Archive

Posts Tagged ‘લાગણીની સાંકળ’

ચંદ્રકાંતભાઈ અને વૃદ્ધાશ્રમની “ડોહીઓ” !

ચંદ્રકાંતભાઈ અને  વૃદ્ધાશ્રમની “ડોહીઓ” !

હમણાં થોડા દિવસ પહેલા મારી ‘બ્રાયન ઍન્ડરસન’ કડીની  પ્રથમ પોસ્ટમાં જેને ઉલ્લેખ કર્યો હતો; એ ૧૭૦૦૦ ઑપરેશનમાં ઓ. ટી. ટૅકનીશ્યન તરીકે ફરજ બજાવનાર શ્રી વિનોદભાઈની સાથે હું ફોન પર વાત કરતો હતો,  ત્યારે મારા ઑફિસમાં અવારનવાર આવતાં સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા અમારા સહકર્મચારીનું અચાનક આવવાનું  થયું.તેમનું નામ ચંદ્રકાંતભાઈ પટેલ.

“કોણ વિનોદભાઈ છે.” તેમણે મારી વાતચીત પરથી અનુમાન બાંધ્યું.

મેં હકારમાં માથું હલાવ્યું.

“પછી મને આપજો. મારે  વિનોદભાઈનું કામ છે.” તેમણે મને વિનંતી કરી.

મેં મારી વાત પૂરી થતાં તેમને ફોન આપ્યો.

“વિનોદભાઈ! સી. ડી. પટેલ બોલું છું. મારે તમારું એક કામ છે. આ કમલેશભાઈ પાસે છે એ વૉકીંગ ટ્રાઈપોડ કેટલાની છે? ” તેમના  હાથમાં મારી તાજેતરના અકસ્માત બાદ હું વાપરતો હતો એ સ્ટીક હતી.

” — ” વિનોદભાઈએ કિંમત કહી.

“કામ? કામ એવું છે મારે આવી ત્રણથી ચાર સ્ટીક  જોઈએ છે.  વૃદ્ધાશ્રમમાં મારી બધી ડોહીઓની આપવાની છે! બિચારીઓને બહુ આબદા પડે છે.”  આ ચંદ્રકાંતભાઈ પટેલનો પોતિકો અંદાજ છે, વાતચીતનો! તેઓ સ્પષ્ટવક્તા, હાજર જવાબી, ઊર્જસ્વી  વ્યક્તિ  અને કર્મઠ  કર્મચારી છે.

ને કોણ જાણે કેમ અચાનક  મારા કાન સતેજ થઈ ગયા…

“સારું! એવું કરો વિનોદભાઈ, તમે કહો છો તેમ આ રવિવારે આપણે બંને સાથે વૃધ્ધાશ્રમ જઈશું. તમે પહેલાં  જોઈ લો કે ડોહીઓની જરૂરિયાત કેવી છે, પછી આપણે નક્કી  કરીશું!”

વૃદ્ધાશ્રમ? ડોહીઓ?..” મેં ચંદ્રકાંતભાઈ પર પ્રશ્નોનો મારો ચલાવી દીધો.

“…કમલેશભાઈ!  હું દર રવિવારે  વૃદ્ધાશ્રમમાં જાઉં છું. છેલ્લાં ૧૨  વર્ષથી.  બધા ઘરડાઓને  મળું છું. તેઓની મુશ્કેલીઓ જાણી તેમને મદદ કરવાનો પ્રયાસ કરું છું. હું તો એકવાર  ત્યાં  એમ જ ચાલ્યો ગયેલો. પણ પછી મને તો મઝા પડી. હવે તો ડોહીઓ વગર મને પણ નથી ગમતું અને તેમના અમારા વગર!”

અમે સુરતીઓ દર રવિવારે બહાર ફરવા જવામાં અને ફાસ્ટ ફૂડ ખાવામાં ઉસ્તાદ છીએ. તેવા સમયે ચંદ્રકાંતભાઈએ પોતાની મનગમતી પ્રવૃત્તિ માટે એક અલગ ખૂણો શોધી લીધો હતો!

” મદદમાં શું કરવાનું આવે?” મેં પૂછ્યું.

“મોટી ઉંમરને કારણે કે ઘરમાં કોઈ વડીલને રાખવા કે તેમની મુશ્કેલીઓ સમજી પ્રેમથી હલ  કરવાવાળું કોઈના હોય ત્યારે લોકો  વૃદ્ધાશ્રમમાં ઘરડાઓને મૂકી આવે! કહો કે નાંખી આવે છે! આ બધાં કેટલાક ઘરડાં બિચારા શરીરે અશક્ત અને બિમાર હોય તેઓની  રોજીંદી દૈનિક દેહક્રિયાઓ તેમની પથારીમાં પર જ કરે છે તો ક્યારેક થઈ જાય છે! આ  દરમિયાન ક્યારેક તેઓ શરીર પણ ગંદુ કરી નાંખે છે. ક્યારેક મૅનેજરનો ફોન આવે છે.  હું  જાઉં પછી તેઓના નવડાવું છું. પાઉડર ચોપડી આપું. તેમના ગંદા કપડાં ચાદર તકીયા થોડા  ધોઈને ચોખ્ખા કરી નાંખું છું. જેથી સફાઈ કામદારને સૂગ ન લાગે!!  તેઓને નવી ચાદર પાથરી નવા કપડાં પહેરાવી તૈયાર કરું છું. આ કામમાં મારી પત્ની એટલા જ સમભાવથી મને મદદ કરે છે તે પણ પોતાની મરજીથી !!.”

તેમણે એક સાથે મને અનેક આંચકા આપ્યા! જ્યારે આ રીતની સેવા કરવા ઘરનાં સ્વજનો નાકનું ટીચકું  ચઢાવતાં  હોય ત્યારે નિઃસ્વાર્થભાવે આ સેવા કાર્ય કરવું ઘણી મથામણ માંગી લેતુ કામ છે; પણ જો તેમાં પોતાની પત્નીનો આવો સહયોગ મળી રહેતો હોય તો એનાથી રૂડું બીજું શું?  (  ખાનગીમાં કહીં દઉં તો અને અત્રે ઉમેરી દઉં કે ચંદ્રકાંતભાઈના પત્ની એક શાળાના આચાર્યા છે!! અને ચંદ્રકાંતભાઈ બૂમ પાડે એટલે ઑફિસમાં બેલદાર હાજર હોય છે!)

“ક્યારેક ડોહીઓની દવા લઈ આવું છું. ક્યારેક એકાદને  બહાર ફરવા લઈ જાઉં છું. થોડા સમય પહેલાં બધી ડોહીઓને એક દાતા પાસે એક એક લૂગડું  અપાવ્યું. ને પછી થોડા દિવસ પછી તો ચણિયો-બ્લાઉઝ-ટુવાલ… બધું આપમેળે આવતું ગયું. હું તો સાચા સેવાભાવથી પ્રયત્ન કરું છું. ક્યારેક  તેઓને ભાવતી વસ્તુ ઘરથી અથવા બજારમાંથી લઈ જાઉં છું. રવિવારે સાંજે જઈને  એટલે  વૃદ્ધાશ્રમની બહારના બગીચામાં બેસીએ. તેઓ મારી અને મારી પત્નીની રાહ જોતી  બેઠી હોય. પછી તેમની સાથે મન ભરી વાત કરું છું. હળવો થઈ જાઉં છું કમલેશભાઈ!…” ચંદ્રકાંતભાઈના પ્રસન્નતાપૂર્ણ ચહેરા પર એક અજબનો સંતોષ છલકાતો હતો; જેની મીઠાશ તેમના હૈયાં સિવાય બીજા કોઈને થોડી પામવા મળે?!

ચંદ્રકાંતભાઈ એ આગળ વાત ચલાવી ” હમણાં થોડા દિવસ પહેલાં એક પૈસાદાર ભાઈ પોતાની માતાને અહીં મૂકવા આવેલા. મને મૅનેજરે ફોન કર્યો કે આ ભાઈને સમજાવવાનું કામ તમારું! હું ગયો. મેં કહ્યું જુઓ ભાઈ તમારી પાસે પૈસા છે. ઘર છે. એક રૂમ તમારી માને આપી દો.  તમારાથી કે તમારી પત્નીથી તમારી માનો ઝાડો પેશાબ સાફ ન થતો હોય તો ૨૫૦૦/- કે ૩૦૦૦/- કોઈ નર્સ કે જરૂરિયાતમંદ બહેન રાખી લો. એ  બહાને એક વ્યક્તિને રોજી મળશે. માને પોતાના સ્વજનો સાથે ઘરમાં રહેવાનું અને તનાવમાં પોતાની લાગણીઓ વ્યક્ત કરવા પોતીકા માણસો મળી રહેશે. તે મનથી રાજી રહેશે અને તમને આશીર્વાદ આપશે  ને તમારા બચપણમાં પોતાના દિકરાના ઝાડા પેશાબ  સાફ કરેલા તેનું થોડું ઘણું વળતર મળશે. અને કમલેશભાઈ પેલાં ભાઈ જ્યારે પોતાની માને પરત સાથે લઈ ગયા ત્યારે હું તો રાજીરાજી!”

“ગઈ કાલે મારી દીકરી જેને મેં ઘર મૉર્ગેજ પર મૂકી પગપાળા નોકરી કરવાની તૈયારી સાથે અભ્યાસ અર્થે ઓસ્ટ્રેલિયા મોકલી હતી તેણે પોતાનો ખર્ચ જાતે કાઢવા માંડ્યો છે તેથી એક જૂની વાન લઈ લીધી છે. ..જેથી  રવિવારે ડોહીઓને સાથે ફરવા લઈ જવી હોય તો જઈ શકાય…અમે છેલ્લા સાત આઠ વરસથી નવું વરસ તેમની સાથે જ ઉજવીએ છીએ…છેલ્લે ગયો ત્યારે મેં જોયું કે એકાદ બે જણને ચાલવાની તકલીફ પડે છે તેથી મને  આ વૉકીંગ સ્કીકનો વિચાર આવ્યો…કોઈને કોઈ તો હરિનો લાલ દાતા મળી જશે જ! ” તેમણે આત્મવિશ્વાસથી ભરપૂર અવાજે કહ્યું.

મને ક્ષણવાર માટે મારા અપંગ પિતાશ્રીનું સ્મરણ થયું…અને  ચંદ્રકાંતભાઈને આ માનવ સેવાના અમૂલ્ય કાર્યમાં નાનકડા યોગદાન દેવા અચાનક જ મારા અંતરના ઊંડાણમાંથી  દ્રવિત હૈયે શબ્દો સરી પડ્યા, “ચંદ્રકાંતભાઈ! ચિંતા ના કરશો એ વૉકીંગ  સ્ટીક માટે દાતા તમને મળી ગયો! “

ચંદ્રકાંતભાઈનો  લાગણીથી તરબતર આ “ડોહી” શબ્દ મને આટલો  મીઠો લાગ્યો તો પછી એ ડોશીઓને ચંદ્રકાંતભાઈનો આ “ડોહી” શબ્દ   કેટલો વ્હાલો અને પોતીકો  લાગતો હશે! અને એથીય વ્હાલા  હશે  ચંદ્રકાંતભાઈ અને તેમના પત્ની…કદાચ  પોતાની જાતના જણતરથીય વધુ !!

√  ‘Do not let this chain of love end with you.’

———————————————————————————————-

મિત્રો

જેમના એક લેખની માહિતીને આધારે હું બ્લૉગ પર ગુજરાતીમાં લખતો થયો  એવા મિત્ર હિમાંશુભાઈ ના નવા સુંદર બ્લૉગ – સાયબરસફર- પર આપણને રસ પડે એવી સ્ટોરી છે જે અગાઉ ચિત્રલેખામાં પ્રકાશિત થઈ ચૂકી છે… પ્રેરક પહેલ વિભાગમા એ મળશે. લિંક આ સાથે મૂકી રહ્યો છું.

એ પાથરે અંધ આંખે અજવાળા
http://www.cybersafar.com/index.php/prerak-pahel/181-2009-01-04-03-32-52.html

ઇન્ટરનેટ પર રક્તદાન
http://www.cybersafar.com/index.php/useful-services/46-blood-donation.html

બ્રાયન એન્ડરસન ફેન કલબ

બ્રાયન એન્ડરસન ફેન કલબ

પ્રિય મિત્રો,

તારીખ  ૨૮/૧૦/૨૦૦૮  ના રોજ મારા બ્લૉગ ઉપર  ”એક ઈ_મેઇલ- એક અકસ્માત- બ્રાયન ઍન્ડરસન – નવું વર્ષ- આપણે અને લાગણીની સાંકળ !!” ના શીર્ષકથી એક પોસ્ટ મૂકી હતી. જેના અનુસંધાનમાં એક ૧૪ વરસના એક બાળક  કે જેનું નામ પ્રથમ દેસાઈ છે, તેના પ્રતિભાવમાં તેણે  એક ઈ-મેઇલ મોકલ્યો છે. એ પત્રમાં, તેની ૧૧ વર્ષની ઉંમરે, તેની આ ભણવાની અને દુનિયા જોવા સમજવાની ઉંમરમાં,  તેના પિતાએ એક વૃધ્ધાને કરેલી  મદદને,  તે કેવી  પોતિકી નજરથી  મૂલવે છે એની વાત છે. જેમાં તેની ઉંમર સહજન્ય બાળસહજ  વિચારો સુપેરે અભિવ્યક્તિ થયા છે. મને તેના આ પત્રમાં તેના પિતાશ્રીએ કરેલી મદદની વાત તો અત્યંત સરાહનીય લાગી જ  છે!  પણ એમાં  તેની અન્ય એક જે વાત ખૂબ ગમી છે_ તે એની નિખાલસતા! અને એ ઘટના બાદ તેને મળેલી શીખ. પત્રમાં  તે કબૂલે છે કે એના પિતાએ, એક વૃદ્ધાને કરેલી મદદ તેને ગમતી નથી!! સ્વાભાવિક છે એક ૧૧ વર્ષનું બાળક ટ્રેનની લાંબી મુસાફરી, પોતાના પિતાના ખોળામાં બેસી કરવાનું થોડો પસંદ કરે? પણ આ ઘટના બાદ શું થાય છે અને તે શું કહે છે?

તેના પિતાશ્રીને અભિનંદન! એક વધુ બ્રાયન એન્ડરસન બની! પોતાના દિકરાને એ  દિશા તરફ  આંગળી ચીંધવા બદલ! સાચું કહું મિત્ર! બાળ ઉછેરના તમામ પુસ્તકો વાંચીને તમે આટલી સુંદર શીખ કદી નથી આપી શકતા!

મારા નાના વ્હાલા  દોસ્ત પ્રથમ! તને “બ્રાયન એન્ડરસનની ફેન કલબમાં”  આવકારું છું. મને પૂરી ખાતરી છે કે ક્યારેય તારા પિતાએ, જીવની જેમ જતન કરી સાચવેલી, લાગણીની આ સાંકળ તું કદી તૂટવા દેશે નહિ…એક માનવીને એક માનવી સાથે જોડતી લાગણીની સાંકળની તું અમૂલ્ય કડી છે! …પ્રસ્તુત છે પ્રથમ દેસાઈનો મૂળ પત્ર – તેના જ શબ્દોમાં અને તેની નિર્દોષ ભાષામાં!

BLESSINGS

The reddish orange sun swimming in the western sky was preparing to have a dive at the horizon. The colours of joy spread around it were signing a successful voyage from east to west all through the day. It was winter. Therefore, at 5:45 p.m. when I was standing on the platform of Surat railway station, it was started to get dark.

I was going to Rajkot with my parents to attend a marriage ceremony. We had planned to reach Ahmedabad by Karnavati express by 9:20 p.m. After 25 minutes, we had to catch the Somnath express, which would reach Rajkot by 2:00 a.m. the next day.

But Karnavati express was delayed by half an hour than its time 05:26 p.m. Therefore, we were worried whether we would be able to catch Somnath express or not. We were thinking that how to reach Rajkot if we could not catch the Somnath express. But something different was going to happen.

The Karnavati express arrived. We got in our bogies. A big noise was there. When we reached to our seats, we saw that an old woman was sitting on one of our seats. She did not have a confirm ticket. Seeing us, she got up from the seat. But my father told her not to be worried and to sit with comfort. She sat back on the seat but the feeling of being obliged was seen on her face very clearly. From her white hair and wrinkled skin, I could guess her age about 75 years. The train departed. From a little conversation, we knew that she was going to Ahmedabad. She again offered my dad to sit but seeing her body condition, my dad did not agree to it. I sat in my dad’s lap and let that woman sit.

Now nothing was seen from the windows. The train was moving speedily. After a few minutes, the train slowed down. I thought that there might be a station. But there was nothing. The train stopped. I tried to see from the window but failed. The train started after twenty minutes. Our tension was increasing. Our eyes were trying to meet. Some teens who were joking in the next compartment were keeping our attention to them.

It was 9 o’clock now and the train had stopped on Nadiad station. Arriving time of Karnavati express at Ahmedabad station was 9:20. But it was not possible now at all. The train started after five minutes. When we reached Ahmedabad it was 10 o’clock. There was not any train on any platform. So we presumed that we had missed the train.

The old woman thanked us. She told us that she had a great pleasure to have a journey with us.

We got off the train. My mother was so disappointed and thinking that how to catch any other vehicle for Rajkot because according to the departure time of Somnath express, we were 15 minutes late. Just for an information she asked a coolie that when did the Somnath express depart.

The coolie answered, “The Somnath express has been already departed before a quarter of an hour. But see, it has been stopped yet at the end of the platform because of some reason.” We did not think anything. We did not see anything. We started running. This was a chance for us. We ran with our full capacity. The train was our target and we were running to it as Karina Kapoor runs after the train in the film ‘Jab We Met’. Ultimately, we reached the last bogie and got in. As soon as we reached our bogie, the train started.

This was amazing. It was none other than a magic for us. My father was looking very happy and amazed.

I told my dad frankly that I did not like the mercy shown to that old woman by him but I did not speak anything. But I also told that the reason of catching the train might be the result of that old woman’s blessings.

Generally, I do not believe in this type of events. I believe them as coincidence. Many people think like this. But when such incidents happen in our life, we think that something is there which is unseen, unknown, unproved but it is. At my age of 14 years, whenever I remember this incident which was happened before 3 years, I feel a little adventurous, I feel something different.

I have come to a decision that whatever happens in our life is not only ours. Many other efforts are included in it, which is unforgettable.

Pratham Desai (Surat)

પ્રથમ દેસાએ

પ્રથમ દેસાઈ

મિત્રો! આ પત્ર લખનાર ૧૪ વર્ષના જિનીયસને આપણે ઓળખી લઇએ. પ્રથમ દેસાઈ સુરતની ભૂલકાંભવન શાળામાં ધોરણ-૯ માં ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરે છે. તા. ૧૪-૧૧-૨૦૦૮ના “દિવ્ય ભાસ્કર” અખબારમાં જણાવ્યા પ્રમાણે આ ભારતભરના વૈજ્ઞાનિકની કોન્ફરન્સમાં હાજર રહી ચૂકયો છે. અને તેને “N T S ” તરફથી દર મહિને રૂપિયા ૫૦૦/- તે ભણશે ત્યાં સુધી આપવામાં આવશે. આ ટાબરિયાને તેથી જ સુરતના  “છોટે અબ્દુલ કલામ”તરીકે ઓળખાવવામાં આવ્યો છે.

Read more…

એક ઈ_મેઇલ- એક અકસ્માત- બ્રાયન ઍન્ડરસન – નવું વર્ષ- આપણે અને લાગણીની સાંકળ !!


એક ઈ_મેઇલ- એક અકસ્માત- બ્રાયન ઍન્ડરસન – નવું વર્ષ- આપણે અને લાગણીની સાંકળ !!

તા. ૨૨/૦૬/૨૦૦૮ , રવિવાર અને બપોરે લગભગ બે વાગ્યા હશે. હું મારી પત્ની મીના સાથે નવસારીથી પથારીવશ મામાની ખબર જોઈ ઍક્ટિવા ઉપર સુરત ઘરે પાછો ફરી રહ્યો હતો. હું ખરેખર ખૂબ હળવા મૂડમાં હતો…” આવતા મહિને હું તને ઉભરાટ આ ઍક્ટિવા પર જ લોંગ ડ્રાઈવ પર લઈ જઈશ…”તે પણ હસતી હતી, પણ હકીકત સમજીને ! તે પણ શીખી ગઈ છે મારી સાથે ઍડજસ્ટમેંટ કરતાં!! કારણકે નેનો લાવવાનું વિચારેલું પણ બીજી તરફ ઘર પણ રિનોવેશન કરાવવાનું માથે ઊભું છે..તેથી ઍક્ટિવા સિવાય છૂટકો નહોતો!

નવસારી કસ્બા પાસે આવી વાતચીત કરતા કરતા અમે સહેજ જ આગળ ગયા હોઈશું ને ત્યાં તો __

અચાનક આગળ ઊભેલી એક ફિયાટકારનો દરવાજો ખૂલે છે , બરાબર ડાબી તરફના રોડ ઉપર ! સો ટકા – પૂરેપૂરો ૯૦ ડિગ્રીએ!

- “કાકા શું કરો છો ?” મારી પત્ની એક જોરદાર ચીસ પાડી ઊઠે છે !

પેલા કાકા પણ ક્દાચ કોઇક અણકહી મથામણમાં હશે !

હું , મને મારી પત્નીને અને ઍક્ટિવા ત્રણેયને પેલા અચાનક ખૂલેલાં દરવાજાથી બચાવવાનો એક મરણીયો પ્રયાસ કરું છું… પણ બધું જ વ્યર્થ !

બીજી જ ક્ષણે હું રોડ વચ્ચે મને અસહાયપણે ઍક્ટિવા નીચે દબાયેલા મારા તૂટેલા પગ સાથે જોઉ છું . પત્ની મીના પણ ઈજા સાથે બીજી તરફ ફેંકાઈ ગઈ હતી… અને ઍક્ટિવા પણ અમારી જેમ જ ઈજાગ્રસ્ત હતું. અને સાચી વાત કહું તો હું તે ક્ષણે ગભરાઈ જ ગયેલો. વિચારો પિસ્તોલમાંથી છૂટેલી ગોળીની જેમ વછૂટયા __”  … મીના ક્યાં છે? સાંજે દિકરો મંથન ૧૨ સાયન્સના કૅમેસ્ટ્રીના ટ્યુશનમાં કેવી રીતે જશે? હું ઘરે કેવી રીતે પહોંચીશ? તૂટેલા પગનું ઑપરેશન નક્કી જ હતું તે ક્યાં કરાવીશ? નોકરી,સારવારનો ખર્ચ, રજા,ઘર રિનોવેશન, અને બા … બા ને કેવી રીતે સંદેશો આપીશ?… વિચારો જરાય અટકવાનું નામ નહોતા લેતા …

પણ સાચું કહું તો હું ફક્ત માંડ પાંચ મિનિટ એક્લો હોઈશ . તે દિવસે ઘટના સ્થળે બીજી જ મિનિટે રોડ પર જતાં આવતાં વાહનો થંભી જાય છે આસપાસના કસ્બાગામના લોકો , રાહદારીઓ ,વાહન ચાલકો વિ. સૌ મારા સ્વજનોની જેમ યુધ્ધના ધોરણે કામે લાગે છે. કોઇ પાણી લાવે છે ,કોઇ મને ઉંચકી મને મારી પત્ની સાથે બેસાડે છે, કોઈ રિક્શા બોલાવે છે, તો કોઈ મારુ વાહન સામેના બંગલા પાસે સુરક્ષિત મૂકી આવે છે ,તો કોઈ ભાગી છૂટેલા પેલા કાકાની ગાડીનો નંબર નોંધી આપે છે. રોડ ઉપર વેરવિખેર મારી એક્કેય વસ્તુ ચોરાતી નથી! એક વાહન ચાલક પોતાની કારમાં તેના સ્વજનને રોડ પર ઉતારી અમને હોસ્પિટલ લઈ જવા તૈયાર હતા કે ૧૦૮ ઍમ્બ્યુલન્સ આવી જાય છે !! ફોન ઉપર સંપર્ક કરતાં જ, અગત્યના સામાજિક કામમાં વ્યસ્ત હોવા છતાં લગભગ ૧૭૦૦૦ ઑર્થોપેડીક ઑપરેશનમાં આસીસ્ટ કરનાર, મિત્ર શ્રી વિનોદભાઈ તાત્કાલિક નવસારી ડૉ.મુકેશ પરમારને ફોન કરી સારવારની ગોઠવણ કરે છે (તમને ખાનગીમાં કહી દઉં કે વિનોદભાઈ હું જે બ્રાયનની વાત કરવાનો છું તેના ખાસ સંબંધી છે-ક્યારેક ના કરે નારાયણ ને કોઈક ઑર્થોપેડીક કેસ જેવું જણાય તો પહોંચી જજો ઉધના ત્રિશૂલ પાસે! દાવા સાથે કહું છું મારું નામ આપવાની પણ જરૂર નથી!)… કુસુમભાભી,બેલાભાભી, જિતેન્દ્ર સાથે અન્ય સ્વજનો પણ પહોંચે છે અને અમે નવસારીમાં પ્રાથમિક સારવાર લઈ સુરત શિફ્ટ થઈએ છીએ…

ત્યારથી લઈ આજ દિન સુધી ચાર મહિનાની સારવાર બાદ હું નાના બાળકોની જેમ પા પા પગલી ભરતાં શીખી રહ્યો છું..

અને આજથી શરૂ થતાં નૂતન વર્ષમાં હું ચાલતો થઈ જઈશ…

મને અને મારી પત્નીને એ સંકટની ઘડીમાં મદદ કરનારા એ તમામ અજાણ્યા હાથોનો હું સદૈવ ઋણી રહીશ કે જેઓ બ્રાયન ઍન્ડરસનની લાગણીની સાંકળની કડીઓ જેવા હતા!

મિત્રો ! શું તમને ખબર છે આ બ્રાયન કોણ છે ? નથી જાણતા ! હું પણ નહોતો જાણતો ! અને તમે પણ જો ના જાણતા તો તમને જણાવી દઉં.

મારા મિત્ર રવિ ગુલાટીનો મારા ઉપર તા. ૨૩/૧૦/૨૦૦૮ના રોજ એક ઈ-મેઇલ આવે છે. એ ઈ-મેઇલનું વાર્તાતત્વ મને ગમ્યું… કે જેમાં આ બ્રાયન ઍન્ડરસનની વાત છે !

એક કડકડતી ઠંડી સાંજે, પોતાની મર્સીડીઝમાં ગાડીનું ટાયર પંક્ચર થવાથી , એક વૃધ્ધ સ્ત્રી લાંબા સમયથી રોડ સાઈડ પર , મદદની આશાએ ભય અને ઠંડીથી થરથર ધ્રુજતી ઊભી હતી. તેને આમ ઊભેલી જોઈ તે કદાચ મુશ્કેલીમાં હશે એવું વિચારી, એક વ્યક્તિ પોતાની ખખડધજ ગાડી ઊભી રાખે છે. એ વ્યક્તિનું નામ બ્રાયન એંડરસન છે. મદદ કરવાના શુભ હેતુથી તે પોતાની ગાડીમાંથી ઉતરે છે અને તેણી પાસે જાય છે. એ વૃધ્ધ સ્ત્રીને બ્રાયનના દિદાર પરથી, તે ગરીબ _ ચોર ઉઠાવગીર જેવો લાગે છે. વૃધ્ધા ગભરાઈ છે ;કારણકે છેલ્લા એક કલાકથી એક પણ ગાડીવાન તેની મદદ માટે ઊભી રહયો નહોતો. બ્રાયન પાસે આવીને જુએ છે કે તેણીની ગાડીનું ટાયર પંક્ચર છે.બ્રાયન થોડીવારમાં એ વૃધ્ધાની ગાડીનું ટાયર બદલી કાઢે છે અને તેમ કરવા જતા તેને થોડી ઈજા થાય છે અને તેના કપડાં પણ ગંદા થાય છે.

પેલી વૃધ્ધાને ત્યાં સુધીમાં બ્રાયન પર કૈંક વિશ્વાસ બેસે છે અને તે બ્રાયનનો મદદ માટે આભાર માને છે. એ વૃધ્ધાને ખબર હતી કે જો બ્રાયનએ, તેને મદદના કરી હોત તો તે કદાચ ભયાનક મુસીબતમાં ફસાઈ ગઈ હોત; અને તેથી એ વૃધ્ધા બ્રાયનના એ અહેસાનનું ઋણ ચૂકવવા તેને મોં માંગી રકમ આપવા તૈયાર થાય છે.

આજીવન જરૂરિયાતમંદોની નિસ્વાર્થ ભાવનાથી ,આ રીતે જ સેવા કરનાર બ્રાયન, એ વૃધ્ધાના આ શબ્દો સાંભળી, સહેજ હસીને પછી જણાવે કે જો તેઓ ખરેખર તેને મદદ કરવા માગતા હોય, તો તેઓ જ્યારે પણ, જ્યાં પણ, કોઈ જરૂરિયાત મંદને જુએ, ત્યારે પોતે બ્રાયનનું ઋણ ચૂકવી રહી છું એવી મનોમનની એક ભાવના સાથે તેને અચૂક મદદ કરે .

વૃધ્ધા બ્રાયનને અહોભાવથી જોઈ રહે છે. બ્રાયન,વૃધ્ધા ગાડી ચાલુ કરી ત્યાંથી રવાના થાય છે , પછી જ એ સ્થળેથી ઘરે જવા રવાના થાય છે …ત્યારે સંધ્યાકાળની હાડ તોડી નાંખતી ઠંડી અને દિવસભરના તનાવ વચ્ચે પણ તેને હૈયે અદકેરો અવર્ણનીય આનંદ હતો .

આ તરફ ઘર તરફ રવાના થયેલી વૃધ્ધા રસ્તામાં, ઘર તરફ ના અંતિમ દૌરનો પ્રવાસ શરૂ થતા પહેલા નાનકડો વિરામ લઇ લેવા વિચાર છે; જેથી થાક અને ઠંડીથી તેને છૂટકારો મળે. આમ, વિચારી તે નાનકડા પેટ્રોલ પંપ પાસે આવેલા ,એક કૉફી શૉપ પાસે તેની ગાડી ઊભી રાખે છે .

વૃધ્ધા અંદર જાય છે. તેના આશ્ચર્ય વચ્ચે એક લેડી વેઈટ્રેસ સસ્મિત તેની પાસે આવે છે અને તેના હાથમાં વૃધ્ધાના ભીના વાળ સાફ કરવા માટે નેપકિન હોય છે. વૃધ્ધાએ જોયું કે કદાચ આઠેક માસની સગર્ભા હતી અને તે છતાં તેના એ જાદુઈ સ્મિતમાં એક એક અજબની તાજગી અને પોતીકપણું હ્તું . એના વર્તનમાં ક્યાંય ઠેહરાવ નહોતો, એક નિર્ભેળ, નિર્મળ, નિર્ઝરિણી શી એ ! જે કોઈ અજનબીને અજનબીપણાનો લગીરેય અહેસાસ થવા ના દે . એનો પ્રેમ અને લાગણી તરબતર વહેવાર વૃધ્ધાનો થાક ઉતારી નાંખવા પૂરતા હતાં .

–અને ત્યારે અચાનક વૃધ્ધાને સ્વાભાવિક જ બ્રાયન યાદ આવી જાય છે !

પોતાનો ચા-નાસ્તો પતાવી વૃધ્ધા એ વેઈટ્રેસને ૧૦૦/- ડૉલર આપે છે . વેઈટ્રેસ જ્યારે છૂટા લઈ પરત વૃધ્ધાના ટેબલ પર આવે છે ત્યારે તે ત્યાંથી જઈ ચૂકી હોય છે. લેડી વેઈટ્રેસના આશ્ચર્ચ વચ્ચે તેને ટેબલ પરથી કૈંક લખેલો એક નેપકીન મળે છે…અને જ્યારે તે એ વાંચે છે ત્યારે તેણીની આંખો સજળ થઈ જાય છે. .. તેમાં લખ્યું હોય છે , ” તું મારી ઋણી નથી . કોઇકે મને જે રીતે મદદ કરી છે હું તને એ રીતે જ મદદ કરી રહી છું. અને જો તું મારૂં આ ઋણ ચૂકવવા ઈરછે તો આ પ્રેમનો તંતુ ; આ લાગણીની સાંકળની કડી _અહિથી આગળ ક્યારેય તૂટી ના જાય તે માટે , મારી જેમ જ અન્ય કોઈને તું પણ મદદ કરજે!

આ નેપકીન સાથે હોય છે બીજા ૪૦૦/- ડૉલર !!!. લેડી વેઈટ્રેસ પોતાના કૉફી શૉપ પરની દિનચર્યા પૂરી કરી રાત્રે ઘરે જાય છે. ઘરનાં પગથિયાં ચઢતાં ચઢતાં તેને એ નથી સમજાતું કે આવતે મહિને પોતાની ડિલીવરી થવાની હોવાથી પોતે અને તેના પતિ કેટલી અને કેવી નાણા ભીડ અનુભવી રહ્યા હતા ; બાબતનો ખ્યાલ પેલી વૃધ્ધાને કેવી રીતે આવ્યો !! ….સાચે જ, નહિતર ખરેખર તેઓની હાલત ખરેખર કફોડી થઈ જાત.

આજ વાત વિચારી તેનો પતિ પણ કેટલો ચિંતાતુર હશે_ તેને ખબર હતી. તે રાત્રે પથારીમાં સૂતેલા પોતાના પતિ ના કપાળ પર લાગણીભીનો હાથ ફેરવતા ફેરવતા , એક પ્રેમભીનું ચુંબન તેના કપાળ ઉપર કરતા , તે હળવેથી બોલી ,” ચિંતા ના કરીશ!! વ્હાલા, બ્રાયન !! સૌ સારા વાના થશે.! !

મિત્રો! આ છે બ્રાયન એન્ડરસન ! શું તેણે ખરેખર ચિંતા કરવાની જરૂર હતી ખરી ?

સેલ્યુટ ! બ્રાયન !

ચાલો ! આજ ના આ નૂતન વર્ષમાં આપણે સૌ એક નિર્ધાર કરીએ ! —

મુશ્કેલીમાં પડેલા અજાણ્યાને પણ હંમેશા મદદ કરવાના અડગ નિઃશ્ચ્ય સાથે !!

ફરી એકવાર સલામ એ તમામ બ્રાયન ઍન્ડરસનને !! કે જેમણે મને મદદ કરી અને બીજા જાણ્યા અજાણ્યા અનેક હશે કે જેઓ અન્યને આ રીતે મદદ કરી હશે કે રહ્યાં હશે !!

એજ છે જીવનનું સબરસ … નવા વર્ષની વહેલી સવારે પડતી સબરસ વેચવા નીકળેલા ફેરિયાની બૂમ સાંભળી છે ને .. સબરસ લેવાના ..સબરસ !!

આ એક એવું સબરસ છે જેમાં લાભ અને બરકત બંને છે માટે આપણે મદદ ખુલ્લા દિલે લોકોને વહેંચતા જઈશું કદાચ લાભ થાય અને બરકત જ બરકત છે.!

Don’t let this chain of love end with you !!