મે ઉડતીક નજર પોસ્ટકાર્ડ પર નાંખીકોઇક સાહિત્યકારનો પત્ર હતો- જયની તાજી છપાયેલી એક નવલિકાના પ્રતિભાવ રૂપે… “લાંબા સમય પછી એક અદભુત વાર્તા વાંચવા મળીખૂબ ખૂબ અભિનંદન એક કલાત્મક વાર્તાના પ્રસવ બદલ !”

ગત મહિને જ કોઇક સામયિકના વિશેષાંકમાં પ્રકાશિત થઇ હતી એ વાર્તા…એક દિવસ ઊંઘ નહોતી આવતી ત્યારે મેં એ વાર્તા વાંચેલી. ખૂબ જ કલાત્મક ગણાવાયેલી એ વાર્તામાં મને તો કશી જ ગતાગમ પડી નહોતી! કદાચ, એક ભાવક તરીકેની મારી કેટલીક મર્યાદાઓ મને કદાચ નડી હશે.

છેલ્લા દસેક વર્ષથી તે લખતો હતો. આસપાસથી ખૂબ જ ઉત્સાહજનક પ્રતિભાવો આવતા હતા તેના માટે – જય મિસ્રી…સતત પ્રજ્વલિત સર્જકચેતના ધરાવતો…સમકાલિન વાસ્તવથી ક્ષુબ્ધ, એક એવો લાગણીશીલ સર્જક જેની કૃતિમાં પ્રતીતિજનક પ્રશ્નો હોય છે…એક મળવા જેવો પ્રતિભાશાળી…

પ્રતિભાશાળી તો એ લાગતો જ હતો, તેથી જ સ્તો હું પ્રથમ મુલાકાતમાં જ તેનાથી અંજાઈ ગયેલી! ગાંડપણ સવાર હતું મારી ઉપર- સાહિત્ય અને સાહિત્યકારો માટે! મુશાયરાઓમાં અને લેખક મિલનમાં હું ગમે તેમ, સમય ચોરી પહોંચી જતી. મને હંમેશા આશ્ચર્ય થતું, ક્યાંથી…કેવું. કેવું…કેવી રીતે વિચારતાં હશે આ સર્જકો!? આ બધું મને રોમાંચિત કરી દેતું હતું. આવા કૈંક અદમ્ય આકર્ષણ વચ્ચે, હૈયે એક રણઝણતી ઇરછા નર્તન કરી ઊઠી- કોઇક સર્જક જો પોતાનો પતિ હોય તો

હું એ સતત મમળાવવો ગમે એવો રોમાંચ હાથમાંથી સરકી જવા દેવા માંગતી નહોતી…મેં પણ તો જયની આંખોમાં સરકતી લાગણીનું વહેણ જોયેલું

તમને સાહિત્યમાં મુખ્યત્વે શું ગમે, કવિતા કે વાર્તા? તેણે મને પહેલી મુલાકાતમાં પૂછેલું.
બંને, પરંતુ મુખ્યત્વે વાર્તા!
ખાસ કોને કોને વાંચ્યા છે?
– “…”
મેં બે-ચાર નામ કહયા.
છટ્! તમે બધું કચરો વાંચ્યું છે.
ફિલ્મો?
જોઉ છું ને, જૂની કલાસીક, હળવી કોમેડી… પણ મોટે ભાગે થિયેટરમાં
વૅસ્ટર્ન, ઍકશન, હોરર મુવી ? વાન ડમ, આર્નોલ્ડ્…
એવું ક્યારેક જ જોઉ છું…

તે આજ ના જમાનાનો, મોર્ડ્ન લેખક હતો, એવું લોકો કહેતા અને મેં પણ એવું અનુભવેલુંકે તેને કૈંક જુદું, બધાંથી અલગ કરવું હતું. ગતિશીલ અને પ્રાણવાન વાર્તાકાર તરીકે તેની પ્રતિષ્ઠાનો આંક ઊંચે ચઢી રહ્યો હતો. અમારા વિચારો વચ્ચે અંતર તો હતું જ છતાં પાગલ મન કયાં માનતું હતું?…ને મેં મારી તમામ મૂંઝવણ, હૃદયની લાગણીને પડીકે વાળેલી…

જયને લાગણીના બંધનમાં બાંધી શકું, એટલી ખૂબસૂરત તો હું હતી , છતાં સાચું કહું તો તેના વ્યકિતત્વમાં વહેણમાં હું જ તણાઇ ગયેલી…

મારી પોતાની અને મારા ઘરનાં બધાંની ઇચ્છા હતી કે અમારા લગ્ન સાદાઈથી જ થાય. મા વિનાનાં અમારા ઘરમાં પપ્પા સિવાય અમે ત્રણેય બહેનનું કોઇ જ નહોતું. પપ્પા માંડ માંડ ઘરનો ભાર વેઢરતા હતા… તેમનો એક માત્ર પગાર અને ફરજ પછીનું વૈતરું અલગથી.
મારી મોટી બહેન કૃતિના લગ્ન ઘરનો પહેલો પ્રસંગ
, ને મન મૂકી પપ્પાએ ખર્ચ કરેલો. ત્યાં જ આભાનું અચાનક નકકી થઇ ગયું. માગું સામેથી આવ્યું, ને પપ્પા ના કહે તો કેવી રીતે કહે, પાછળ મારો પણ તેમણે વિચાર કરવાનો હતો. પપ્પાએ પોતાની બધી બચત ભેગી કરી આભાને વળાવેલી. વધતી જતી મોંઘવારીમાં તેઓ ઘરના બે છેડા કેવી રીતે મેળવતા હશે સમજવું મારા માટે જરાય અઘરું નહોતું. તેથી હું ઇચ્છતી હતી કે મારું લગ્ન તો સાદાઈથી થાય

આમ પણ જયને વળી કયાં ખોટ હતી. ગર્ભશ્રીમંત ઘર, એક માત્ર સંતાન ને ઉપરથી બેંકની નોકરી લટકામાં. મેં તો બધા જ વિકલ્પ ખુલ્લા રાખેલા – આર્યસમાજ વિધિ સિવિલમૅરેજ કે પછી ગાયત્રી મંદિરમાં – તેની જે ઇચ્છા હોય તે…

– હું તો હાર નાખીને તને લઇ જાઉં ધરા, પણ મમ્મી કયાં માને છે…કહે છે લોકોનું વરસોથી ખાધું છે, એટલે ખવડાવવું જ પડે…આપણે કયાં વળી પાંચ-સાત પ્રસંગ ઉકેલવાના છે, એટલે થોડીક ધામધૂમ તો…

– ધરા, જાનમાં સાતસો, આઠસો માણસો માંડ થશે…કદાચ પચ્ચીસ -પચાસ આમતેમ…બાજ-દડિયામાં તો અમારી જ્ઞાતિમાં કોઇ ખવડાવતું નથી…આજીબા તો પહેરામણી ચાળીસ જેટલી ગણાવતાં હતાં, સારું થયું મમ્મી વચ્ચે પડી એટલે પચ્ચીસમાં પત્યું…એક તો ઉનાળો, એટલે જાનના ઉતારાની વ્યવસ્થા જરા અલગથી હોય તો…

– મારા ઉચાટે, હૈયાના ધબકાર ભેગી દોટ મૂકી…

ધરા, તું માનશે નહીં કેટલાય વહેવાર તો મેં કપાવી નાંખ્યો, નહીંતર…તે ખુલાસો કરતો હતો કે આગ્રહ, એ વાત હું સમજવાની મથામણ કરતી રહી.

પણ સામા પ્રવાહમાં તરવાનો મને અભરખો એટલા બધો હતો કે હું બધું અવગણી આગળ વધતી ગઇ
છેલ્લો પ્રસંગ અને આવો સરસ મુરતિયોપપ્પાએ મન મનાવ્યું. મને ખબર નહોતી કે તેમણે કેવી રીતે બધું કર્યું હતુંકદાચ
, સરવાળે તેઓ જ નફામાં રહેશે એવું તેમનું સાદું ગણિત હશે.

હું પણ કૈંક ઓછી ગર્વિત નહોતી, એક પ્રતિભાસંપન્ન, ઉચ્ચ દરજજાના સર્જકને મેળવીને !!

************

હું મધુર લગ્નજીવનની મઝા માણી રહી હતી…પરણીને આવીને આઠમા મહિને હું સગર્ભા થઇ. દોઢ મહિનો માંડ ચઢ્યો હશે અને કોણ જાણે શું થયુંને ગર્ભ ઓગળી ગયો!

– તમારા શરીરમાં લોહી ઓછું છે અને શરીરનું ટેમ્પરેચર પણ ઊંચુ રહે છે તેથીજયના પરિચિત ડૉકટરે નિદાન કર્યું. જાત જાતના લખાતા પ્રિસ્કિપ્શન વચ્ચે બે વર્ષ નીકળી ગયા પણ કશું હાથ આવતું નહોતું. હતાશ ક્ષણો અંધકારમાં બાખોડીયા ભરતી હતી અને લોકો મનફાવે એવી વાતનું ચિતરામણ કરતા હતા

ત્યાં તો એક દિવસ અચાનક જયે મને ચોંકાવી દીધી!

– ધરા,તારી કમર ઉપર ઊતરતી સાપણ છે…

– સાપણ!! વળી શું !?

તારી કમર ઉપર વાળનો વિકાસ સાપણના આકારમાં થયો છે, અને તેને

– કેવી વાતો કરે છે તું ? આવું તને કોણે કહ્યું ? અને ધારો કે એવું હોય તો પણ શું?

– આ સાપણને બીલીના ફૂલથી ડામ આપીશું તો જ તું ફરી મા…

– જય, તું પાગલ જેવી વાતો ના કર? મમ્મીએ કહ્યુંને , તને?

– હા !!!

પછી તો એક જ વાત, હથોડાની જેમ વારંવાર મારે માથે ઠોંકાતી રહી…અકળામણ, અણગમો, તિરસ્કારથી ઘરનો માહોલ હંમેશા ભારઝલ્લો રહેવા માંડ્યો. પોતીકા માનેલા ઘરમાં હું જાણે પારકી થઇ પડી. મને પણ કોઇ નછોરવી કહે તે ગમતું નહોતું. તેથી ત્રસ્ત તો હતી , લોકોની તથા ઘરના સ્વજનની ચણભણથી.

– અને છેવટે પેલી ઊતરતી સાપણ ગઇ …પણ, મારી કમર ઉપર ડામનું કાળું ચકામું મૂકીને!
માનસિક રીતે થાકીહારીને હું તો ગમે તે પગલું ભરી
બેઠી હોત, પણ પછી મારા આશ્ચર્ય વચ્ચે, લગ્નના ત્રણ વરસના અંતરાલ પછી “સૃષ્ટિ” નું આગમન થયું, અને હું વધુ તિરસ્કૃત થતી બચી! નહિતર મને તો ખબર નહોતી, જયના સ્પમ કાઉન્ટસ અને મોટીલીટી રિપોર્ટ્સ બાબતની!!…

મને તો અચાનક ખબર પડેલી વાતની; મને બરાબર યાદ છે, સૃષ્ટિની પ્રથમ વર્ષગાંઠનો આગલો દિવસેહું તો જયની બુકશૅલ્ફમાં તેને પૂછ્યા વિના સાફ-સફાઈ કરવા ગયેલી, કે અનાયાસ જ – કોઈને મળે નહી એવી રીતે તેણે ચોપડીઓની વચ્ચે સંતાડેલી-ફાઇલમાં તેના સ્પમ કાઉન્ટસના રિપોર્ટ પર મારી નજર પડી ગયેલી! દર ત્રણ મહિને નીકળતા રિપોર્ટ્સ હું ઝપાટાભેર પલટાવી ગયેલી! ફાટી આંખે હું રિપોર્ટ્સના, ઊડીને આંખે વળગે એવા આંકડા જોઇ રહી! સ્તબ્ધ ક્ષણો અવાક થઇ ગયેલી! શું તેના ઘરનાં બધા જાણતા ના હશે ?…કે પછી તેઓ પણ તેની સાથે હું તો સાપણનો ભાર સાથે વાંઝિયા મહેણું લઇને ગઇ હોત- હું વધું કશું વિચારી શકી નહોતી

બુકશેલ્ફ ફરી વ્યવસ્થિત થઇ ગઇ, હારબંધ, ચપોચપ ગોઠવાઈ ગયેલાં પુસ્તકો ખૂબ જ સરસ લાગતાં હતાં. ઘરના સર્વોત્તમ ખૂણે,અચાનક ફૂટેલો ખૂલેલો એ ભેદ, મારા હૈયાં સરસ ઊંડો ઊતરી, ધરબાઈ ગયો…

સમય વહેતો રહ્યો…જિંદગી ચાલતી રહી … કૈંક અટકીને કૈંક સાથેસાથે
છેક ગઇ રાત સુધી
ગઇ રાતે

– ધરા, આજે તું ખૂબ સુંદર લાગે છે! ખૂબ જ રોમેન્ટીક મૂડ હોય તેમ, મારા વાળમાં તેની આંગળીઓ ફરી રહી હતી, છતાં તેના અવાજમાં રહેલો સહેજ ઉશ્કેરાટ, તે ઇચ્છે તો પણ છૂપો રહી શકે તેમ નહોતો!

– “અરે, શું વિચાર છે, આજે ?” મારા ચહેરો પર રોમાંચ હતો, પણ હૈયું કોઇક અજ્ઞાત ભયથી કંપતું હતું.

– જો ધરા, ૨૨ માર્ચે આપણા લગ્નના દશ વષઁ પૂરા થશે. તું આવીને આવી, આપણે ફકત એક જ વાર ફરવા ગયા છીએ,મનાલી. ત્યાં પણ મારી તબિયત બગડેલી ને આપણે અડધો પ્રવાસ પડતો મૂકી પાછા આવી જવું પડેલું… ગોવા કે મહાબળેશ્વર…તું કહે ત્યાં જઈ આવીએ…જો તું તૈયાર થાય તો…

– બાપ રે! તેં તો મને ચોંકાવી જ દીધી!! જો તું લઇ જતો હોય તો હું કયાં ના કહેવાની હતીતેમાં વળી તૈયારી કેવી? હું અચંભિત તો હતી જ ! છતાં મારા શબ્દોમાં ઉત્સાહ, રોમાંચ અને આશ્ચર્ય બધું જ સખળડખળ હતું.

– તૈયારીમાં તો… તા..રે… સારું, તું એક કામ કર, મે ડૉ. ઉષાબેન પાસે મુલાકાત ગોઠવી દીધી છે, તું ફરી નવપલ્લવિત થઇ જા, આપણી મધુરજની સમયે હતી એવી!

– આવતી કાલે !? …હું હજી બે દિવસ પહેલાં તો એમને બતાવી આવી, તેમણે તો મને પંદર દિવસ પછી બોલાવી છે…મારી આંખમાં અચરજનું આભ ફાટ ફાટ થતું હતું!

– ધરા , એવું છે કે…આવા કામમાં જેમ વધારે દિવસ જાય તેમ જોખમ વધું!

– જોખમ! કેવું જોખમ?

–ધરા, એમટીપી જેટલું વહેલું કરાવીએ એટલું સારું! તારા માટે-! કહેતા જીભ થોથવાઈ જાય એવાં અઘરા શબ્દો તેણે ઠંડે કલેજે કહી દીધા!

–જય ,આ શું બોલે છે ?..બીજા સંતાનનો વિચાર હોય તો, અત્યારે લઇ લો…મમ્મીની તબિયત સારી છે એટલે…બે બાળકો વચ્ચેનો ગાળો પણ સચવાઈ જશે…બંને સાથે સાથે ઉછેર સહેલાઈથી થઇ જશે … ડો. ઉષાબેન એવું કહ્યું છે, એમ તો તું જ મને કહેતો હતો. તારા આગ્રહને કારણે તો મેં કોપર-ટી કઢાવેલી અને હવે તું જ મને…

–પ્લીઝ, ધરા! મને સમજવાની કોશિશ કર… આપણે ફરી વિચાર ન કરી શકીએ?

– શું ડોક્ટરે તને સોનોગ્રાફી રિપોર્ટનું રિઝલ્ટ …

– ધરા, તું ખોટી દિશામાં જઈ રહી છે…તને ખબર છે કે મને ગેરકાયદેસર અને ખોટા કામો પસંદ નથી…

–જય, તું કદાચ ભૂલી ગયો હશે, પણ મને યાદ છે…આંખોમાં આંખો મેળવી આપણે જોઇલું ફૂલગુલાબી છોકરીનું સ્વપ્નઆજના છોકરા તો સાવ વંઠેલ હોય છેલગ્ન કરે એટલે વહુનાપણ દિકરી હોય તેની રંગત કૈંક ઓર હોય છે તો સાસરે જાય તો પણ, સૂતી હોય પિયર તરફ મોં કરી ને… શું ફરક પડે આપણને, બીજું સંતાન પણ છોકરી હોય તો?… આ શબ્દો મારા નથી, તારા છે, જય… જેને હું આપણા ગણું છું

– તું આકરી થયાં વિના કૈંક… શાંતિથી…

– અરે! “લે – તૃપ્તિએ તારા માટે ધર બનાવેલું આમળાનું શરબત મોકલ્યું છે-” કહી જલદ જડીબુટ્ટી કોણ લઇ આવેલું? છોકરી જ હતી, ગઇ એ પણ! સૃષ્ટિનું નસીબ કદાચ સારું હશે તેથી બચી ગઇ…તૃપ્તિ, ભલે પરણી લંડન ગઇ હોય, પણ તારા કમનસીબે મને એની યાદ આવી ગઇ અને તેને ઘરે ફોન કર્યો ત્યારે ખબર પડી કે એ આમળાનું શરબત શાનું હતું…!

– તેના સ્તબ્ધ ચહેરા પરની અકળામણ જોઇ, હું જરાય વિચલિત ન થઇ…

– અને એ આખી રાત કર્કશમય સંઘષઁ અને વિવાદમાં પુરી થઇ…

ના- હા-ના-હા…

– વિખવાદ, દલીલો અને પરસ્પર થતા આરોપ પ્રત્યારોપના દૌંર વચ્ચે પસાર થયેલી રાત મને દઝડતી રહી, પણ હું પહેલીવાર ચુપ ના રહી…જે મન કહેતું હતું, જે હૈયે વલોવાતું હતું એ બધું જ બેખોફ બબડતી રહી, બોલતી રહી… જયનો આક્રોશ ફાટી પડયો ત્યાં સુધી-

***************

“– મમ્મી!.. મ-મ્મી! સાંભળતી કેમ નથી? મને ભૂખ લાગી છે…” મેં જોયું તો સૃષ્ટિ મારા પેટ પર તેના કોમળ, નાનકડા હાથથી હળવી ટપલી મારી મને ઢંઢોંળી રહી હતી…

– ના …ના.. બેટા! આવું ના થાય… મેં મારા પેટ આગળ હાથ આડો કરી, તેને પ્રેમથી વારી અને જેવો તેના માટે નાસ્તો લેવા ઊભી થવા ગઇ; કે ગઈકાલ રાતનો , મે ં બે વરસ પહેલાં જયને તેના જન્મ દિવસની ભેટ તરીકે આપેલો ચામડાના ખૂબસૂરત કમરપટ્ટાનો - ચમચમતો સળ, જોરથી કળતર કરી ઊઠ્યો! પણ હું ઊંહકારો કર્યા વિના, તેને અવગણતી- દઢતાથી અને મગરૂબીથી …પલંગ પરથી ઊભી થઇ ગઇ!

… ને ત્યારે મારા પેટના ગર્ભજલમાં, મારાં સમસ્ત અસ્તિત્વમાં એક મીઠી ઝણઝણાટી પ્રવેગિત કરતાં – અનેરાં કંપનો પ્રસ્ફુરિત થઇ ઊઠયા!!!

*************** ( પ્રકાશિત - ઓપિનીયન )

નોંધ - એક્પણ જાહેરખબર વિનાનું, ગુજરાતી માસિક ઓપિનિયનલંડનથી પ્રકાશિત થાય છે. જેના તંત્રી શ્રી વિપુલભાઈ  કલ્યાણી  છે.  વાચક મિત્રો ગુજરાતીલેક્સિકોન ની વેબસાઈટ પરથી નીચેની લિંક પર જઈઓપિનિયન ના વિવિધ અંક ડાઉનલોડ કરી શકો છો. જે પીડીએફ ફોર્મેટમાં ઉપલબ્ધ છે.

http://www.gujaratilexicon.com/index.php?action=downloadOpinio

રહસ્યકથા…” ઇન્ફોર્મર”

આપની આતુરતાનો અંત…

પ્રકરણ-૧ લિફ્ટમાં ખૂન

રહસ્યકથા…”ઇન્ફોર્મર”નું પ્રથમ પ્રકરણ વાંચવા

ઉપર આપેલી ટેબમાંથી જમણી બાજુની ” રહસ્યકથા… ઇન્ફોર્મર “ની ટેબ ઉપર ક્લિક કરો.  અથવા અહીં આપેલ લિંક ઉપર ક્લિક કરો.  ” પ્રકરણ-૧ લિફ્ટમાં ખૂન

1.  (પ્રકરણ-૧ લિફટમાં ખૂન ) જો વાંચવું બાકી હોય  તો અહિ કરો.

2.  (પ્રકરણ- સિગારેટનો ટુકડો ) જો વાંચવું બાકી હોય તો અહિ કરો.

3.  (પ્રકરણ- 3 સ્પેશિયલ ટિપ ) જો વાંચવું બાકી હોય તો અહિ કરો.

મારા માટે અત્યંત કિંમતી એવા, તમારા પ્રતિભાવો કૉમેન્ટ્સમાં લખવા વિનંતી…બ્લૉગરૉલમાં આપેલ ગુજરાતી ટાઇપપૅડની મદદથી તમે ગુજરાતીમાં લખી શકશો.

આભાર.

કમલેશ પટેલ

ગઝલ

અચાનક

તું આવી જ્યાં ભાગી છૂટે અચાનક

ખાલીપો હૈયામાં ત્યાં ફૂટે અચાનક

સાંજ-હવા-રેત-નદી- ને બસ હું અને તું

ને મીઠી યાદોંનું ધણ છૂટે અચાનક

હું વાતો કરવા બેસું મારી વ્યથાની,

ને લોકો છાતી માથું કૂટે અચાનક

હું શેરોમાં રોપું છું મારી ઉદાસી

ને શબ્દોમાં ઝણઝણ શું ફૂટે અચાનક

થાક્યો પાક્યો પહોંચું છું સુરાલયે હું

કે આ રીતે પણ શ્વાસો છૂટે અચાનક

****

(દૈનિક “પ્રતાપ”,તા.૨૩/૦૧/૧૯૮૮,શનિવાર)

રણવાટ

રણવાટ

( નવલિકા )

દશ વર્ષ …

દેશની સરહદ સાચવતાં સાચવતાં એટલા ઝપાટાબંધ ઓગળી ગયા હતા કે હરિસિંહને તેનો લગીરેય ખ્યાલ ના રહ્યો.

તેમ છતાં, આ વરસો દરમિયાન તેના મનનો એક ખૂણો સતત ઉપરતળે થતો રહ્યો હતો, એનાથી એ અજાણ પણ નહોતો. તે દરમિયાન તેનો ગુસ્સો ઓગળતો રહ્યો હતો અને તેના નિશ્ચયની ગાંઠ સહેજ ઢીલી પડી હતી. એમેય એ બધું ઝટ ભલાઈ એવું હતું !

આવી જ એક સાંજે વિચારોની ચડસાચડસીમાં તેનું મન ઝાલ્યું ન રહ્યું…

બીજે દિવસે વહેલી સવારે, લાંબી રજા માટે મૅજરને સમજાવીૢ તેણે વાદરણાની વાટ પકડી….

…..વાદરણાં અને વાદરણાંની લીલીછ્મ્મ સીમ…પરાગકાકાની દુકાન અને પચ્ચીસ પૈસાવાળી બે ઇંચનાં પાનાંની કૅટ વલ્લભ હજામ અને પોતાની દિવેલથી ચળકતી ટાલ … આમલી પીપળી અને કાવડિયો બાવો…તૂવેરના ખેતરમાં સળગી મરેલો ખાલપો રબારી અને તેને જોઇ પોતે કરેલી ચીસાચીસ…નવગ્રહ મંદિર અને તેનો તાંત્રિક ગોમતી સરોવર અને ભરીમાતાના મંદિર પાસેનો ખપ્પરિયો કૂવો…બા‚બાપુજી‚માલા અને…અને… ઇન્દ્રાણી…..! બસની ગતિથીયે વધુ ઝડપથી તેનું મન ભાગતું હતું….!

બસમાંથી ઉતરી તેણે વાદરણાની દિશા પકડી.

પોતાને આમ અચાનક આવેલો જોઇ‚બધાંની કેવી પ્રતિક્રિયા હશે, તેનું અનુમાન બાંધવું તેના માટે સહેલું નહોતું જ ‚ છતાં…અનુમાન બાંધતાં મનની લગામ ખેંચવાની તેની લગીરેય ઇચ્છા નહોતી.

— કદાચ બધાં જ આનંદથી નાચીએ ઊઠશે‚ માની લાગણીનાં ઘોડાપૂરને તો કેમ કરી ખાળી શકાશે, એતો કદાચ હજીય બેલગામ હશે..પિતાજીનો ક્રોધનો લાવા ઠંડો પડ્યો હશે કે કેમ, અને માલા ‚ માલા તો ગાંડી…ગાંડી …! એવા વિચારે ‚ઘરે પહોંચવા માટે તેણે કૈંક બમણાં વેગે ચાલવા માંડ્યું.

અધિરાં હૈયે તે ઢળતી સાંજે તે ઘરે પહોંચ્યો ‚પરંતુ તેના આશ્ચર્ય વચ્ચે ઘરે કોઇ નહોતું! ફળી ખાલી હતી! એક નાનો છોકરો દેખાયો તેને પૂછ્યું તો ખબર પડી કે બધાં ગોમતી સરોવર પર ગયા હતા…પૂનમ ભરવા માટે…તે રાહ જોઇને બેઠો.

ગોમતી સરોવર પર પૂનમ ભરવા? …કોને લઇને ગયા હશે?…અવિચારી મનનું જોર કંઇ ઓછું નહોતું…

વાદરણાને તેની આજુબાજુનાં ગામના લોકો માટે ગોમતી સરોવર ચમત્કારોથીયે કંઇક વિશેષ હતું. આજ દિન સુધી મૃત શરીરથી વણસ્પર્શ્યુ રહ્યું હોવાથી ગોમતી સરોવરને લોકો અતિ પવિત્ર માનતા અને તેથી જ તેની સાથે અનેક ચમત્કારિક લોકવાયકા જોડાયેલી હતી.

કાર્તિક પૂનમની પૂર્વ રાત્રિએ પ્રેતયોનિમાં માનનારા લોકો ત્યાં ભેગા થતા. જો કોઇ માંદુ હોય અને વૈદ-હકીમ થાકી ગયા હોય ત્યારે લોકો તેને વળગાડ ગણી ‚ લોકો તેને ગોમતી સરોવરમાં સ્નાન કરવા માટે લઇ આવતાં. ખાસ કરી જો કાંઇક ભૂત-પ્રેત ‚ વળગાડ જેવું હોય ‚તો પૂનમ અને પૂનમ પછીના પાંચ દિવસ ‚ ગોમતી સરોવરમાં સ્નાન કર્યા પછી, નજીકના નવગ્રહ મંદિરમાં, મેલી વિદ્યાના કહેવાતા જાણકાર, ત્યાંના આધિક પાસે ઝાડ – ફૂંક કરાવતાં, જાગુરિયાના ડાકલાં અને હાંકોટા સાંભળી ભલભલાં ભૂત પિશાચ કેડો છોડી દે – એવી લોકોની અતૂટ શ્રધ્ધા! તેથી કાર્તિક પૂનમને દિવસે ગોમતી સરોવર જાગુરિયાનાં ડાકલાં, તાંત્રિકનાં હાંકોટા, અને પીડિતોના ચિત્કાર અને કોલાહલથી સતત કૈંક લાચારીથી કણસતું- છટપટતું રહેતું.

- મણકી માહી, જરાક આફાહી ખહજે !

- – એ મના, તી ફાઇ જરીક વધારે ઊંચુ રાખજે હં કે! ની તો હાહરી હેલી ગભેણની થાંભલી લાગી જાય એવી જ સે.!

- જગલા,ઓણ મા’હારા માણહ બૌઉ લાગતું ઊતું,ની કે?

- ગામમાં હાહરા ડાકણાં વધી ગેયલા સે! મોગારની સીમ તો રાતે જે જાય એ લપટાયુ જ હમજવું.

_અચાનક, બહાર ફળીમાં કંઇક હોહા થતી સાંભળી, તે ઘરની બહાર નીકળ્યો….ટોળું મોટું હતું! તે કૈંક કુતૂહલ સામે ગયો…!

તેની ઉપર નજર પડતાં જ ટોળું, ક્ષણવાર માટે થડકી ગયું!

તેણે જોયું, ફળીમાં આગળ છ સાત જુવાનિયાઓ, ભીની ચાદરમાં કોઈકને ઊંચકી લગભગ દોડતાં, આવતાં હતાં. મા અને બીજા સગાંસંબંધી પણ બહુ પાછળ નહોતા… ચાંદરણાનાં અજવાળે, એ ભીની ચાદરમાં હાલકડોલક થતાં એ કૃશ વ્યક્તિનો ચેહરો…એ ચેહરો..તેણે ટોળાંની સાથે દોડતા દોડતા ઓળખવાનો પ્રયત્ન કર્યો…છેવટે ઓળખી પણ કાઢ્યો, પણ ખાસ્સી મથામણ પછી— તે માલા હતી!

અવાક ક્ષણો અભાનપણે, ટોળાંને ઠેબે ચઢી…

તે માંડ માંડ ગબડી પડતાં બચ્યો.

– માલા! ઓ..માલા! હું હરિસિંહ … હરિસિંહ તારો –

“તારો ઘરવાળો!” એવું કૈંક તેનાથી બોલાય જતું હતું! પણ માલાની અપલક તાકી રહેતી, ફાટી આંખોને જાણે

ભાર પડતો હોય, તેમ એની જીભ ઊપડી જ નહીં.

તેનું અસ્વસ્થ મન માનવા તૈયાર જ નહોતું કે જેની જિંદગી પોતે…

શ્યામલ વર્ણ, કાળા ભમ્મર વાળ અને સહેજે તરત નજરમાં વસી જાય એવો નમણો ચેહરો પોતે માલાને દિલથી ચાહી નહોતી, છતાં એવું તો આંખને ખૂણેથી જોયેલું જ … દશ વર્ષ પહેલાં–

ક્યાં ખોવાઈ ગયું હતું એ બધું?

વિખરાયેલા, શુષ્ક થઇ ગયેલા વાળ, સૂકાઇને દોરડી થઇ ગયેલું દુર્બળ શરીર, કૂવા પડેલ આંખો, શરીર ઉપર જ્યાં અને ત્યાં ફાટી પડેલી લોહીની ટશરો અને ચહેરો જાણે કોતરી કાઢી હોઇ એવી ભયત્રસ્ત રેખાઓ…

બદલાયેલું માલાનું એ રૂપ જોઈને એ ત્યાં જ ફસડાઈ પડ્યો. કૈંક લાગણીભીનાં હૈયે, માલાના કપાળ પર તે હાથ ફેરવતો રહ્યો… ક્યાંય સુધી…

અચાનક ટોળામાંથી ભાવવિહીન અવાજો ઊઠ્યા…

- અલ્યા મંગા, ગોમતીશરણ થઈ કે શું?

- ના હોઈ રવલા, ગોમતીએ તો બરાબર વાતો કરતી હતી..

ને માલાના ઠંડા શરીરનું લખલખું સૂસવાટાભેર, તેના સ્તબ્ધ હૈયાં સુધી પહોંચી ગયું….!

બધું જ નિષ્કંપ હતું!…અને તે અવાક…

રાત્રિનાં અંધકારમાં ફિણોટાયેલી એ અવાક ક્ષણો , ક્યાંય સુધી, એમ જ સ્તબ્ધ થઈ અટકી રહી-

- હરિ બેટા, તું ગયો ને ગયો, માલા તો ગાંડી જ થઈ ગઈ હતી… ઘરમાં કશું જ કામ કરતી નહોતી. ઘણીવાર તો કામ કરવાનું શું હોય અને કરે શું! બસૢ સૂનમૂન થઈ બેસી રહેતી…ક્યારેક અડધી રાત્રે ઊઠી લવારે ચઢીએ જતી, તો ક્યારેક કસમયે ઘર છોડી, ભરીમાતાના મંદિરે જઈ બેસી રહેતી… નરસિંહ વૈદએ કહ્યું.

- અરે, ભરીમાતાના મંદિરે જઈ બેસી રહે એ તો સમજ્યાૢ પણ ક્યાંક, કૈં કેટલાયને, અવગતિયા જીવનો જ્યાં અઢણાટ લાગ્યો છે, એ ખપ્પરિયો કૂવાની થાળે ચઢી પડતું મૂકે તો…?

- તેની મા પણ પોતાની જાતને રોકી શકી નહીં, અરે, ગોમતીએ ના લઈ ગયા હોત તો પેલી ચૂડેલ ક્યારનીયે ખપ્પરિયે લઈ ગઈ હોત, ફાટી મૂઈ! બચારીનાં નસીબની વેરી થઈ’તી. રાંડ! વળગી તે એવી વળગી, કે અભાગીનો જીવ લઈને જ ગઈ…!

- “કોણ મા?” હરિસિંહ, કૈંક આશ્ચર્યથી પૂછી બેઠો.

- “મૂઈ! ઇન્દ્રાણી, બીજું કોણ?” માના અવાજમાં ગુસ્સો હતો.

- ઇન્દ્રાણી….

ઇન્દ્રાણી…એ નામ યાદ આવતાં જ તેનાં વિચારો યુવાન થઇ ગયા….

ઇન્દ્રાણી – ફળીની જ છોકરી હતી. પોતે માંડ વીસનો થયો હતો, ને નજર મળી ગયેલી ઇન્દ્રાણી સાથે.

વાદરણાંની સીમમાં થતી ઉભયની મુલાકાતની ચર્ચા,ડમરી થઈ, – સીમમાંથી ગામમાં અને ગામમાંથી ઘર સુધી ઉડતીક આવી પહોંચેલી.

આમ તો પોતાનું સગપણ પારણાંમાં હતો ત્યારે જ થઇ ગયેલુંૢ માલા સાથે.. માલા, બાપાના મિત્રની દીકરી થતી હતી. પોતાની અને ઇન્દ્રાણીની વાતો સાંભળી રૂઢિચુસ્ત પિતાજીનું લોહી ઉકળી ઊઠ્યું- “… પારકી ન્યાતની છોકરી ઘરમાં લાવી, નાતબહાર થવું છે, સા…” અને પછી એક સણસણતો તમાચો–

માએ પણ મોં ચઢાવ્યું…પોતાની ન્યાતથી નીચ ન્યાતની છોકરી સાથે સંબંધ બાંધી વંશમાં કોઈએ ના કરી હોય એવી ભૂલ મેં કરી હતી …એવું તે માનતી.

પોતાનો બાપ પણ એમ હારે એવો નહોતો. “શું કરું? શું ના કરું ?” ….એવી પોતાની મથામણ વચ્ચે કૈંક રસ્તો વિચારું તે પહેલાં તેણે મૂછને વળ દેતા ઘડિયા લગ્ન લઈ લીધા. – માલા સાથે. લગ્ન કરી, તપ્ત હૈયે ગામમાં દાખલ થયો ત્યારે અશુભ સમાચાર મળ્યા, ઇન્દ્રાણીએ ખપ્પરિયો પૂર્યો હતો..પોતાનું મન ત્યારે વધારે ખાટું થઈ ગયું. ત્રસ્ત હૈયું, અકલ્પ્ય પરિસ્થિત, જવાન લોહી જબરદસ્ત ગડમથલ આને પછીની દિશ બાંધી દીધી, નિયતિએ…

ને છેવટે, માલાની સઘળી ઈરછા વણસ્પર્શી રાખી, લગ્નની પહેલી રાતે જ પોતે ઘર છોડ્યું.

ભટક્તો રહ્યો, આમતેમ, ક્યારેક મોત વહાલું કરવાનું મન થતું, પણ પછી કોણ જાણે કેમ પાછો પડતો. એક દિવસ થાકેલો હારેલો પહોંચી ગયો સૈનિક ભરતી મેળામાં- આત્મહત્યા કરીને કાયરની જેમ શા માટે મરવું? ઝીલી લઇશ દુશ્મનની ગોળીઓ સામી છાતીએ! ને દેશ માટે મરીશ તો જીવતર લેખે લાગશે. એવું એક માત્ર લક્ષ્ય, આંખ સામે રાખીને, પોતે રણવાટ પકડેલી…

- હરિ બેટા! થાકી ગયો હશે, ઘડીક આરામ કરી લે.

- ભૂતકાળના સ્મ્રુતિપડળો વચ્ચેથી તેની માએ તેને બહાર ખેંચી કાઢ્યો.

- ના..ના.. હું તો ટેવાયેલો જ છું. તમે બધાં જ, કદાચ ઘણા દિવસના ઊજાગરાને કારણે થાકી ગયા હશે; તમે બધાં શાંતિથી આરામ કરી લો…હું બેઠો છું.

એમ કહીએ તેણે બધાંને આરામ કરવા જણાવ્યું.

જુવાનિયાઓ સગાંસંબંધીને કહેણ મૂકવા દોડ્યા હતા. દૂરનાં સગાંઓ બીજે દિવસે બપોરે આવે તે પછી જ સ્મશાન જવાનું હોવાથી, ચાર-પાંચ ઘરડાંઓ બહાર ઝોકાં ખાતાં બેઠાં હતાં. ઘરમાં ખૂબ જ નજીકના સ્વજન સિવાય કોઈ જ નહોતું.

સન્નાટાભેર રાત કપાતી જતી હતી..

તેણે માલા સામે જોયું, તેની સહેજ અધખુલ્લી આંખ બંધ કરવા માટે, તેણે તેની આંખ ઉપર હાથ મૂક્યો.

…. પતિ વિનાં ભરજુવાનીમાં તેણે કેવી રીતે દિવસો પસાર કર્યા હશે? ઇન્દ્રાણી તરફનાં આકર્ષણને કારણે પોતે માલાની લાગણીને અવગણી હતી. પતિ વિરહમાં ઝૂરતી માલાએ, મનોવેધક વ્યથાના દબાણ તળે, પોતાના સ્વજનોની અપેક્ષા વિરુદ્ધ કશુંક અણચિંતવ્યું કર્યુ હશે. જેને સૌએ પહેલાં ગાંડપણ અને પછી ઇન્દ્રાણીના વળગાડમાં ખપાવ્યું હશે…કદાચ પછી જ શરૂ થઈ હશે, ગોમતી સરોવર….નવગ્રહ મંદિર…ઝાડ – ફૂંક્…તાંત્રિક અને મંત્ર-તંત્રની, માલાની યાતનામય સફર …કદાચ, તેથી જ માલાની તબિયત સુધરવાને બદલે વધુ બગડી હશે…તે મનોમન કંઈક ગણતરી માંડતો જતો હતો, ને તેના હૈયે વેદના પ્રસવતી જતી હતી…તેના ક્રોધિત વિચારો વચ્ચેથી પસાર થતી હરેક ક્ષણ, તેની આક્રોશની શગને વધુને વધુ પ્રજ્વલિત કરતી જતી હતી..

- હમણાં જ જાઉં અને પેલાં નવગ્રહ મંદિરના તાંત્રિકને ચપટીમાં… પણ પછી શું? કદાચ કોઈ બીજો તાંત્રિક આવશે…ને આ સ્વજનો, આ સમાજ … બધું ઉપરનીચે કરી નાંખું…બધું જ ધૂમિલ દેખાતું હતું ૢ છતાં–

તે આંખો બંધ કરી વિચારતો રહ્યો….

કોઈક આશાવંત વિચાર ક્યાંકથી મળી જશે જ …એ આશામાં! એ દિશામાં…ક્યાંય સુધી.

******

પરોઢ ફૂટે તે પહેલાં— તે ઊઠ્યો. બહાર જઈ જોયું. ફળિયું હજીય અચેત જણાતું હતું. રાત આખી ચાલેલા મનોમંથનને અંતે મળેલા તણખાંને મનની મુઠ્ઠીમાં બાંધી, પોતાના નિશ્ચયની ગાંઠ, કસીને ફરી ખેંચી, તે ઘરમાં આવ્યો. આજુબાજુ જોયું.–

ચાર-પાંચ સ્વજનો અર્ધજાગ્રત શા બેઠાં હતાં…

ને પછી તેણે એક સૈનિકને છાજે તેવી ત્વરાથી કામ કરવા માંડ્યું—

તે માલા પાસે આવ્યો. એક હળવું ચુંબન તેના કપાળ પર કરી, તેના મૃત ને તેણે ચાદરમાં લપેટી તેણે ખભે લઈ લીધું. તેની આંખો સજળ થઈ… પણ તેમાં એ વહી જાય તે પહેલાં ઝપાટાબંધ ત્યાંથી બહાર નીકળી ગયો.

ગભેણમાં ગાયને પાણી પીવડાવતી મા, કૈંક આશ્ચર્યથી તેને તો ઘડીક તેનાં ખભે રહેલાં, માલાના મ્રુત શરીરને જોઈ રહી…!

– હરિ બેટા, શું કરે છે? …તે અચંભિત હતી!!

– મા,———, કહી માના પ્રત્યાઘાત રાહ જોયા વિનાં જ, લગભગ ભાગતો તે ફળી પાર કરી ગયો.

નિશાળ ફળિયેથી નીકળતા, બે-ચાર કૂતરાંઓ હા…ઉ, હા…ઉ કરી ઊઠ્યાં! – પણ તે તેને ડારતો, તે સીમ ભણી વળી ગયો.

ગભેણનાં બલ્બનાં આછાં અજવાળામાં, તેની તેજાબી આંખનાં, ન સમજાય એવાં ભાવને સમજવાનો વ્યર્થ પ્રયત્ન કરતી તેની મા, પાછળ દોડી…

માની બૂમાબૂમથી સફાળા જાગેલાં સ્વજનો પણ પાછળ દોડ્યા…

ખભે બોજો લાદી દોડવાનું કામ, જુવાન હરિસિંહ માટે સામાન્ય હતું.ગોમતી સરોવર પહોંચતાં તેને વાર ન લાગી.

ગોમતી પર, પૂનમ પછીનો બીજો દિવસ હોય, વહેલી સવારથી જ તેમાં સ્નાન કરવા આવનારાઓની ભીડ હતી. પાસેનાં નવગ્રહ મંદિરમાં કલ્પ કરાવનારાઓનું નાનકડું ટોળું હતું. તેઓ કદાચ આધિકની આવવાની, તેની ગાદી પર બેસવાની રાહ જોઈ રહ્યાં હતાં. એક તિરસ્કાર ભરી નજર તેણે નવગ્રહ મંદિર તરફ નાંખી, પછી રહેવાયું નહીં એટલે જાણે દુશ્મનને ભાળ્યો હોય તેમ એ તરફ જોઈને ગુસ્સાથી થૂક્યો…

તે ગોમતી સરોવરની પાળ પાસે પહોંચ્યો.

કે તેનું ધ્યાન સરોવરની પાળ ઉપર કોઈકે હમણાં જ કરેલી, તાજી ધારાવાઈ પર ગયું. ધારાવાઈમાં વચ્ચોવચ મૂકેલ નાગરવેલના પાન પર, અબીલ-ગુલાલ છંટકારેલ સોપારીનો ઢગ હતો અને સાથે હતી કાપડની બનાવેલી ઢીંગલી! તેનો ધગધગતો ક્રોધ કાબૂમાં ના રહ્યો. ગુસ્સાથી રાતા-પીળા થતા તેણે એક લાત દીધી—કે ગયું બધું જ, સીધું ગોમતીમાં!.

તેની ઝડપને કારણે, ખૂબ પાછળ રહી ગયેલી તેની મા, સૌ પ્રથમ ગોમતી પર પહોંચી. તેની માએ કંપતા હૈયે, દૂરથી તેને ધારાવાઈમાં લાત મારતો જોયો.!

–હરિ, આ શું કરે છે? બેટા!..

પણ તેની માના શબ્દો તેના સુધી પહોંચે તે પહેલાં તો ખુલ્લી હવામાં ઓગળી ગયા.

મા, તેની પાસે પહોંચી, તે પહેલાં જૢ તે પગ વડે આખી ધારાવાઈ રગદોળી ચૂકયો હતો…દૂધ-પાણી વડે બંધાયેલું આખું કૂંડાળું, અબીલ-ગુલાલમય થઈ ગયું હતું. પછી એજ છિન્નભિન્ન કૂંડાળામાંૢ, મૃત માલાનાં શરીરને ખભેથી ઉતારી, બંને હાથમાં ઝાલી તે ઊભો રહ્યો…આક્રોશ તેની આંખમાં લાલ ટશર થઈ ફાટફાટ થતો હતો.

– માલા! આ અંધારકોટડીમાંથી, જા હવેથી તું મુક્ત! અગ્નિદાહ નહિ, પણ આ જલદાહ જ કદાચ સાચો રસ્તો છે, તારા નિર્વાણનો… કહેતાં જ તેના હાથમાંથી માલાનું મૃત શરીર છૂટ્યું , અને કૈંક વેગથી ગોમતી જળમાં ઝિંકાયું…!

વર્ષોથી, આજ દિન સુધી મૃત શરીરથી વણસ્પર્શ્યા ગોમતી સરોવરમાં…!

એક જોરદાર ધબાકો-અને વહેલી સવારની આળસ મરડી રહેલાં ગોમતી જળમાં એ પ્રકંપ-જાણે એક પ્રચંડ પ્રહાર-ને ગોમતી જળમાં અસંખ્ય સ્પંદનો ઊઠ્યાં…

….અચરજભરી આંખે, તેને રોકવા માટે, કશુંક ન સમજી શકેલી માનો, લંબાયેલો હાથ એમ જ- સ્તબ્ધ હવામાં કંપતો રહી ગયો.

લો, આ પાળ હવે તૂટી….

ગોમતી સરોવર પરનું માંડલું એમ જ અવાક્, રસાબોળ મૂકી, પાછું જોયાં વિનાં, તેણે ઘરે જવા માટે, લાંબા ડગ ભરતાં ચાલવા માંડ્યું! તેનું હરેક ડગલું, આવનારા કપરા કાળનો, મજબૂતાઈથી સામનો કરવાના તેનાં અડગ નિર્ધારને વધુને વધુ દ્ર્ઢ બનાવતું જતું હતું…

કંઈક અજબની ખુમારી હતી—તેની ચાલમાં, જાણે ફરી રણવાટ…

*** **** *** ( ૧૦/૧૦/૨૦૦૮ – અપ્રકાશિત )